Bhim grandson Khattushyam (Barbaric) in Gujarati Motivational Stories by वात्सल्य books and stories PDF | ભીમ પૌત્ર ખટ્ટુશ્યામ (બર્બરિક)

Featured Books
Categories
Share

ભીમ પૌત્ર ખટ્ટુશ્યામ (બર્બરિક)

મહાભારતનું એક અવિસ્મરણીય રત્ન એટલે પાંડવ પુત્ર "ભીમ" અને ભીમ પુત્ર "ઘટોત્કચ" અને તેનો પુત્ર "બર્બરિક"ની તેજસ્વીતા...

🌹🌹🌹🖕🌹🌹🌹
મહાભારત કાળના મહાયુદ્ધનો સૌથી બળવાન મહાયોધ્ધો ભીમનો પૌત્ર બર્બરિક હતો, તેને શ્રીકૃષ્ણએ યુદ્ધ પહેલા જ સ્વૈચ્છીક આત્મહત્યા માટે પ્રેરિત કર્યો, અને યુધ્ધથી બહાર કર્યો, જોકે તે મહાયોદ્ધાની યુધ્ધ જોવાની ઈચ્છા પુરી કરવા તેનું મસ્તક યુધ્ધ પૂર્ણ થયું ત્યાં સુધી જીવંત હતું તેવો ઉલ્લેખ અનેક ગ્રંથોમાં છે. તે કેવો મહાયોધ્ધો હતો તે સમજવું હોય તો સરળ ભાષામાં કહેવાય કે, કૃષ્ણની ગુપ્તચર સંસ્થાએ યુદ્ધ પહેલા સર્વે કરાવ્યો તેમાં ઉત્તમ યોદ્ધાઓને પૂછવામાં આવ્યું કે તમે સેનાપતિ બનો તો આ યુદ્ધ કેટલા દિવસમાં પૂરું કરો...? તેના જવાબમાં ભિષ્મએ ચોવીસ દિવસ, દ્રોણાચાર્યે પચ્ચીસ દિવસ, કર્ણે વીસ દિવસ અને અર્જુને અઠ્ઠાવીસ દિવસ કહ્યા, જ્યારે ભીમના પૌત્ર અને ઘટોત્કચ્છના દિકરા બર્બરિકે આ આખુય યુદ્ધ માત્ર એક બાણનું સંધાન કરી પલકવારમાં પૂર્ણ કરી દેવાની ખાત્રી આપી હતી, શ્રીકૃષ્ણને લાઈવ ડેમો આપી એ વાત પુરવાર કરતુ ઉદાહરણ આપ્યું હતું. એક જ બાણથી પીપળના તમામ પાંદડાને વિધ્યા, તે ત્યાં સુધી કે કૃષ્ણે પગ નીચે દબાવેલા પાંદડાને વીંધવા તેનું બાણ તેમના પગ પાસે અટક્યુ.. આવી દુર્લભશક્તિ ધરાવતા આ યુવકનું મસ્તક યુદ્ધ પહેલા જ કૃષ્ણે કેમ માગી લીધું..? બર્બરિક યુવાન છે, તેણે કોઈ ભૂલ કે ગુનો કર્યો નથી, કૃષ્ણ તેના ગુરુ રહી ચુક્યા છે. નાગલોક, માનવલોક તથા દેવલોકની શ્રેષ્ઠ શક્તિઓ સાથે કઠીન તપશ્ચર્યા કરીને અમોધશક્તિ સાથે શિવનું ત્રિબાણ મેળવે, પાંડવોના પક્ષે હોય છતાં આવું કેમ ? વિવેચકોએ આ વાતને વધારે ઉજાગર કેમ કરી નથી ? બર્બરિક નામનો સંસ્કૃત અર્થ ઘુઘરિયા ઘટાટોપ વાળ સાથેનો તેજસ્વી ચહેરો, આવા મહાશક્તિસિદ્ધ યોદ્ધાને મહાભારતમાં એક માત્ર યશ એ મળ્યો કે અઢાર દિવસ ચાલેલા આ મહાસંહારક યુદ્ધનો એકમાત્ર ઘટનાસાક્ષી બન્યો, તેણે આ યુદ્ધ યુદ્ધભૂમિ પર રહીને તટસ્થ રીતે જોયું,જાણ્યું અને માણ્યું છે. પણ તે મહાયોદ્ધા વિશે જાણકારી મર્યાદિત છે.
