Love Revenge -2 Spin Off - 27 in Gujarati Love Stories by S I D D H A R T H books and stories PDF | લવ રિવેન્જ-2 Spin Off - Chapter 27

Featured Books
  • बैरी पिया.... - 53

    अब तक :प्रशांत बोले " क्या ये तुमने पहली बार बनाई है... ?? अ...

  • आडंबर

    ’मां कैसी लगीं? रेवती मेरे परिवार से आज पहली बार मिली...

  • नक़ल या अक्ल - 80

    80 दिल की बात   गोली की आवाज़ से नंदन और नन्हें ने सिर नीचे क...

  • तमस ज्योति - 57

    प्रकरण - ५७दिवाली का त्यौहार आया, ढेर सारी खुशियाँ लेकर आया।...

  • साथिया - 124

    तु मेरे पास है मेरे साथ है और इससे खूबसूरत कोई एहसास नही। आज...

Categories
Share

લવ રિવેન્જ-2 Spin Off - Chapter 27

લવ રિવેન્જ-2 Spin Off

પ્રકરણ-27

****

પ્રકરણના અંતે લખેલી નોંધ વાચકો અવશ્ય વાંચે.

****

“પણ પપ્પા....! મને આરવજ ગમે છે તો હું સિદ્ધાર્થ સાથે કેવીરીતે...!?” નેહા રડમસ સ્વરમાં દલીલ કરી રહી હતી.

આરવના એક્સિડેંન્ટ પછી વિજયસિંઘ આરવ સાથે નેહાની સગાઈ તોડી સિદ્ધાર્થ સાથે કરવાં માંગતાં હતાં. કરણસિંઘ અને સુરેશસિંઘ સાથે એ વિષે વાત કરતાં પહેલાં તેઓ પોતાનો નિર્ણય નેહાને જણાવી રહ્યાં હતાં.

“જો મને તો પે’લ્લેથી સિદ્ધાર્થ ગમતો ‘તો...!” વિજયસિંઘ નેહા સામે હાથ કરીને બોલ્યાં.

“પણ તમારે સિદ્ધાર્થને ગમાડીને શું કરવું છે...!?” નેહા સહેજ ચિડાઈને બોલી.

“તું સમજતી કેમ નથી....!?” વિજયસિંઘ પણ સામે ચિડાઈને બોલ્યાં “આરવ હવે અપંગ છે....! આખી જિંદગી કોઈનો ઓશિયાળાં થઈને જીવવું પડશે એને....!”

“તો...!?” નેહા ઊંચાં સ્વરમાં બોલી.

“તો...? અરે આખી જિંદગી તું એનાં ઢસરડાં કરીશ...!?”

“એમાં ઢસરડાં શેનાં...!?” નેહા બોલી “જો મેરેજ પછી આવું કઈં થયું હોત તો...!? કે પછી મારી જોડે આવું કઈં થયું હોત...અને એ લોકોએ સગાઈ તોડી નાંખી હોત....તો...!?”

વેધક સ્વરમાં પૂછીને નેહા વિજયસિંઘ સામે જોઈ રહી.

“તને કઈં ભાન-બાન પડે છે....! આખી જિંદગી તારે એની પાછળ-પાછળ ફરવું પડશે....!” વિજયસિંઘ હવે ઘાંટા પાડતાં હોય એમ બોલ્યાં “સવારે ઉઠવાથી માંડીને રાત્રે ઊંઘવા સુધી...! બધાંજ ઢસરડાં તારે કરવાનાં...! એક નોકરાણીની જેમ...તારે એક અપંગ માણસની સેવાં કરે જવાની...! બદલાંમાં તને શું મલશે...!? બોલ...!?”

“બદલાંમાં તને શું મલશે...!? શું મલશે...!?” વિજયસિંઘનાં શબ્દો નેહાનાં કાનમાં પડઘાવાં માંડ્યાં.

“આખી જિંદગી કોઈનો ઓશિયાળાં થઈને જીવવું પડશે એને....! ઓશિયાળાં થઈને જીવવું પડશે એને....!”

“બદલાંમાં તને શું મલશે...!? શું મલશે...!?”

“સવારે ઉઠવાથી માંડીને રાત્રે ઊંઘવા સુધી...! બધાંજ ઢસરડાં તારે કરવાનાં...! તારે કરવાનાં...!”

“એક અપંગ માણસની સેવાં કરે જવાની...!”

ડ્રૉઇંગરૂમનાં સોફામાં નેહા ફસડાઈ પડી હોય એમ બેસી ગઈ.

“તમે સાચું કો’ છો...!” નેહા રડતી આંખે બોલી “આજ સુધી…મને બદલાંમાં કશું નઈ મલ્યું...!”

“સગાઈ પછી પણ એ ઓલી રખડેલનો જ રહ્યો...!” નેહા મનમાં બબડી “ફિયાન્સ તરીકે એક સારી ક્ષણ પણ એણે મારી સાથે નાં વિતાઈ....અને ઓલી રખડેલની પાછળ-પાછળ ફરતો ‘ર્યો..! મને તો કશુંજ નાં મલ્યું...!”

“નેહા...! દીકરાં....!” સોફામાં નેહાની જોડે બેસતાં તેનાં મમ્મી બોલ્યાં “પપ્પાં સાચું કે’છે....! આખી જિંદગી નાં નીકળે એ રીતે....!”

“તો પછી આરવ આખી જિંદગી કેમનાં એકલો કાઢશે...!?” નેહા મનમાં વિચારી રહી.

તેની નજર સામે વ્હીલચેયરમાં બેઠેલો આરવ યાદ આવી ગયો. તેણીનું આખું શરીર જાણે ધ્રુજી ઉઠ્યું.

“જે હોય એ....! આખરે આરવે તો સાચો પ્રેમજ કર્યો ‘તોને...!?” નેહા મનમાં વિચારવાં લાગી “અને ઓલી રખડેલે...! એને આરવને પ્રેમ કરવાની સજા આપી...!”

“સજા તો એ રખડેલને મલવી જોઈએ....!” વિચારી રહેલી નેહાનો ચેહરો સખત થઈ ગયો “સજા તો એને મલવી જ જોઈએ...!”

“બેટાં....!” વિજયસિંઘ નેહાની સામે ઘૂંટણવાળીને ઉભડક બેસતાં પ્રેમથી બોલ્યાં “તને સિદ્ધાર્થ નાં ગમતો હોય...! તો કઈં નઈ...! આપડે કોઈ બીજાં છોકરાં સાથે….!”

“નાં....!” પોતાનો સ્વર સ્વસ્થ કરતાં નેહા તરતજ બોલી “બીજો કોઈ છોકરો નઈ....! સિદ્ધાર્થ સારો છોકરો છે...! મને એ ગમે છે...! મારી હાં છે....!”

એટલું કહીને નેહા સોફામાંથી ઊભી થઈ અને પોતનાં બેડરૂમમાં જવાં ઝડપથી સીડીઓ ચઢી ગઈ.

પોતાનાં બેડરૂમમાં આવીને નેહાએ રૂમનો દરવાજો બંધ કરી દીધો અને બંધ દરવાજાનાં ટેકે નીચે બેસી પોતાનાં બંને હાથમાં મોઢું દબાવીને રડી પડી.

