MOJISTAN - 64 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 64

Featured Books
Categories
Share

મોજીસ્તાન - 64

મોજીસ્તાન (64)

હુકમચંદ ઘેર આવીને વિચારમાં પડ્યો હતો.જો આ લખમણિયાનું ભૂત હાથમાં આવી જાય તો ગામમાં પોતાનો જેજેકાર થઈ જાય. સરપંચ તરીકે ગામમાં હજી સુધી પોતે ખાસ કંઈ ઉકાળી શક્યો નહોતો એટલે હુકમચંદને આ ભૂતમાં રસ પડ્યો હતો.ભાભા અને તખુભાને ભેટી ગયેલું એ ભૂત વહેલું મોડું પોતાને ભેટવું જોઈએ એવી એને આશા હતી.

"જો મને એ ભૂતનો ભેટો થઈ જાય તો તો સાલાને ભડાકે જ દઈ દઉં.જો એ ખરેખર ભૂત હશે તો ગોળી એને ક્યાં વાગવાની છે.પણ જો કોઈ માણસ ભૂત બનીને હેરાન કરતું હશે તો ? મશ્કરી કરવા જતાં એને મોત મળશે.જો કે મને જશ મળશે અને કાયદેસર કોઈ સજા પણ થશે નહીં.કારણ કે મેં તો ભૂત જાણીને જ ગોળીબાર કર્યો હોય એટલે કાયદેસર કોઈ ગુનો બને નહિ." હુકમચંદે આમ વિચારીને ઘરમાંથી પોતાની પિસ્તોલ કાઢી.થોડા વર્ષો અગાઉ જ આ પિસ્તોલનું લાયસન્સ એણે મેળવ્યું હતું.એક સાથે આઠ ગોળી છોડી શકાય એવી એ બધુંક હતી.

હુકમચંદ પિસ્તોલ તપાસી રહ્યો હતો એ જ વખતે એનો ફોન રણક્યો.હુકમચંદે ઘડિયાળમાં જોયું.સાંજના આઠ જ વાગ્યા હતા.હુકમચંદે જોયું તો ફોન જગા ભરવાડનો હતો.

"હેલો સરપંચ શાબ્ય,હું જગો બોલું છું. રણછોડભાઈએ અમને ખોંગ્રેસમાં જોડાઈ જાવાનું દબાણ કર્યું છે."

"વાંધો નહિ જગલા, તું ને નારસંગ બેઉ ઈ રણછોડીયો કહે એમ કરો.એની પાર્ટીમાં જોડાઈ જાવ.પણ યાદ રાખજો તને મારા જાસૂસ તરીકે કામ કરવાના છો.એનો વિશ્વાસ જીતીને એ લોકો શું શું આયોજન કરે છે ઈ મને જણાવતા રે'જો.હુકમચંદની નોકરી તમારે છોડવાની નથી. તારો અને નારસંગનો પગાર ચાલુ રે'શે."

"તો તો બવ હારું.ઈ રણછોડીયો વાહરશે તોય અમે તમને કય દેશું.તમે બે ફિકર રે'જો સરપંચ. તમારું લુણ ખાધું છે ઈ અમે નથી ભૂલવાના." કહી જગાએ ફોન મુક્યો.

હુકમચંદ ફરી ભૂતના વિચારે ચડ્યો.એની પત્નીએ આવીને કહ્યું,

"ગામનો વહીવટ કરવામાંથી તમે ઊંચા આવતા નથી. ઘરમાં જુવાન દીકરી છે ઈતો ખબર્ય સે ને ! હવે ઈના હાથ પીળા કરી નાખવાનો સમય થઈ ગયો છે.એકવાર તો ઘરેથી ભાગી ગઈ છે પણ હજી તમારી આંખ ઉઘડતી નથી. કોક સારું ઠેકાણું ગોતો ને દીકરી સામું જોવો તો સારું ભાઈશાબ..!"

"તું ઉપાધિ નો કર્ય. હું સારું ઠેકાણું ગોતી જ રહ્યો છું.મારા ધ્યાનમાં એક બે ઠેકાણા છે પણ ખરા.આપડે જેમ બને તેમ જલ્દી એનું ગોઠવશું." કહીને હુકમચંદે જોડા પહેર્યા.

