મિનલ: ( એકદમ શાંત પડી ગઇ, તેને પ્રણવની એકે એક વાત સાચી લાગી. )
રમણકાકા પહેલેથી જ ગરીબ પરિસ્થિતિમાં રહ્યા હતા અને દીકરી મિનલને આટલો રૂપિયાવાળો છોકરો લઇ જવા તૈયાર હતો તેથી તેમણે દશ વર્ષ મોટા મિહિર સાથે તેને પરણાવી દીધી હતી.
પ્રણવ: જે દિવસે તારા લગ્ન હતા તેના આગલે દિવસે જ હું આ ગામ છોડીને ચાલ્યો ગયો હતો, પછી આ ગામમાં કોઈ દિવસ મેં પગ જ મૂક્યો ન હતો. તું જતી રહી સાસરે પછી આ ગામમાં મારે માટે કશું રહ્યું જ ન હતું, એટલે કોઈ દિવસ આવવાનું મન જ ન થયું, મમ્મી-પપ્પાને પણ મેં શહેરમાં બોલાવી લીધા હતા. ઘણુંબધું સારું કમાઉ છું હું અત્યારે, પછી મારા વિભા નામની એક છોકરી સાથે લગ્ન થયા.
તારી અને તારા પ્રેમની સતત યાદ આવતી રહી, તારા વગર જીવવું શક્ય જ ન હતું. તને મળવાનો ઘણી વાર વિચાર આવ્યો પરંતુ મારી હિંમત ન ચાલી તેથી મનને કાબુમાં રાખીને તને મળવાનું ટાળતો રહ્યો.
મમ્મી-પપ્પાની જવાબદારી પણ હતી. મારે બે બાળકો છે એક દીકરી અને એક દિકરો છે. બંનેને પરણાવી દીધા છે. છ મહિના પહેલા જ વિભાને ચેસ્ટ કેન્સર થયું હતું તેથી તેનું મૃત્યુ થયું. દિકરાની જોડે શાંતિથી રહું છું. બસ,આજે કમલેશના મૃત્યુના સમાચાર સાંભળ્યા તેથી થયું કે જવું પડશે એટલે આટલા વર્ષો પછી આ ગામમાં પગ મૂક્યો છે.
પ્રણવની આંખમાં આંસુ આવી ગયાં, વર્ષોથી ભરાઇ રહેલો ડૂમો આજે બહાર આવી ગયો, ચશ્મા ભીનાં થઇ ગયા, ચશ્મા કાઢી આંખો લૂછતાં બે હાથ જોડી 🙏 બોલ્યો, " મીનુ, હું તારો ગુનેગાર છું, મને માફ કરી દે. પણ તારું અને મારું સારું કરવા માટે આ સિવાય બીજો કોઈ રસ્તો જ ન હતો. તું જે કંઈ પણ બોલે તે સાંભળવા હું તૈયાર છું. મને માફ કરી દે મીનુ, મને માફ કરી દે. "
અને મિનલ પણ ખાટલા પાસે નીચે બેસી ગઇ અને મોં ઉપર બે હાથ રાખી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. અને બોલી, " ના, પ્રણવ તે જે કર્યું તે બરાબર જ કર્યું છે, હું તો નાદાન હતી પણ તું સમજદાર નિકળ્યો તેથી આપણાં બંનેની અને આપણાં માવતરની ઇજ્જત બચી ગઇ. અને આપણો પ્રેમ ક્યાં જતો રહ્યો છે, એ તો તારી અને મારી બંનેની અંદર હજી જીવે છે. એ તો અમર છે. આ ભવનો અધૂરો પ્રેમ છે તો આવતા ભવે આપણે ચોક્કસ મળીશું. "
એ રાત્રે પ્રણવ મિનલના ત્યાં જ સૂઇ ગયો. સવાર પડતાં જ નાહી-ધોઇને તૈયાર થઇ ગયો. મિનલે તેની બેગ તૈયાર કરી દીધી પ્રણવે મિનલને સ્ટેશન સુધી પોતાને મૂકવા આવવા કહ્યું અને બંને જણા ભારે હ્રદયે સ્ટેશન તરફ જઇ રહ્યા હતા.
ગાડી આવી ત્યાં સુધી બંને એકબીજાની સામે જોઇ રહ્યા જાણે એકબીજાની આંખમાં કાયમને માટે વસી જવા માંગતા હોય તેમ, અને ટ્રેઇનની વ્હીસલ વાગી, ટ્રેઇન આવી એટલે મિનલે ભારે હ્રદયે પ્રણવની બેગ તેના હાથમાં આપી, પ્રણવ બેગ લઇને આવ્યો ત્યારે જાણે બેગ ખાલી હતી અને જઇ રહ્યો છે ત્યારે બેગ ભારોભાર ભરેલી હોય તેમ જાણે વજનદાર થઇ ગઈ હતી. અને તેનું મન પણ અને હ્રદય પણ.....
છેવટે ટ્રેઇન વિદાય થઇ અને સાથે પ્રણવની પણ વિદાય થઇ મિનલની અવાચક આંખો ટ્રેઇન દેખાઇ ત્યાં સુધી તેને તાકતી રહી.... અને મિનલના દિલમાં ક્યારનો જે ડૂમો ભરાઈ રહ્યો હતો તે ટ્રેઈનની અને પ્રણવની વિદાયની સાથે સાથે અશ્રુ બની વહેવા લાગ્યો......
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
27/8/2021