ક્યાંય સુધી નેહા રડતીજ રહી.

“નેહા....! બેટાં શ્યોર તારી હાં છે ને...!?” નેહાનાં રૂમનાં બંધ દરવાજે ટકોરાં મારી વિજયસિંઘે બીજી બાજુથી પૂછ્યું “હું સુરેશભાઈનાં ઘેર જાવ છું....! કરણસિંઘને વાત કરવાં માટે...!”

“હાં....! મારી હાં જ છે....!” અંદરથી નેહા બોલી.

એકાદ-બે સેકન્ડ પછી નેહાએ દરવાજો ખોલ્યો. વિજયસિંઘે જોયું કે રડી-રડીને નેહાની આંખો સુઝી ગઈ હતી.

“હુંય આવું છું...!” નેહા બોલી “હું ઈચ્છું છું....કે સિદ્ધાર્થને આ વાતની ખબર મારી હાજરીમાં પડે...!”

એટલું કહીને નેહા સીડીઓ નીચે ઉતરી ગઈ. નિરાશ ચેહરે વિજયસિંઘ પણ સીડીઓ ઉતરી ગયાં.

***

“પણ વિજય....! જે થયું એમાં આરવનો શું વાંક...!?” સુરેશસિંઘે દલીલ કરી.

વિજયસિંઘે સુરેશસિંઘનાં ઘરે આવીને નેહાની આરવ સાથે સગાઈ તોડવાની વાત કરી હતી.

વચ્ચેનાં સોફામાં કરણસિંઘ હમણાંજ આવીને બેઠાં હતાં. તેમનાં આવ્યાં પછી વિજયસિંઘે પોતાની વાત છેડી હતી.

“નેહાનો પણ કોઈ વાંક નથીને...!?” વિજયસિંઘ લાચાર સ્વરમાં બોલ્યાં “તમે મારી તકલીફ સમજી શકો છોને...! હું છોકરીનો બાપ છું....!”

સુરેશસિંઘે એક ઊંડો શ્વાસ ભર્યો અને મૌન બેસીને એલઇડીની દીવાલ સામે તાકી રહેલાં કરણસિંઘ સામે જોયું.

“પણ વિજય...! આપડામાં વચન તોડવું એટ્લે...!”

“હું વચન તોડવાની વાત નથી કરતો સુરેશભાઈ...!” વિજયસિંઘ વચ્ચે બોલી પડ્યાં અને પછી કરણસિંઘ સામે જોવાં લાગ્યાં.

“મારે તમારાં ઘરમાંજ સગું કરવું છે...!” વિજયસિંઘે કરણસિંઘ સામે જોઈને કહ્યું.

કરણસિંઘ મૂંઝાયાં હોય એમ વિજયસિંઘ સામે પ્રશ્નાર્થભરી નજરે જોઈ રહ્યાં.

“હું સિદ્ધાર્થની વાત કરું છું ભાઉ...!” વિજયસિંઘ બોલ્યાં.

કરણસિંઘે સુરેશસિંઘ સામે જોયું.

“સુરેશભાઉ....! મારે તો પે’લ્લેથી નેહાનું સગું સિદ્ધાર્થ સાથે કરવું’તું...!” વિજયસિંઘ બોલ્યાં “પણ મેં જ્યારે તમને માંગુ નાંખ્યું....ત્યારે તમે કીધું કે એનું નક્કી થઈ ગ્યું છે....!”

કરણસિંઘ ફરીવાર વિચારે ચઢી ગયાં.

“ભાઉ...! જોવો....!” સોફામાં સહેજ આગળ આવીને વિજયસિંઘે કરણસિંઘનાં ઢીંચણ ઉપર પગ મૂક્યો “આરવ સાથે નેહાની સગાઈનું ફંકશન ફક્ત ઘરનાં સગાંની હાજરીમાંજ થયું’તું....! બરાબર...!”

સુરેશસિંઘ અને કરણસિંઘ બંને વિજયસિંઘની વાત સાંભળી રહ્યાં.

“આપડાં સમાજમાં તો હજી તો હજી હમણાંજ એવી વાત શરૂ થઈ છે કે.. મારી નેહાનું સગું કરણસિંહનાં ઘરમાં થયું...! હજી કોઈને ક્યાં ખબર છે...કે તમારાં કયાં છોકરાં જોડે થયું...!?”

“અને ખબર હોય તોય શું..!? તમારી સામે કોણ અવાજ ઊંચું કરવાનું છે....!?”

વિજયસિંઘ અટક્યાં અને કરણસિંઘ સામે જોઈ રહ્યાં. વિજયસિંઘની વાત ઉપર તેઓ વિચારી રહ્યાં હતાં.

“ વાત ખાલી સગાઓનીજ છે ને...!? તો એ તો આપડે સાચવી લઈશું વળી..!” વિજયસિંઘ બોલ્યાં.

“આમ તો તારી વાત વાજબી છે....!” સુરેશસિંઘે સામે બેઠેલાં વિજયસિંઘની વાતમાં સહમતી જતાવી પછી વચ્ચેનાં સોફામાં બેઠેલાં કરણસિંઘ સામે જોયું “એમાંય આરવ હવે સર્જરી માટે રશિયા જઈ રહ્યો છે...!”

“કરણભાઉ...!” સુરેશસિંઘે સૂચક નજરે તેમની સામે જોઈને કહ્યું.

સુરેશસિંઘે કરણસિંઘ સામે જોતાં કરણસિંઘે વિજયસિંઘ સામે જોયું.

“ભાઉ...! તમે પણ સમજો છો...! આ પરિસ્થિતી કેવી છે....!” વિજયસિંઘ વિનવણી કરતાં હોય એમ દયામણી આંખે બોલ્યાં “હું મજબૂર છું...!”

વિજયસિંઘની વાત ઉપર વિચાર કરતાં હોય એમ કરણસિંઘે એક ઊંડો શ્વાસ ભર્યો.

“મારે હવે કોઈપણ નિર્ણય એકલાં નથી કરવો....!” કરણસિંઘ ખિન્ન સ્વરમાં બોલ્યાં “મારે બધાંને પૂછવુંજ છે....! ખાસ કરીને એ લોકોને....જેમને લાગે વળગે છે....!”

“પણ મેં પૂછી લીધું છે....!” સોફાંમાં સહેજ સીધાં થઈ વિજયસિંઘ સહેજ ઉતાવળા સ્વરમાં બોલ્યાં.

“હાં...! પણ મારે પૂછવું પડશે....!” કરણસિંઘ બોલ્યાં પછી સુરેશસિંઘ સામે જોયું “બધાંને બોલાઈલે....!”

સુરેશસિંઘે હકારમાં માથું ધૂણાવ્યું પછી સોફામાંથી ઊભાં થઈને ડ્રૉઇંગરૂમમાંથી કિચન તરફ ગયાં.

“હું સિદ્ધાર્થને કૉલ કરું છું....!” વિજયસિંઘ સામે જોઈને કરણસિંઘ બોલ્યાં પછી પોતાનાં મોબાઈલમાંથી સિદ્ધાર્થને કૉલ કરવાં લાગ્યાં “એ આરવની દવા લેવાં ગ્યો છે...!”

