gaamdhani in Gujarati Moral Stories by Om Guru books and stories PDF | ગામધણી

The Author
Featured Books
Categories
Share

ગામધણી




ગામધણી


વર્ષો પહેલાની વાત છે. મહેસાણા નજીક આવેલું ઉનાવા ગામ એ વખતે ઘણું સમૃદ્ધ અને શક્તિશાળી ગામ ગણાતું હતું.

ઉનાવા ગામમાં શેઠ શુભચંદની શરાફી પેઢી ચાલતી હતી. ઉનાવાની ફરતે વીસ ગામમાં શરાફી રૂપિયા આપવાનું કામ શુભચંદ શેઠ કરતા હતાં.

શુભચંદ શેઠનો નિયમ હતો કે ગમે તેટલા નજીકના સંબંધ હોય છતાં જ્યાં સુધી જમીન, મકાન અથવા દાગીના ગીરવે ન મુકે ત્યાં સુધી શરાફી રૂપિયા તેઓ આપતા ન હતાં. એમની આ જ પદ્ધતિના કારણે બાપ-દાદાના સમયથી ચાલી આવતી આ શરાફી પેઢીની જાહોજલાલી અને સમૃદ્ધિ શુભચંદ શેઠના સમયમાં ખૂબ વધી હતી.

આજુબાજુના વીસ ગામોના મોટા મોટા ખમતીધર અને નામાંકિત માણસો પણ સંકટ સમયે શુભચંદ શેઠના દરવાજે આવતા હતાં. શુભચંદ શેઠ એમને આર્થિક રીતે શરાફી રૂપિયા ત્યારે જ આપતા કે જ્યારે આવનાર વ્યક્તિ ગીરવે મુકવા જમીન અથવા દાગીના આપે. કોઇની પણ શરમ શેઠ જરાય રાખતા નહિ.

એક દિવસની વાત છે. રાત્રિના લગભગ નવ વાગ્યા હશે. આખું ગામ નિંદ્રામાં સરી પડ્યું હતું. એ સમયે શુભચંદ શેઠની ડેલીનો દરવાજો ખખડ્યો. ડેલીના દરવાજાનો અવાજ સાંભળી શુભચંદ શેઠ ઊંઘમાંથી સફાળા ઊભા થયા. દરવાજો ખોલીને ફાનસના પ્રકાશમાં આવનાર વ્યક્તિનો ચહેરો જોતા શુભચંદ શેઠ આશ્ચર્યચકિત થઇ ગયા હતાં.

"અરે બાપુ, આપ? પધારો... પધારો... આજે તો મારા નસીબ ઉઘડી ગયા. ઉનાવા ગામના ગામધણી મારા ત્યાં આવે એ મારા માટે તો પુણ્યની પળ કહેવાય. પધારો બાપુ, બિરાજમાન થાઓ." શુભચંદ શેઠે ઉનાવા ગામના ગામધણી જેવા શક્તિશાળી ધરમસિંહ બાપુને આવકાર આપતા કહ્યું હતું.

ધરમસિંહ બાપુ ઉનાવા ગામના ગામધણી સમાન હતાં. એમની ઇમાનદારી અને એમની સત્યતાના દાખલા આજુબાજુના વીસ ગામોમાં અપાતા હતાં. ધરમસિંહ બાપુના દાદા-પરદાદાએ કરેલા સારા કાર્યોની સુગંધ અને એમનું પુણ્ય તેમજ એક ઉત્તમ માનવ તરીકેના સંસ્કારો ધરમસિંહ બાપુને ગળથુથીમાં મળ્યા હતાં.

"શુભચંદ શેઠ, એક અગત્યના કામથી આપના ત્યાં આવ્યો છું. તમે તો જાણો જ છો કે મારે જમીન અને ખેતીનો મોટો વેપાર છે. પીંઢારપુરા ગામમાં સાતસો એકર જમીનનો મેં મોટો સોદો કર્યો છે અને વડાવલી ગામની ચારસો એકર જમીન મેં વેચી પણ છે, પરંતુ એ પૈસા હજી આવ્યા નથી અને કાલે મારા પીંઢારપુરાના જમીનદારને જેમની પાસેથી મેં જમીન ખરીદી છે એમને ત્રણ લાખ રૂપિયા આપવાના છે. કાલનો વાયદો છે. જો કાલનો વાયદો ચૂકી જવાય તો આબરૂ ના રહે. બસ, માટે જ આટલી મોડી રાત્રે આપને ત્યાં આવ્યો છું." ધરમસિંહ બાપુએ શુભચંદ શેઠને પોતાની વ્યથા કહી હતી.

