લાઈફ આફ્ટર ડેથ ( મ્રુત્યુ પર્યંત જીવન)
શિયાળાની એક સાંજ,
ઘડીયાળમાં ૬ વાગ્યાનો ટકોરો થયો.
જીવનની આથમતી સાંજને જોતા અગાશીમાં બેઠેલા એક ૭૦ વર્ષના જ્યોતિ બા.
કેટલાય ગહન વિચારોમાં તેવો ડૂબેલા હોય તેવું જણાતું હતું.
"રામ બોલો ભાઈ રામ..! "
એક તીવ્ર અવાજ તેમના કાનને અથડાયો. ધ્રૂજતા હાથે ટેબલ પર પડેલા ચશ્મા પહેરી જ્યોતિ બા એ નીચે નીકળેલી સ્મશાન યાત્રા પર નજર નાંખી.
"બહુ ભલા માણસ હતા રવજીભાઈ"
જ્યોતિ બા ના કાને બીજો એક અવાજ અથડાયો.
પાછળ ફરીને જોયું તો તેમના પતિ શંકર ભાઈ પલંગ પર સૂતા હતા.
"મારાથી તો નહીં જોવાય, આવું જોવું ને મને મારી સ્મશાન યાત્રા નીકળતી હોય એવા ભણકારા વાગે. "
આંખો બંધ કરી મો ફેરવી ને જ્યોતિ બા બોલ્યા.
બંધ થયેલી એ આંખોમાં શંકર ભાઈની ખાંસીનો અવાજ સંભળાયો.
"તમે બેસો, હું તમારા માટે પાણી લઈ આવું".
આટલું બોલી લાકડીના ટેકે ધ્રૂજતા હાથે જ્યોતિ બા રસોડા સુધી પહોંચ્યા.
" બા, તું કેમ ચાલીને અાવી?
પાણી પીવું હતું તો હું લેતો આવત."
નામથી જ નહીં પણ કર્મથી પણ શ્રવણ એવો જ્યોતિ બા નો દિકરો બોલ્યો.
"દિકરા શું થયું?
તારી આંખો કેમ આટલી લાલ છે? "
જ્યોતિ બા ટગર ટગર શ્રવણ ને જોઈ રહ્યા.
"ના, ના બા, અમસ્તુ એતો."
શ્રવણ આંખો લૂછતાં બોલ્યો.
"તું રડ્યો તો ને, સાચું કે.
તારી માં છું, બધુય સમજણ પડે."
જ્યોતિ બા એ શ્રવણ ના માથે હાથ મૂકતા કહ્યું.
"આ કોરોના બા, રવજીભાઈ નો જીવ લઈ ગયો,
મને તારી ઘણી ચિંતા થાય છે.
તને કંઈક થશે તો હું શું કરીશ? "
આંખો માં જે આંસુ માંડ બંધાયેલા તે બધા જ છલકી પડ્યા.
જ્યોતિ બા શ્રવણનો હાથ પકડીને અરીસાની સામે લઈ ગયા અને પૂછ્યું,
"બોલ દીકરા, આ અરીસામાં શું દેખાય છે?"
"કેમ આવું પૂછે બા?,
હું જ તો ઉભો છું"
શ્રવણ બોલ્યો.
"હવે આંખો બંધ કર અને હું જે કહું છું તે સાંભળ."
શ્રવણના માથે હાથ ફેરવતા બા એ બોલવાનું શરૂ કર્યું.
"લોહીથી ગૂંથાયેલા આ પીંજરામાં,
શીદને તું રૂંધાય છે?,
પવિત્ર, પ્રચંડ દિવાની એ જ્યોત,
ક્યારેક તો ઓલવાઇ જાય છે.
મોહમાયા થી સજાવેલો છે આ ચહેરો,
અરીસામાં સાચું પ્રતિબિંબ ક્યાં કદી દેખાય છે.
ભલેને હોય કોઈ મહાસંપતી નો ધની,
છેલ્લા શ્વાસે સૌ કોઈ ભિક્ષુક બની જાય છે.
ને કર્મો સદીઓ પછી પણ પીછો નથી છોડતા,
એટલે જ રાવણને બળાય ને રામને પૂજાય છે.
એક છળ છે આ મ્રુત્યુ દીકરા, દેહ છોડવાથી મ્રુત્યુ ની વ્યાખ્યા લખાય છે, પણ સ્પષ્ટતા ક્યાં સમજાય છે?
કોને ખબર કદાચ મ્રુત્યુ પછી પણ એક જીવન સર્જાય છે. અરીસામાં તું જે જોવે છે, એ તારી મોહમાયા છે અને આંખો બંધ કરીને તું જે અનુભવ કરી શકે છે એજ તારી વાસ્તવિકતા. આપણે બધા કેટલાય જન્મોમાં મરીને નવા ચહેરા સાથે જ જન્મ લઈએ છીએ.
આંખો ખોલ દીકરા..
શ્રવણ આંખો ખોલે છે, તેના ચહેરા પરનો અજંપો અને અશાંતિ ઘણા અંશે ઓછા થઈ જાય છે.
"તારા પપ્પા શંકરભાઈના મ્રુત્યુ ને આજે ૫ વર્ષ થયાં તેમ છતાં હજુ પણ તેવો મારી પાસે જ હોય એવો અનુભવ મને થાય છે કારણ કે સ્મશાનમાં પહોંચીને શરીરના બંધનો પૂરા થાય પણ આત્માનું જોડાણ મ્રુત્યુ પછી પણ એટલું જ ગાઢ રહે છે.
દિવાલ પર ટીંગાડેલા ફૂલોના હાર પહેરાવેલા શંકરભાઈ ના ફોટા તરફ આંગળી ચીંધી ને જ્યોતિ બા એ કહ્યું..!
શ્રવણ અને જ્યોતિ બા આંખોમાં ભીની લાગણીઓ સાથે એ ફોટાને જોઈ રહ્યા..!
ડૉ. હેરત ઉદાવત.