સવજીની વાડીએ આજ રાતે ભજીયાનો પોગ્રામ હતો.ગામના બીજા બે ચાર જણ પણ આવવાના હતા.હુકમચંદે એનું બુલેટ ડેલીમાંથી બહાર કાઢ્યું.

હુકમચંદે બુલેટનું લીવર મેળવીને હળવેથી કીક મારી.ભૂડભૂડ અવાજ સાથે બુલેટ ઉપડ્યું કે તરત ગેરમાં નાંખીને હુકમચંદે લીવર આપ્યું. કમરમાં ખોસેલી પિસ્તોલ પર હાથ ફેરવીને એણે બુલેટની સ્પીડ વધારી.

એ વખતે હુકમચંદની ડેલી પાસેના ખાંચામાં અંધારે બેઠેલા એક જણે એનો મોબાઈલ કાઢીને એક નંબર ડાયલ કર્યો.

"હેલો શાબ્ય, શિકાર ઈના ઘરેથી બુલેટ લયને નીકળ્યો સે. મારે હવે શું કરવાનું સે ?" હળવેથી એ બોલ્યો.

"હુકમચંદ બુલેટ હળવે હળવે જ હાંકશે. ઈ ક્યારેય ફૂલ સ્પીડમાં હાંકતો નથી. તું એની પાછળ જા, એ ક્યાં જાય છે એનો ખ્યાલ રાખજે. પછી મને ફોન કર." સામેથી કોઈએ એ માણસને સૂચના આપી.

ફોન ખિસ્સામાં નાંખીને પેલાએ સાયકલ દોડાવી.ઠેકડો મારીને એ સાયકલની સીટ પર ગોઠવાયો.જોરથી પેડલ મારીને એણે સાયકલ હુકમચંદના બુલેટ પાછળ લીધી.એને સૂચના આપનારના કહ્યાં મુજબ હુકમચંદ નિરાંતે બુલેટ હાંકયે જતો હતો.

એ સાયકલ સવારે રાતના અંધારામાં વાડીઓમાં જતા રસ્તે હુકમચંદનો પીછો કરવા માંડ્યો.

*

"ટેમુ, આપણે ડોકટર પર નજર રાખવાની છે.ડોકટર આપણાં ગામમાં હમણાંથી વધુ ચગ્યો છે.રઘલો અને પશવો ડોકટર કહે છે એમ એના કવાટરમાં એનો લાભ લેવા નહોતા ગયા. એ બેઉને તખુભાએ જ મોકલેલા. ભાભાને મરી ગયેલા સમજીને ગામ ભેગું થયું હતું ત્યારે મેં જ ડોકટરને બોલાવવાનું કહ્યું હતું.એ રાતે કંઈક જરૂર બન્યું હોવું જોઈએ.રઘલો અને પશવો ગુમ થઈ ગયા અને તખુભાને લખમણિયાનું ભૂત ભેટી ગયું.મેં એ લખમણિયાના ભૂત સાથે ફોનમાં વાત કરી હતી. એ વખતે મેં કોઈ વાહનનો અવાજ સાંભળ્યો હતો.એટલે હું એક વાત ચોક્કસ કહી શકું એમ છું કે કોઈ વ્યક્તિ જ ભૂતનો રોલ અદા કરી રહ્યું છે.એ કદાચ એકલો નથી, એની પાછળ કોઈનું દિમાગ કામ કરી રહ્યું છે.એવું દિમાગ આ ડોકટર સિવાય બીજા કોનું હોઈ શકે ?''

બાબો અને ટેમુ સરકારી દવાખાના પાછળ ઓટલે બેઠા હતા.એ ઓટલા પર અંધારું હતું. ત્યાંથી ડૉક્ટરનું કવાટર ચોખ્ખું દેખાઈ રહ્યું હતું.કવાટરમાં શરૂ રહેલી લાઈટ ડોકટર જાગતા હોવાનું કહી રહી હતી.

"પણ ડોકટરને આવું કરવાથી શું મળવાનું છે ? એ શું કામ ગામને બીવડાવે ? એને તો સરકાર પગાર આપે જ છે ને !" ટેમુએ કહ્યું.

"એ તો ડોકટર જ કહી શકે.જો ખરેખર એનો હાથ હોય તો.."