“હાં બેટાં...! ક્યાં છે તું...!?” સિદ્ધાર્થે ફોન ઊપાડતાં કરણસિંઘ બોલ્યાં.

“આરવને રશિયા જવાં માટે નવી પેકિંગ બેગ જોઈતી’તી...!” સામેથી સિદ્ધાર્થ બોલ્યો “એટ્લે દવા લેવાં નીકળ્યો ‘તો....! તો વિચાર્યું કે એ પણ લેતો આવું....!”

“કેટલીવાર લાગશે...!?” કરણસિંઘે પૂછ્યું.

“હજી તો હું બેગ લેવાં માટે જતો’તો...!” સિદ્ધાર્થે કહ્યું “રસ્તામાં છું...!”

“તો બેગનું પછી કરજે...!” કરણસિંઘ આદેશ આપતાં હોય એમ બોલ્યાં “મારે થોડું કામ છે...! ઘેર આય...!”

“હાં સારું....!” એટલું કહીને બંનેએ કૉલ કટ કર્યો.

કરણસિંઘની સહમતી મળી જતાં વિજયસિંઘે થોડો હાશકારો અનુભવ્યો અને સોફામાં સહેજ રિલેક્સ થઈને બેઠાં. હવે બસ સિદ્ધાર્થ આવે એનીજ રાહ જોવાની હતી.

***

“કોની સાથે નક્કી થયું છે....!?” સિદ્ધાર્થે ગળગળા સ્વરમાં પૂછ્યું.

ડ્રૉઇંગરૂમમાં જાણે સોપો પડી ગયો હોય એવી નીરવ શાંતિ પથરાઈ ગઈ. કોઈ કશું નાં બોલતાં જવાબ મેળવવાં સિદ્ધાર્થે પહેલાં બધાં સામે જોયું પછી છેવટે કરણસિંઘ ઉપર પોતાની નજર ઠેરવી.

“નેહા સાથે.....!” કરણસિંઘ બોલ્યાં અને સિદ્ધાર્થના માથે જાણે વીજળી પડી હોય એમ તે આઘાતથી બધાં સામે જોઈ રહ્યો.

“પ...પણ નેહા તો આરવ સાથે....!” મૂંઝાયેલો સિદ્ધાર્થ બધાં સામે દલીલ કરવાં મથી રહ્યો.

બધાં સામે જોયાં પછી સિદ્ધાર્થે કરણસિંઘ સામે પ્રશ્નાર્થભરી નજરે જોયું. તેમનાં મોઢા ઉપર એજ લાચારીનાં ભાવ હતાં.

તેઓ કઈંપણ બોલ્યાં વગર સિદ્ધાર્થ સામે લાચાર નજરે જોઈ રહ્યાં. જોકે તેમણે લીધેલાં નિર્ણયમાં કોઈ ફેરબદલ થવાની શક્યતાઓ નહીંવત છે એ ભાવ પણ સિદ્ધાર્થ વાંચી શક્યો.

“આરવનું શું તો...!?” સિદ્ધાર્થે આરવ સામે જોઈને માંડ પૂછ્યું.

સુરેશસિંઘની જોડે આરવ પણ વ્હીલ ચેયરમાં બેઠો હતો તેમની બધી વાત આરવે સાંભળી હતી અને શૂન્યમનસ્ક તાકી રહ્યો હતો.

“મને કોઈ વાંધો નથી....!” આરવ શાંત સ્વરમાં બોલ્યો પછી સિદ્ધાર્થ સામે જોયું અને પછી નેહા સામે જોયું.

એલઈડી પાસે ઊભેલી નેહાની આંખ આરવ સાથે મળતાંજ તેણીની આંખ સહેજ ભીની થઈ ગઈ. તેણીને તરતજ પોતાની ફીલિંગ્સ ઉપર કાબૂ મેળવ્યો અને પોતાની આંખ વધુ ભીની થતાં રોકી ગળે આવી ગયેલો ડૂમો પાછો ગળી ગઈ.

સિદ્ધાર્થે હવે પ્રશ્નાર્થભરી નજરે નેહા સામે જોયું.

“મને પણ કોઈ વાંધો નથી....!” નેહાએ ભાવવિહીન સ્વરમાં કહ્યું પછી સિદ્ધાર્થ સામે કઠોર આંખે જોયું “મને સિદ્ધાર્થ ગમેજ છે....!”

“મને સિદ્ધાર્થ ગમેજ છે....! ગમેજ છે...!”

નેહાનાં એ શબ્દોથી રાહત થવાની જગ્યાએ સિદ્ધાર્થને એ શબ્દો સોયની જેમ ભોંકાતાં હોય એવું લાગ્યું.

સિદ્ધાર્થની એ હાલત જોઈને સરગુનબેન જોડે કિચનનાં દરવાજા પાસે ઊભેલી ઝીલ રડું-રડું થઈ ગઈ.

એટલું બોલીને નેહા ત્યાંથી કિચનમાં જવાં લાગી.

“સરપ્રાઈઝ આપવાની આદત ગઈ નથી તારી ....!” જઈ રહેલી નેહાને ઉદ્દેશીને સિદ્ધાર્થ ટોંન્ટમાં બોલ્યો પછી નેહાએ સિદ્ધાર્થ સામે જોતાં સિદ્ધાર્થે તેણી સામે ભીની આંખે અને કઠોર ચેહરે જોયું.

“નઈ...!?” નેહાએ પોતાની સામે જોતાં સિદ્ધાર્થે પોતાનો પ્રશ્ન ફરીવાર દોહરાવ્યો.

ગળગળી થઈ ગયેલી નેહા ઝડપથી સરગુનબેનની જોડેથી પસાર થઈને કિચનમાં જતી રહી.

***

“હાં...! વિક્રમ....! તું આજેજ ભાભીને લઈને અમદાવાદ આઈજા....!” કરણસિંઘ ફોન ઉપર વાત કરી રહ્યાં હતાં “આવતીકાલે સિદ્ધાર્થનું સગું કરવાનું છે....!”

સગાઈ માટે નેહા અને સિદ્ધાર્થની “હાં” થઈ જતાં, બંને પક્ષોનાં એકદમ અડીને હોય એવાં ગણ્યાગાંઠયાં સગાઓની હાજરીમાં આરવ રશિયા જાય એ પહેલાંજ નાનકડું ફંકશન રાખીને સગાઈ કરી દેવાનું નક્કી કરાયું હતું.

“એ અમદાવાદ આય....! પછી બધું સમજાવું...! કાલે સવારે ફંકશન કરવાનું છે....!” કરણસિંઘ બોલ્યાં.

“અરે....! સિદ્ધાર્થ...!” ડ્રૉઇંગરૂમમાંથી પસાર થઈ મેઈન ડોર તરફ જઈ રહેલાં સિદ્ધાર્થને સોફામાં બેઠેલાં કરણસિંઘે ટોક્યો “બેટાં...તું, નેહા અને મમ્મી જઈને આવતી કાલે સગાઈ માટેનો જરૂરી સામાન લેતાં આવોને...! અને નેહા માટે અને તારાં માટે એકાદ જોડી કપડાં પણ લેતાં આવજો...!”