"અરે બાપુ, એમાં મુંઝાવાનું ના હોય. આપ તો અમારા રાજા કહેવાઓ. આપ ચા પીઓ ત્યાં સુધી હું રૂપિયા ત્રણ લાખ તિજોરીમાંથી કાઢીને લેતો આવું છું." શુભચંદ શેઠે કહ્યું હતું.

શુભચંદ શેઠ અંદર ગયા અને તિજોરીમાંથી રૂપિયા ત્રણ લાખ કાઢીને લાવ્યા અને ધરમસિંહ બાપુ જે ગાદી પર બેઠા હતાં એની બરાબર બાજુમાં રૂપિયા મુકી દીધા. (એ સમયમાં રૂપિયા ત્રણ લાખ એટલે આજના ત્રણ કરોડ રૂપિયા થાય.)

"આ મારી ઉનાવાની બસો એકર જમીનના કાગળ ગીરવે મુકવા માટે લાવ્યો છું. આપની સાથે મારે આ પ્રથમ વખત વ્યવહાર થઇ રહ્યો છે પરંતુ આપના વ્યવહારથી હું પરિચિત છું.?" ધરમસિંહ બાપુએ જમીનના કાગળ હાથમાં લેતા શુભચંદ શેઠને કહ્યું હતું.

"બાપુ, મને શરમમાં ના નાંખો. આપ તો અમારા ગામધણી છો. આપના હાથ અમારા માથે છે એ જ અમારા માટે તો મોટી જામીન જેવા છે. હવે હું તમારી જામીન લઉં તો તો મારા પૂર્વજોની અને મારી આબરૂ જાય. આપ નિશ્ચિંત થઇ આ રૂપિયા લેતા જાઓ." શુભચંદ શેઠે બે હાથ જોડી વિનંતીભર્યા સ્વરે ધરમસિંહ બાપુને કહ્યું હતું.

ધરમસિંહ બાપુ જમીનના કાગળ અને ત્રણ લાખ રૂપિયા લઇ શુભચંદ શેઠના દરવાજા સુધી પહોંચ્યા. શુભચંદ શેઠ એમને દરવાજા સુધી મુકવા માટે ગયા હતાં. બાપુએ જતાં જતાં શુભચંદ શેઠની આંખમાં એકવાર જોયું. શુભચંદ શેઠ એમની આંખોના ભાવ સમજી ગયા હતાં.

"બાપુ ચિંતા ના કરો. આ વાત મારા પેટમાં જ રહેશે. આ વાત ક્યારેય પણ કોઇને ખબર નહીં પડે." શુભચંદ શેઠ બાપુ સામે જોઇ બોલ્યા હતાં.

બાપુ ધરમસિંહને શુભચંદ શેઠની હોંશિયારી માટે માન થયું. એ મનમાં વિચારતા હતાં કે શુભચંદ શેઠ જેવા લોકો જે ગામમાં વસે છે એ ગામના ગામધણી થવું એ પણ સન્માનની વાત છે. શુભચંદ શેઠ બાપુને વળાવીને ઘરમાં પાછા આવ્યા.

"કહુ છું, રૂપિયા ત્રણ લાખ જેવી મોટી રકમ બાપુને જામીન લીધા વગર આપી દીધી? આ વાત મને સમજાઇ નહિ." પત્ની રમાગૌરીએ શુભચંદ શેઠને પૂછ્યું હતું.

"અરે ગાંડી, ધરમસિંહ બાપુ તો આપણા રાજા કહેવાય. આપણા માથાનું છત્ર કહેવાય. એમની પાસેથી જામીન ના લેવાય અને કદી રૂપિયા માંગવાય ના જવાય. કારણકે આપણા રૂપિયા આપણી તિજારીમાં છે એના કરતા વધારે સલામત ધરમસિંહ બાપુ જેવા માણસના હાથમાં છે." શુભચંદ શેઠે રમાગૌરીને સમજાવતા કહ્યું હતું.

