રાવણના અંત પછી ભગવાન રામ, પુશ્પક વિમાનમાં બેસીને અયોધ્યા આવ્યા. અને તે પછી પુરા ૩૦ વર્ષ અને ૬ મહિના સુધી રાજ કર્યું. પણ ભગવાન રામ અંતે તો એક મનુષ્ય તરીકે જ અવતરીને આ પૃથ્વી પર આવ્યા હતા ને! અને દરેક મનુષ્યની જેમ તેમનો પણ આ ભુ-લોક પરનો સમય પુર્ણ થઈ ચૂક્યો હતો. ભગવાનને અંદેશો આવી ગયો હતો કે જેમ દરેક તે વસ્તુ જે જન્મ લે છે, તેનું મૃત્યુ પણ નિશ્ચીત જ છે, અને હવે તેમનો પણ સમય આવી ચૂક્યો હતો. આથી હવે તેઓ મૃત્યુ ના દેવ એવા યમરાજની રાહ જોતા હતા.
પણ સ્વયં યમરાજ પણ રામનાં પ્રાણ લેવા માટે અયોધ્યામાં પ્રવેશ નહોતા કરી શકતા. કારણ? કારણ કે હનુમાનજી પોતે દરવાજા પર ઉભા રહીને તેનું રક્ષણ કરી રહ્યાં હતાં !
યમરાજના પ્રવેશ માટે હનુમાનજીનું ધ્યાન ભટકાવવું એ જરૂરી થઈ પડ્યું હતું. પણ આ કઠિન કામ કરે કોણ? છેલ્લે ભગવાને પોતાની વીંટી કાઢીને, મહેલના ભોંયતળીયે રહેલી એક તીરાડ મા નાંખી દિધી. અને હનુમાનજીને તે વીંટી લઈ આવવા માટે કહ્યું. ભગવાનનો આદેશ એ તેમના માટે સર્વસ્વ હોવાથી એ સુક્ષ્મ રૂપ ધારણ કરીને તે તીરાડમાં કૂદી પડ્યાં. પણ બીજી તરફ પહોંચતાં જ તેમને ખ્યાલ પડ્યો કે આ કોઇ તિરાડ નહિં પણ, નાગલોક્માં જવાનો પ્રવેશદ્વાર છે. થોડાક ભ્રમણ પછી તેઓ નાગલોકનાં રાજા – વાસુકીને મળ્યાં અને બધી વાત સંભળાવી.
રાજા વાસુકી હનુમાનજીને નાગલોકની બરાબર મધ્યમાં લઈ ગયાં, જ્યાં એક મોટો વીંટીઓનો ઢગલો પડેલો હતો. અને તેનું કદ કોઈ પહાડથી કમ નહતું. વાસુકીએ તેમને કહ્યું કે આ ઢગલામાં જરૂરથી ભગવાનની વીંટી તેમને મળી જશે. પણ, હનુમાનજી એ ચિંતામા હતાં કે, આમાંથી એ વીંટી શોધવી કઈ રીતે? જાણે ઘાસનાં ઢગલામાંથી સોય ગોતવાનું હોય તેવું આ થઈ પડ્યું હતું. પણ, નસીબજોગે તેમણે જે પહેલી વીંટી હાથમાં લીધી એ જ રામની તે વીંટી નિકળી. મનમાં જ રામનું નામ લઈ તેઓ ખુશ થતાં હતાં પણ ત્યાં જ તેમની નજર બીજી એક વીંટી પર પડી. તે પણ તેના જેવી જ રામની વીંટી હતી. જ્યારે તેમણે નિરખીને પુરા ઢગલાંની તપાસ કરી તો ખબર પડી કે તે બધી જ વીંટીઓ રામની પેલી વીંટી જેવી જ હતી! તેઓ આશ્ચર્યચકિત થઈ ગયાં.