માથું ધૂણાવીને સિદ્ધાર્થ પાછો કિચન તરફ ગયો.

“મમ્મી...!” કિચનમાં સરગુનબેન જોડે રસોઈ બનાવી રહેલાં રાગિણીબેનને સિદ્ધાર્થે કહ્યું “નેહા ક્યાં છે...!? પપ્પા સગાઈનો સામાન લેવાં જવાંની વાત કરે છે...!”

“એ કદાચ અગાશી ઉપર ગઈ છે..!” રોટલીનો લોટ બાંધી રહેલી ઝીલ બોલી “ભાઈ...! સામાન લેવાં હું જોડે આવું...!?”

“હાં...તું જઈ આયને...!” રાગિણીબેન બોલ્યાં “એમ પણ મારે હજી આરવ માટે અલગથી જમવાનું બનવાવવું છે...!”

સિદ્ધાર્થે ઝીલ સામે જોઈને હકારમાં માથું ધૂણાવ્યું અને ફ્લેટની અગાશીમાં જવાં માટે ડ્રૉઇંગરૂમ તરફ જવાં લાગ્યો.

***

“પપ્પાએ સગાઈ માટે કપડાં લેવાં જવાનું કીધું છે...!” ફ્લેટની અગાશી ઉપર પેરાપેટ પાસે ઊભાં-ઊભાં ક્ષિતિજ સામે તાકી રહેલી નેહાને પાછળથી આવીને સિદ્ધાર્થે કહ્યું.

“ઝીલ પણ બીજો સામાન લેવાં જોડે આવે છે....!” સિદ્ધાર્થ બોલ્યો.

થોડીવાર સુધી નેહા એમજ ક્ષિતિજ સામે તાકી રહી.

“હું થોડીવારમાં આવું છું....!” સિદ્ધાર્થ સામે જોયાં વિનાજ નેહા બોલી.

સિદ્ધાર્થ પાછો ફર્યો અને જવાં લાગ્યો.

“તે હાં શું કામ પાડી...!” સ્ટેર કેબિનનાં દરવાજા પાસે અટકીને સિદ્ધાર્થે નેહાને પૂછ્યું.

“તે શું કામ પાડી...!?” નેહાએ પાછાં ફરીને સિદ્ધાર્થને સામો એજ પ્રશ્ન પૂછ્યો.

“મારી પાસે કોઈ રસ્તો ન’તો...!” સિદ્ધાર્થ બોલ્યો પછી મનમાં બબડ્યો “દર વખતની જેમજ..!”

“મારી પાસે પણ ....!” નેહા શાંત સ્વરમાં બોલીને પાછી ફરી ગઈ અને સામે જોઈ રહી.

કેટલીક ક્ષણો ક્ષિતિજ સામે તાકી રહેલી નેહાની પીઠ જોઈ રહીને સિદ્ધાર્થ છેવટે સ્ટેર કેબિનમાં પ્રવેશી ફ્લેટનાં દાદરા ઉતરી ગયો.

***

ત્યારપછીનાં દિવસે ઘરનાં નજીકનાં સગાની હાજરીમાં સિદ્ધાર્થ અને નેહાની સગાઈ કરી દેવામાં આવી. વિજયસિંઘને બાદ કરતાં લગભગ બધાંનુંજ મૂડ ઑફ હતું. આરવ જોડે થયેલાં ગોઝારાં અકસ્માતથી ઊંડો આઘાત પામ્યાં હોવાં છતાં સિદ્ધાર્થ-નેહાની સગાઈથી કરણસિંઘે હાશકારો અનુભવ્યો.

પોતાની સાથે અને એમાંય આરવ સાથે જે થયું એનાં માટે લાવણ્યાને દોષી માનતી નેહાનું મન ગુસ્સાંથી ભરાઈ ગયું હતું. કોઈપણ ભોગે તે લાવણ્યાને સજા આપવા માંગતી હતી.

જે કઈંપણ થઈ રહ્યું હતું તેનાથી સિદ્ધાર્થ પોતે મૂંઝાઈ ગયો હતો. જે નેહાને પોતે પ્રેમ કરતો હતો, તેની જોડે સગાઈ થવાં છતાં તે ખુશ નહોતો.

નેહા અને સિદ્ધાર્થ સાથે અંતે જે કઈંપણ થયું એને સારું ગણતાં આરવ માટે સર્જરી માટે રશિયા જવું એક બહાનુંજ હતું. હકીકત તો એજ હતી કે તે લાવણ્યાથી અને તેણીની યાદોથી દૂર જવાં માંગતો હતો.

***

“તો...! ફાઈનલી તું આવતીકાલે રશિયા જઈ રહ્યો છે....!? નઈ....!?” સુરેશસિંઘનાં ફ્લેટમાં પોતાનાં રૂમની બાલ્કનીમાં વ્હીલ ચેયરમાં બેસીને સામે દેખાતાં અમદાવાદ શહેરનાં દ્રશ્યને જોઈ રહેલાં આરવને પાછળથી આવીને નેહાએ પૂછ્યું.

સવારે સિદ્ધાર્થ સાથે સગાઈ પછી નેહા અને આરવ વચ્ચે કોઈજ વાતચિત નહોતી થઈ.

“હાં....! પે’લ્લાં દિલ્લી જઈશું.....!” આરવ પરાણે સ્મિત કરતાં બોલ્યો “પછી ત્યાંથી રશિયા....!”

“કોણ-કોણ આવે છે તારી જોડે...!?” નેહાએ પૂછ્યું.

“પપ્પાં અને સિદ્ધાર્થ....!” આરવ બોલ્યો “પપ્પાં દિલ્લી સુધી જોડે આવશે.....! પછી ત્યાં એમનાં કોઈ ફ્રેન્ડ ડૉક્ટરને મળીને હું અને સિદ્ધાર્થ રશિયા...!”

“હમ્મ...! અને સ્ટેશન મૂકવા...!?” નેહાએ પૂછ્યું.

“કોઈ નઈ...!” આરવ બોલ્યો.

“કેમ..!?” નેહાએ આશ્ચર્યથી પૂછ્યું.

“બધાં આવશે....! તો મારાંથી જવાશેજ નઈ...” આરવ સહેજ ખિન્ન સ્વરમાં બોલ્યો “એમાંય મમ્મી તો કયારની રડ-રડ કરે છે....! હી..હી..! પછી ત્યાં સ્ટેશન ઉપર રડવાં લાગી જાય તો...!?”

“પણ ટ્રેન કેમ...!? ફ્લાઈટમાં ઝડપથી પહોંચી જવાતને...!?” નેહા બોલી.

“મને પ્લેનમાં બીક લાગે છે...!” આરવ નાનાં બાળકની જેમ બોલ્યો “ફોબિયા ટાઈપ છે...! સમજને...!”

“હમ્મ...!” નેહા બોલી.

બંને થોડીવાર મૌન થઈ ગયાં અને બાલ્કનીમાંથી સામે દેખાતું શહેરનું દ્રશ્ય જોઈ રહ્યાં.

