ખુલ્લા વિશાળ આકાશ પાસે વિશાળતા તો છે પરંતુ તેનાથી પણ વધારે ખાલીપો છે, શૂન્યાવકાશ છે, મેઘધનુષ જ તેમાં રંગો પૂરીને આ ખાલીપા ને દુર કરે છે, આકાશમાં રંગો ભરવાનું કામ મેઘધનુષ કરે છે,સાત રંગો થી ભરપુર મેઘધનુષ આકાશમાં રંગો પૂરીને પોતાની હયાતીનો અહેસાસ કરાવે છે, મેઘધનુષ ના સાત રંગોથી આકાશ ની સુંદરતા ખૂબ વધી જાય છે, મેઘધનુષનો વળાંક કહે છે કે જ્યાં જરૂર પડે ત્યાં જીવનને પણ વળાંક આપો....જે વૃક્ષ સીધું અને ટટ્ટાર હોય છે તેની ઉપર કુહાડી નો પ્રથમ ઘા થાય છે, જીવનમાં પણ આડા અવળા કે વાંકા ચુંકા માણસો ઉપર કોઈ ઘા કરતું નથી, આકાશ ની ક્ષમતા વિશાળ છે જ્યારે મેઘધનુષ સીમિત છે, મેઘધનુષ પોતાના રંગોની સુંદરતા થકી એક આગવી છાપ ઊભી કરે છે, મેઘધનુષ નાનું છે પણ તેની પાસે રંગોથી ભરપુર ખજાનો છે, જ્યારે મેઘધનુષ ખુલ્લા વિશાળ આકાશ માં અસ્તિત્વમાં આવે છે ત્યારે એ જ નાનું મેઘધનુષ આકાશ નો કોહિનૂર હીરો બની જાય છે.
સતત પ્રફુલ્લિત રહેવું અને જીવવું એ ઓછું સંભવ છે, ક્યારેક તો વિષાદ તમને ઘેરી વળે છે, અને વિષાદ છે.. એટલે જ આનંદ નું મૂલ્ય અદકેરું છે, વિષાદ હોય કે આનંદ બન્ને નું જનક આપણું મન છે, જો સતત આનંદમાં જીવીએ તો એક સમયે આનંદનો પણ કંટાળો આવે છે, સુખ નું અનુભૂતિ એટલે જ થાય છે કારણ કે દુઃખ નું અસ્તિત્વ છે, દરેક વસ્તુ ક્ષણજીવી હોય છે કાયમ હોતી જ નથી, એ પછી દુઃખ હોય કે સુખ, રાત હોય કે દિવસ, સૂર્ય ઊગે છે અને આથમે છે, રાત પડે છે અને ચંદ્ર નું આગમન થાય છે, સવાર પડે છે ને ચંદ્ર વિદાય લે છે અને સુર્ય નું આગમન થાય છે, પ્રકૃતિ ની દરેક વસ્તુ પોત પોતાના નિર્ધારિત સમયે આવે છે અને જાય છે, કુદરતનું આ જ સમયચક્ર છે.. જે સતત ફર્યા કરે છે અને ઈશ્વરના રચેલા દરેક પાત્રો આ સમયચક્ર થી બંધાયેલા છે, જે આવે છે તેનું જવું નિશ્ચિત હોય જ છે, રોકાઈ જવું કોઈના માટે સંભવ નથી,કોરોના આવ્યો.. ગયો..હવે કદાચ ફરી પણ આવશે, શરીર સંપતિ એ સહુથી મોટી સંપતિ છે, ધ્યાન કરવા માટે પણ શરીર સુખરૂપ હોવું જરૂરી છે, ભગવાનનું ભજન કરવા માટે પણ શરીર સારું હોવું જરૂરી છે, શરીર એ સાધન પણ છે અને જીવવાનું માધ્યમ પણ છે, આત્મા સર્વસ્વ છે.. વાત સાચી પરંતુ આત્મા માં લીન થવા માટે જે સાધન છે તે તો શરીર જ છે.દરેક વસ્તુ ક્ષણજીવી હોય છે, કુદરત ના સમયચક્ર અનુસાર જ બધું બને છે અને થાય છે.