"પણ ભાભા કહેતા હતા કે ભૂતે કરસનના ઓટલા પરથી હાથ લાંબો કરીને એમના હાથમાંથી થેલી પડાવી લીધી હતી.એની આંખમાં લાલ અંગારા સળગતા હતા.એ એક હાડપિંજર હતું. તખુભાએ પણ એવું જ ભૂત જોયું હતું.જો એ ભૂત ન હોય અને તું કહે છે એમ કોઈ માણસ હોય તો એનો હાથ એટલો લાંબો કેવી રીતે થાય ?"

"તો શું તું પણ એમ માને છે કે ખરેખર એ ભૂત જ હશે ? ટેમુડા ભૂત ફોન કરે ?"

"જમાના પ્રમાણે ભૂત પણ અપડેટ થાય કે નહિ ?"

"પણ આ તો બસ્સો ઓગણએંશી વરસ પહેલાનું ભૂત છે.એ વખતે તો કદાચ લેન્ડ લાઈન ફોન પણ નહોતા. તો પછી એ લખમણિયાને મોબાઈલ કેવી રીતે વાપરતા આવડે ?"

"તારી વાતમાં દમ તો છે.પણ..."

"જો ટેમુ,પિક્ચરમાં ભૂતનો રોલ કરનાર પરદા પર સાચું ભૂત લાગે છે કે નહિ ? હાડપિંજર જેવો કોઈ ડ્રેસ આવતો હોય અને આંખોમાં એલઈડી લગાવી હોય.લાંબો સળિયો હાથ તરીકે વાપર્યો હોય,ભાભા અને તખુભા જેવા ગામડિયા લોકોને આવી રીતે ભૂત બનીને ડરાવવા સાવ સહેલા છે." બાબાએ તર્ક રજૂ કર્યો.

ટેમુએ બાબાની વાત સ્વીકારી. એ વખતે ડોકટર એક બેગ લઈને કવાટર બહાર નીકળ્યા.

"જો ડોકટર બેગ લઈને બહાર નીકળ્યા. જોઈએ કોના ઘેર અત્યારે વિઝીટમાં જાય છે. આજ આ ડોકટરનું ભોપાળું પકડી પાડવાનું છે" કહી બાબો ઉભો થયો.

ડોકટરે બેગ કવાટરના પગથિયે મૂકીને કવાટરના બારણાં બંધ કરીને તાળું માર્યું.બાબો અને ટેમુ દવાખાનાની પાછળથી કવાટર તરફ આગળ વધ્યા.એ વખતે એક જણ બાઈક લઈને ગામના પાળા પરથી ઉતરી રહ્યો હતો. એણે મોટા રૂમાલ વડે બુકાની બાંધી હતી. નદીના પાળા પર સળગતી સ્ટ્રીટ લાઈટના અજવાળે ટેમુ અને બાબાએ એ માણસને જોયો. બાઈકની હેડલાઈટનો પ્રકાશ દવાખાના તરફ ફેંકાયો એટલે બાબો અને ટેમુ ઝડપથી દવાખાનાની પાછળ જતાં રહ્યાં.

"પેલો માણસ ડોકટરને લેવા આવ્યો લાગે છે.કદાચ એના ઘેર કોઈ બીમાર હોય તો એણે ફોન કર્યો હોય એમ બને." ટેમુએ કહ્યું.

"પણ એવું હોય તો એ માણસને બુકાની બાંધીને ચહેરો છુપાવવાની શી જરૂર છે.ટેમુ, એ માણસ જરૂર ડોકટર સાથે એની કોઈ યોજનામાં સામેલ થયો હોવો જોઈએ.હું એનો પીછો કરું છું.તું તારા ઘેર જઈને તારું બજાજ 80 લઈને હું ફોન કરું ત્યાં આવી જજે.સાથે કંઈક હથિયાર પણ લેતો આવજે.જા જલ્દી !" બાબાએ ટેમુની હળવેથી ધક્કો મારીને કહ્યું.

"પણ તું એ લોકોનો પીછો કેમ કરીશ.એ લોકો પાસે બાઈક છે તું પાછળ કેટલું દોડીશ !" ટેમુએ કહ્યું.

