TRIVENI - 8 in Gujarati Women Focused by Chintan Madhu books and stories PDF | ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૮

Featured Books
Categories
Share

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૮

શાળાનો સમય

વૃંદાનો શાળામાં ગાળવાનો સમય પૂરપાટ ગતિમાં પસાર થઇ રહ્યો હતો. દિવસો શાળામાં અભ્યાસમાં, શાળાએથી સોંપેલ ગૃહકાર્યમાં, અને સાથે સાથે માતાની મદદમાં પૂરા થઇ જતા હતા. અઠવાડિયામાં આવતો રજાનો એક દિવસ એટલે રવિવાર, અને તે પસાર થાય નાના રત્નાગીરી મંદિરના પ્રાંગણમાં. કપડવંજની ઘણી ખરી પ્રજા રવિવારની મજા કુંટુંબીજનો સાથે માતાના મંદિરે માણતા હતા. પ્રાથમિક શિક્ષણનું ભારેખમ ચડાણ, હજુ તો પૂર્ણ જ કર્યું હતું, અને વૃંદા સામે માધ્યમિક શિક્ષણ ઊભું હતું. શરૂઆત અત્યંત શાંત સ્વભાવ સાથે થઇ હતી, અને વૃંદાએ તે જ જાળવી રાખેલું. માધ્યમિક શિક્ષણનો પ્રારંભ થયો શ્રી ચંપકલાલ નવચેતન વિદ્યાલય(શ્રી સી એન વિદ્યાલય)થી. અંગ્રેજીના સી આલ્ફાબેટ આકારમાં સફેદ, વાદળી, અને ઘેરા વાદળી રંગોથી શણગારેલી હતી. આથી જ યુનિફોર્મમાં પણ સફેદ શર્ટ, અને તે શર્ટ પર આવરણ ચડાવતા આછા રાખોડી રંગનું ફ્રોક હતું. સ્કૂલનો પ્રવેશદ્વાર “સી”ના નીચેની તરફના વળાંક પર હતો. દ્વારની બરોબર ઉપર જ ઊંધા માથે “ટી” આલ્ફાબેટને ગોઠવેલો, જેમાં પાયાનો રંગ શ્યામ અને તેમાં સુવર્ણ અક્ષરોથી શાળાનું નામ કોતરેલું હતું. પાયાના આધારે ઊભેલ શ્વેત દાંડી ઝીણી ઝીણી જાળીઓથી સુશોભિત હતી, જેમાંથી સૂર્યપ્રકાશ શાળાની અંદરની તરફ આવેલી નિસરણીઓ પર પડતો હતો. ભણવામાં હોંશિયાર વૃંદા, માટે દસમા ધોરણની પરીક્ષા આવી ચૂકેલી. દસમા સુધીનો શાળનો પ્રવાસ વૃંદા માટે આનંદદાયક રહ્યો હતો. બહેનપણીઓ સાથે શાળાએ જવાનું, મધ્યાંતરે નાસ્તો કરવાનો, અને શાળાના અંતિમ ઘંટનાદ સાથે બહેનપણીઓ સાથે મસ્તી કરતાં કરતાં ઘર સુધીનો રસ્તો કાપવાનો. ઘર તરફ જતી નાનકડી શેરીઓમાં ઢોલ વાગે કે તરત જ બહેનપણીઓ ત્યાં જ અટકી જાય, અને ઘરે મોડા પહોંચે. બધી માતાઓ સમજી પણ જાય કે મોડું કેમ થયું? સરયુને પરીક્ષા બાબતે ચિંતા હતી, વૃંદાના ચહેરા પર પરીક્ષાને લગતી કોઇ ચિંતા દેખાતી નહોતી. પરંતુ પિતા જાણતા હતા કે વૃંદા માટે તે સામાન્ય પરીક્ષા જેવી જ હતી. આખરે પરીક્ષાએ ઘરના દરવાજાને ખખડાવ્યો.

