પ્રાયશ્ચિત પ્રકરણ 45
જગદીશભાઈ લોકોએ મુંબઈ સેન્ટ્રલ થી સવારે સાડા છ વાગ્યાની શતાબ્દિ પકડી લીધી અને સુરત પહોંચી ગયા. દાદર થી મુંબઈ સેન્ટ્રલ જવા માટે બે ટૅક્સી કરી લીધેલી.
જામનગરની યાત્રા કેતનના પરિવાર માટે ઘણી યાદગાર બની ગઈ. એક વાતે સંતોષ પણ થયો કે કેતન ત્યાં સરસ રીતે સેટ થઈ રહ્યો હતો.
જો કે કેતન ફરી પાછો જામનગરમાં એકલો પડી ગયો હતો. નીતાએ એને તે દિવસે સાવધ કરી દીધા પછી એણે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ આશિષ અંકલને વાત કરી હતી. આશિષ અંકલે એક બાહોશ ઓફિસરને હાલ પૂરતી કેતનની સુરક્ષા સોંપી દીધી હતી.
સવારે આનંદ ગાર્ડનમાં જોગિંગ કરવા ગયો ત્યારે તો કોઈએ એનો પીછો કર્યો ન હતો. પૃથ્વીસિંહે કેતનને સલાહ આપી હતી કે જ્યારે પણ બહાર જવું હોય ત્યારે મને જાણ કરી દેવી.
કેતન આમ તો પહેલેથી જ ખૂબ નીડર હતો. એ કોઈનાથી ડરતો નહીં. સામી છાતીએ ભલભલાને એ પડકારી શકતો પણ છુપા દુશ્મનોથી સંભાળવું જરૂરી હતું.
કેતન પહેલેથી જ પ્રવૃત્તિશીલ વ્યક્તિ હતો. નવરા બેસી રહેવું એના લોહીમાં નહોતું. એની હોસ્પિટલનું કામ ધમધોકાર ચાલતું હતું તો પણ ત્રણેક મહિના તો હજુ લાગવાના હતા. ટિફિન સર્વિસ પણ શરૂ કરી દીધી હતી પરંતુ એમાં એનું પોતાનું કોઈ કામ નહોતું. ઘરે બેસી રહેવાનો એને કંટાળો આવતો હતો.
પોતે એક આઝાદ પંખી જેવો હતો. આ રીતે પાંજરે પુરાઇ રહેવાનું એને ગમતું નહોતું. કાયમ માટે જામનગરમાં રહેવાનું હતું. પૃથ્વીસિંહ કેટલા દિવસ મારી સુરક્ષા કરશે ?
માની લો કે આશિષ અંકલ કાયદેસર પોલીસ સુરક્ષા આપે તો પણ કેતનને એ મંજૂર નહોતું. અને આશિષ અંકલ પણ કાયમ માટે જામનગરમાં રહેવાના ન હતા. એમની જોબ ટ્રાન્સફરેબલ હતી.
પોતે પોતાના પાછલા જન્મના કર્મો નું પ્રાયશ્ચિત કરવા માટે અહીં આવ્યો હતો. ગુરુજીનો આદેશ હતો એટલે સુરક્ષા માટે એણે શતચંડી યજ્ઞ પણ કરાવ્યો. હવે ડરી ડરીને અહીં રહેવાનો કોઈ મતલબ નહોતો. આનો મારે કોઈ કાયમી ઉકેલ લાવવો પડશે અને રાકેશને કાયમ માટે કાબૂમાં લેવો પડશે.
અચાનક વિચાર કરતાં કરતાં કેતનને અસલમ શેખ યાદ આવ્યો. અસલમ શેખ પોતાની સાથે સુરત કોલેજમાં ભણતો હતો અને ખૂબ જ ગરીબ ઘરનો હતો. કેતન હંમેશા એને કોઈને કોઈ આર્થિક મદદ કરતો રહેતો. અસલમ શેખની બહેનને અકસ્માત થયો ત્યારે પણ કેતને અસલમને દોઢ લાખ રૂપિયાની મદદ કરી હતી એ પણ પાછા નહીં લેવાની શરતે.