"આ ગામનું જ ઘી ખાધું છે ટેમુ.ગામનું ઘી ગામ માટે કામમાં નહિ આવે તો ક્યારે કામમાં આવશે ? હું એકસો વીસની ઝડપે પણ દોડીશ જરૂર પડશે તો, તું જા જલ્દી." કહી બાબો ડોકટરને જોઈ રહ્યો.

ટેમુ ઝડપથી દવાખાના પાછળથી નીકળીને નદી તરફ ભાગ્યો.એ વખતે ડોકટર બાઈક પર બેસી રહ્યાં હતાં.બાબો મુઠીયું વાળીને તૈયાર થઈ ગયો હતો.

ડોકટર પેલાને કાંઈક કહી રહ્યો હતો પણ બાબાને એ સંભળાતું નહોતું.ધીરે ધીરે એ કવાટર પર ડગલાં ભરવા લાગ્યો.એ જ વખતે પેલા બાઈક સવારે બાઈક વાળીને હાંકી મૂક્યું.બાબો અવાજ ન થાય એ રીતે એ બાઈકની પાછળ દોડવા લાગ્યો.

બાઈક સવજીની વાડીને રસ્તે ચડ્યું એટલે બાબો ધીમો પડ્યો. એ ઘેરથી નીકળ્યો ત્યારે સવજી એની એમ્બેસેડર લઈને ભાભાને લેવા આવ્યો હતો.આજ રાત્રે સવજીની વાડીએ ભજીયાના કાર્યક્રમમાં ભાભાને ખૂબ આગ્રહ કરીને એ સવજી લઈ ગયો હતો. એ બાબાને યાદ આવ્યું.

'કદાચ આ ડોકટરને પણ આમંત્રણ આપવામાં આવ્યું હશે. ડોકટરને લેવા સવજીનો કોઈ દાડીયો આવ્યો હોય એમ બની શકે.તો તો ડોકટર પર ખોટી શંકા કરી રહ્યો છું.' બાબો એમ વિચારીને ધીમો પડ્યો.

"હેલો....ટેમુ, તું તારું ભરભટિયું લઈને સવજીભાઈની વાડીએ આવ.ડોકટર ત્યાં જઈ રહ્યાં હોય એમ લાગે છે.કદાચ ત્યાં ભજિયાનો કાર્યક્રમ છે.જો કંઈ આડું અવળું નહિ હોય તો આપણે ભજીયાના કાર્યક્રમમાં સામેલ થઈશું. ભાભા પણ સાંજે ત્યાં જ ગયા છે.એટલે આપણે જઈશુ તો કોઈ સવાલ નહિ કરે."
બાબાએ ટેમુને ફોન કરીને પોતાનું લોકેશન બતાવ્યું.

ટેમુએ એનું બજાજ 80 બહાર કાઢ્યું.એ જોઈને મીઠાલાલ ચમક્યો.

'આ મારો બેટો આટલી રાતે ક્યાં ઉપડ્યો ?' એમ વિચારીને એ ઉભા થયા.ટેમુને પૂછવાનો કોઈ અર્થ નહોતો.કારણ કે એ સરખો જવાબ આપવાનો નહોતો.એટલે ટેમુની પાછળ મીઠાલાલે સાઈકલ ઉપાડી.ગામડાના કાચા રસ્તા પર સાઈકલ વડે પણ કોઈનો પીછો કરી શકાય તેમ હતું.

*

રવજી અને સવજીની વાડીમાં લીલી મેથી, કોથમીર અને મરચાં સરસ ઉતર્યા હતા.એ બંને ભાઈઓ ખાવા અને ખવડાવવાના શોખીન હતા.એટલે અવારનવાર આવા પોગ્રામ કરતાં. અને ગામના આગેવાનો અને દોસ્તોને આમંત્રણ આપતા.આજ પણ ભાભા, હુકમચંદ,ગંભુ અને માનસંગ, તખુભાના ખાસ માણસો જાદવ, ભીમો,ખીમો,ડોકટર લાભુ રામાણી વગેરે ભજીયા પાર્ટીમાં આમંત્રિત હતા.આવા પોગ્રામમાં તખુભા હોય જ, પરંતુ તખુભા હજી હોસ્પિટલમાંથી ઘેર આવ્યા નહોતા.

ગામનો કંદોઈ ગણપત ખૂબ સારા ભજીયા બનાવી જાણતો. મેથીના ગોટા, મરચાની પટ્ટીના ભજીયા,અને બટેટાના ગોટા સાથે સવજીના ઘરની ભેંસની છાછ સાથે આજનો પોગ્રામ જામવાનો હતો.