હનુમાનજીને ચિંતિત જોઈને સાપોના રાજા વાસુકી બોલ્યા,”આ જગત હંમેશા જીવન અને મરણનાં ચક્રમાંથી પસાર થયા કરે છે. જેમ મનુષ્ય જન્મે છે અને મૃત્યુ પામે છે. તેવી જ રીતે આ દુનિયાનું પણ મૃત્યુ થાય છે. અને આ જીવન અને મરણનાં એક ચક્રને કલ્પ કહે છે. દરેક કલ્પમાં ચાર યુગો હોય છે.-સતયુગ,ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળયુગ. જ્યારે છેલ્લો યુગ એટલેકે કળયુગ પુરો થાય છે, ત્યારે સ્વયં મહાદેવ આ પૃથ્વીનો વિનાશ સર્જે છે. અને ફરી વખત સમયની શરૂઆત કરે છે. (પુરાણો પ્રમાણે ભગવાન શંકર સમયની શરૂઆત મધ્યપ્રદેશ્માં આવેલા ઉજ્જૈન થી કરે છે. અને સતયુગનો પ્રારંભ કરે છે. આથી જ તે ઉજ્જૈન માં મહાકાલ તરીકે ઓળખાય છે. જુના સમયમાં ઉજ્જૈન ને ભારતનું ગ્રીનવિચ માનવામાં આવતું અને હાલમાં પણ જ્યારે પંચાંગ અથવા જન્મ કુંડલી દોરવામાં આવે છે, તેમાં ઉજ્જૈન ના સમય ને જ આધાર તરીકે રાખવામાં આવે છે.) આથી ચારેય યુગોનો ક્રમ ફરી વખત શરૂ થાય છે. જેમાં બીજા, એટલે કે ત્રેતા યુગમાં ભગવાન રામ જન્મ લે છે. અને રાવણનો નાશ કરે છે. ત્યારબાદ એક દિવસ તેમની વીંટી એક તીરાડમાંથી થઈને નાગલોકમાં પહોંચે છે. અને તેને શોધવા માટે હનુમાન તેની પાછળ પાછળ અહિંયા સુધી આવી પહોંચે છે. બરાબર તે જ સમયે ભુલોકમાં ભગવાન રામ મૃત્યુ પામે છે! આ જ ઘટના ફરી અને ફરી વખત અનંત કાળથી ચાલ્યા કરે છે. તેથી, વીંટીની આ ઘટના અનંત કલ્પ અને યુગોથી ઘટી રહી છે. પણ નાગલોક આ ઘટનાઓનાં ચક્રથી બહાર છે. આ જ કારણથી આ બધી વીંટીઓ આ ઘટનાની સાક્ષી પુરતી અહીં પડી છે. અને અહિંયા હજુ પણ ઘણી વીંટીઓ ભવિષ્યમાં આવતી રહેશે.”
હનુમાનજી ભગવાનની લીલાને સમજી ગયા હતાં. તે વીંટી ત્યાં જ છોડીને પૃથ્વી લોક પહોંચ્યાં. અને રામનાં અંતિમ દર્શન કર્યાં. રામનાં વરદાન પ્રમાણે તેઓ આ કલ્પ પુરો ન થાય ત્યાં સુધી અમર હતાં. પણ મનમાં તેઓ જાણતાં હતાં કે તેમને અહિં પાછુ આવવાનું જ છે. પેલી વીંટી લેવા....
******
જીવન-મરણનું ચક્ર એ પહેલીથી જ હિંદુ ધર્મની વિચારધારણા રહી છે. પણ, બ્રિટીશ રાજ અને તેમના પછી થયેલા રાજકારણમાં, આપણે સાચી રામાયણને ભૂલી ગયા છીએ. કદાચ એટલે જ બધા લોકો હકિકતને સમજવાને બદલે, રામને ઈતીહાસ અને ભૂગોળમાં શોધવાની વ્યર્થ કોશીશ કરી રહ્યા છે.
“રામ” એ અનંત અને વૈશ્વિક છે, તેને કોઈ જગ્યા કે સમય સુધી સિમિત ન રાખી શકાય. દરેક ઋતુની જેમ તેમનો પણ જન્મ દર રામનવમી એ થાય છે. આથી ભક્તો જાણે છે કે રામ હંમેશા તેમની સાથે જ છે.
જય શ્રી રામ.