“સોરી નેહા.....!” થોડીવાર પછી આરવ બોલ્યો “તારી સાથે જે થયું એ..!”

“થવાનુંજ હતું...!” નેહા વચ્ચે બોલી પડી પછી પરાણે સ્મિત કરીને બોલી “પણ તારે સોરી કેવાની કોઈ જરૂર નથી....તારો કોઈ વાંક નહતો....!”

નેહા બોલી અને સ્મિત કરીને ફરીવાર સામેનું દ્રશ્ય જોવાં લાગી.

“વાંક ઓલી રખડેલનો હતો...! અને એને હું સજા આપીનેજ રઈશ...!” સામેનું દ્રશ્ય જોતાં-જોતાં નેહા મનમાં બબડી.

“ગૂડ નાઈટ....!” નેહા બોલી અને પાછું ફરીને બાલ્કનીમાંથી રૂમમાં જવાં લાગી.

“નેહા....!” આરવના બેડરૂમમાંથી બહાર નીકળવાં નેહા રૂમનાં દરવાજે પહોંચી હતી ત્યાંજ આરવે બાલ્કનીમાંથી વ્હીલચેરમાં તેણી બાજુ ફરીને તેને ટોકી.

“હાં...! શું...!?” દરવાજો પકડીને ઊભેલી નેહા બોલી.

“તું પણ મને સ્ટેશન મૂકવાં નાં આવતી...!” આરવ દયામણા ચેહરે બોલ્યો “પ્લીઝ....!”

નેહાની આંખ ભીની થઈ ગઈ. કેટલીક ક્ષણો આરવ ભીની આંખે જોઈ રહ્યાં પછી નેહાએ હકારમાં માથું ધૂણાવ્યું અને પછી રૂમમાંથી બહાર નીકળી ગઈ.

રૂમમાં હવે આરવ અને આરવનાં મનમાં ચાલતાં લાવણ્યાનાં વિચારો સિવાય કોઈજ નહોતું.

લાવણ્યા વિષે વિચારી રહેલાં આરવે પોતાનો મોબાઈલ સ્વિચ ઓન કર્યો.

એકસીડેન્ટ પછી આરવે મોટેભાગે તેનો ફૉન સ્વિચ ઑફજ રાખ્યો હતો.

ફૉન સ્વિચ ઓન થતાંજ લાવણ્યાએ કરેલાં કૉલ્સની નોટિફિકેશન અને મેસેજની નોટિફિકેશન આવવાં લાગી. આટલાં દિવસોમાં લાવણ્યાએ અનેકવાર આરવને કૉલ-મેસેજ કર્યા હતાં.

પોતાનાં whatsappમાં આરવે લાવણ્યાનો નંબર ઓપન કરીને તેણીનો પ્રોફાઈલ પીકચર ઓપન કર્યો.

પ્રોફાઈલ પીકચરમાં દેખાતાં લાવણ્યાનાં સુંદર ચેહરા સામે જોઈ રહી આરવ તેણી જોડે વાત કરવી કે નહીં તે અંગે વિચારી રહ્યો.

“તારી જોડે વાત કરીશ...! તો તને છોડીને જઈ નઈ શકું...!” લાવણ્યાનાં ફોટાં સામે જોઈ રહીને આરવ મનમાં બબડ્યો.

તેની આંખ ભીની થઈ ગઈ.

પોતાની આંખો લૂંછીને આરવે લાવણ્યાનો નંબર બ્લૉક કર્યો. લાવણ્યા સાથેનાં તમામ સંપર્કો તોડી નાંખવાં માટે આરવે ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ વગેરે જેવાં પોતાનાં સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ડિલીટ કર્યા. પોતાનાં એકાઉન્ટ ડિલીટ કરતાં પહેલાં તેણે લાવણ્યાનાં પણ આઈડી બ્લૉક કર્યા.

આરવ સાથે મોબાઈલ કે whatsappમાં કૉન્ટૅક્ટ નાં થતાં લાવણ્યાએ ફેસબૂક, ઈન્સ્ટાગ્રામ ઉપર પણ તેને મેસેજ કર્યા હતાં. આરવે એક પણ મેસેજ રીડ કર્યા વગર તેણીનાં આઈડી બ્લૉક કર્યા અને પછી પોતાનાં એકાઉન્ટ ડિલીટ કર્યા.

ફૉન પાછો સ્વિચ ઑફ કરીને આરવે ફરીવાર સામેની બાજુ ફરી જોવાં માંડ્યુ. શૂન્યમનસ્ક જોઈ રહેલાં આરવનું મન ફરીવાર લાવણ્યાનાં વિચારોથી ઘેરાઈ ગયું.

***

“યાત્રી કૃપાયાં ધ્યાન દે....! મુંબઈ જાનેવાલી ટ્રેન પ્લેટફોર્મ નંબર સાત.....!”

કાલુપુર રેલવે સ્ટેશન ઉપર અલગ-અલગ શહેરોમાં જતી ટ્રેનને લગતી એનાઉન્સમેન્ટ થઈ રહી હતી. આરવ સર્જરી માટે રશિયા જઈ રહ્યો હતો. રશિયા જતાં પહેલાં એક ઓળખીતાં ડૉક્ટર સાથે કન્સલ્ટેશન માટે આરવ પહેલાં બાય ટ્રેન દિલ્લી જવાનો હતો અને પછી ત્યાંથી બાય પ્લેન રશિયા. આરવ સાથે દિલ્લી સુધી કરણસિંઘ અને સિદ્ધાર્થ જઈ રહ્યાં હતાં. સ્ટેશન ઉપર તેમને ડ્રોપ કરવાં માટે માત્ર સુરેશસિંઘ અને આરવનો બેસ્ટ ફ્રેન્ડ અક્ષયજ આવ્યાં હતાં.

પ્લેટફોર્મ ઉપર બનેલાં એક બાંકડાંમાં આરવ પોતાનું ગિટાર લઈને બેઠો હતો. પોતાનાં પગ તેણે ચાદર વડે ઢાંકી રાખ્યાં હતાં. સિદ્ધાર્થ અને કરણસિંઘ તેમનો સામાન ટ્રેનમાં તેમનાં માટે બૂક કરેલાં એસી કોચમાં મૂકી રહ્યાં હતાં.

ટ્રેન ઉપડવામાં હવે લગભગ એકાદ કલ્લાક જેટલો સમય બચ્યો હતો.

“ચલ...! બ્રો...! ગૂડ બાય કે’વાનો ટાઈમ આઈ ગ્યો...!” બાંકડાંમાં બેઠેલાં આરવે પોતાની જોડે બેઠેલાં અક્ષયને કહ્યું.

“અરે કેમ..!?” અક્ષય પોતાનાં મોબાઈલમાં ટાઈમ જોતાં બોલ્યો “હજીતો કલ્લાકેક જેટલો ટાઈમ છે...ટ્રેન ઉપડવામાં ….!”

“હાં..પણ હું ઈચ્છું છું કે તું અત્યારેજ જતો રે...!” આરવ ઢીલું મોઢું કરીને બોલ્યો.

“કેમ...!?” અક્ષયને વધુ આશ્ચર્ય થયું.

