તેણે મિનલને આજીજી કરતો હોય તેમ પૂછ્યું, " આજની રાત હું અહીં રહી શકું છું ? અને પછી બહારના રૂમમાં ખાટલો ઢાળેલો હતો, ઉપર ગાદલુ પણ પાથરેલુ હતું. પ્રણવે મિનલને ખાટલા સામે હાથ બતાવીને પૂછ્યું, " હું બેસુ અહીં ? " " બેસો" શબ્દ બોલી મિનલ અટકી ગઈ. પ્રણવે વાતની શરૂઆત કરી, " કેમ છે તું ? મજામાં તો છેને ? અને તારા ઘરવાળા મિહિર, એ શું કરે છે ?
મિનલ: મારે તમારી સાથે કોઈ વાત કરવી નથી. તમે શું કામ અહીં આવ્યા. હું બેકાર માણસો સાથે વાત કરતી નથી. મહેરબાની કરીને તમે ચાલ્યા જાવ અહીંથી...અને મિનલે પ્રણવની સામે બે હાથ જોડ્યા....🙏
પ્રણવ: મીનુ, તારો ગુસ્સો હું સમજી શકું છું. તારો ગુસ્સો વ્યાજબી છે. પણ મારી પરિસ્થિતિ શું હતી તે તું નહિ સાંભળે ?
મીનલ: તારે મારી સાથે લગ્ન જ નહતા કરવા, તો મને પ્રેમ શું કામ કર્યો હતો. વચન શું કામ આપ્યુ હતુ. મને મારી બધી જ બહેનપણીઓ કહેતી હતી કે આ તારી સાથે લગ્ન નહિ કરે. બાયલો છે બાયલો. તો પણ મેં તને પ્રેમ કર્યો, તેનું આ પરિણામ આપ્યું તે મને ?
તને ખબર છે ને, મને મિહિર સ્હેજ પણ ગમતો ન હતો. તે મારાથી દશ વર્ષ મોટો હતો. મારા પપ્પાએ પૈસા જોઇને મારું સગપણ તેની સાથે કરી દીધું હતું. મેં તારી ઉપર કેટલો વિશ્વાસ મૂક્યો હતો. મેં તને આ બધી વાત પણ જણાવી હતી અને છતાં તે દિવસે રાત્રે તું ન આવ્યો તે ન જ આવ્યો.
આખી રાત હું તારી વાટ જોતી બેસી રહી. મારા જીવનની કોઈ રાત મેં આટલી ખરાબ વિતાવી નથી. સવારે મારી જાન આવવાની હતી. માટે જ મેં તને કહ્યું હતું કે આપણે રાત્રે જ આ ગામ છોડી ક્યાંક ચાલ્યા જઇશું અને લગ્ન કરી લઇશું.
મિનલની બધી વાત સાંભળીને પ્રણવે પોતાની વાત કરતાં કહ્યું કે, " આપણાં ગામમાં પ્રેમ લગ્ન કરે તેના શું હાલ થાય છે, તે તને ખબર છે ને ? પેલા અજયે અને અસ્મિતાએ કર્યા હતા તો તેમને ગામવાળા શોધીને ગામમાં પકડી લાવ્યા અને ગામ વચ્ચોવચ્ચ બંનેને બંદૂકની ગોળીએ ઉડાડી દીધા. શું આપણું પણ એવું થાય તેવું તું ઇચ્છતી હતી!
અને મારા અને તારા પપ્પાની ઇજ્જત જાય તે બીજુ.
મારા અને તારા બંનેના પપ્પા જીવતેજીવત મરી જાત,
એ તને ખબર પડે છે ? આપણાં સ્વાર્થ ખાતર આપણે માવતરને હેરાન કરવાના ? "
મિનલ: ( એકદમ શાંત પડી ગઇ, તેને પ્રણવની એકે એક વાત સાચી લાગી. )
રમણકાકા પહેલેથી જ ગરીબ પરિસ્થિતિમાં રહ્યા હતા અને દીકરી મિનલને આટલો રૂપિયાવાળો છોકરો લઇ જવા તૈયાર હતો તેથી તેમણે દશ વર્ષ મોટા મિહિર સાથે તેને પરણાવી દીધી હતી.
પ્રણવ: જે દિવસે તારા લગ્ન હતા તેના આગલે દિવસે જ હું આ ગામ છોડીને જતો રહ્યો હતો, પછી આ ગામમાં કોઈ દિવસ મેં પગ જ મૂક્યો ન હતો. તું જતી રહી સાસરે પછી આ ગામમાં મારે માટે કશું રહ્યું જ ન હતું, એટલે કોઈ દિવસ આવવાનું મન જ ન થયું, મમ્મી-પપ્પાને પણ મેં શહેરમાં બોલાવી લીધા હતા. ઘણુંબધું સારું કમાઉ છું હું અત્યારે, પછી મારા વિભા નામની એક છોકરી સાથે લગ્ન થયા.
તારી અને તારા પ્રેમની સતત યાદ આવતી રહી, તારા વગર જીવવું શક્ય જ ન હતું. તને મળવાનો ઘણી વાર વિચાર આવ્યો પરંતુ મારી હિંમત ન ચાલી.
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
18/10/2021