પ્રાયશ્ચિત પ્રકરણ 47
રામકિશન તિવારી અસલમ શેઠનો ફોન આવ્યા પછી ડરી ગયો હતો. અસલમ એનો બોસ હતો. "ભાઈ" તરીકે જ એ ઓળખાતો હતો. પોતે રાકેશને ફઝલુ પાસે મોકલ્યો એ બૉસને ખબર પડી ગઈ હતી. ફઝલુ બૉસનો જ માણસ હતો. રાકેશના માથે હવે મોત ભમતું હતું એનો એને ખ્યાલ આવી ગયો. સવારે જ રાકેશને જામનગર છોડી દેવાનું કહેવું પડશે એવું એણે વિચારેલું.
પરંતુ સવારે એ રાકેશને સાવધાન કરી શક્યો નહીં. સવારે ૯ વાગે એને કોઈ પોલીસે ફોન કરીને સમાચાર આપ્યા કે રાજકોટ રોડ ઉપરથી ગઈકાલે રાત્રે રાકેશની લાશ મળી આવી છે.
આ સમાચાર મળ્યા પછી એ ખરેખર થથરી ગયો. એનો પોતાનો દીકરો દીપક પણ રાકેશનો જ સાગરીત હતો. બૉસે એમ પણ કહ્યું કે બાકીના ત્રણને પાતાળમાંથી શોધી કાઢીશ. મતલબ દીપકને પણ એ ઠાર મારી શકે છે.
આ કેતન કોણ છે એની તિવારીને આજ સુધી કંઈ ખબર ન હતી. રાકેશે એને મારવાની સોપારી ફઝલુને આપી હતી. પણ રાકેશ જ પોતાનો જીવ ખોઇ બેઠો હતો. હવે દીપકના માથે પણ જીવનું જોખમ હતું.
એ દોડતો દીપકના બેડરૂમમાં ભાગ્યો. દીપક હજુ સુતો હતો. બૂમ પાડીને એણે દીપકને ઉઠાડ્યો. દીપક સફાળો જાગી ગયો અને એણે રામકિશન તિવારીનો ગભરાયેલો ચહેરો જોયો.
" જલ્દીથી ભાગી જા. જામનગર છોડી દે. તારા પેલા બે ભાઈબંધોને પણ ભાગી જવાનું કહી દે. રાકેશનું મર્ડર થઈ ગયું છે. હવે તમારા ત્રણ નો વારો છે. ખબર નથી પડતી તમે લોકો કોની સામે પડ્યા છો !! " તિવારી બોલ્યો.
" અરે પણ પાપા રાકેશે તો કેતનને મારવા ફઝલુને સોપારી આપી હતી તો પછી રાકેશનુ મર્ડર કેવી રીતે થયું ? " દીપક કંઈ સમજ્યો નહીં.
"તું ફટાફટ કપડાં પહેરી લે. બેગ તૈયાર કર અને જલ્દી ભાગ. એક લાખ રૂપિયા તને આપું છું. હું ના કહું ત્યાં સુધી જામનગરમાં પગ ના મુકતો. હું કંઇક રસ્તો કાઢું છું. રસ્તામાંથી તારા ભાઈબંધોને પણ ભાગવાનું કહી દેજે. નહીં તો આજે કોઈ જીવતો નહીં બચે. " તિવારી બોલ્યો.
" એ કેતનને આપણા બૉસ અસલમ શેઠ સગા ભાઈ કરતાં પણ વિશેષ માને છે. કાલે રાત્રે જ મારા ઉપર ભાઈનો ફોન આવેલો. રાકેશને ફઝલુ પાસે મેં જ મોકલેલો એ એમને ખબર પડી ગઈ એટલે મારા ઉપર પણ ભયંકર ગુસ્સે હતા. "
" હવે મારે કેતનભાઇના પગ પકડવા પડશે. બે હાથ જોડીને માફી માગવી પડશે. એ જ તમને લોકોને બચાવી શકશે. પણ અત્યારે તો તમે લોકો ભાગી જ જાઓ. " રામકિશન બોલ્યો.
પાપાની વાત સાંભળીને દીપક ખરેખર ટેન્શનમાં આવી ગયો. તેની કલ્પના બહારનું બની ગયું હતું. તેનો ખાસ મિત્ર રાકેશ ગોળીઓથી વીંધાઈ ગયો હતો. પોતાના હાલ પણ આવા થઈ શકે એમ હતા. આ કેતન સાથે વેર બાંધીને રાકેશે બહુ મોટી ભૂલ કરી. કેતનને સમજવામાં બધા માર ખાઈ ગયા. હવે તાત્કાલિક જ મારે નીકળવું પડશે. અને રણમલ તેમજ લખાને પણ ફોન કરવો પડશે.
દીપક પંદર મિનિટમાં તૈયાર થઈ ગયો અને બેગમાં એક લાખ લઈને બાઈક ઉપર લાલપુર રોડ તરફ ભાગ્યો.
એણે રસ્તામાંથી રણમલને ફોન કર્યો અને તાત્કાલિક જામનગર છોડી દેવાની સૂચના આપી. દીપકની વાત સાંભળીને રણમલ તો ઠરી જ ગયો !! રાકેશ જેવા રાકેશનું જો મર્ડર થઈ જાય તો આપણી શું ઓકાત !! કેતનની દુશ્મની મોંઘી પડી. એણે પણ ફટાફટ ભાગવાની તૈયારી કરી.
રણમલ સાથે વાત પતાવીને દીપકે લખાને ફોન કર્યો. પરંતુ લખાએ ફોન ના ઉપાડ્યો કારણ કે એ પોલીસ સ્ટેશનમાં લોક-અપમાં હતો.
વધારે રોકાવાય એવું હતું નહીં એટલે મોબાઈલ સ્વીચ ઓફ કરીને દીપકે લાલપુર તરફ બાઈક ભગાવી. રાજકોટ તરફ જવાય એમ હતું નહીં અને દ્વારકા તરફનો જાહેર રસ્તો પણ જોખમી હતો એટલે હાલ પૂરતું એણે લાલપુર બાજુ જવાનો નિર્ણય લીધો.
**************************
કેતન રાજકોટ ગયો એ દરમિયાન પૃથ્વીસિંહે પોતાનું કામ પતાવી દીધું હતું. કેતનનો પીછો કરતી બાઇકનો નંબર એણે નોંધી લીધો હતો એટલે લખાનું પુરુ એડ્રેસ એને મળી ગયું હતું. એણે સાંજે જ લખાને ઘરેથી ઉઠાવી લીધો હતો અને લોક-અપમાં પુરી દીધો હતો.
આખી રાત લોક-અપમાં ભૂખ્યો તરસ્યો રાખ્યા પછી સવારે સાડા નવ વાગ્યે પૃથ્વીસિંહે તેને રિમાન્ડ ઉપર લીધો હતો. ખૂબ જ માર મારીને અધમૂઓ કરી દીધો હતો હતો !!
લખાએ વટાણા વેરી દીધા હતા. પોતાનો ગેંગ લીડર રાકેશ વાઘેલા હતો અને એના કહેવાથી જ રેકી ચાલુ કરી હતી. એટલું જ નહીં પરંતુ રાકેશે કેતનની સોપારી રાજકોટના કોઈ માથાભારે ગુંડાને આપી હતી. એણે ફઝલુનું નામ ના દીધું. કારણ કે ફઝલુને જો ખબર પડે તો લખાનું જ આવી બને.
સમાચાર ઘણાં ગંભીર હતા. સુપ્રિન્ટેન્ડેન્ટ સાહેબને આ વાત કરવી જ પડશે. પૃથ્વીસિંહે સર ને રિપોર્ટ આપવા મોબાઈલ હાથમાં લીધો ત્યાં જ સ્ટાફના એક કોન્સ્ટેબલે નજીક આવીને પૃથ્વીસિંહને સમાચાર આપ્યા.
" સર રાકેશ વાઘેલાનું મર્ડર થઈ ગયું છે અને લાશ કાલે રાત્રે બે વાગે રાજકોટ રોડ ઉપરથી મળી છે. " કોન્સ્ટેબલ બોલ્યો.
" વૉટ !!! રાકેશનું ખૂન થઈ ગયું ? "
" જી સર. લાશ પોસ્ટમોર્ટમ માટે ગયેલી છે. હમણાં જ સમાચાર મળ્યા. " પોલીસ કોન્સ્ટેબલ બોલ્યો.
આ સમાચાર લખાએ પણ સાંભળ્યા અને ભયનું એક લખલખું એના શરીરમાંથી પસાર થઈ ગયું. પોતે ખોટો રાકેશના વાદે આ ચક્કરમાં ફસાયો હતો.
પૃથ્વીસિંહ ઊભો થયો. કોકડું ગૂંચવાતું હતું. રાકેશે કેતનને મારવા સોપારી આપી હતી અને રાકેશનું જ ખૂન થઈ ગયું હતું. કેતન સરને મારે આ સમાચાર આપવા જોઈએ. એ તો સાંજે જ આવી ગયા હતા.
" સર પૃથ્વીસિંહ બોલું. "
" હા બોલો પૃથ્વીસિંહ " કેતન બોલ્યો.
" સર તમે કંઈ સમાચાર સાંભળ્યા ? " પૃથ્વીસિંહે પૂછ્યું.
" કેવા સમાચાર ? ગઈકાલે સાંજે રાજકોટથી આવી ગયા પછી હું ઘરે જ છું. મને કોઈ સમાચાર મળ્યા નથી. " કેતન આશ્ચર્યથી બોલ્યો.
" સર હું જાતે જ ઘરે આવું છું. વાત જરા ગંભીર છે. " કહીને પૃથ્વીસિંહે ફોન કાપી નાખ્યો.
દસેક મિનિટમાં જ પૃથ્વીસિંહ બુલેટ લઈને કેતનના ઘરે પહોંચી ગયો.
" સર તમારી રેકી કરનારો લખાનો જ માણસ હતો. લખાને મેં ગઈકાલે રાત્રે જ ઉઠાવી લીધો છે. એને આજે સવારે રિમાન્ડ પર લીધો. એના કહેવા મુજબ રાકેશ વાઘેલાના કહેવાથી લખાએ તમારા ગેટ ઉપર ઊભા રહીને તમારી વિડિયો ક્લિપ ઉતારી હતી. અને એ વીડિયો ક્લિપ રાકેશના મોબાઈલ માં ફોરવર્ડ કરી હતી." પૃથ્વીસિંહ આખો રિપોર્ટ કેતનને આપી રહ્યો હતો.
" રાકેશે રાજકોટના કોઈ ગુંડાને તમારું મર્ડર કરી નાખવા સોપારી આપી હતી. તમારી વીડીયો ક્લીપ એ ગુંડાના મોબાઈલમાં ફોરવર્ડ કરી હતી જેથી એ તમને બરાબર ઓળખી શકે. બહુ ઊંચી રમત રમાઈ છે કેતન સર. તમારા મર્ડરની આખી સાજીશ રાકેશે રચી હતી. " પૃથ્વીસિંહ બોલ્યો.
" પરંતુ રામ રાખે તેને કોણ ચાખે ? સર ગઈકાલે રાત્રે રાકેશ વાઘેલાનું જ રાજકોટ રોડ ઉપર મર્ડર થઈ ગયું છે. " પૃથ્વીસિંહ બોલ્યો.
" વૉટ !! રાકેશ વાઘેલાનું ખૂન થઈ ગયું ? પરંતુ એનું ખૂન કોણ કરે અને શા માટે કરે ? " કેતન બોલ્યો.
" એ તો મને અત્યારે કંઈ જ ખબર નથી સર. એ પોલીસ તપાસનો વિષય છે. અત્યારે રાકેશ વાઘેલાની લાશ પોસ્ટમોર્ટમ માટે ગઈ છે. અને તમારા માથેથી ઘાત હવે ટળી ગઈ છે." પૃથ્વીસિંહ બોલ્યો.
" ખરેખર દુઃખદ સમાચાર છે. રાકેશને તો હું ઓળખતો પણ નથી. ક્યારેય જોયો પણ નથી. છતાં ઈશ્વર એના આત્માને શાંતિ આપે. " કેતન વ્યથિત થઈને બોલ્યો.
" સર આવા લોકોનો અંત આવો જ હોય છે. એ પોતે પણ ગુંડો જ હતો. લખાના કહેવા પ્રમાણે એ ગેંગ લીડર હતો અને બુટલેગર પણ હતો એટલે આવા લોકોના દુશ્મનો પણ હોય જ. હવે હું રજા લઉં. સુપ્રિન્ટેન્ડેન્ટ સાહેબને મળીને રિપોર્ટ આપી દઉં છું. મારે લાયક હવે બીજું કંઈ કામ હોય તો મને કહેજો. " પૃથ્વીસિંહ બોલ્યો.
પૃથ્વીસિંહ બહાર નીકળ્યો અને એણે પોલીસ સ્ટેશન ફોન કરીને લખાને ઘરે જવા દેવાની છૂટ આપી.
પૃથ્વીસિંહ ગયા પછી કેતન વિચારમાં પડી ગયો. અસલમ શેખે એને વચન આપ્યું હતું કે આજે જ તારો પ્રોબ્લેમ કાયમ માટે દૂર થઈ જશે પરંતુ એ રાકેશનું મર્ડર કરાવી દેશે એવી એને કલ્પના નહોતી. આ તો ફરી પાછો જાણે અજાણે હું પાપનો ભાગીદાર થયો.
એણે અસલમ શેખને ફોન કરવાનો વિચાર કર્યો. પરંતુ ફોન કરતાં પહેલાં કેતને પૃથ્વીસિંહે જે વાત કરી એ આખીય વાત ઉપર શાંતિથી ફરી વિચાર કર્યો.
પૃથ્વીસિંહ ના કહેવા પ્રમાણે રાકેશ વાઘેલાએ પોતાને મારી નાખવાની સોપારી રાજકોટના કોઈ ગુંડાને આપેલી અને વીડિયો ક્લિપ પણ ટ્રાન્સફર કરેલી.
ફઝલુ નામનો જે માણસ ચાર વાગે અસલમના ઘરે આવ્યો હતો એને અસલમે રાકેશને ઉઠાવી લાવવાનો આદેશ આપ્યો હતો. તો પછી એ માણસે રાકેશનું મર્ડર કેમ કર્યું ?
કેતનને યાદ આવ્યું કે ફઝલુ નામના એ માણસે અસલમને બે મિનિટ અંદર જઈને પર્સનલ વાત કરવાની વિનંતી કરી હતી અને અસલમ એને લઈને અંદર પણ ગયો હતો.
એવું પણ બને કે ફઝલુ જ એ માણસ હોય કે જેને રાકેશે મારી સોપારી આપી હોય. ફઝલુ મને જોઈને ઓળખી ગયો હોય અને એણે અસલમને બધી સાચી વાત કરી દીધી હોય.
ફઝલુની વાત સાંભળીને અસલમને સખત ગુસ્સો આવ્યો હોય અને એણે રાકેશને પતાવી દેવાની જ વાત કરી હોય. કારણકે મારા મર્ડરની વાત અસલમ ક્યારે પણ સહન ના કરી શકે !! આવું બનવાની શક્યતા વધારે હતી.
આ બાબતની ચર્ચા અત્યારે મારે ફોન ઉપર નથી કરવી. આ પ્રકરણ ઠંડું પડી જાય પછી થોડા દિવસ પછી અસલમ સાથે રૂબરૂમાં જ આ બાબતની વાત કરવી પડશે. હું અસલમને મળવા ગયો હતો એ વાત પણ મારે હવે કોઈને કહેવાની જરૂર નથી. નહીં તો અસલમ તકલીફમાં મુકાઈ જશે.
સાંજ સુધીમાં તો આખા જામનગરમાં ખબર પડી ગઈ કે રાકેશ વાઘેલા નું મર્ડર થઈ ગયું છે. આવા સમાચારો જલ્દી ફેલાઈ જતા હોય છે.
નીતા મિસ્ત્રીને પણ આ વાતની જાણ સાંજે ચાર વાગે થઈ ગઈ. એને જો કે આ સમાચારથી બહુ જ આશ્ચર્ય થયું. એને મન થયું કે આ બાબતની કેતન સર જોડે ચર્ચા કરે. પણ આજે ને આજે વાત કરવી યોગ્ય નહીં લાગે એટલે એણે એ વિચાર પડતો મૂકયો.
તે દિવસે એણે લખો એમનો પીછો કરે છે એવી વાત સી.સી.ડી માં બેસીને કેતન સરને કરી હતી અને સાવધ રહેવા પણ કહ્યું હતું. તો શું આ ઘટના પાછળ કેતન સર નો હાથ હોઈ શકે ?
ના... ના.. હું સર ને ઓળખું છું ત્યાં સુધી કેતન સર ક્યારે પણ આવું પગલું ભરી ન શકે. કોઈએ અંગત અદાવતમાં એની હત્યા કરી હોય એવું પણ બને. જે હશે તે વાગતું વાગતું માંડવે આવશે. મારે હવે એના ઊંડાણમાં જવાની કોઈ જ જરૂર નથી. જે થયું તે કેતન સર માટે તો સારું જ થયું છે. -- નીતા મનોમંથન કરી રહી હતી.
રાકેશની હત્યા થઈ ગઈ એ સમાચારથી કેતન ચોક્કસ વ્યથિત થઈ ગયો હતો. પોતે સીધી રીતે એમાં જવાબદાર ન હતો. રાકેશ પોતાના પાપે જ મર્યો હતો. છતાં કેતનને એમ લાગતું હતું કે પરોક્ષ રીતે ક્યાંકને ક્યાંક પોતે જવાબદાર હતો. એ અસલમને ના મળ્યો હોત તો આ ઘટના બનવાની ન હતી. કેતનને ચેન પડતું ન હતું.
જ્યારે પણ જીવનમાં આવી કોઈ મૂંઝવણ થાય ત્યારે ઊંડા ધ્યાનમાં બેસીને સ્વામીજીને યાદ કરવાનું એમણે જ મને કહ્યું હતું. આ બાબતમાં સ્વામીજી ચોક્કસ મારા મનનું નિરાકરણ કરશે. આજે ધ્યાનમાં બેસવું જ પડશે.
રાત્રે ૧૧ વાગે એણે શ્રીરામકૃષ્ણદેવ ને માતાજીને અને વિવેકાનંદજીને પ્રાર્થના કરી અને ધ્યાનમાં બેસી ગયો. દિલથી ચેતનાનંદ સ્વામીને વારંવાર યાદ કર્યા. પોતાની મૂંઝવણ દૂર કરવા વિનંતી કરી.
ધ્યાનની તુર્યાવસ્થામાં સ્વામીજી એને પૂર્વ જન્મમાં લઈ ગયા. તુર્યાવસ્થામાં સ્વામીજી અને કેતન વચ્ચે જે સંવાદ થયો અને સ્વામીજીએ એને જે રહસ્યો બતાવ્યાં એનો સાર આ પ્રમાણે હતો.
કેતન પૂર્વજન્મમાં જમનાદાસ હતો. એણે ત્રણ કરોડના ડાયમંડ લૂંટી લેવા હરીશ નામના એક કર્મચારીની સોપારી સુરતના માથાભારે ગુંડા સાવંતને આપી હતી. એ જ સાવંતનો પુનર્જન્મ રાકેશ વાઘેલા તરીકે જામનગરમાં થયો હતો.
હરીશનું મોત નદીમાં ગૂંગળાઈને તરફડીને થયું હતું. એનો આત્મા અવગતે ગયો હતો. નફરતની આગ એના સૂક્ષ્મ શરીરમાં પ્રગટી હતી. એના પોતાના પાછલા જન્મના વેરનો બદલો લેવાની ભાવનાથી આ જન્મમાં ફઝલુ તરીકે એ જન્મ પામ્યો હતો.
ફઝલુ ઉર્ફે હરીશે કેતન ઉર્ફે જમનાદાસ ને મારવા માટે સોપારી લીધી હતી. પરંતુ ખરેખર નદીમાં ડુબાડીને મારી નાખનાર તો સાવંત હતો એટલે એ કર્મનો બદલો લેવા માટે હરીશે રાકેશ ઉર્ફે સાવંતને જ માર્યો. આ બધી રમત નિયતીની જ હોય છે.
કેતન ઉપર ગોળીબાર થવાનો હતો પરંતુ આ જન્મનાં એનાં સારાં કર્મો ના કારણે અને સ્વામીજીએ કરાવેલા શતચંડી યજ્ઞના કારણે કેતન બચી ગયો અને શિકાર રાકેશ વાઘેલા બની ગયો. નજીકના ભવિષ્યમાં આવું થવાનું છે એવી સ્વામીજીને ખબર હતી એટલે જ એમણે શતચંડી યજ્ઞ ની સલાહ આપી હતી.
સ્વામીજીએ કેતનને સમજાવ્યું કે રાકેશ મૃત્યુ પામ્યો એના માટે પોતાની જાતને દોષ દેવાની કોઈ જરૂર નથી. સૌ પોતપોતાના કર્મો પ્રમાણે ગતિ પામે છે. કર્મનું ફળ ભોગવવા માટે ફરી જન્મ લેવો જ પડે છે. કાર્યકારણ ના હિસાબે સહુ એકબીજા સાથે પરિચયમાં આવે છે અને જોડાય છે.
સુરતથી જામનગર આવવું એ પણ નિયતિનો જ એક ખેલ હતો. રાકેશ ઉર્ફે સાવંતનું મૃત્યુ ફઝલુ ઉફેઁ હરીશના હાથે થાય એના માટે કેતન નિમિત્ત બન્યો હતો. અને એ નિમિત્ત બનવા માટે જ નિયતીએ એને જામનગર મોકલ્યો હતો અને નીતા મિસ્ત્રીના પડોશમાં જ એને ઘર અપાવ્યું હતું.
કેતન ધ્યાનમાંથી બહાર આવ્યો ત્યારે એનું મન શાંત થઈ ગયું હતું. નિયતિના ખેલ જોઇને એ નતમસ્તક બની ગયો હતો !!!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)