મારી પ્રાણપ્રિય,
ઉંઘ
મારી વહાલી,મારી સાથી,મારી સહોદર હું તને ખૂબ ચાહું છું.
આ વાત આમ તો જગજાહેર છે,કહેવાની જરૂર જ નથી
.જ્યારથી મને મારા હોવાનો અહેસાસ થયો ,ત્યારથી જ મને
તારું જબરું ખેંચાણ.તારા વિના મને ક્યાય ચેન જ નહી.
તારો ઉપકાર માનું એટલો ઓછો.તારા કારણે તો શીશુકાળમાં
મને "ડાહી"નું બિરુદ મળેલું. નાની મોટી બીમારીઓ અને
ઈજાઓ મારુ શું બગાડી શકે, જ્યારે તારા જેવો હૂંફાળો સાથ
હોય ,માથે તારો હેતાળો હાથ હોય.ગમે તે પરિસ્થિતિમાં
આપણે તો તારામાં જ ગુલતાન.
તારું ચુસ્ત સમયપાલન, અંધારુ ઘેરાયું નથી ને મારી આંખમાં
અંજાઇ નથી.પાછી તારા આશ્ર્લેષમાં હુંય જાણે
બેહોશ....તારી આ આદતોને કારણે મારે મજાકનો ભોગ બનવું
પડતું......મારા પરિવારમાં મોટેરાઓ કહેતા" આને સુતા પછી
ઉકરડે નાખી આવો તોય ખબર ન પડે"ને ભાઈ ભાંડુઓ એની
ખાતરી કરવા મારા પર પ્રયોગો હાથ ધરતા.ક્યારેક હું સુતી કોઈ
જગ્યાએ ને ઉઠું બીજી જગ્યાએથી તો ક્યારેક વળી મારા વાળ
બંધાઈ જાય ક્યાંક.મને બધા ચીઢવતાં" આના 12 ન
વાગે".સાચું જ તો વળી ,તું ન સ્થળ જુએ ન પ્રસંગ,ઘરમાં
વહાલી ફોઈનાં લગ્ન હોય કે બાનાં ખોળામાં બેસીને સાંભળતી
સત્સંગ ,કે પછી છુપાઈ હોઉ ક્યાંક સંતાકૂકડી રમતા,તું ટપકી
પડે અચાનક.
જો કે કોઈનાં ટોકવાથી આપણને ફરક ન પડે.અરે,તારા દુશ્મન
ચા ,કોફી પણ આપણી જુગલબંધી તોડવામાં
અસમર્થ.
યાદ છે?"દાક્તરી" ભણતાં સલાહ પણ મળતી કે હવે ,દાક્તર
બનવું હોય તો આ મિત્રતા તોડી નાખ.એમ કંઈ થોડી તુટે આ
ગાઢ......દોસ્તી..
.પરિક્ષા સમયે તો આખી હોસ્ટેલનાં ભાગનું હેત તું મારા
પર ઢોળે. દસમાં કે બારમાં ધોરણની પરીક્ષામાં પણ,તારા માટે
મારા ઘરનાં દ્વાર ખુલ્લા.
રાતે તો તારે કોઈપણ નાટક કે સિનેમાઘરમાં સાથે આવવું જ ને
પછી તારી સાથે ગોષ્ઠી કરવામાં ખબર જ ન પડે ક્યારે પુરું
થયું.વળી , શિયાળો ,મુસાફરી કે પરીક્ષા સમયે તો તું
કલાકોની વધારાની મહેમાનગતી માણી ને જાય. જોકે દિવસો
તાજગીસભર રહે કાયમી.
જાણું છું હમણાં તું નારાજ છે,બદલાવથી. ઘણા વર્ષો સુધી
આપણો નાતો એવો જ રહ્યો પ્રગાઢ, કિંતું, સમય સાથે બધું જ
બદલાઈ એ સ્વીકારવું જ રહ્યું.હા ,એનો અર્થ બિલકુલ એવો
નથી કે મારી લાગણીમાં ઓટ આવી કે મારે તારી જરૂર
નથી.હવે હું એક માતા છું,મારું ધ્યાન સ્વાભાવિક જ એમા વધું
હોય .બાળક તકલીફમાં હોય કે જરા તબીયત નરમ હોય તો,
તું વિસરાય જ જાય.એક માં માટે તો બાળકો જ સર્વોપરી.
બાકી,મેં ક્યારેય તને વહેલી વિદાય કરી ચાલવા જવાં કે સૂર્યોદય
જોવાની અઘરી માંગણી કરી છે? તું એ કેમ ભુલી જાય છે, કે
બાળકો શાળાએ જાય ત્યારે તને થોડીવાર પરસાળમાં ઊભી
રાખતી પણ,ગયા પછી તરત જ તારી સાથે વાતે વળગતી.અને
એમાં ને એમાં બીજા બે કલાક નીકળી જતાં.
કોરોનાકાળમાં આપણી વચ્ચે સમીકરણો ઝડપી બદલાયાં,
પરંતું,આપણાં હાથમાં કઈ હતું?કોઈ સ્વજન તાવમાં પીડાતું
હોય કે કોઈ ઓક્સિજન માટે તડપતું, ઈચ્છવા છતાં કોઈની
મદદ ન કરી શકવાની ગૂંગળામણ તને નથી ખબર?એવામાં
તારો વિચાર પણ કેમ આવે.તું મારા સ્થાને હોતતો.! અરે,તું તો
ખુદ વ્યસ્ત હતી કોઈ ને હંમેશ માટે પોઢાડવામાં અને રિસાયેલ
હતી મારાથી,જાણે હંમેશા માટે વિદાય લીધી મારી આંખથી.
આ બધું જ હવે ભૂલવું રહ્યું દુઃસ્વપ્નની જેમ. ઘેરા અંધકાર
પછી અજવાળું હોય ,આપણે નવી સવાર આવકારવી જ
રહી..... હવે..આપણે પૂર્વવત
સબંધ નિભાવીશું. અલબત્ત, સમયપત્રક હું બનાવીશ અને
પહેલાં જેવી જ તાજગી આપવી પડશે તારે.શુભ કાર્યમાં
વિલંબ શો! આજ થી જ શરૂઆત કરી દઈએ.આપણી
રોજની દસ બાર કલાક ની મુલાકાત હવે નક્કી.
એજ,
તને ઝંખતી તારી હું