ડોકટર, ભાભા અને હુકમચંદને વાડીની ઓરડી પાસે ખાટલો ઢાળીને બેસાડવામાં આવ્યાં હતાં. એ લોકો આસપાસ બીજા બધા પણ અલગ અલગ ખાટલે બેસીને તળાઈ રહેલા ભજીયાંની સુગંધ લઈ રહ્યાં હતાં.

"હાલો બેહી જાવ, પેલો ઘાણવો તિયાર છે.." કંદોઈ ગણપતે એક ઘાણ ઉતારીને સાદ પાડ્યો. જાદવ અને ભીમો- ખીમો એને મદદ કરી રહ્યાં હતાં.

પ્લાસ્ટિકના પાથરણા પર છાપા પાથરીને બધા અલગ અલગ કુંડાળા કરીને ભજીયા ખાવા બેસી ગયા.સવજીના દાડિયાએ ચટણીના કપ અને છાછના ગ્લાસ મૂક્યા.
મિક્ષ ભજિયાનો પહેલો ઘાણ ઉતર્યો એટલે જાદવે બેઉં કુંડાળામાં છાપા ઉપર ભજીયા નાંખ્યા. એક કુંડાળામાં ભાભા, હુકમચંદ, ડોકટર,ગંભુ,માનસંગ અને સવજી વગેરે બેઠા હતા. બીજા કુંડાળામાં રવજી અને ગામના બીજા બેચાર જણ બેઠા હતા.જાદવ, ખીમો અને ભીમો બધાને ભજીયા પીરસવામાં અને ગણપતને મદદ કરવામાં રોકાયા હતા.

"વાહ, વાહ..શું ભજીયાની તીખાશ છે. આહા..હા...સવજી થોડાંક મરચાં મને બાંધી દેજે." ભાભાએ ભજીયાની પટ્ટી મોંમાં મુકતાં કહ્યું.

"તમારી જ વાડી છે ભાભા, થોડાક શું કામ ફાંટ બાંધીને લઈ જજોને તમતમારે.ભગવાનની દયાથી આ વરસે મરચાનો મબલક પાક ઉતરે એમ છે." સવજીએ હસીને કહ્યું.

બધા હસી મજાક કરતાં કરતાં ભજિયાનો આસ્વાદ માણી રહ્યાં હતાં.ટેમુ અને બાબો એ વખતે ટેમુનું બજાજ 80 વાડીના ઝાંપા પાસે મૂકીને સવજીની વાડીની ઝાંપલી ખોલીને અંદર આવી રહ્યાં હતાં.મીઠાલાલ પુત્રના પરાક્રમની શંકાએ ટેમુની પાછળ આવી રહ્યો હતો.

સવજીની વાડીની ઓરડી આગળ એક અને જે જગ્યાએ ગણપત ભજીયા તળવા બેઠો હતો એ જગ્યાએ એક લાકડી જમીનમાં ખોડીને એની સાથે એક બલ્બ રાખવામાં આવ્યો હતો. એટલે જરૂરી પ્રકાશ થઈ ગયો હતો.આ સિવાય ઓરડીમાં એક બલ્બ સળગતો હતો.

બાબો અને ટેમુ ભજીયા પાર્ટીમાં સામેલ થાય એ પહેલાં જ લાઈટ ચાલી ગઈ.ભજીયાના તવા નીચે સળગતો ચૂલો થોડો પ્રકાશ પાથરી રહ્યો હતો.

"સવા આ લાઈટ કેમ ચાલી ગઈ ? જરાક જોને ભઈ ?" ભાભાના મોંમાં ગરમ ભજીયું સ્થિર થઈ ગયું.અંધારામાં એમને ડર લાગતો હતો.

"આંય વાડીના પાવરમાં એવું જ હોય.પાવરનો ઝટકો આવ્યો હશે. હમણે આવી જશે.તમે ભજીયા ખાવાનું શરૂ રાખો.."

અચાનક ભજીયા તળતા ગણપતના મોઢા પર કોઈએ હાથ દબાવીને એને ખેંચ્યો.ગણપત ઉંહકરો પણ કરી શક્યો નહિ. એની પાસે જ બેઠેલા જાદવનું ધ્યાન ગણપત ઉપર અને એને ખેંચી જતા કાળા ઓળા ઉપર પડ્યું.

