આ જનમની પેલે પાર
-રાકેશ ઠક્કર
પ્રકરણ-૧૧
દિયાન અને હેવાલીના સપનામાં મેવાન અને શિનામી આવતા હતા. એમણે જ અહીંનું સરનામું આપ્યું હતું. અને એ સરનામે મળેલો એક માણસ કહી રહ્યો હતો કે બંનેના મોત થયા છે. તેથી સાબિત થયું કે બંનેને સપનું આવતું હતું એ સાચું હતું. પેલા માણસની વાત સાંભળીને બંને ડરી ગયા હતા. એક ડર સપનાની વાત સાચી પડવાનો હતો અને બીજો ડર બંનેનો સાથ છૂટવાનો ઊભો થયો હતો. બંનેને અલગ કરવા કે એમનો સાથ મેળવવા એમની સચ્ચાઇનો પુરાવો આપી ચૂક્યા હતા. દિયાનને આ માણસ રહસ્યમય લાગી રહ્યો હતો. હેવાલીને થતું હતું કે તેઓ અહીં આવીને ફસાઇ ગયા છે. પોતે જ પોતાના પગ પર કુહાડી મારી છે. સપનાની દોરવણીમાં દોરવાઇને અહીં આવીને મોટી ભૂલ કરી છે.
એમના ડર અને આશ્ચર્ય સાથેના પ્રશ્નના જવાબમાં પેલો માણસ જોરજોરથી હસવા લાગ્યો. બંનેને થયું કે એ અમારી મજાક ઉડાવી રહ્યો છે કે ડરાવી રહ્યો છે? દિયાને હિંમત ભેગી કરીને પૂછ્યું:'અમે પ્રશ્ન કરી રહ્યા છે કે શું મેવાન અને શિનામીના ખરેખર મોત થયા છે? અને તમે આમ હસી કેમ રહ્યા છો?'
'હા, કેમકે તમને ખબર હશે કે બંને મરી ગયા છે...' પેલા માણસે એવો જવાબ આપ્યો કે બંને થથરી ગયા.
એની વાત સાચી હતી. બંનેના સપનામાં મેવાન અને શિનામી આવ્યા પછી એમને ખ્યાલ આવી ગયો જ હતો કે બંને જીવિત નહીં હોય. પરંતુ બંનેએ એક કાગળમાં એમનું સરનામું આપ્યા પછી એવી શંકા ગઇ હતી કે એમના વિશે કોઇ મહત્વની જાણકારી મળી શકે છે. હવે જાણકારી એવી મળી હતી કે બંનેની સ્થિતિ કફોડી બની રહી હતી.
'તમે કોણ છો? અને અમને ઓળખો છો?' દિયાને બીજા સવાલ કર્યા. જાણે સ્વીકારી લીધું કે મેવાન અને શિનામી મૃત્યુ પામ્યા છે એની એમને જાણ છે.
ફરી એ માણસ હસવા લાગ્યો. એ હસતો ત્યારે એનો ચહેરો વધુ વિચિત્ર અને ભયંકર લાગતો હતો. હેવાલી તો ડરની મારી આંખો જ મીંચી દેતી હતી. કાચાપોચા હ્રદયના વ્યક્તિના હાંજા ગગડી જાય એવું એનું હાસ્ય હતું. રાત્રે સૂતી વખતે જો એનો ચહેરો યાદ આવશે તો પોતે સૂઇ નહીં શકે એવો ભય હેવાલી અત્યારથી જ અનુભવી રહી. તે વધારે વખત આંખો પણ બંધ રાખી શકતી ન હતી. એ માણસનો ભયાવહ ચહેરો જ બંધ આંખો સામે આવી જતો હતો. હેવાલી એની સામે જોવાને બદલે નીચું જોઇને એના જવાબની રાહ જોવા લાગી. દિયાન હ્રદયને મજબૂત રાખીને એની સામે જોઇ રહ્યો હતો.