રામાયણ અને મહાભારત હજારોવર્ષ જૂનો સાંસ્કૃતિક વારસો છે. વાલ્મિકકૃત રામાયણ કે મહર્ષિ વ્યાસ રચિત મહાભારત સનાતનધર્મની જેમ અનંત કાળ વહેતા રહેવાના છે, મૌખિક સંસ્કૃતિથી શરુ થયેલી પારંપરિક વારસાઈ સમયાંતરે પથ્થરોમાં, મૂર્તિસ્વરુપે, પોથીઓમાં કે આવનારા સમયમાં આભાસી ડિજિટલના સોફ્ટ ટ્રાન્સપ્લાન્ટમાં, કે પછી સમયના ભાવિમાં બદલાતા અનેક માધ્યમોમાં, બદલાતા જે તે રુપરંગ આવશે તેમાં આ મહાભારત અને રામાયણ ગ્રંથો બદલાતા દરેક રુપરંગમાં સમય અનુરુપ સરળ બની સતત વહ્યા કરશે.
બદલાતા દરેક સમયમાં આવતી દરેક મુશ્કેલીઓથી પાર ઉતરવા આ મહાકાવ્યો જ ઉપયોગી બની રહેશે તે હકીકત છે. રામાયણના દાખલા-દલીલો, દ્રષ્ટાંતો ઘરમાં, ઉંમરાની અંદર ઉપયોગી છે જ્યારે મહાભારતના દાખલા-દલીલો, દ્રષ્ટાંત ઘરની બહાર, ઉંબરાની બહાર ઉપયોગી છે. આપણે મોટેભાગે સમજફેર ને કારણે મહાભારતના સિદ્ધાંત ઘરમાં અને રામાયણના સિદ્ધાંત ઘરની બહાર અમલી બનાવીએ તેથી સમસ્યાઓ ઘટવાને બદલે
હા, આજે શંખનાદ કરવો છે, મહારથી બર્બરિક વિષે, મહાભારત સમયનું એક એવું અનોખું પાત્ર છે જેણે કશું જ ખોટું, ખરાબ કર્યું નથી, જીવન મુગ્ધ યુવાવસ્થા સુધી પહોંચતા પહોંચતા સૌ ઊંચા ગજાના મહારથીઓ કરતા તે બળવાન છે, તેજસ્વી છે, થનગનાટ છે, કૃષ્ણ જેના ગુરુ છે. નાગલોકની વિરાંગના મૌરવી જેની માતા છે, માયાવી રાક્ષસકુલનો ઘટોત્કચ્છ તેનો પિતા છે. હિડંબા તેની દાદી અને શ્રેષ્ઠ પાંડવ ગદાધર ભીમ જેના દાદા છે તેવું અનોખુ વ્યક્તિત્વ એટલે મહાભારતના યુદ્ધના લડવૈયાઓમાં સૌથી દમદાર, જાનદાર, મેધાવી મહાનાયક, કે જે અર્જુન અને કર્ણ કરતા સવાયો બાણાવળી છે, હા, તે બર્બરિક શા માટે બહુ જાણીતો કે ચર્ચિત ના બન્યો !! તેનુ સુખદ આશ્ચર્ય છે. જે યુવકમાં દૈવિતાકાત, દાનવીય માયા, તેજસ્વી ચપળ નાગકન્યાનું તેજ હોય, ત્રિપરિમાણિય સકારાત્મક શક્તિ સંચય હોય, શ્રીકૃષ્ણ જેવા ગુરુ હોય, તપશ્ચર્યા અંતે અમોધ શક્તિઓ ટૂંક સમયમાં જ હાંસલ કરી હોય, તે બર્બરિક. માનવ, દાનવ, દેવ એવી ત્રણેય મહાશક્તિનું સમન્વય થયું હોય તે બાળક વિચક્ષણના હોય તો જ નવાઈ. યુવાવસ્થાએ પહોંચતા પહેલા આ યુવક ઘોર તપસ્વી છે. મહિસાગર સંગમ તીર્થ ક્ષેત્રે તેના તપનો ઉલ્લેખ પુરાણોમાં છે. તે