"ભૂ...ભૂ....ભૂ...ઉં...ઉં..." જાદવના ગળામાંથી રાડ નીકળી ગઈ.એ જ વખતે અંધારામાંથી પાણીની છાલક ઉડીને ગરમ તેલમાં પડી.ગરમ તેલનો છમકારો ગુંજી ઉઠ્યો.અને ચૂલો તરત જ ઓલવાઈ ગયો.

જાદવ હજી મોટી રાડ પાડવા જતો હતો ત્યાં જ એના ઝડબા પર અંધારમાંથી આવેલા હાથનો જોરદાર મુક્કો પડ્યો.જાદવ ઉથળીને ગળોટિયું ખાઈ ગયો.

ચારે તરફ અંધારું ફરી વળ્યું. ભાભાના ઝભ્ભામાં કંઈક જનાવર ચડ્યું હોય એમ લાગતા ભાભા ઉભા થઈને બાજુમાં બેઠેલા હુકમચંદ પર પડ્યા. રવજી અને સવજી પણ સાબદા થઈ ગયા પણ અંધારામાં કોઈને કશું દેખાતું નહોતું.

હુકમચંદે એની ઉપર પડેલા ભાભાને ધક્કો મારીને દૂર કર્યા. ભાભા વચ્ચે પડેલા ગરમ ભજીયા પર પડ્યા.એમના પગનું ઠેબુ લાગતા છાછ અને ચટણી ઢોળાઈ ગઈ. અચાનક કોઈએ હુકમચંદને થપાટ મારી.હુકમચંદે ''કોણ છે..કોણ છે..કોણ મને મારે છે.." એમ રાડ પાડીને કમરમાંથી પિસ્તોલ કાઢીને હવામાં ફાયરિંગ કર્યું.

"ઓહ્ય..ઓહ્ય બાપલીયા..મરી જિયો રે..." અંધારામાં ગણપતની બૂમ સંભળાઈ. ભીમો અને ખીમો હજી ચૂલા આગળ જ બેઠા હતા. અચાનક કોઈએ એ બેઉને બોચીમાંથી પકડીને જમીન સાથે એમના નાક ઘસી નાંખ્યા.એ બંનેના ગળામાંથી રાડ નીકળી ગઈ.

ભાભા ભજીયા પરથી ઉઠીને "આઘો મરજે લખમણિયા..તું આઘો મરજે..." એમ રાડો પાડતાં ગોળ ગોળ ફરવા માંડ્યા.એમના પગમાં ભજીયા,ચટણી અને છાછ રગદોળાઈ રહ્યાં હતાં.

હુકમચંદને ફરીવાર કોઈએ થપાટ મારી.એટલે એ ઉભો થયો.પણ ભાભાએ ચટણી છુંદીને નીચે બધું ચીકણું કરી મૂક્યું હોવાથી એનો પગ લપસ્યો.ઉભો થવા ગયેલો હુકમચંદ ગબડીને ગંભુ પર પડ્યો. ગંભુએ, ''અલ્યા અઘો મર્ય કે નહીં...'' એમ રાડ પાડીને હુકમચંદને ધક્કો મારીને ગબડાવ્યો. ફેરફુદરડી ફરતા ભાભા પર હુકમચંદે પોતાની દાઝ ઉતારવા ભાભાનું ધોતિયું ખેંચીને પાટું ઠોક્યું. ભાભા ગડથોલીયું ખાઈને બાજુના કુંડાળા તરફ ભાગ્યા.ભૂતની બીકે એ કુંડાળામાં બેઠેલા રવજી અને બીજા લોકોએ એ ભાભાને ભૂત સમજીને બેચાર ગડદા અને તમાચા મારી લીધા.

"અલ્યા હરામખોરો..તમારો ડોહો હું તભોભાભો ગુડાણો છું.મને ભૂત સમજીને શીદ મારો છો.." ભાભાએ રાડ પાડી.

આ બધું બે ત્રણ મિનિટમાં જ બની ગયું. ભાભાની રાડ સાંભળીને બાબા અને ટેમુએ દોટ મૂકી..!

(ક્રમશ:)