છ મહિનાનો સમય પસાર થઇ ગયો. બાપુ ધરમસિંહને આપેલા રૂપિયા હજી પરત આવ્યા ન હતાં. શુભચંદ શેઠે તો એ વાતને મનમાંથી કાઢી નાંખી હતી.

એક દિવસ ફરીવાર મોડી રાત્રે ડેલીનો દરવાજો ખખડ્યો. શેઠ શુભચંદ આખા દિવસનો હિસાબ લખી રહ્યા હતાં. દરવાજો ખખડાવાનો અવાજ સાંભળી એ દરવાજો ખોલવા ગયા. દરવાજો ખોલતા જોયું તો સામે ધરમસિંહ બાપુ ઊભા હતાં.

"પધારો બાપુ, મારે આંગણે તમે ફરીવાર પધાર્યા છો. મારા માટે આ આનંદનો દિવસ કહેવાય. આવો બાપુ, સ્થાન ગ્રહણ કરો." શુભચંદ શેઠે મીઠો આવકારો આપતા કહ્યું હતું.

બાપુએ બેસતા પહેલા રૂપિયા ત્રણ લાખ અને એનું વ્યાજ શુભચંદ શેઠની ગાદી પર મુક્યું.

"શુભચંદ શેઠ આ રૂપિયા ગણી લો." બાપુએ ગાદી પર બેસતા કહ્યું હતું.

"બાપુ, આ તો ત્રણ લાખ રૂપિયા કરતા વધારે રકમ છે. મારે તો મારી મુદ્દલ ત્રણ લાખ રૂપિયા જ લેવાના છે. બાકી તો આપની પાસેથી હું વ્યાજ તો લઇ જ ના શકું. આપ તો મોટા છો, આપ ભૂલી જાઓ પણ હું કઇ રીતે ભૂલું કે આપ અમારા રાજા અને અમે તમારી પ્રજા છીએ અને રાજા પાસેથી વ્યાજ થોડું લેવાય?" શુભચંદ શેઠે ખૂબ નમ્રતા સાથે કહ્યું હતું.

બાપુએ વ્યાજ આપવા માટે ખૂબ જ જીદ કરી પરંતુ શુભચંદ શેઠ એકના બે ના થયા. છેવટે બાપુએ હાર માની વ્યાજના પૈસા પરત લઇ લીધા અને શુભચંદ શેઠનો આભાર માની એમના ઘરેથી નીકળી ગયા હતાં.

આ વાતને વરસ વીત્યું હશે. ધરમસિંહ બાપુની તબિયત ઠીક ન હતી એટલે ગામના વૈદ્યરાજ એમને જોવા માટે આવ્યા હતાં. ગામના વૈદ્યે બાપુના હાથની નાડી તપાસી અને કહ્યું હતું બાપુ શરીરમાં તાવ ભરાયો છે. ત્રણ દિવસ આરામ કરવો પડશે. આ દવા નિયમિત રીતે લેજો. આજે શુભચંદ શેઠની પણ તબિયત જોવા ગયો હતો. એમની તબિયત પણ સારી નથી. વૈદ્યરાજે દવા બનાવતા બનાવતા કહ્યું હતું.

"શુભચંદ શેઠને શું થયું?" બાપુએ પૂછ્યું હતું.

"શરીરની નહિ પણ મનની વ્યાધિ આવી ગઇ છે. એમની દીકરી પીંઢારપુરા ગામ પરણાવી હતી. સાસરાવાળાએ એના ચારિત્ર્ય પર આળ મુકી એને ઘરમાંથી કાઢી મુકી છે. છેલ્લા એક મહિનાથી દીકરી શુભચંદ શેઠના ત્યાં છે. પરણાવેલી દીકરીને પર આવેલા આળના કારણે શુભચંદ શેઠ અને એમના પત્ની ખૂબ દુઃખી છે. બસ એ જ પીડામાં શુભચંદ શેઠે પથારી પકડી લીધી છે." વૈદ્યરાજે આખી વાત દવા બનાવતા બનાવતા બાપુને કહી હતી.

ખાટલામાં સુતેલા બાપુ ઊભા થઇ ગયા અને પોતાના નોકર નાથાને બૂમ પાડી. બાપુની બૂમ સાંભળી નાથો તરત હાજર થઇ ગયો.