કોઈ ન્યુઝ પેપર ના બેસણાં ની જાહેરાત નું કોલમ બન્યા પહેલાં જીવન ધબકતું હોય ત્યારે જ જે કરવાનું હોય તે કરી લઈએ,એકવાર ન્યુઝપેપર માં બેસણાં નું કોલમ બની ગયા પછી કશું જ થવાનું નથી, તમે ગમે તેટલા ધમપછાડા કરો પણ કંઇ જ નહિ થાય, એ બેસણાં ની જાહેરાત પણ બીજા દિવસે પસ્તી બની જઈ કોઈ ભંગાર પસ્તીવાળા ને ત્યાં મુકામ કરતી હશે, બેસણાં ની જાહેરાત માં છાપેલો તમારો ફોટો પણ પસ્તીના બંડલ જોડે કચકચાવીને બાંધેલો હશે.. તમે રુદન પણ નહિ કરી શકો, તમે રોઇ શકો..તમે ખડખડાટ હસી શકો, તમે આડા અવળા કૂદકા મારો કે પછી ઊંચા નીચા ઠેકડા મારો, ખુલ્લા મને બાગ બગીચામાં ટેહલી શકો કે પછી રોડ ઉપર ઘમઘમાટ દોડી શકો તે બધું જ તમે જીવંત હોવ ત્યારે જ શક્ય છે, એક વાર બેસણાં ની જાહેરાત માં ચમકી ગયા પછી બધું જ પૂરું થઈ જશે તે નક્કી છે, તો આવો આજે જ જીવી લઈએ .... અત્યારથી જ અરમાનો.. ઇચ્છાઓ.. લાગણીઓ ને બંધન મુક્ત કરી વહેતા કરો, જીવન નો હરેક ક્ષણ નો આનંદ ઉઠાવો, જીવનને જીવંત બનાવો,પશુ પક્ષીઓ ક્યારેય સ્ટ્રેસ અનુભવતા નથી કારણ કે જે કંઈ સ્ટ્રેસ હોય છે તે ભેગું કરવાનો હોય છે, જે ભેગું કરેલું ક્યારેય જોડે આવવાનું નથી તે જાણતા હોવા છતાં..!!
જીવન સતત પાંગરતું રહે છે, સાથે સાથે વિકસતું પણ રહે છે તૂટેલી દીવાલ ની તિરાડ માં પણ પિંપળો પોતાનો અડ્ડો જમાવે છે, તેને નથી જરૂર પડતી પાણીની કે નથી જરૂર પડતી કોઈ પણ ખાતરની!!, તે સૂકી દીવાલ માંથી જ પોતાનું પોષણ મેળવી લે છે, એ કંઈ બૂમાબૂમ નથી કરતો કે રડારોળ પણ નથી કરતો કે મને ખાતર આપો...પાણી આપો, જે પણ કુદરતી સ્ત્રોત ઉપલબ્ધ હોય છે.. તેમાંથી જ પીપળો પોષણ મેળવી લે છે,, વેરાન વગડામાં પણ એકલું અટૂલું કોઈ વૃક્ષ થોડીક ડાળીઓ અને નામ પૂરતા પાંદડા સાથે ઉભુ હોય છે, આજુબાજુ દૂર દૂર સુધી કોઈ જ વૃક્ષ નથી હોતું છતાં પણ તે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છે, રણ ની સૂકી રેતની થપાટો ખાતું ખાતું અને રણ ના સૂકા પવન ના ગરમ સૂસવાટા સહન કરતું તે વૃક્ષ ટકી રહે છે,અને રેતી ની આંધી વચ્ચે પણ તે પોતાનો અડિંગો જમાવી અણનમ ઉભું રહે છે, એજ પ્રમાણે જીવનમાં આવતા નાના મોટા સંઘર્ષો સામે ટકી રહેવું તે જ તો છે જીવન જીવવાની સાચી સમજણ અને દિશા પણ.. તે નિર્વિવાદ છે --- રસીક પટેલ