વહાલી ,
સ્નેહલ
ઘણા વર્ષ પછી તને પત્ર લખું છું. શુ કરું? તારૂ સરનામું ન'તું ને!કોઈ પોતાનું કાયમી સરનામું આમ અચાનક છોડીને જતું રહે? તુ તો પાછી ગુગલ મેપ થી પણ,ટ્રેસ ન થાય કે
તને સર્ચ કરું.
ખેર,જવા દે,આટલા વરસોથી મારી મનઃસ્થિતિ તારા સદેહે ન હોવાના અને તારૂ અસ્તિત્વ મારી ક્ષણ-ક્ષણમાં હોવાનાં કારણે દ્વિધા ભરી જ રહી છે. દીમાગને તો તારી ગેરહાજરીની જાણ છે .પણ,આ વાત અંતરમન નોંધવા જ નથી માંગતું. એટલેજ કદાચ તારી યાદ આવે છે,તોય એક દૂર રહેતા સ્વજન જેવી સુમધૂર તેમાં જરા પણ દર્દ નથી.
વળી ,ક્યારેક દીમાગનાં 'ડેટા- બેઝ'માંથી એ કાળ-દીન ભજવાઇ જાય. શનિવાર ને પૂનમની એ સાંજ,મારી નજર સામેજ તારા શ્ર્વાસોનું ક્ષીણ થવું,મારા " હુ છું" નાં ઠાલાં આશ્ર્વાસન. જે હોસ્પિટલમાં " pschyciatrist"તરીકે સેવા આપતી હતી એજ હોસ્પિટલમાં તને 'દુનિયા છોડવાનું પ્રમાણપત્ર 'મળી જવું.થોડીવાર માટે તો જગ થંભી ગયું ,હું તો જાણે મુક્ પ્રેક્ષક.
એ સાંજ જ્યારે મને એ તથ્ય સમજાઈ ગયું કે અહીં ખાલી શ્ર્વાસની જ સગાઈ, જ્યાં બચેલાંને જાળવવામાં તારી હાજરી જ ભૂસાઈ ગઈ. જેનાં માટે તું મહત્ત્વની હતી એ સબંધ થોભી ગયો તારા ધબકારા સાથે. એ સાંજ જ્યાં મે સૌરાષ્ટ્રની ખ્યાતનામ હોસ્પિટલમાં ગાળ્યા' તા અમુક કલાકો
તારા નિશ્ર્ચેત દેહ સાથે એકલાં જ.તે સ્થિતિએ મને જીંદગીની ક્ષણભંગુરતા સાથે સબંધોની ક્ષણભંગુરતા સમજાવી દીધી. મારાં અસ્તિત્વમાંથી મારા માણસાઈ પરનાં વિશ્ર્વાસમાંથી એક ટુકડો ખેરવી નાખ્યો અચાનક. એટલેજ કોઈ પણ લાગણીને મારાં મનને સ્પર્શતા એક અભેદ્ય દિવાલ નડે છે,આજ દીન સુધી.
હું પણ કંટાળી છું આ ત્રિભેટે ઉભીને મારે નવી શરૂઆત કરવી છે,તારા મૃત્યુનાં સંપૂર્ણ સ્વીકાર સાથે. જેથી આ અસંમજશમાંથી બહાર નીકળી શકું.હોળી પર બનેલી એ ભયાનક ઘટનાં ભુલી શકું ,મિત્રો પરને સબંધો પર વિશ્વાસ કરી શકુ બેજીજક. તારા વિનાની દુનિયાને સ્વીકાર કરૂ કોઈ પૂર્વાગ્રહ વિના.
મને સલાહ પણ એવી જ મળે છે ,કે દુનિયાની આ જ વરવી વાસ્તવિકતા છે ,ને જિંદગીની પણ.એક બહેનપણી માટે
આટલું બધું. સાચું જ દસ વર્ષ ઘણાં છે જખ્મ ભરવા ,હવે નવી શરૂઆત કરવી જ રહી.આપણી મિત્રતાની જેને ખબર નથી એને અજુગતું ય લાગે. કોઈ વાતમાં એકદમ સામ્ય તો કોઈમાં સાવ વિપરીત નાનપણનાં સાથી.અલગ અલગ ખરીદી
કરી એક સરખી જ વસ્તુઓ લાવતાં ,લાઈબ્રેરીમાંથી એકજ બુક લાવતાં,પ્રશ્ર્નનો ઉત્તર સાવ અદલોઅદલ સરખા લખી આવતા આપણે.તો એકદમ સૌમ્ય શાંત તું ને વાવાઝોડા જેવી હું.આમ છતાં બોલ્યા વીનાં એકબીજાને સમજી જતાં.
બે અલગ અલગ શહેરોમાં 'દાક્તરી ભણતાં તોય રજાઓમાં તો મળવાનું જ.આવવાનું તો મોટેભાગે મારે, કેમકે મારૂં સરનામું શોધતા દર વખતે તું જ ખોવાઈ જતી.હવે તો ખોવાઈ ગઈ હંમેશ માટે,મળી જવાની બધી શક્યતા ભુસીને.કાશ તને શોધી શકાતી હોત.!
ક્યારેક અચાનક જ મળવા આવું ને તું કહે," મને ખબર જ હતી
તું આવીશ." આવા મળેલા જીવ જુદા પડે ત્યારે દર્દ વહે નહી થીજી જાય ક્યાંક અંદર પથ્થર બનીને.અચેતન મન એ કાળ,ને
સંતાડી રાખે છે ધરાર!
હવે આ દર્દ વહાવવું જ છે.તારી ગેરહાજરીની પીડા અનુભવવી છે.મન ભરીને રો'વું છે.નિષ્ઠૂર બનીને ઠસાવવું છે હ્રદયને કે તું નથી જ, અને ક્યારેય નથી આવવાની.તારી યાદ ભલે છલકાઈ જાય વારંવાર. જ્યારે તારૂ મનપસંદ ગીત કે જગ્યા હોય.તું રહીશ મારામાં અને અનુભવીશ તને જ્યારે જ્યારે તારી મમ્મીની આંખમાં મારું પ્રતિબિંબ તારા રૂપે જોઈશ.
બસ એજ,તારા વિના તારા રિક્ત સ્થાન સાથે આજથી જિંદગીની નવી શરૂઆત .મને ખબર છે,એ શક્ય નથી.છતાં પણ,,
આવજે ,એવું કહેવાની અદમ્ય ઈચ્છા સાથે
તારી સખી