“હા ડોક્ટર, તે લોકોનું માનવું છે કે વધારાની
આંગળીવાળા લોકો અપશુકિયાળ હોય… એટલે એવી છોકરી તેમને નથી જોઈતી.” અંતરાના એક -એક શબ્દોમાં
કટુતા હતી, જાણે એ બોલતાં બોલતાં પોતે વર્ષોથી પીધેલું ઝેર ઓકી રહી હતી.
“અને માની લો કે તમે આ ફિંગર કઢાવી નાખી, પછી પણ એ લોકો તમારી દીકરીને
અપનાવવા તૈયાર ન થયા તો?”
ડોક્ટરનો આ સવાલ સાંભળીને પર્લ, અંતરા અને વિનીતના પગ તળેથી જમીન જાણે સરકી ગઈ!! આ બાબતે તો તેમણે વિચાર્યું
જ નહોતું! ત્રણેય સ્તબ્ધ થઈ ગયાં! પર્લને વર્ષો પહેલાં શાલુ માસીએ કરેલી સાત પૂંછડીવાળા ઉંદરની
વાર્તા યાદ આવી ગઈ… મારી દશા સાત પૂંછડી કાપીને બાંડા બનેલા ઉંદર જેવી તો નહિ થાય ને!
પર્લ એ વિચારથી જ થથરી ગઈ.
“સી, ઇફ ધે લાઈક અ ગર્લ, ધેન પોલીડેક્ટલી ફિંગર શુડ નોટ બી એન ઈશ્યુ… બિકોઝ યુ કાન્ટ જજ એની પર્સન બાય હિઝ ઓર હર આઉટર બ્યુટી...”
“ હું તમને વિશ્વની કેટલીય નામી વ્યક્તિનાં નામ ગણાવી શકું, જેઓ એક્સટ્રા ફિંગર કે ટોઝ સાથે જન્મ્યા છે… હોલિવૂડની ફેમસ એક્ટ્રેસ હેલ બેરી, ઓપેરા વિન્ફ્રે, મારિયા શારાપોવા, જિમ્મી ક્લીફ... અવર બોલીવુડ હીરો હ્રિતિક
રોશન...( હી ઇઝ હેવીંગ એક્સ્ટ્રા થંબ ઈન હિઝ રાઈટ હેન્ડ) આ બધાં જ એક્સ્ટ્રા ફિંગર
કે ટોઝ સાથે જન્મ્યાં છે...જો ખરેખર એવું હોય કે આવા માણસો અનલકી હોય, તો આ બધાને નામ, દામ અને પ્રસિદ્ધિ કેવી રીતે મળ્યાં?”
પર્લ, અંતરા અને વિનીત ત્રણેય ડો. બત્રાને સાંભળી રહ્યાં હતાં… તેમની સામે ચર્ચા કરવા માટે
તેમની પાસે કોઈ શબ્દો જ નહોતા!
થોડી વારના મૌન પછી ડો. બત્રા ફરી બોલ્યા, “સી, સ્ટીલ ઇફ યુ વોન્ટ ટુ ડુ સર્જરી, ધેન આઈ વિલ ડુ ઇટ… આઈ ડોન્ટ હેવ એની પ્રોબ્લેમ… જસ્ટ થીંક અબાઉટ ઇટ, ડીસ્કસ એટ હોમ… ટોક વિથ યોર બોયફ્રેન્ડ... વન્સ યુ કમ વિથ એની કનક્લુઝન, જસ્ટ કોન્ટેક્ટ મી… આઈ વિલ ડુ ધ સર્જરી… ઓકે?” આટલું કહીને ડો. બત્રા ચેર પરથી ઊભા થયા…પર્લ, અંતરા અને વિનીત પણ
ઊભા થયાં…
“આ મારું કાર્ડ છે... તમને કોઈ પણ સવાલ મુંઝવતો
હોય તો મને ઇ-મેઇલ પર પૂછી શકો છો... હું તમારા બધા જ સવાલોના
જવાબ આપીશ...” કહીને ડો. બત્રાએ પોતાનું કાર્ડ પર્લના હાથમાં આપ્યું.
“ઓકે ડૉકટર, થેંક યુ સો મચ ફોર યોર એડવાઈઝ
ઍન્ડ વેલ્યુએબલ ટાઈમ... ઇટ મીન્સ અ લોટ ટુ અસ.. વી વિલ ગેટ બેક ટુ યુ સૂન..” કહીને વિનીત અંતરા અને
પર્લ સાથે ડો. બત્રાની કેબિનમાંથી બહાર નીકળી ગયો.
“અને માની લો કે આ ફિંગર કાઢ્યા પછી પણ એ લોકો તમારી દીકરીને ન અપનાવે તો?” આ શબ્દો હથોડાની જેમ પર્લ અને અંતરાના મગજમાં પછડાતા
રહ્યા…
આખા રસ્તે કોઇ એકબીજા સાથે બોલ્યું નહિ, પણ મનમાં બધાનાં ઘમાસાણ યુદ્ધ
ચાલી રહ્યું હતું…
ઘરે પહોંચ્યા ત્યારે પર્લ, અંતરા અને વિનીત, ત્રણેયનાં પડેલાં મોઢાં જોઇને માલિની
બેનેને થોડી ચિંતા થઈ, પણ અત્યારે તેમને કઈ પણ પૂછવાનું વાજબી ન લાગ્યું. ત્યાં તો ફોનની રીંગ વાગી. અંતરાએ ફોન ઉપાડ્યો…
“ હેલો, હે.. શું?? ક્યારે? કેવી રીતે? હા, હા, અમે લોકો હમણાં જ ઘરેથી નીકળીએ છીએ..” કહીને ધબ કરતો અંતરાએ ફોન
મૂકી દીધો.
માલિની બેન રસોડામાં હતાં તેમને ન સંભળાય તેવી રીતે અંતરાએ ધીરેકથી વિનીતને રૂમમાં
બોલાવ્યો,
“ વિનીત, તું રૂમમાં આવને જરા…”
“ શું થયું? કોનો ફોન હતો?” વિનીતે પૂછ્યું.
“ મમતાબેનના ઘરેથી ફોન હતો… અંતરાની આગળ બોલવામાં જીભ
થોથવાતી હતી...”
“હા, મમતા બેનના ઘરેથી ફોન હતો..આગળ તો બોલ...શું થયું?” વિનીતનો ઉચાટ વધી ગયો.
“મલય કુમાર ઈઝ નો મોર...”
“ હે… અચાનક શું થઈ ગયું?? તારી સાંભળવામાં કોઇ ભૂલ થઈ હશે… લાવ, હું મમતાબેનને ફોન લગાડુ.”
કહીને વિનીત મમતાને ફોન લગાડવા જતો હતો ત્યાં જ અંતરાએ તેના હાથમાંથી મોબાઈલ ફોન
લઈ લીધો.
“મલયકુમારને સિવિયર હાર્ટએટેક આવી ગયો. હોસ્પીટલમાં લઈ ગયા, ત્યાં ડોક્ટરે કહી દીધું કે ‘હી ઈઝ નો મોર...” અંતરા એકઝાટકે બોલી ગઈ.
“ હવે આપણે હમણાં જ ત્યાં જવું પડશે… પણ મમ્મીને કેવી રીતે કહીશું?” અંતરા મૂંઝવણમાં હતી.
વિનીતે બે મિનિટ વિચાર કર્યો પછી બોલ્યો.. “મમ્મીને કહેવું તો પડશે જ... આમ તો મમ્મી સ્ટ્રોંગ છે, વાંધો નહિ આવે.”
“ ચાલો, જમવાની થાળી કાઢી મેં...” માલિનીબેને વિનીતના રૂમમાં
આવતાં આવતાં કહ્યું.
“ મમ્મી, સાંભળ… વિનીત બોલવામાં થોથવાયો.
“ શું કહ્યું ડોક્ટરે?” માલિનીબેનને એમ કે આ લોકો ડૉકટર પાસે ગયા હતા તો તેના વિશે મારી સાથે વાત કરવી
હશે…
“ તું એ બધું છોડ... સાંભળ મમ્મી… હમણાં મમતાબેનના ઘરેથી ફોન આવ્યો હતો...” વિનીતના મોઢામાંથી આગળના શબ્દો નીકળ્યા જ નહિ.
“ મમતાના ઘરેથી? શું કહ્યું મમતાએ?” માલિનીબેન હકીકતથી અજાણ હોઈ, સ્વભાવિકપણે જ પૂછ્યું…
“ મમ્મી, અહીં બે મિનિટ બેસો ને…”
કહીને અંતરાએ માલિનીબેનનો હાથ પકડીને તેમને બેડ પર બેસાડ્યા...”
“શું થયું છે? અરે! તમે બંને કાંઈ બોલતા કેમ નથી?? શું થયું?” માલિનીબેનનો જીવ હવે અધ્ધરતાલે
હતો…
“કોઈ અશુભ સમાચાર છે?” માલિનીબેનને અંદાજ આવી ગયો
હતો…
માલિનીબેન આગળ કંઈ બોલે એ પહેલાં જ તેમને વચ્ચેથી અટકાવીને અંતરાએ કહી દીધું...
“મલયકુમારને હાર્ટ એટેક આવ્યો છે...”
“ હે??” માલિની બેન થોથવાઈ ગયાં…
“ આ શું બોલે છે તું અંતરા... સાચે? તેમને હોસ્પીટલ લઇ ગયા
છે?? હવે તેમની તબિયત કેમ છે? ડૉકટર શું કહે છે??” માલિની બેને એક સાથે પ્રશ્નોનો
મારો ચાલુ કરી દીધો…
“તમે બંને મૂઢની જેમ શું ઊભાં છો? જવાબ કેમ નથી આપતાં?” હવે માલિનીબેનની ધીરજ ખૂટી ગઈ હતી.
“ મમ્મી, મલયકુમારને હોસ્પીટલ લઇ
ગયા હતા, પણ… પણ…”
“ શું પણ પણ કરે છે? આગળ બોલ ને?”
“મલયકુમાર હવે નથી રહ્યા…” અંતરા એકદમ દબાયેલા અવાજે
બોલી…
“ નથી રહ્યા એટલે??” માલિનીબેનને અણસાર
તો આવવા લાગ્યો હતો કે અંતરા શું કહે છે, પણ તેમનું દિલ જાણે એ શબ્દો સાંભળવા
તૈયાર નહોતું... એટલે...
“નથી રહ્યા એટલે તું શું કહેવા માગે છે અંતરા...” માલિનીબેન આખાં ધ્રુજી રહ્યાં હતાં... તેમના અવાજમાં પણ કંપન
વર્તાતું હતું...
મમ્મીની આ હાલત જોઇને અંતરા થોડી ઢીલી પડી ગઈ...
“નથી રહ્યા એટલે મમ્મી, મલયકુમાર ગુજરી ગયા...” બોલતાં બોલતાં અંતરા રડી પડી...
“ના, ના... આવું બને જ નહિ.. અરે! મલયકુમારને તો નખમાંય રોગ નથી... એમને કોઈ ખરાબ આદતો પણ
નથી... એમને શું થવાનું છે? કંઈ ન થાય એમને...” બોલતાં બોલતાં માલિનીબેન ઢીલાં પડી ગયાં.. એમનાથી બહુ રડાયું તો નહિ, પણ શરીર જાણે આઘાત સહન કર્યા બાદ સુન્ન થઈ ગયું!
“મમ્મી, મમ્મી... વિનીત થોડા મોટા અવાજે બરાડ્યો...
“હ... હ.. વિનીત...”
“તું ઠીક છે?” વિનીતે માંને પોતાની બાંહોમાં જકડી
લીધી.
“હા, હા... હું ઠીક છું... ચાલ, ચાલ... આપણે ત્યાં જવું પડશે... તું અને અંતરા જલ્દી
તૈયાર થઇ જાવ...” માલિની બેન જલ્દી
સ્વસ્થ થઈ ગયાં...
જમવાની થાળીઓ કાઢી હતી એ એમ જ પાછી મૂકી દીધી...રસોડામાં બધું ઢાંકીને અંતરા, વિનીત અને માલિની બેન મમતાના સાસરે જવા નીકળ્યાં.
“પર્લ, તું જમી લેજે... બાકી બધું ફ્રીઝમાં
ઢાંકી દેજે... અમને કેટલા વાગશે એની
ખબર નથી... તું ચિંતા નહિ કરતી... કંઈ કામ હોય તો ફોન કરજે...” પર્લને છેલ્લે સુધી સૂચનો આપતાં આપતાં અંતરા સાથે માં દીકરો ઘરની બહાર
નીકળ્યાં...
ક્રમશઃ