બરાબર, તે જ સમયે

ત્રીજા ધોરણ સુધીનો અભ્યાસ જ્ઞાનમંદિરમાં પૂર્ણ કરી, નિશાનું ઍડમિશન આગળ અભ્યાસ અર્થે ગુણાબેન શાળામાં કરાવવામાં આવ્યું હતું. પ્રારંભનું ભણતર રમતાં રમતાં પસાર થવા લાગ્યું હતું. કેશોદના અક્ષયગઢની સામેના મેદાનમાં ભરાતો શરદપૂનમનો મેળો, કે જેની શરૂઆત રતુભાઇ અદાણીએ કરાવી હતી, તે આકર્ષણનું કેન્દ્ર બની ચૂક્યો હતો. સૂર્ય ઉગતાંની સાથે જ શરૂ થતા મેળામાં ફરવાના આનંદ, અને પૂર્ણ પ્રકાશિત ચંદ્રના અજવાળે મૂકેલા દૂધ-પૌંઆના સ્વાદને માણે, એટલે નિશા માટે મેળો પૂરો થાય. આમ, જ આવી ગયું દસમું ધોરણ. આંબાવાડી ખાતે પટેલ વિદ્યામંદિરમાં અભ્યાસ ચાલુ થયો. દસમાં ધોરણનું એક આગવું મહત્વ છે. કદાચ સારી ટકાવારી સાથે પાસ થતાં જ વિદ્યાર્થી બહુરૂપી પ્રતિભા ધરાવે છે, તેવું જાહેર કરવામાં આવતું હશે. નિશા માટે પણ દસમાં ધોરણનું વર્ષ થોડું આકરૂં રહ્યું. અર્ધા વર્ષમાં જ કિશોરની બદલી ઉના ખાતે થઇ ગઇ. સાથે સાથે નિશા અને તેના દસમા ધોરણની પણ બદલી થઇ. એટલે કે સ્કૂલ બદલાઇ ગઇ. ઉનામાં સરકારી સ્કૂલમાં દાખલો મેળવ્યો, અને ભણવાનું જે અડધે પહોંચ્યું હતું, ત્યાંથી બીજી ગાડીમાં ચાલુ થયું. નિશાના વર્ગખંડની બારીમાંથી તેના ઘરનો દરવાજો દેખાય, તેટલી નજીક સ્કૂલ હતી. બારીમાંથી ઘર તરફ વારેઘડિયે ધ્યાન જાય, ભણવામાં મન કેન્દ્રિત થાય નહીં. નવી શાળા, નવા શિક્ષકો અને ભણાવવાની નવી પદ્ધતિ, તે પણ વર્ષના અધવચ્ચેથી મનમાં ગોઠવવી, અઘરૂ કાર્ય હતું. તેમ છતાં, નિશાએ ઉત્તમ દેખાવ સાથે, સારી ટકાવારી સાથે, દસમું પાસ કર્યું. આગળનો અભ્યાસ ઉના ખાતે ન કરવાની મક્કમતા, તેને બારમું ધોરણ-વિજ્ઞાન પ્રવાહ સાથે ભણવા માટે રાજકોટ શહેર તરફ ખેંચી લાવી. શ્રી કડવીબાઇ વિરાણી કન્યા વિદ્યાલય ખાતે પ્રવેશ લીધો. જોતજોતમાં વિજ્ઞાન પ્રવાહ બે વર્ષ પસાર થયા, અને પરીક્ષાનો સમય આવી ગયો હતો.

એ જ સમયગાળા દરમ્યાન

બાળવર્ગોથી શરૂ કરી બારમા ધોરણ સુધીનું અંતર કાજલે કોટક શાળામાં પૂર ઝડપે કાપ્યું. તેજસ્વી વિદ્યાર્થીની તરીકેની છાપ શિક્ષકોના મનમાં ચોંટાડી ચૂકેલી કાજલ ભણવા સિવાય ઇતરપ્રવૃત્તિઓમાં પણ તેટલી જ હોંશિયાર હતી; અને સાથે સાથે પ્રત્યેકમાં ભાગ પણ લેતી હતી. બોર્ડ એટલે કે દસમા ધોરણમાં સારા માર્ક્સ મેળવી, વિજ્ઞાન પ્રવાહને લાયક વિદ્યાર્થીની હોવા છતાંય તેણે સામાન્ય પ્રવાહ તરફ તેની પસંદગીનો કળશ ઢોળ્યો. વિનોદનો પગાર તે સમયે, કુંટુંબમાં સમાવિષ્ટ તેની નાની બહેન અને નાના ભાઇના શિક્ષણ માટે પૂરતો નહોતો. કાજલ વિજ્ઞાન પ્રવાહ પસંદ કરે, તો અભ્યાસનો ખર્ચ તેના ભાઇ-બહેનના અભ્યાસને અસર કરે તેમ હતું. વળી, તે તો એક દિવસ લગ્ન કરીને જવાની જ હતી, આ માન્યતાએ કાજલને ભાઇ વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરે તો પિતાને ભવિષ્યમાં મદદ પણ થાય, વિચાર તરફ ધકેલી. માટે જ કાજલે સામાન્ય પ્રવાહ પસંદ કર્યું, બારમા ધોરણમાં પણ નોંધનીય સફળતા મેળવી, અને કસ્તુરબા માર્ગ પર જૈન દેરાસરની સામે સ્થિત ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં જ આવેલ મીનાબેન કુંડલીયા મહિલા આર્ટ્સ કોમર્સ કોલેજમાં કાજલે પ્રવેશ મેળવ્યો. કોલેજનો સમયગાળો શાળાના સમયથી પણ વધુ તીવ્ર વેગે પસાર થવા લાગ્યો. કોલેજ સાથે સાથે પિતાને આર્થીકરીતે મદદ કરવા માટે કાજલ ટ્યુશન કરતી હતી. એકથી પાંચ ધોરણના વિદ્યાર્થીઓને ભણાવતી. આવી ગયું અંતિમ વર્ષ, જેની પરીક્ષામાં ઉતીર્ણ થવાથી, બી.કોમ.નું પ્રમાણપત્ર મળે. કાજલ માટે પણ અંતિમ વર્ષના અભ્યાસનો સમય પૂર્ણ થયો હતો, અને પરીક્ષાની ક્ષણો નજીક આવી ચૂકેલી.

*****

ક્રમશ:
આપનો પ્રેમ પ્રતિભાવ તેમજ રેટીંગ સ્વરૂપે જરૂરથી આપશોજી.
આપનો આભાર
ધન્યવાદ
🙏🙏🙏