Tari chahma... Aek anokhi premkatha - 3 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | તારી ચાહમાં... એક અનોખી પ્રેમકથા - 3

Featured Books
Categories
Share

તારી ચાહમાં... એક અનોખી પ્રેમકથા - 3

થોડા સમય પછી પ્રણવ ગામમાં આવ્યો તો તેને ખબર પડી કે મિનલનું સગપણ થઇ ગયું છે અને બે મહિના પછી મિનલના લગ્ન છે.

આ સમાચાર સાંભળીને પ્રણવના હોશકોશ ઉડી ગયા. તેણે મિનલને ટેકરી ઉપરના મંદિરે મળવા બોલાવી હતી. આ મંદિર ગામથી થોડું દૂર અને અતડુ હતુ, ત્યાં કોઈ આવતું જતુ નહિ એટલે પ્રણવ અને મિનલ પહેલેથી ત્યાં જ મળતાં.

મિનલ આવી ત્યારે પ્રણવ તેની રાહ જોતો ગુમસુમ મંદિરના ઓટલે બેઠો હતો. પોતાના જીવનમાં તેને કોઈ રસ રહ્યો ન હતો કે ન તો તેના ચહેરા ઉપર જીવન જીવવાની કોઈ આશ દેખાતી હતી!

મિનલ આવીને પ્રણવને ભેટી પડી અને ખૂબ રડી, ખૂબ રડી. પ્રણવ પણ તેને ભેટીને ખૂબ રડ્યો. પ્રણવે મિનલને કહ્યું કે તું રમણકાકાને "ના" પાડી દે કે મારે આ સગપણ નથી કરવું. મિનલે કહ્યું કે, મેં અને અર્ચુએ તેમને ખૂબ સમજાવ્યા પણ તે માનવા જ તૈયાર નથી અને એમ કહે છે કે, આનાથી સરસ ઘર અને સરસ છોકરો આપણી મીનુને દિવો લઇને ગોતવા જઈશુ ને તોય નહિ મળે. હવે પપ્પાની આગળ કોઈનું ચાલે તેમ નથી, તે કોઇનું સાંભળવા તૈયાર નથી. હવે આપણે બન્નેને જો સાથે જ જિંદગી વિતાવવી હશે તો આ ગામ છોડીને ભાગી જવું પડશે અને હું તારા વગર નહીં જીવી શકું તું જો મને નહીં મળે તો હું મારું જીવન ખતમ કરી દઈશ.

પ્રણવે તેના હોઠ ઉપર પોતાનો હાથ મૂકી દીધો અને બોલી પડ્યો કે," ચૂપ કર પગલી એમ કંઈ આ મોંઘા મૂલા જીવનનો અંત ન લાવી દેવાય."

મિનલે તેનો હાથ પોતાના માથા ઉપર મૂક્યો અને તેની પાસેથી વચન માંગ્યું કે, લગ્નના આગલા દિવસની રાત્રે તે
મિનલના ઘર પાસે આવશે અને મિનલને લઇને ગામ છોડીને ચાલ્યો જશે અને પછી બંને લગ્ન કરીને સાથે જિંદગી વિતાવશે.

પ્રણવે પણ મિનલ પાસેથી વચન લીધું કે, તે કોઈ જ ખોટું પગલું નહીં ભરે અને પછી મિનલને માથે પ્રેમથી હાથ ફેરવ્યો, તેને કપાળમાં બંને આંખ ઉપર, બંને ગાલ ઉપર અને હોઠ ઉપર ચુંબન કર્યા અને ભેટી પડ્યો, ખૂબ રડી પડ્યો, મિનલ પણ ખૂબ રડી પછી પ્રણવ બોલ્યો કે, " સમય બહુ થઇ ગયો છે મીનુ, હવે તું ઘરે જા નહિ તો તારી મમ્મી ચિંતા કરશે." કહી તેણે મિનલને ઘરે જવા વિદાય કરી. પોતે ક્યાંય સુધી એજ ટેકરી ઉપર બેસી રહ્યો અને વિધાતાને સવાલ પૂછતો રહ્યો કે," પ્રેમ કરવો તે શું ગુનો છે ? પ્રેમ કરવા વાળા લગ્ન શા માટે નહિ કરી શકતા હોય ? મને મારી મીનુ, જે મને જીવથી પણ વધારે વ્હાલી છે તે મળશે કે નહિ ? આવા ઘણાં બધા પ્રશ્નો તે પોતાની જાતને અને ઇશ્વરને પૂછતો રહ્યો. રાત્રે મોડા ઘરે આવીને સૂઇ ગયો. સવારે તેને પોતાની કોલેજમાં જવાનું હતું.

આ ટેકરી ઉપરની આ મુલાકાત મિનલને અને પ્રણવને જિંદગીભર યાદ રહી ગઈ. મિનલની ખરી વિદાય આ હતી. જે તે જિંદગીમાં ક્યારેય ભૂલી શકી નહિ.

લગ્નની બધી જ તૈયારી થઈ ચૂકી હતી. અર્ચુ તેના નાના દિકરાને લઇને રમણકાકાના ઘરે આવી ગઇ હતી. મિનલના હાથમાં લગ્નની મહેંદી મુકાઈ ગઈ હતી,પીઠી ચોળાઇ ગઇ હતી. બસ,હવે જાન આવવાની જ વાર હતી.

લગ્નના આગલા દિવસે રાત્રે મિનલ આખી રાત જાગતી બારી પાસે પ્રણવની રાહ જોતી બેઠી હતી. બીજે દિવસે સવારે જાન આવવાની હતી, તેને મિહિર સાથે લગ્ન કરવા જ ન હતા.

પ્રણવ મિનલને લેવા આવશે? પ્રણવ અને મિનલનું મિલન થશે? જાણવા માટે વાંચતા રહો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
5/8/2021