'હા....હા....હા....હું....હું કોણ છું? હું ત્રિલોક છું... મેવાનનો પિતા...હા....હા...હા...' એ માણસે પોતાનો પરિચય આપ્યો ત્યારે દિયાનના મનમાં અનેક પ્રશ્નો સર્જાવા લાગ્યા. શું ખરેખર આ મેવાનના પિતા હશે? કોઇ ભટકતી આત્મા જેવો એનો વ્યવહાર છે. એ માણસ અમારી પાસેથી કોઇ વાત કઢાવવા ખોટું બોલી રહ્યો નથી ને? એનો આશય શું હશે?
ત્રિલોક હવે ગંભીર થવાનો હોય એમ હસવાનું બંધ કરી દીધું. એના ચહેરાના હાવભાવ બદલાવા લાગ્યા. તે વધારે ભયાનક લાગવા લાગ્યો. તે એક ક્ષણ માટે આંખ બંધ કરીને પાછી ખોલતાં બોલ્યો:'મેવાન... મારો એકનો એક પુત્ર હતો. એક દિવસ આ ઘરમાં આગ લાગી અને અમે બધાં સળગી ગયા. મેવાન અને શિનામી સાથે મારી પત્ની વિરતિ પણ એ આગમાં ભરખાઇ ગઇ. હું બહાર હતો એટલે મારો જીવ બચી ગયો. પણ હું આવીને એમને બચાવવા આગમાં ઝંપલાવવા જતો હતો પડોશીઓએ મને અટકાવ્યો ત્યારે જ્વાળાની લપેટમાં આવી ગયો અને મારો ચહેરો ઝુલસી ગયો. હું એમની યાદમાં એવો તડપું છું કે આ જગ્યા છોડીને જઇ શકતો નથી. અમારા ઘરમાં આગની ઘટના બની એમાં ત્રણ જણ જીવતા શેકાઇ ગયા પછી આ વિસ્તારમાં હાહાકાર મચી ગયો હતો. લોકો એટલા ડરી ગયા કે એક પછી એક આ વિસ્તાર છોડીને બીજે જતા રહ્યા. હું ભૂતની જેમ અહીં ભટક્તો રહું છું...'
'ભૂ....ત...? ભૂતની જેમ?' દિયાનને થયું કે ત્રિલોકનું આ ભૂત છે કે શું?
'બીજું શું કહું? અહીં કોઇ આવતું-જતું નથી. કેટલા વર્ષો પછી તમે આવ્યા છો? મારા ભરણપોષણ માટે આજુબાજુના વિસ્તારોમાંથી ભીખ માંગીને આવું છું. બે બકરી પાળી છે એના દૂધથી મારું ગાડું ગબડી જાય છે...'
ત્રિલોકની વાત સાંભળીને દિયાન અને હેવાલીને એમના પ્રત્યે સહાનુભૂતિ થઇ આવી. આ વ્યક્તિ સાથે કેવી કરુણ ઘટના બની ગઇ છે? જેની નજર સામે સ્વજનો ભડભડ બળી ગયા હોય એ દ્રશ્યને તે કેવી રીતે ભૂલાવી શકે? હેવાલીને હવે તેમનો ચહેરો ડરામણો નહીં દયામણો લાગ્યો. તે ત્રિલોકનું, એક પિતાનું દુ:ખ અનુભવી રહી.
બંનેને ચૂપ જોઇ ત્રિલોક કહે:'તમને મારી વાત પર વિશ્વાસ તો છે ને? તમે ખરેખર એના મિત્રો છો? આટલા વર્ષો પછી એમની યાદ કેવી રીતે આવી?'
દિયાન વિચારમાં પડી ગયો. ત્રિલોકને પોતાના સપનાની વાત કહેવી કે નહીં? જો કહે તો એ વધારે પૂછપરછ કરી શકે છે. અને ના કહે તો ખીજવાઇ શકે છે.
ક્રમશ: