પતિના નસીબમાં પિયર નથી...!
ટનાટન દંપતીને આવો વસવસો કદાચ નહિ હોય. એ માટે એની વાઈફને અભિનંદન આપીએ, એટલાં ઓછાં. આપણને તો પાંજરામાં ઊભેલાં વિકરાળ સિંહને જોઇને પણ પેટમાં ગુગળગૂ થવા માંડે, ત્યારે આ લોકો તેમની સાથે પણ હસણી જિંદગી કાઢે..! બધાના જ નસીબ કંઈ, ફૂલેલા ‘ફ્લાવર’ જેવાં થોડાં હોય..? કોઈના ફાલેલા ને ફૂલેલા નસીબ જોઇને એવો ઢેકાર થોડો ખવાય કે, આ ભાઈની જીંદગીમાં વસંતઋતુએ કેવો ફક્કડ માળો બાંધ્યો છે..? બનવાજોગ છે કે, એ નકલી હાસ્યનું પણ ‘ફેસિયલ’ હોય..! આ માસ્ક (મુખ-લંગોટ) તો કોરોનામાં આવી. બાકી, હસતા દેખાવાનો મુખવટો તો માણસ આદિકાળથી જ પહેરતો આવેલો. ખપ પડે ત્યારે પહેરી લેવાનો. યે સબ નાસીબકા ખેલ હૈ સા'બ..! સમય પ્રમાણે માણસ જ નથી બદલાતો, નસીબ પણ ક્ષણે-ક્ષણે કરવટ બદલે. ક્યારેક ગુલાબી, ક્યારેક ફૂલગુલાબી તો ક્યારેક મેઘધનુષી પણ થાય, ને અમાસી રંગ પણ પકડે..! બાકી પરણ્યા પહેલાં ગલગોટા જેવાં દેખાતા યુવાનો, પરણ્યા પછી પાણીચા અથાણા જેવાં પણ થઇ જાય..! પછી તો જેવાં જેના વાવાઝોડાં..! એક ભાઈએ મને પૂછ્વાયું, ' માથામાં ઝીબ્રા-ક્રોસ જેવો સિંદુર લગાવ્યો હોય, કપાળે ચાંદલો ને ગાળામાં મંગળસૂત્ર લગાવ્યું હોય તો ખબર પડે કે, બહેનને હદનિશાન લાગી ગયાં છે. આઈ-મીન બહેન કશે ગોઠવાય ગયેલાં છે. પણ પુરુષ પરણેલો છે કે, કુંવારો એના કેમ નિશાન હોતાં નથી..?' મેં કહ્યું, ' હોય છે, પણ એ એને જ દેખાય આપણને દેખાતા નથી..! જેનું મોઢું લગન પછી કરમાયેલા કમળનું ફૂલ જેવું દેખાય, તો માનવું કે ભાઈ ઠેકાણે પડી ગયેલા છે..!'
આપણે ત્યાં માત્ર ત્રણ જ હઠ વધારે વાયરલ થયેલી. બાળ-હઠ, સ્ત્રી-હઠ, ને રાજ-હઠ..! પતિ-હઠનાં તો નામોનિશાન ચર્ચામાં નહિ. એકવીસમી સદીમાં પણ એ હજી પીછે-હઠના મોડ ઉપર છે..! પત્ની પિયર જાય ત્યારેજ લગભગ આગે-કદમ કરતો હશે. આ તો મારું એક અનુમાન..! ભગાને આજે પણ એક પ્રશ્ન વીંછીના ડંખની માફક મગજમાં ચટકા ભરે. મને કહે, ‘રમેશીયા..! પત્નીઓને કેવું ફક્કડ..? સંસારથી કંટાળીને એ સાધ્વી બની જતી નથી. પણ એકાદ આંટો પિયરનો લઇ, હવાફેર કરી આવે. આ લોકોને તો 'ચેઈન્જ' માટે પિયરની પણ સુવિધા, આપણે ઠન-ઠન ગોપાલ..! પિયર હોય તો પિયરવટુ કરે ને..? પાડો જેમ જન્મથી મરણ સુધી પાડો જ કહેવાય, ને એને કોઈ પ્રમોશન જ નહિ આવે, એમ પતિના નસીબમાં પિયરના કોઈ ઓપ્શન જ નહિ. સિવાય કે, કોઈના ઘર-જમાઈ બન્યા હોય. ઘર-જમાઈને તો જલશાપાણી જ હોય..! ધારો કે કંટાળી જાય, તો પિયરમાં આવવાનું ઓપ્શન તો મળે. ઘર-જમાઈને નો ટેન્શન નો પેન્શન..! ‘તુમ્હીને દર્દ દિયા હૈ, તુમ્હી દવા દેના’ ની માફક સાસરીમાં જ એશ કરવાનું. નો લોસ નો પ્રોફિટ..! એ ડાહ્યા કહેવાય, ને આપણે દોઢ..! ઘરમાં જ પિયર ને ઘરમાં જ ચિયર્સ..! દીવ-દમણ કે આબુનો એકલવીર પ્રવાસ કરીને હળવું થવાયું તો નસીબ..! વેકેશન પડે એની રાહ જોઇને જ બેઠો હોય, કે ક્યારે પેલી પિયર જાય, ને ઓલ લાઈન કલીયર થાય..! પત્ની પિયર પલાયન થતાં જ વાર..! કુકરમાંથી હવા છૂટે, એમ સીટી વગાડતો થઇ જાય..! એમ નહિ સમજે કે, વાઈફ છે, તો ક્રીઝમાં ટકેલાં છે, નહિ તો ક્યારના એલબીડબ્લ્યુ થઇ ગયા હોત..! પણ મારાં જેટલું સમજે કોણ..? (હા તો પાડો..!) બધાને ખબર છે કે, પતિ-પત્નીની જોડી સ્વર્ગમાંથી જ નક્કી થઈને આવે. એવો તો ફાંકો રાખવો જ નહિ કે, મેં મારી પસંદગીની વાઈફ જ શોધેલી. અમુક જોડીને જોઈએ તો એમ જ લાગે કે, ધરતીકંપમાં ધરતી ફાટી હશે, ને આ જોડી તેમાંથી જ પ્રગટી હશે. આવી જોડીના ઘરે માત્ર વાસણો જ નહિ ખખડે, બધું જ ખખડતું હોય..! આખું બિલ્ડીંગ પણ ખખડે, ફફડે ને તરફડે..!
આ પુરષ અને સ્ત્રીની સંવેદનામાં આસમાન જમીનનો ફરક હોય છે દાદૂ..! લગન પહેલાં સ્ત્રીને ક્યાં ખબર હોય છે કે, સાસરું ક્યાં હશે, ને સ્મશાન ક્યાં હશે.? પુરુષને પણ ખબર નથી હોતી કે, લગન પછી શાંતિ અને સ્વતંત્રતાનો ઝંડો ફરકશે કે નહિ..? ત્યારે સ્ત્રીનું સાવ અલગ..! ‘નહિ પિયર નહિ સાસરે, જાણે હનુમાનજીને આશરે..!’ જ્યાં પ્રેમ મળે એ સાચું ઘર. મન મળે એ પોતીકું ઘર, ને માન-સન્માન-સ્વાભિમાન મળે, એ એનું સરનામું..! એટલે તો કાળજાના કટકા જેવી દીકરીની વિદાય ટાણે, લોખંડી મગજ જેવાં પિતા પણ ઓશીકામાં મોં ઢાંકીને આંસુઓ પાડે..! શીઈઈઈટ..! હસવા-હસાવવાને બદલે હું ક્યાં ફીલોસોફીના ફાંકા મારવા બેઠો ? મારે તો વાત કરવી છે પતિના પિયરની..! પતિના પિયરનો પ્રશ્ન તાતો છે બોસ..! વિપક્ષોએ તો આ મુદ્દાને ચૂંટણીના મુદ્દામાં સમાવી પતિદેવોના મત ખેંચવા જેવાં છે. પિયરની સુવિધા નથી, એટલા માટે તો, બોયઝ-નાઈટ આઉટ, કે બોયઝ-વેકેશન આઉટની પ્રથા શરુ થવા માંડી. ધીરે ધીરે ‘મેન્સ ઓન્લી’ ના પ્રોગ્રામ પણ ચાલુ થયા. પતિને કોઈની રોક-ટોક કે બંધન ગમતું નથી. એ પણ ઈચ્છે કે, મન ખોલીને હસી મઝાક કરવાનું મને એકાંત મળે. આ બધાં આત્મ નિર્ભરતાથી પોતે ઘડેલા પિયરના જ વિકલ્પ અને સ્થાનક કહેવાય. એને પણ પત્નીની માફક, પિયર જેવું ‘રીલેક્ષ’ જોઈએ. પછી ભલે એનું ડેસ્ટીનેશન કોઈ મિત્રનું ઘર હોય કે ખુલ્લા આકાશનું ધાબુ હોય..! મગજની બેટરી ચાર્જ કરવાની એને પણ જરૂર હોય ને..? સાંસારિક જવાબદારી તો એને પણ વળગેલી હોય..! વેપાર-ધંધાના ધાંધિયા તો એને પણ હોય, એને પણ જીવતરનો થાક લાગતો હોય. પણ પિયર જ નહિ હોય તો જાય ક્યાં..? અમુક તો વાઈફની હાજરીમાં એવાં ભીગી બિલ્લી જેવાં હોય કે, ‘નજર હટી તો દુર્ઘટના ઘટી’ ની માફક વાઈફ સહેજ આઘી-પાછી થાય, એટલામાં તો ઉષ્મા-વર્ધક બની જાય. પોતાની પાર્ટી સત્તા ઉપર આવી હોય એમ દબંગી મટીને દિલદાર બની જાય. વાઈફ બહાર ને ઘરમાં મિત્રોની વણઝાર ફૂટવા માંડે. ને મહેફિલ ઝામવા માંડે તે અલગ..! જેવું ઉનાળુ કે દિવાળીનું વેકેશન પડે, એટલે પતિદેવોમાં જાણે વસંત ખીલવા માંડે..! યાહૂહૂહૂઊઉ,,કરીને ઝૂમતા થઇ જાય..!
લાસ્ટ ધ બોલ
માણસના મગજ બે જગ્યાએ ધીમા ચાલે. ૧. પરીક્ષા આપવા જાય ત્યારે ૨. લગન માટે છોકરી જોવા જાય ત્યારે..! ને લગન પછી તો બિલકુલ બંધ થઇ જાય..!
----------------------------------------------------------------------------------------------------------------------------------------