છેલ્લા સમાચાર પ્રમાણે અસલમ શેખ રાજકોટમાં સ્થાયી થયો હતો અને સિક્યોરિટી એજન્સી ચલાવતો હતો. મોટા માણસોને બાઉન્સર પણ પૂરા પાડતો હતો. આવા માણસો પાસે ભાઈ લોકોના પણ સંપર્કો હોય છે. અસલમને વાત કરી જોઉં. એ કદાચ મારા આ કાયમી ટેન્શનનો કોઈ રસ્તો કાઢી આપે.
અસલમ શેખનો નંબર કેતન પાસે ન હતો. એ અમેરિકા ગયો એ પછી ઘણા મિત્રોના નંબરો ડીલીટ થઈ ગયા હતા. એણે પોતાના એક જુના મિત્ર જૈનમ શાહનો સંપર્ક કર્યો. જૈનમ એનો ખાસ મિત્ર હતો એટલે એનો નંબર એની પાસે હતો.
" અરે જૈનમ... કેતન સાવલિયા બોલું. નામ યાદ છે કે ભૂલી ગયો ? " કેતન બોલ્યો.
" અરે શેઠિયા અમેરિકાથી ક્યારે આવ્યો ? " જૈનમે કહ્યું.
"અરે ભાઈ ત્રણ ચાર મહિના થઈ ગયા. હવે જામનગરમાં સ્થાયી થયો છું. " કેતન બોલ્યો.
" કેમ જામનગરમાં ડાયમંડની ઓફિસ ખોલી ? " જૈનમે આશ્ચર્યથી પૂછ્યું.
" ના ભાઈ ના. મને ડાયમંડમાં રસ નથી. બીજા ધંધામાં જોડાયો છું. તારું કેમનું ચાલે છે ? " કેતન બોલ્યો.
" બસ આપણે તો શેર માર્કેટ જિંદાબાદ. શેર બ્રોકર બની ગયો છું. વાણિયાનો દીકરો હરી ફરીને છેલ્લે શેર માર્કેટ પકડી લે. સ્ટોક માર્કેટ જૈનોના લોહીમાં હોય છે. બોલ્ટ પણ લઈ લીધો છે. નાનપુરામાં ઓફિસ ખોલી છે. " જૈનમ બોલ્યો.
" ચાલો સરસ તું સેટ થઈ ગયો. મારે તારું એક કામ હતું. પેલો આપણી સાથે ભણતો હતો એ અસલમ શેખ યાદ છે ? " કેતને પૂછ્યું.
" અરે એ તો અત્યારે બહુ મોટો માણસ બની ગયો છે. રાજકોટમાં એના મામાનો આખો વારસો મળ્યો છે. એ ત્યાં જ સેટ થઇ ગયો છે. સિક્યુરિટીની બહુ મોટી કંપની ચલાવે છે અને બે નંબરના ધંધા પણ કરે છે. અત્યારે તો કરોડપતિ પાર્ટી છે. " જૈનમ બોલ્યો.
" બસ તો એનો નંબર મને ગમે ત્યાંથી શોધી આપ. આપણા કોઈને કોઈ મિત્ર પાસે હશે જ. " કેતને કહ્યું.
" અરે ભાઈ ક્યાંય શોધવા જવાની જરૂર નથી. મારી પાસે આપણા તમામ ફ્રેન્ડોના નંબર છે. હું તને મેસેજ કરી દઉં છું અને તારો આ નવો નંબર સેવ કરી લઉં છું." અને જૈનમે કેતનને અસલમ શેખનો નંબર મેસેજ કરી દીધો.
ચાલો એક મોટું કામ થઈ ગયું. અસલમ શેખ આટલો બધો મોટો માણસ થઈ ગયો છે એ માહિતી કેતનને નહોતી. એને તો એટલી જ ખબર પડી હતી કે અસલમ સિક્યુરિટી એજન્સી ચલાવે છે. મારે એને હવે વહેલી તકે મળવું જ પડશે. જો એના સંબંધો ભાઈ લોકો સાથે હોય તો રાકેશને અસલમ ઠેકાણે લાવી શકશે.
એણે એ દિવસે રાત્રે જ અસલમને ફોન કર્યો.
" અસલમ હું કેતન સાવલિયા બોલું. ઓળખાણ પડે છે ? " કેતન બોલ્યો.
" શું વાત છે કેતન ? આજે આટલા સમય પછી અચાનક તારો ફોન આવ્યો !! તને હું કેવી રીતે ભૂલી શકું દોસ્ત ? તારા તો મારા ઉપર ઘણા ઉપકારો છે. અમેરિકાથી આવી ગયો ? " અસલમ ભલે ઘરમાં હિન્દીમાં બોલતો પરંતુ મિત્રો સાથે હંમેશા ગુજરાતીમાં જ વાત કરતો.
" અમેરિકાથી આવી પણ ગયો અને લગભગ દોઢેક મહિનાથી તારા પડોશમાં જામનગરમાં જ સેટલ થઈ રહ્યો છું. " કેતને કહ્યું.
" શું વાત કરે છે તું ? તું જામનગરમાં છે અત્યારે ? " અસલમ નવાઈ પામીને બોલ્યો.
" હા અને કાલે મારી ઈચ્છા ખાસ તને મળવા આવવાની છે. તારો નંબર આજે જ મને પેલા જૈનમ શાહ પાસેથી મળ્યો. તારું પૂરેપૂરો એડ્રેસ મને મેસેજ કરી દે " કેતને બીજું સરપ્રાઇઝ આપ્યું.
" માય પ્લેઝર .. હમણાં જ એડ્રેસ મોકલું છું. સવારે જ આવી જજે. લંચ આપણે સાથે લઈશું. ઘણા સમય પછી મળી રહ્યા છીએ ઘણી બધી વાતો કરવી છે." અસલમ બોલ્યો. કેતન માટે થઈને એણે આવતીકાલના તમામ પ્રોગ્રામ કેન્સલ કરી દીધા.
કેતનને ઘણી રાહત થઈ ગઈ. માતાજી સતત એની સાથે છે એનો અનુભવ એને થયો.
" પૃથ્વીસિંહ કાલે સવારે દસ વાગે હું મારી ગાડી લઈને રાજકોટ જઈ રહ્યો છું. તમે ૯:૩૦ વાગે ડ્યુટી ઉપર આવી જજો. પેલો માણસ જે પણ હોય એ બાઈક લઈને રાજકોટ સુધી પીછો તો નહીં જ કરે. છતાં જો આવે તો તમે સંભાળી લેજો. " કેતને પૃથ્વીસિંહને ફોન કર્યો.
" સાહેબ એ બધી ચિંતા તમે છોડી દો. તમે આરામથી જાઓ. એ ફોલ્ડરિયો જે પણ હોય મને ઓળખતો નથી હજુ. " પૃથ્વીસિંહ બોલ્યો.
બીજા દિવસે સવારે ૯:૩૦ વાગે પૃથ્વીસિંહ ચાર નંબરની શેરીના નાકે આવીને દૂર ઊભો રહ્યો. એની બાજ નજર સતત રોડ ઉપર હતી.
એણે જોયું કે વીસેક વરસનો એક છોકરો બાઈક લઈને ચાર નંબરની શેરીમાં ગયો અને એક ચક્કર મારીને પાછો આવ્યો. પૃથ્વીસિંહ સમજી ગયો કે આ એ જ રેકી કરવા વાળો છોકરો છે જે અંદર કેતનની ગાડી ચેક કરવા ગયો હશે.
પૃથ્વીસિંહ કંઈ બોલ્યો નહીં. બસ એના ઉપર વોચ રાખતો રોડની પેલી સાઈડ ઉભો રહ્યો.
દસ વાગે કેતનની ગાડી શેરીમાંથી બહાર રોડ ઉપર આવી અને વળાંક લઈને ફુલ સ્પીડે આગળ વધી ગઈ. રવિવાર હતો એટલે રોડ ઉપર ખાસ ટ્રાફિક પણ ન હતો. રેકી કરનારો છોકરો તૈયાર ન હતો. એને કલ્પના પણ ન હતી કે અચાનક ગાડી બહાર નીકળશે અને આટલી સ્પીડ માં જતી રહેશે.
એણે બાઇક સ્ટાર્ટ કરી અને બને એટલી ઝડપે કાર જે તરફ ગઈ એ બાજુ ભગાવી. પૃથ્વીસિંહ પણ એની પાછળ પાછળ ગયો પણ આજે કેતને ચાલાકી કરી. કેતન હવે જામનગરના બધા જ રસ્તાનો જાણકાર થઈ ગયો હતો. શોર્ટ કટ લઈને એણે આગળથી રાજકોટનો રસ્તો પકડ્યો. રેકી કરવા વાળો છોકરો સીધો ગયો પણ દૂર દૂર સુધી કેતનની ગાડી ના દેખાઈ. એ નિરાશ થઈને પાછો વળી ગયો.
પૃથ્વીસિંહ છોકરાની પાછળ જ હતો. પેલાએ બાઈક ઉભી રાખી અને કોઈકની સાથે મોબાઈલમાં વાત કરી લીધી. એ દરમિયાન પૃથ્વીસિંહે મોબાઇલમાં ઝૂમ કરીને એનો ફોટો પાડી લીધો અને એની બાઈકનો નંબર પણ નોંધી લીધો.
હવે એ છોકરાનો પીછો કરવાની કોઈ જરૂર નહોતી. બાઈકના નંબર ઉપરથી તમામ માહિતી પોલીસ સ્ટેશન મેળવી લેશે. અને આમ પણ સાહેબ રાજકોટ ગયા છે એટલે અહીં રોકાવાનો કોઈ મતલબ પણ નથી એમ વિચારી પૃથ્વીસિંહે પોતાની બુલેટ પોલીસ સ્ટેશન તરફ લઈ લીધી.
અસલમ શેખે આપેલા સરનામા પ્રમાણે કેતને રાજકોટમાં પ્રવેશીને રૈયા રોડ તરફ ગાડી લીધી અને ત્યાંથી સુભાષનગર એરિયામાં પહોંચી ગયો. પાક્કું સરનામું હતું એટલે અસલમ શેખનું મકાન શોધવામાં એને કોઈ તકલીફ ના પડી.
અઢી વર્ષ પછી બંને મિત્રો મળી રહ્યા હતા. અસલમે ભેટીને પોતાના આ જૂના દિલદાર મિત્રનું સ્વાગત કર્યું. પોતાની બેગમ મુનિરા સાથે પણ ઓળખાણ કરાવી.
અસલમનું ત્રણ માળનું મકાન ખૂબ જ વિશાળ હતું. આજુબાજુ બધો મુસ્લિમ વિસ્તાર હતો. પણ આ બધા મુસ્લિમો સુખી-સંપન્ન હતા.
" અચાનક તારો ગઈ કાલે ફોન આવ્યો અને આજે તું મારી સામે હાજર છે. માન્યામાં જ નથી આવતું કેતન. ક્યાં સુરત અને ક્યાં જામનગર ? " અસલમ બોલ્યો.
" જેમ કિસ્મત તને સુરતથી રાજકોટ લઇ આવ્યું એમ મને જામનગર ખેંચી ગયું. " કેતન હસીને બોલ્યો અને સોફા ઉપર બેઠો. ડ્રોઈંગ રૂમ વિશાળ હતો અને વચ્ચે મોટો ગાલીચો પાથરેલો હતો.
" પહેલાં તું ચા નાસ્તો કરી લે. ચા પીએ છે કે કોફી ? અમેરિકામાં તો કોફીનો રિવાજ વધારે છે. તારા માટે મેં અહીં બજરંગના ગરમાગરમ ગાંઠિયા પણ મંગાવ્યા છે. માણસ આવતો જ હશે. " અસલમે કહ્યું.
" હું તો ચા જ પીવુ છુ અસલમ. ત્યાં શિકાગોમાં ડેવોન એવન્યુમાં પણ સારી ચા મળે છે. " કેતન બોલ્યો.
દસેક મિનિટમાં જ અસલમનો ખાસ માણસ ઈમરાન ગાંઠીયાનું બોક્ષ લઇને દાખલ થયો. સાથે થોડાં બૅકરી બિસ્કીટ પણ હતાં. ઈમરાનની પર્સનાલિટી જબરદસ્ત હતી. અસલમ શેખનો એ જમણો હાથ હતો.
" ઈમરાન દો ડીશ મેં યે ગાંઠીયે ઔર બિસ્કીટ નિકાલ ઓર અંદર જા કે મેડમકો બોલ... જલ્દી જલ્દી ચાય બના દે. " અસલમે ઈમરાનને કહ્યું.
" જી ભાઈજાન " ઈમરાન બોલ્યો.
" આ કોપરાનાં બિસ્કીટ મારી પ્રિય આઇટમ છે કેતન. અહીંની એક ખાસ બેકરીમાંથી મંગાવું છું. " અસલમ બોલ્યો.
થોડીવારમાં ઈમરાન બે ડીશમાં ગાંઠીયા તળેલા મરચાં અને બિસ્કીટ ટેબલ ઉપર મૂકી ગયો. ફરી અંદર જઈને ચાના બે મગ લઈ આવ્યો.
"હવે બોલ કેતન હું તારી શું સેવા કરી શકું ? મારા ઉપર તારા ઘણા ઉપકારો છે. અને માલિકની દયાથી હું અત્યારે ઘણો સુખી છું. " અસલમ બોલ્યો.
" તું અત્યારે ઉપકારોને યાદ ના કર. હંમેશા મિત્રોને મદદ કરતો જ આવ્યો છું. ઈશ્વરે મને ઘણું આપ્યું છે. " કેતન બોલ્યો.
" હવે બોલ. ખાલી આ મિત્રને મળવા જ આવ્યો છે કે કંઈ કામ હતું ? " અસલમે લાગણીથી પૂછ્યું.
" એક નાનકડું ટેન્શન ઊભું થયું છે. અને મને લાગ્યું કે તારા થકી એ દૂર થઈ જશે એટલે તને મળવાનો વિચાર કર્યો. " કેતન બોલ્યો.
" તારા માટે જાન પણ હાજર છે. મારા થકી ના થઈ શકે એવું હશે તો પણ હું તારા માટે થઈને કરીશ. " અસલમ બોલ્યો.
અને કેતને નીતા મિસ્ત્રીની રાકેશ વાઘેલા અંગેની ફરિયાદથી શરૂ કરીને પૃથ્વીસિંહ સુધીની તમામ વાત વિગતવાર કરી. ૧૫ મિનિટ લાંબી વાત ચાલી.
" મારે તો રાકેશ સાથે અંગત કોઈ દુશ્મનાવટ નથી. હું તો એને ઓળખતો પણ નથી. નીતાના કારણે એ મને એનો દુશ્મન માની બેઠો છે. અને બદલો વાળવા તત્પર થયો છે. મેં તો માત્ર પડોશી ધર્મ બજાવ્યો છે. કોઈની છેડતી થાય અને હું જોયા કરું એ મારા લોહીમાં નથી. " કેતન બોલ્યો.
" હું તને ક્યાં નથી જાણતો કેતન ? છેક કૉલેજ સમયથી હું તને ઓળખું છું. કોલેજમાં તારા જેવો નીડર મેં બીજો કોઈ જોયો નથી અને હંમેશા બીજાના ઝઘડામાં તેં કુદાવ્યું છે. " અસલમ બોલ્યો.
" સામી છાતીએ ગમે તેવો દુશ્મન આવે તો પણ હું પહોંચી વળું એમ છું. પણ આ નપાવટ બીજા રસ્તા અપનાવી રહ્યો છે." કેતન બોલ્યો.
" કેતન એક સાચી વાત કહું ? તારો આ પ્રોબ્લેમ મારા માટે તો એક ચપટી વગાડવાનો ખેલ છે. માલિકની દયાથી હું ખાલી એક ફોન કરું એટલે રાકેશ આ દુનિયામાંથી ખોવાઈ જાય. મજાક નથી કરતો. બે વર્ષમાં હું પોતે જ " ભાઈ " બની ગયો છું. " અસલમ બોલ્યો.
" હા મને તારો થોડો પરિચય તો જૈનમે આપ્યો પણ આટલી બધી ખબર ન હતી. ચાલો જાણીને આનંદ થયો. મારે કોઈને ઉપર પહોંચાડવો નથી. બસ સીધો દોર કરી દેવો છે. આજ પછી રાકેશ કે રાકેશનો કોઈ સાગરીત મારું નામ દેવાની હિંમત ન કરે એટલું કરી દે. મારે કાયમ જામનગરમાં રહેવાનું છે." કેતન બોલ્યો.
અને અસલમે ઈમરાનને બૂમ પાડીને બોલાવ્યો.
" અરે ઈમરાન ફઝલુ કો ફોન લગા. બોલ ભાઈ ને યાદ કિયા હૈ. ચાર બજે મેરે ઘર આ જા. "
" જી ભાઈજાન. " અને ઈમરાને ફઝલુને ફોન લગાવ્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)