“તું બેસ્ટ ફ્રેન્ડ છે મારો..!” આરવનો સ્વર સહેજ ઈમોશનલ થયો “તને સી ઑફ કરવું અઘરું છે મારાં માટે...!”

“અરે યાર પ..!”

“પ્લીઝ....! મારી વાત માની લે....! આ લાસ્ટ ટાઈમ...!” અક્ષયનાં ખભે હાથ મૂકીને આરવ ભારપૂર્વક વિનંતીનાં સૂરમાં બોલ્યો.

“સારું...!” એક ઊંડો નિ:શ્વાસ નાંખી અક્ષય બાંકડાંમાંથી ઊભો થયો અને ગમગીન સ્વરમાં બોલ્યો “બાય દોસ્ત…! હવે પાછો આઉ...! ત્યારે પોતાનાં પગ ઉપર ચાલીને આવજે...!”

“હવે હું અમદાવાદ પાછો નઈ આવું...!” આરવ બોલ્યો “અહિયાં એની બધીજ યાદો છે....!”

લાવણ્યા વિષે વાત કરતાં આરવ બોલ્યો.

“એ દરેક ટાઈમ...જે મેં એની જોડે વિતાવ્યો.....! સારો ...ખરાબ બંને....!” આરવ ઈમોશનલ સ્વરમાં બોલ્યો.

તેનું ઢીલું મોઢું જોઈને અક્ષયનું મોઢું પણ ઢીલું થઈ ગયું.

“હવે જો પાછો અહિયાં આવું...! તો...તો બવ અઘરું થઈ પડે....! એને છોડીને જવું....!” આરવ બોલ્યો.

“તો હું બરોડા આઈશ....! તને મલવાં...!” અક્ષય વાત બદલાતો હોય એમ બોલ્યો.

આરવે પરાણે સ્મિત કર્યું.

“યાદ છેને....! કૉલેજમાં કોઈને કશું ખબર નાં પડવી જોઈએ....!” આરવે યાદ અપાવ્યું “નેહાની અને મારી એંગેજમેંન્ટ વિષે....! મારાં મામાં વિષે....! મારી સાથે શું થયું...!?જેમ તને કીધું’તું એમ....! આપડાં ગ્રૂપમાં તો કોઈને પણ નઈ...!”

“હાં...! બ્રો....! ડોન્ટ વરી....!” અક્ષય ખિન્ન સ્વરમાં બોલ્યો “હું ભલે ક્ષત્રિય નથી...! પણ તોય....! પ્રોમિસ નિભાઈ જાણું છું....!”

બંને ફરીવાર પરાણે હસ્યાં.

“બાય બ્રો...! હવે મારાંથી પણ વધારે અહિયાં નઈ રોકાવાય...!” એટલું કહીને અક્ષય નીચો નમ્યો અને પછી આરવને હળવું આલિંગન આપીને ત્યાંથી નીકળી ગયો.

પ્લેટફૉર્મની બહાર નીકળી અક્ષય કાલુપુર રેલવે સ્ટેશનનાં બહાર જતાં દાદરાં ઉતરવાં લાગ્યો.

પોતાનાં જીન્સનાં પોકેટમાંથી મોબાઈલ કાઢીને તેણે નંબર ડાયલ કરી કાને મોબાઈલ માંડ્યો.

“હેલ્લો....! અક્ષય....! થેન્ક ગોડ....! તે ફોન કર્યો...! આખાં પંદર દિવસ થઈ ગ્યાં....! મ....મારે આરવને...!”

“આરવ જાય છે લાવણ્યા....!” રઘવાયાં સ્વરમાં બોલી રહેલી લાવણ્યાને ટોકી અક્ષય વચ્ચે બોલ્યો “એ રશિયા જાય છે....!”

“ર....રશિયા....!? ક....કેમ...!? રશિયા કેમ....!?” હતપ્રભ લાવણ્યા એવાંજ રઘવાયાં સ્વરમાં બોલી.

“એ બધુ છોડ....! એ આજની ટ્રેનથી પે’લ્લાં દિલ્લી જાય છે....! દિલ્લીમાં એમનાં કોઈ ફ્રેન્ડ છે...! ડોક્ટર...! એમને મળીને પછી ત્યાંથી રશિયાની ફ્લાઈટ છે...!”

“પ....પણ...!”

“એણે મને ના પાડી’તી....! તને કે’વાની....! પણ....!” અક્ષય સહેજ ખચકાયો અને લાવણ્યાને આરવનાં પગ વિષે કહેવું કે નાં કહેવું એ વિષે વિચારવાં લાગ્યો.

“ના....પાડી’તી....!? મને કેમ નઈ....!?” લાવણ્યા રડમસ સ્વરમાં બોલી.

“પણ.....!? પણ શું....!? બ.....બોલને...! કેમ ચૂપ થઈ ગ્યો....!? અક્ષય...! હેલ્લો...!?” સામે છેડેથી અક્ષય મૌન થઈ જતાં લાવણ્યા કાનમાં તેનો ફોન દબાવીને રઘવાયાં સ્વરમાં બોલી.

“પણ...લાવણ્યા....! અ....મ...મને લાગે છે કે તારે એને છેલ્લીવાર જોવો જોઈએ....!” અક્ષય ખચાકટ સાથે બોલ્યો “આઈ મીન....! છેલ્લીવાર મલવું જોઈએ....!”

“ક...ક્યારે ટ્રેન છે એની...!?” લાવણ્યાએ રડતાં-રડતાં પોતાનો સ્વર સ્વસ્થ કરતાં પૂછ્યું “કેટલાં’ વાગ્યે...!?”

“આજની....! સાડાં’ સાતની....!” અક્ષય બોલ્યો.

“what…!?” લાવણ્યા ચોંકી ગઈ.

સાડાં સાતની ટ્રેન હતી અને લગભગ સાડાં છ વાગ્યા હતાં. લાવણ્યા પાસે હવે હાર્ડલી કલ્લાક જેટલો સમય હતો.

“હે ભગવાન....! ખાલી કલ્લાકજ બાકી ‘ર્યો....!” લાવણ્યા રઘવાટભર્યા સ્વરમાં બોલી.

“કાલુપુર રેલ્વે સ્ટેશન....! રાજધાની છે....! તારે મલવું હોય તો ...!” અક્ષય બોલ્યો “બાય....!”

એટલું કહીને અક્ષયે કૉલ કટ કરી દીધો અને સ્ટેશનનાં પગથિયાં ઉતરવાં લાગ્યો.

“સોરી બ્રો....!” પગથિયાં ઉતરતાં-ઉતરતાં અક્ષય આરવને યાદ કરીને મનમાં બબડ્યો “પણ એ છોકરીને ખબર પડવીજ જોઈએ....કે તે એને પ્રેમ કરવાની કેટલી ભારે કિમ્મત ચૂકવી છે...!”

***

એક્સિડેન્ટ પછીના દિવસોમાં આરવને મળવા કૉન્ટૅક્ટ કરવાંનો ઘણો પ્રયત્ન કર્યો છતાંપણ આરવને ના મળી શકેલી લાવણ્યા જ્યારે જ્યારે પણ અક્ષયને ફોન કરીને આરવને મળવાનું પૂછતી, અક્ષય આરવની ફેમિલીનું બહાનું કાઢીને વાત ટાળી દેતો. રઘવાઈ થઈ ગયેલી લાવણ્યાનાં આજ સુધીના બધાંજ દિવસો બેચેનીમાંજ વિત્યા. રાત્રે ઊંઘ પણ માંડ-માંડ આવતી.