શક્તિનો ઉપાસક નવદુર્ગાને પ્રસન્ન કર્યા પછી સિદ્ધસ્થાને સિદ્ધમાતાને પ્રસન્ન કરે, અપરાજીતા વૈષ્ણવી પ્રસન્ન કરી "વાસુદેવ" અને "વૈષ્ણવી મહાવિદ્યા" મેળવી તમામ સંહારકશક્તિ એકત્ર કરે, અગ્નિ અને સુર્યદેવને પ્રસન્ન કરી વિશેષ શક્તિઓ મેળવે, સ્વયં મહાદેવને પ્રસન્ન કરી "ત્રિબાણ-શક્તિ" હસ્તગત કરે, જેને આજે લેસર મિશાઈલ કહી શકાય. પ્રથમ બાણ દુશ્મનને માર્ક કરે, બીજુ બાણ મિત્રોને માર્ક કરે અને ત્રીજુ બાણ માત્ર દુશ્મનનો સંહાર કરી, પાછા ત્રણેય બાણ તુણીરમાં આવી જાય.! એટલે કે સુદર્શન ચક્રથી વિશેષ શક્તિ, માત્ર એક બાણના સંધાનથી દુશ્મન સેનાનો સોથ વાળી દે, તેવો મહારથી કઈ સેનાને પસંદ ના આવે..! પણ, કૃષ્ણની મુત્સદી સામે વિદ્યાઓની શું વિસાત ! એવું કહી તો બાર્બરિક અને કૃષ્ણ બન્નેનું અપમાન ગણાય. તો પછી કૃષ્ણે તેનું આત્મ વિલોપન, સ્વહસ્તે મસ્તક સમર્પણ કેમ કરાવ્યું ? કેમ કે બર્બરિકને માતાનું પ્રશિક્ષણ હતું કે હંમેશા નબળાની પડખે રહેવું, અહિંયા બર્બરિક પાસે અનુભવનો અભાવ છે. ધર્મ-અધર્મના યુદ્ધમાં નબળાની નહીં, ધર્મપાલન કરનારની સહાય કરવી જાઈએ તેવું પૂર્ણ સત્ય ના સમજી ને બર્બરિકે માત્ર નબળાના પક્ષે લડવાની વાત પકડી, જે દુરંદેશી કૃષ્ણ પામી ગયા, કે આ તો જે સેના નબળી પડશે તે તરફી થશે, અંત સુધી જે પક્ષ નબળો થશે ત્યાં આ લડશે, જેમાં ધર્મ-અધર્મ તરફી સૌ નાશ પામશે, જેથી આ મહાયોધ્ધો તો ભિષ્મ, દ્રોણ કે કર્ણ કરતા ય વધારે ઘાતક બનશે. તેથી બર્બરિકને યુદ્ધ પહેલા, યુદ્ધનો પહેલો શહિદ બનાવ્યો. તે યાજ્ઞાકારી છે, ચુસ્ત છે, લડાયક છે. તપસ્વી છે. બળુકો છે પણ તેની એક નાની પ્રતિજ્ઞા, "માત્ર નબળાની પક્ષે રહીશ" જે પ્રથમ દર્શિય ખોટી નથી, નબળાના પક્ષે રહેવું એ સાચી વિરતા કહેવાય તેવું, આ નાનું યુદ્ધ નથી. આ ધર્મયુદ્ધ છે, મહાયુદ્ધ છે, સત્યના અસ્તિત્વનું યુદ્ધ છે. તેથી અમાપ શક્તિ ધરાવનાર, દુનિયાનું મહાયુદ્ધ લડવાના સ્વપ્ન જાનાર, આ તેજસ્વી બર્બરિક પોતાના ગુરુની કૃષ્ણયાજ્ઞાને કારણે સ્વૈચ્છિક મસ્તક ઉતારી દે છે. અને મહાયોદ્ધો હોવાથી, યુદ્ધદર્શક બનવા વિનંતી કરે છે, તેથી કહેવાય છે કે માત્ર ધડ વગર મસ્તકને શ્રીકૃષ્ણ વરદાન આપી યુદ્ધ પર્યન્ત જીવંત રાખે છે.