"નાથા, જઇને તપાસ કરીને લાવ. શુભચંદ શેઠની દીકરીને પીંઢારપુરામાં ક્યાં પરણાવી છે? એમનું નામ અને સરનામું મારે અબઘડી જોઇએ છે." બાપુએ સત્તાવાહી અવાજમાં નાથાને કહ્યું હતું.

"બાપુ, મને ખબર છે. પીંઢારપુરાના શેઠ ધ્યાનચંદના દીકરા સાથે શુભચંદ શેઠની દીકરીના લગ્ન થયા છે. એમના કુટુંબમાં માંદગીમાં મને જ વૈદ્ય તરીકે બોલાવે છે." વૈદ્યરાજે વચ્ચે બોલતા કહ્યું હતું.

ધરમસિંહ બાપુ તૈયાર થઇ પીંઢારપુરા જવા નીકળતા હતાં એ જ વખતે એમના પત્નીએ એમને રોક્યા હતાં.

"કહું છું, પારકી પંચાતમાં પડવાની શું જરૂર છે? તમારા શરીરે સારું નથી અને એમાંય આવી બધી સાંસારિક બાબતોમાં પડવું સારું ના કહેવાય." પત્ની જીવકોરબાએ બાપુને રોકતા કહ્યું હતું.

"શુભચંદ શેઠ મને ગામધણી માને છે અને આવા કપરા સમયે હું એમની વહારે ના જઉં તો બાપ-દાદાની આબરૂ જાય. વાતની સત્યતાની તપાસ કરવી ખૂબ જરૂરી છે કારણકે આવા સંસ્કારી પિતાની દીકરી ચરિત્ર્યહીન ના હોય." બાપુએ પત્નીને વાત સમજાવતા કહ્યું હતું.

બાપુ ઘોડી પર બેસી પીંઢારપુરા જવા માટે નીકળી ગયા. પીંઢારપુરામાં ધ્યાનચંદ શેઠની ડેલી પાસે પોતાની ઘોડી ઊભી રાખી. ડેલીનો દરવાજો ખખડાવ્યો. ધ્યાનચંદ શેઠે દરવાજો ખોલ્યો અને સામે ઊભેલા ધરમસિંહ બાપુને એ તરત ઓળખી ગયા હતાં.

"બાપુ, પધારો. આપ અહીંયા મારા ત્યાં? કંઇ કામ પડ્યું?" ધ્યાનચંદ શેઠે આશ્ચર્ય સાથે પૂછ્યું હતું.

"મારા ગામની દીકરી ઉપર તમે ચરિત્ર્યહીન હોવાનો આક્ષેપ લગાડી તમે એને ઘરમાંથી કાઢી મુકી. આ તમે સારું નથી કર્યું, ધ્યાનચંદ શેઠ." ધરમસિંહ બાપુએ ગાદી ઉપર બેસતા કહ્યું હતું.

"બાપુ, અમને માફ કરી દો, પરંતુ અમે અમારી મરજીથી અમારી વહુને કાઢી નથી. ડાકુ શક્તિસિંહે અમને મારી નાંખવાની ધમકી આપી અમારી સોના જેવી વહુને ઘરમાંથી કઢાવી છે. શુભચંદ શેઠે ડાકુ શક્તિસિંહ વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ કરી હતી. એનો બદલો લેવા ડાકુ શક્તિસિંહે અમારા પર દબાણ લાવી અમારી પાસે આ કૃત્ય કરાવ્યું છે." ધ્યાનચંદ શેઠે ગભરાતા ગભરાતા કહ્યું હતું.

"ડાકુ શક્તિસિંહને સંદેશો મોકલાવી આપો કે હું એને મળવા માંગું છું." ધરમસિંહ બાપુએ થોડું વિચારીને ધ્યાનચંદ શેઠને કહ્યું હતું.

બે દિવસ પછી ડાકુ શક્તિસિંહે પોતાના સાથીડાકુને ધરમસિંહ બાપુને પોતાના સ્થાન ઉપર લઇ આવવા માટે મોકલ્યો હતો.

ડાકુ શક્તિસિંહનો સાથીડાકુ ધરમસિંહ બાપુની હવેલીએ એમને લેવા આવ્યો હતો. ધરમસિંહ બાપુ એની સાથે એકલા ડાકુ શક્તિસિંહને મળવા પહોંચી ગયા હતાં.