તેણે આરવને અનેકવાર મેસેજ કરી જોયાં અને ફોન પણ કરી જોયાં. એકેયવાર આરવનો કોઈ રિસ્પોન્સ ના આવ્યો. થોડાં દિવસ પછીતો આરવનો ફોન પણ સ્વિચ ઑફ આવવાં લાગ્યો હતો. આથી અક્ષયે જ્યારે લાવણ્યાને આરવની છેલ્લીવાર મળી લેવાં માટે ફૉન કર્યો, તો રઘવાઈ થઈ ગયેલી લાવણ્યા જેમ-તેમ તૈયાર થઈને કાલુપુર રેલવે સ્ટેશન જવાં ભાગી.

ઓટોમાં બેઠાં-બેઠાં લાવણ્યા છેક સ્ટેશન પહોંચ્યાં સુધી વારે-ઘડીએ પોતાનાં મોબાઇલના સ્ક્રીન ઉપર ટાઈમ જોયાં કરતી. સાંજના ટ્રાફિકને લીધે ઓટોવાળાંએ લાવણ્યાને લગભગ પોણો કલ્લાકે કાલુપુર રેલ્વે સ્ટેશન ઉતારી.

સ્ટેશનની ટિકિટ વિન્ડોમાંથી પ્લેટફોર્મ ટિકિટ લઈને લાવણ્યા સડસડાટ પ્લેટફોર્મ તરફ ભાગી.

***

“એક્સ્ક્યુઝમી ....!?” સ્ટેશન ઉપર બાંકડાની બેઠક ઉપર બેસીને ગિટાર મંતરી રહેલાં આરવને કોઇકે બોલાવ્યો.

લાવણ્યાના વિચારોમાંથી પોતાનું મન ડાયવર્ટ થાય એટ્લે આરવ પોતાનું ગિટાર વગાડી કઈંક સોંન્ગ ગાવાનું વિચારી રહ્યો હતો. જોકે ઘણા સમયથી વાગ્યા વગર પડી રહેલાં તેનાં ગિટારનું ટ્યુનિંગ ખરાબ થઈ ગયું હોવાથી આરવ તેને સરખું કરી રહ્યો હતો.

“ઈફ આઈ એમ રાઇટ....! તમે આરવ છોને...!?”

સામે કોલેજીયન લાગતાં બે બોય્ઝ અને ત્રણ ગર્લ્સનું ગુપ ઊભું હતું.

“હાં....!” હળવાં આશ્ચર્યથી આરવે પ્રશ્નાર્થભાવે તે ગ્રૂપ બધાં સામે જોયું.

ગ્રૂપમાં ઊભેલી એક છોકરીએ આરવને ઓળખી જઈને પૂછ્યું હતું.

“તમે ફૂડ ટ્રક પાર્કમાં લાઈવ સિંગિંગ કરો છો ને....!?” એજ છોકરી બોલી.

“તમે ફૂડ ટ્રક પાર્કમાં આવતાં’તા...!?” આરવે સ્મિત કરીને પૂછ્યું.

“ના.....! અમે તો તમને યુ ટ્યુબ ઉપર જોયાં ‘તા...!” એ છોકરી બોલી “ફૂડ ટ્રક પાર્કવાળાએ તમારી ઘણી બધી વિડીયોઝ અપલોડ કરેલી...જેને ખાસ્સાં બધાં વ્યુઝ મળેલાં છે...!”

“હમ્મ...!” આરવે સ્મિત કરીને હુંકારો ભર્યો.

“તો....અ....ઈફ યુ ડોન્ટ માઈન્ડ...!” અત્યારસુધી આરવ જોડે વાત કરી રહેલી છોકરીની જોડે ઉભેલો એક છોકરો બોલ્યો “તમે એક સોંગ ગાઈ શકો...! મારી શિવાનીને ડેડીકેટ કરવું છે...!”

એણે પોતાની બાજુમાં ઊભેલી એક છોકરી તરફ ઈશારો કરીને કહ્યું.

“આજે શિવાનીનો બર્થડે છે....! અને હું એનાં માટે ગિફ્ટ લાવવાંનું ભૂલી ગ્યો છું...તો...!”

“અરે યાર વિહાર.....મારે ગિફ્ટ નથી જોઈતું પણ...!” બાજુમાં ઊભેલી શિવાની તે છોકરાં વિહારના બાવડે ટપલી મારીને બોલી.

બર્થડે અને ગિફ્ટની વાત સાંભળીને આરવને એ દિવસ યાદ આવી ગયો જ્યારે તે પોતે લાવણ્યાનાં બર્થડેનાં દિવસે તેણી માટે સરપ્રાઈઝ આપવાનું વચન આપીને ભૂલી ગયો હતો.

હળવું સ્મિત કરીને આરવે તે છોકરાં વિહાર સામે અને તેની જોડે ઊભેલી છોકરી શિવાની સામે જોયું.

વિહારનાં ચેહરા ઉપર શિવાની માટે એવાંજ મુગ્ધભાવો હતાં જેવાં આરવને શરૂ-શરૂમાં લાવણ્યા માટે હતાં. શિવાની ચેહરા ઉપર આરવને એક ગૂઢ- નાં સમજાય તેવી ઉદાસી દેખાઈ.

“અમ્મ...તમને વાંધો નાં હોય તો હું અહિયાં બેસું...!” બાંકડાંમાં આરવની બાજુ બીજાં છેડે ખાલી જગ્યા તરફ હાથ કરીને શિવાની પૂછ્યું “સ્ટેશનનાં પગથિયાં ચઢતી વખતે મારો પગ સહેજ મચકોડાઈ ગ્યો છે...!”

“અરે બાપરે….! તો એમાં પૂછો છો શું કામ...!” આરવ સ્વાભાવિક સ્વરમાં બોલ્યો “પ્લીઝ...! બેસો...!”

સ્મિત કરીને શિવાની આરવથી સહેજ અંતર રાખીને બીજાં છેડે બાંકડાં ઉપર બેઠી.

“પ્લીઝ...! એક સોંન્ગ...!” વિહાર ફરીવાર આજીજીપૂર્વક બોલ્યો પછી આરવની જોડે બેઠેલી શિવાની સાંભળી નાં લે એટ્લે નિચાં નમીને આરવને કાનમાં કહ્યું “ઓલું હાલ્ફ ગર્લફ્રેન્ડ મૂવીનું....તું મેરે હો ઇસ પલ મેરે હો...વાળું...!”

“નાં યાર વિહાર...! શું કામ તમે લોકો …!”શિવાની બોલતી હતી.

“નાં...નાં....પ્લીઝ ગાઓ યાર....!” ત્યાંજ ગ્રૂપની બીજી ગર્લ્સ અને બોય્ઝ પણ એક સાથે જિદ્દ કરતાં હોય એમ બોલ્યાં “શિવાની...માટે ગાઓ...પ્લીઝ....પ્લીઝ...!”