અહીંયા બર્બરિકની અર્ધસમજમાં અનુભવનું ભાથુ નથી. અનુભવ સૌથી મોટો શિક્ષક છે તેની ગેરહાજરીએ મહાયોદ્ધાને યુદ્ધ લક્ષ સુધી પહોંચવા ના દીધો. બાર્બરિક-કથા નો સાર એ છે કે નબળાને મદદગાર થવું સ્વાભાવીક છે, પણ જ્યારે વાત ધર્મ, સત્ય અને સિદ્ધાંતની હોય ત્યારે મદદ પામેલી વ્યક્તિ અધર્મી કે સત્ય વિરોધી નથી, તેની ચકાસણી જરુરી છે, આવું થાય તો નબળાને મદદ એ વિરતા નથી. નબળું સબળ બનીને અધર્મ આચરે, સમાજને નુકસાન કરે તો, તને કરેલી મદદ અધર્મ છે. યોગ્ય પાત્રને જ દાનનો કે વિદ્યાનો મહિમા પુરાણોમાં એવી રીતે ઉલ્લેખાયો છે કે, વિદ્યાધન કે અન્ય સંપત્તિનું દાન કરવા માટે જો, કોઈ સુપાત્ર કે યોગ્ય વાહકો ન મળે તો ભલે એ વિદ્યા નકામી જાય, ભલે ધનના ચરુ ભો'માં ભડારાઈ જાય, કે અન્ય સંપત્તિ-શક્તિનો પૂર્ણતઃ નાશ થઇ જાય, પણ કૃપાત્રને હાથમાં ખોટી વિદ્યા, કે ધન-સંપત્તિ ના જવા દેવું.
યુધ્દ્યન્તે પાંડવો શ્રીકૃષ્ણને પૂછે છે કે આ યુદ્ધવિજયમાં મુખ્ય હીરો કોણ, અને તેનો જવાબ બર્બરિક પાસે માંગવાનું કહેતા બર્બરિક કહે છે કે, હારવા-જીતવા તથા મર્યા-માર્યા બંને પક્ષે સૌ યુદ્ધોમાં, ઘાયલ થતા અને કરતા, મરતા અને મારતા, સૌમાં મને તો શ્રીકૃષ્ણ જ દેખાયા છે, ત્યારે પાંડવો ગર્વ, અભિમાન મૂકી, રાજ્ય સિંહાસનની મોહમાયા મૂકી હિમાળો ગાળવા પ્રસ્થાન કરે છે, કળિયુગમાં બર્બરિકની કૃષ્ણના એક નામ 'શ્યામ' થી પૂજાશે, તેવી લોક્વાયકા આધારિત, રાજસ્થાનમાં આવેલા શિકરમાં બર્બરિક આજે શ્યામખટ્ટુ (ખટ્ટુશ્યામ) તરીકે પુજાય છે. તે દેવ "બળિયા દેવ" કે જે હંમેશા નબળાની વ્હારે આવે છે, તે બર્બરિકનો અવતાર છે અને નબળાઓની સાચી યાચના ચોક્કસ પૂર્ણ કરે છે તેવી ભાવિકોને અપાર શ્રદ્ધા છે. રાજસ્થાનમાં આજે પણ "ખાટુશ્યામ" તરીકે તેની પૂજા થાય છે..(અનુંસંધાન:શૈલેષ રાવલની fbમાંથી સાભાર )
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )