સાહિત્યમાં બહુ જૂજ પુસ્તકો એવાં છે, જેના પર અંત વગરની ચર્ચાઓ થઇ શકે અને દર વખતે એક નવા આયામથી તમે એ પુસ્તકને સમજી શકો. ગુજરાતી સાહિત્યમાં ઝવેરચંદ મેઘાણીનાં મોટા ભાગના સર્જનો આ હરોળમાં મૂકી શકાય.
મેઘાણીનાં સર્જનોમાં પાત્રાલેખનથી માંડીને કથાશૈલી, સંદર્ભોની છણાવટ, શબ્દ-વૈભવ, વગેરે બાબતો દ્વારા એમની ઉત્તમ સર્જનશક્તિ, એમનાં સર્જનો પાછળનો એમનો હેતુ, એમની કાર્યબધ્ધતા અને એક લેખક તરીકે ઉત્તમ કલાપ્રદર્શનની એમની આવડત અનાયાસે જ સમજી શકાય છે.
વર્ષો પહેલા ‘શોશેન્ક રેડીમ્પશન’ ફિલ્મ જોવાનું બનેલું અને પછી મહામહેનતે વ્યવસ્થા કરી સ્ટીફન કિંગની ‘રીટા હેવર્થ એન્ડ શોશેન્ક રેડીમ્પશન’ વાંચવાનું પણ શરુ કરેલું, આ ‘શોશેન્ક રેડીમ્પશન’ જોતી વખતે એક ખટકો લાગેલો કે આપણે ત્યાનું જેલ-સાહિત્ય કેમ ફક્ત યાતનાઓ અને રાજકીય વિરોધોથી ભરેલું છે; ‘ઓતરાતી દીવાલો’ જેવાં અમુક સર્જનોને બાદ કરતાં ગુજરાતીનું જેલ-સાહિત્ય મોટેભાગે રાજકીય ખટપટ અને રોજીંદા ક્રમોની ડાયરીની ગરજ સારતા ગ્રંથો બનીને કેમ રહી ગયા છે? અને એ જ અરસામાં મેઘાણીની ‘જેલ ઓફિસની બારી’ વાંચવાનું બન્યું. ફક્ત વિરોધની વાતો અને જેલની કારમી પરિસ્થિતિથી આગળ વધી આ સર્જન કેદીઓના મનઃપ્રદેશના ઊંડાણો સુધી પહોંચ્યું એ ખરેખર ગુજરાતી સાહિત્ય માટે ગર્વ લેવાં જેવી બાબત છે.
કારાવાસ દરમિયાન જેલ-ઓફિસમાં કારકુન તરીકે કામ કરતા-કરતા આ આખીયે વાર્તા એમનાં મનમાં ઘડાઈ અને વિવિધ જેલોમાં જોયેલા-અનુભવેલા પાત્રો આ વાર્તામાં વણાઈ ગયા. પ્રસ્તાવનામાં જ લેખક કબૂલે છે કે આ કથા કોઈ એક જેલની વાત નથી, અમુક પાત્રોના તો ફક્ત ઓળા જ પડ્યા હતા અને એને ઘાટા રંગે રંગવા એમને બીજી જેલોના અનુભવો પણ કામ આવ્યાં છે. વળી, એવું પણ નથી કે, આ કથાના દરેક પાત્રો સાથે લેખક રૂબરૂ થયા હોય, અહીંના અમુક પાત્રો મિત્રો-સ્નેહીઓની વાતોમાંથી પણ મેળવેલા છે. પણ, એકંદરે જોતાં આ આખીયે કથામાં મેઘાણીથી સહજપણે જ હરએક પાત્રનાં ઊંડા વિચાર-સ્રોત સુધી પહોંચી જવાયું છે અને એટલે જ કથાનું દરેક પાત્ર એક આગવાં પ્રભાવથી ખડું થાય છે.
આ કથાની બીજી લાક્ષણિકતા એ છે કે, સાહિત્યમાં આ ઢબની અન્ય કથાઓને ‘કેરેક્ટર બિલ્ડીંગ’માં જેટલો વખત લાગે છે એથી ઘણા ઓછા સમયમાં અને શબ્દોમાં મેઘાણીએ દરેક પાત્રને અસરકારક રીતે ઉપસાવ્યું છે.
આખીયે વાર્તાની વર્ણનકર્તા એક બારી હોય એ જ વિચાર મેઘાણીની કલ્પનાશક્તિ અને સર્જનશક્તિને એક અલગ જ સ્થાને લઇ જાય છે. એમની વર્ણનશક્તિ એ હદે મજબૂત છે કે બારી દ્વારા થતાં વર્ણનો વાંચતી વખતે વાંચકનાં મનમાં એ બધાં જ શબ્દો કોઈ સ્ત્રીનાં આર્દ્ર અવાજમાં પડઘાયા કરે. કોઈ નિર્જીવ વસ્તુમાં સજીવારોપણ કરી તેની પાસે આખી કથા કહેવડાવવી એ એક પડકાર તો ખરો જ, પણ મેઘાણી માટે એ જાણે રમતવાત હોય એમ તેઓએ બારીને એક મહત્વના પાત્ર તરીકે ઉપસાવી છે અને એક બારી જો સજીવ હોય તો એ બારીની વેદના કે એ બારીનું ઇન્ટ્રોસ્પેક્શન કેવું અને શું હોય એ પણ મેઘાણીસાહેબે બખૂબી ચીતરી જાણ્યું છે.
કેદીઓની પીડા, જેલની અરાજકતા અને સતત નીચે જ પડતા જતા માનવમૂલ્યોથી આહત બનેલી અને એથી જ સદાય કટાક્ષ અને વ્યંગમાં જ વાતો કરતી જેલ-ઓફિસની એક બારીને ફક્ત સ્ત્રીની વાણી આપીને મેઘાણી અટકી નથી જતાં. કેદીઓની વેદનાને જ પોતાની મૂડી ગણનાર ડાકણ જેવી એ બારીની પોતાની સંવેદનાઓ મેઘાણી બરાબર પારખી જાય છે અને વળી આ સંવેદનાઓમાં સ્ત્રીસહજ કોમળતા ઉમેરી એક ઉત્કૃષ્ટ લખાણ તેઓ આપી જાય છે. આ લખાણ વાંચતા કદાચ એવું લાગે કે આ લખાણ મેઘાણીની કલમ સિવાય શક્ય બન્યું જ ન હોત:
"આંસુના પ્રત્યેક બિંદુને હું નિહાળી નિહાળીને જોઉં છું. એ તો મારી રોજની કમાણીના રત્નો છે. દિવસવેળા એ ધગધગતા છાંટા પડતાં મારા ખોળાનો ચૂનો પણ ખદખદી જાય છે. છતાં હું ધીરજ ધરીને સહી સહી સંઘરું છું.(...) મારી એ કમાણી જોઈ જોઈ હું છાનીમાની ફૂલાઉં છું. ચાલતું હોત તો એ ટીપાનો હાર પરોવીને મારે સળિયે તોરણ બાંધત. (...) રાતભર મારો ખજાનો નીરખી નીરખીને પ્રભાતે પાછું જાણે કશું બન્યું જ નથી, મારી કને ગુપ્ત કશી સંપતિ નથી- એવી ચાલાકી કરીને હું કેવી ડાહીડમરી થઇ ઉભી રહું છું." (પૃષ્ઠ.૮)
આ કથામાં કોઈ નાયક-પ્રતિનાયક-ખલનાયકની સ્પષ્ટ છણાવટ નથી. કોઈ એક પાત્ર આખી કથાને ખેંચી જાય એવું પણ બનતું નથી. કથાનું દરેક પાત્ર એકસમાન મહત્વ અને પ્રભાવ સાથે આલેખાયેલું છે અને એટલે જ આ સર્જન બીજાં સર્જનોથી એક અલગ જ ઉંચાઈએ જઈને ઊભું રહે છે. કોઈ એક પાત્ર પર ધ્યાન કેન્દ્રિત કર્યા વગર એટલાં જ રસાલેખન સાથે વાત કહેવામાં લેખકે કેટલી ચીવટ અને ચતુરાઈ વાપરી હશે એનો અંદાજ સહજ રીતે જ વાંચક મેળવી શકશે.
જેમલા જેવો અભણ મજૂર જેલમાં છે અને પોતાને ઘરે મોકલવા માટે જયારે એ કોઈ રાજકેદી પાસે ત્રૈમાસિક પત્ર લખાવા બેસે છે ત્યારે એને શું લખાવવું એ સૂઝતું નથી. કઈ-કેટલુય પૂછી લેવાની, વહુને કે છોકરાને વ્હાલના બે-એક બોલ કહેવાની ઈચ્છાથી બેઠેલો જેમલો લખાવી-લખાવીને બસ એટલું જ લખાવી શકે છે કે,
“ચોમાસું માથે આવે છે. એકઢાળિયાનાં નળિયા ચળાવી લેજો, નીકર પાડી ને વોડકી(વાછડી) પલળશે. નળિયા ધરમશી કુંભારના લેજો; બીજાના લેશો નહી. ભૂલશો નહી. એકઢાળિયું ચળાવજો. આ બાબત ભૂલશો નહી. ધરમશી ધીરવાની ના પડે તો આપણા ખાવાના દાણામાંથી આલજો. પણ જરૂર એકઢાળિયું-” (પૃષ્ઠ.૧૧૯)
તો વળી બીજી બાજુ દલબહાદુર પંજાબી નામનો જનમટીપ પામેલો કેદી છે. એની ગરીબ મા એને દર ત્રણ મહીને છેક પંજાબથી મળવા આવી શકે અમ છે નહી એટલે વર્ષે દહાડે એ ડોશી બચત કરી-કરીને, આટલી લાંબી સફર ખેડીને અહી આવે છે. બબ્બે દિવસ સુધી જેલની બહાર ઝાડને છાંયે રહે છે. વારો આવે ત્યારે બન્ને માં-દીકરો મળે છે. પણ બન્નેમાંથી એકપણ વ્યક્તિ મુલાકાતના સમયમાં કશું જ બોલતા નથી અને બસ ચુપચાપ બેસી રહે છે. છુટ્ટા પડતી વખતે, ફરી મળી શકાશે કે કેમ એની શક્યતાઓ-અશક્યતાઓના મોજાઓ ઉપર ટહેલતાં એ માં-દીકરાની આંખમાં નામનું ય આંસુ નથી નીકળતું!
જેલજીવન વ્યક્તિની ભાવનાઓને કેટલી બેરહેમીથી રહેંસી નાખતું હશે- એ બાબત લેખક કેટલી ઊંડાઈથી રજૂ કરી જાય છે એ જ જોવાલાયક બાબત છે.
આવા તો અનેક પાત્રોને મેઘાણીએ ન જાણે કેટલીયે ઊર્મિથી આ કથામાં ચીતર્યા-ઉપસાવ્યા છે અને તે છતાં આ સવા સો પન્નાની કથામાં ક્યાય પણ વાંચક કંટાળી જાય એવું બનતું નથી.
જેલ-સાહિત્યને મેઘાણી દ્વારા આટલી સરસ કૃતિ સાંપડી છે એ એક ગર્વ લેવાની બાબત તો છે જ, પરંતુ આ કથા દ્વારા માનવસ્વભાવનું જે સુક્ષ્મ દર્શન કરાવાયું છે એનો સંપૂર્ણ લ્હાવો લેવો પણ એટલો જ જરૂરી છે.
મતલબ કે તમને જયારે પણ ગુજરાતી સાહિત્યની ગુણવત્તા પરથી ભરોસો ઉઠતો લાગે, કે કોઈ આવીને ‘આપણા ગુજરાતી સાહિત્યમાં વિશ્વકક્ષાની ગુણવત્તા છે જ નહિ’-નો બકવાસ કરે ત્યારે એક આશાભરી નજર આ પુસ્તક પર નાખી લેજો, આ પુસ્તક તમને કે આપણા સાહિત્યને હતાશ નહિ જ કરે, કેમ કે આ પુસ્તક તો આપણને અને આપણા સાહિત્યને ગર્વ કરવા જ પ્રગટ્યું છે.
આ પુસ્તક તમને ઉર્મીઓના અખૂટ પ્રદેશમાં ટહેલવા લઇ જાય અને એ પ્રદેશમાં તમે તમારો કાયમી વસવાટ શોધી શકો એવી કામના સાથે મહર્ષિ મેઘાણીને પણ શત શત નમન...
- હર્ષ ઠાકર