ખંડેર જેવા મોટા મકાનમાં શક્તિસિંહ બરાબર વચ્ચે પાટ ઉપર બેઠો હતો અને પોતાની બંદૂકમાં ગોળીઓ ભરી રહ્યો હતો. એવામાં જ બાપુ ધરમસિંહ મકાનમાં દાખલ થયા અને એમની નજર શક્તિસિંહની નજર સાથે અથડાઇ હતી.

"આજે તો અમારા નસીબ ખુલી ગયા. ઉનાવા ગામના ગામધણી અમારા જેવા ડાકુને મળવા માંગે છે. બોલો ગામધણી, આ ડાકુ શક્તિસિંહ આપની શું સેવા કરી શકે?" શક્તિસિંહે ઉદ્ધતાઇથી ધરમસિંહ બાપુને કહ્યું હતું.

"શુભચંદ શેઠની દીકરીને સાસરાવાળા તરફથી ખોટું આળ મુકાવી એને ઘરમાંથી તે કાઢી મુકાવી છે. તો તું ધ્યાનચંદ શેઠને કહી દે કે તારાથી ડરવાની જરૂર નથી અને એ એમની વહુને પાછી બોલાવી લે." ધરમસિંહ બાપુએ સત્તાવાહી અવાજ સાથે શક્તિસિંહને કહ્યું હતું.

"બાપુ તમે ઉનાવા ગામના ગામધણી છો, મારા નહિ. મારા રસ્તામાં આવશો તો આ બંદૂક તમારી સગી નહીં થાય." શક્તિસિંહે બંદૂકની અણી બાપુ તરફ કરતા કહ્યું હતું.

બાપુ અને શક્તિસિંહ વચ્ચે આ સંવાદ ચાલી રહ્યો હતો ત્યારે શક્તિસિંહના ગાલ ઉપર એક તમાચો પડ્યો. તમાચો શક્તિસિંહના પિતા ભૂરાસિંહે માર્યો હતો.

"બાપુ આને માફ કરી દો. આ જાણતો નથી કે તમે કોણ છો. તમારા ખેતરમાં મજૂરી કરી અને તમારો રોટલો ખાતો હતો ત્યારે હું ખૂબ સુખી હતો. પણ નસીબમાં ડાકુ બનવાનું લખ્યું હશે એટલે હાથમાં બંદૂક પકડવી પડી. અમે તમારું નમક ખાધું છે. તમે કહેશો એમ જ થશે." ભૂરાસિંહે બાપુના પગ પકડીને કહ્યું હતું.

"અરે ભૂરા, તું તો ઘણો ઘરડો થઇ ગયો. મેં તો સાંભળ્યું હતું કે પોલીસ ગોળીબારમાં તું મરી ગયો." બાપુએ ભૂરા સામે જોઇને કહ્યું હતું.

"બાપુ, ગોળી પગમાં વાગી હતી એટલે જીવ બચી ગયો. બસ ત્યારથી જ મારો આ દીકરો શક્તિસિંહ બધો વહીવટ ચલાવે છે. તમારું અનાજ ખાધું છે. એટલો જલ્દી તો હું નહીં મરું, બાપુ. આપ નિશ્ચિંત થઇને આપના ઘરે પધારો. કાલે ધ્યાનચંદ શેઠ એમની વહુને તેડાવી લેશે." બે હાથ જોડી ભૂરાસિંહે બાપુને કહ્યું હતું.

બાપુ મારતી ઘોડીએ ઉનાવા પાછા આવ્યા હતાં. બે દિવસમાં તો શુભચંદ શેઠે દીકરીને સાસરે પણ વળાવી દીધી હતી. ધ્યાનચંદ શેઠમાં આવેલા પરિવર્તનથી એમને ખૂબ નવાઇ લાગી હતી.

વૈદ્યરાજ દ્વારા એમને ખબર પડી કે આ બધું જ કાર્ય ધરમસિંહ બાપુએ કર્યું છે. વૈદ્યરાજની વાત સાંભળી શુભચંદ શેઠની આંખમાંથી હર્ષના આંસુ વહેવા લાગ્યા હતાં.

"ધરમસિંહ બાપુ સાચા અર્થમાં આપણા રાજા અને ગામધણી છે. ચાલો, આપણે એમનો આભાર માની આવીએ." રમાગૌરી પણ આંખમાં આંસુ સાથે બોલ્યા હતાં.

( સત્ય ઘટના પર આધારિત )

- ૐ ગુરુ