“ઓકે.....ઓકે... હું ગાઉંતો ખરો......!” શિવાની અને વિહાર સામે જોઈને આરવે સ્મિત કરીને કહ્યું “પણ તમારાંમાંથી કોઈએ ફીમેલ લીરીક્સ ગાવાં પડશે....!”

“હાં....તો...! શિવાની ગાશે.....! અને હું રેકોર્ડ કરીશ....!” સામે ઉભેલી એક છોકરીએ બેન્ચ ઉપર આરવની જોડે બેઠેલી શિવાની સામે જોઇને કહ્યું અને પછી પોતાનો મોબાઈલ કાઢવાં લાગી.

“તમે ગાશો....!?” આરવે તેની જોડે બેઠેલી શિવાની સામે જોઈને પૂછ્યું.

“ટ્રાય કરીશ હોં....! મને તમારાં જેવું નથી આવડતું...!” શિવાનીએ કહ્યું.

“ઓકે.....! તો ....! લેટ્સ ડુ ઈટ....!” એટલું કહીને આરવે તેનાં ગીટારના તાર ઉપર તેની આંગળીઓ ફેરવી.

“તું જ્યાં જાય છે....! કેન્ટીન જેવો માહોલ ઉભો કરી દે છે...!” લાવણ્યા ભીની આંખે સ્મિત કરીને મનમાં બબડી.

આરવને નહોતી ખબર કે કયારની લાવણ્યા તેની પાછળ સહેજ છેટે ઊભાં-ઊભાં તેને અને એ કૉલેજ સ્ટુડન્ટનાં ગ્રૂપને જોઈ રહી હતી.

આરવે તેની આગળીઓ ગીટારનાં તાર ઉપર ફેરવવા માંડી અને સોન્ગની ટ્યુન વગાડવા લાગી.

“તુમ મેરે હો...... ઇસ પલ મેરે હો....!

કાલ શાયદ યે આલમ ના રહે....!”

ગીટાર વગાડતાં-વગાડતાં આરવે સોન્ગ ગાવાનું શરુ કર્યું.

“કુછ એસ હો.... તુમ તુમ ના રહો.....

કુછ એસા હો હમ..... હમ ના રહે …!

યે રાસ્તે અલગ હો જાયે

ચલતે ચલતે હમ ખો જાએં…એ.....!

મૈં ફિર ભી તુમકો ચાહુંગા…!

મૈં ફિર ભી તુમકો ચાહુંગા…

લાવણ્યાની આંખ ફરીવાર ભરાઈ આવી. ભીની આંખે લાવણ્યા ત્યાંજ ઉભાં-ઉભાં આરવને સોન્ગ ગાતો સાંભળી રહી.

“મેરી જાન મેં હર ખામોશી મેં

તેરે પ્યાર કે નગમે ગાઉંગા

મમમ…!

મૈં ફિર ભી તુમકો ચાહુંગા....!”

“મેં તને બવ હર્ટ કર્યો....!” આરવને સાંભળતાં-સાંભળતાં લાવણ્યા મનમાં બબડી.

“એસે ઝરુરી હો મુઝકો તુમમમ્મ....

જૈસે હવાએ સાંસો કો...!”

એસે તલાશુ મેં તુમ્કો....

જૈસે કી પેર ઝમીનો કો....!”

એ લાઈન ગાતાં-ગાતાં આરવે ચાદર ઓઢેલાં પોતાનાં કપાયેલાં પગ સામે જોયું. ચાદર નીચે પોતાનાં કપાયેલાં પગ વિષે યાદ આવી જતાં આરવની આંખ ભીની થઈ ગઈ. લાવણ્યાને પ્રેમ કરવાની પોતે ચૂકવેલી કિમ્મત કેટલી મોટી હતી એ વાતનો અહેસાસ થતાં આરવના શરીરમાંથી હળવી ધ્રુજારી પસાર થઈ ગઈ.

કલ મુઝસે મોહબ્બત હો ના હો

કલ મુઝકો ઇજાજત હો ના હો

તૂટે દિલ કે ટુક્ડે લેકર

તેરે દર પે હી રે જાઉંગા

મમમ…!

મૈં ફિર ભી તુમકો ચાહુંગા

મૈં ફિર ભી તુમકો ચાહુંગા

ઇસ ચાહત મેં મર જાઉંગા

મૈં ફિર ભી તુમકો ચાહુંગા

“તુમ યૂ મિલે હો જબસે મુઝે

ઔર સુનહરી મેં લગતી હૂં”

આરવની જોડે બેન્ચ ઉપર બેઠેલી શિવાની હવે ફિમેલ લીરિક્સ ગાવાં લાગી.

“સિર્ફ લબો સે નહીં અબ તો

પૂરે બદન સે હસતી હૂં....

મેરે દિન રાત સલોને સે

સબ હૈ તેરે હી હોને સે

યે સાથ હમેશા હોગા નહીં

તુમ ઓર કહિં મેં ઓર કહિં....”

લેકિન જબ યાદ કરોગે તુમ

મૈં બનકે હવા આ જાઉંગા

ઓ ઓ ઓ …!” એક ઊંચા સ્વરમાં આરવે ગાયું અને અટકી ગયો.

તે શૂન્યમનસ્ક શિવાની સામે જોઈ રહ્યો.

“મૈં ફિર ભી તુમકો ચાહુંગા

મૈં ફિર ભી તુમકો ચાહુંગાઆ...!”

કેટલીક ક્ષણો પછી આરવે ફરીવાર ગાયું. જોકે આ વખતે તેનાં સ્વરમાં રહેલું કંપન પાછળ ઊભેલી લાવણ્યાને પણ મહેસુસ થયું.

ગિટારની એજ ટ્યુન આરવે રેલાવી અને સોંગ પૂરું કર્યું. સામે ઊભેલી બંને છોકરીઓ અને એક છોકરાએ આરવને સોંન્ગ ગાતો રેકોર્ડ પણ કર્યો.

“સુપર્બ યાર....!” પોતાનાં મોબાઈલમાં સોંન્ગ રેકોર્ડ કરી રહેલી છોકરી બોલી.

“યાત્રી કૃપાયાં ધ્યાનદે....!” ત્યાંજ રેલ્વેસ્ટેશનમાં લાગેલાં સ્પીકર્સમાં એનાઉન્સમેંન્ટ થઈ.

“અરે આપડી ટ્રેન ઉપડવાનો ટાઈમ થઈ ગયો....!” સામે ઉભેલો વિહાર બોલ્યો અને બેન્ચ ઉપર શિવાનીની બાજુમાં પડેલું પોતાનું બેગપેક ઉઠાવી લીધું.

“ચાલો....ચાલો જલ્દી...! આપડી ટ્રેન તો સામેના પ્લેટફોર્મ ઉપર છે....!” મોબાઈલમાં રેકોર્ડ કરનારી છોકરી પણ પોતાનો મોબાઈલ પોકેટમાં મૂકીને પોતાની બેગ ઉઠાવાં લાગી “શિવાની....! જલ્દી ચાલ...! ટ્રેન મિસ થઈ જશે...!”

શિવાનીએ એક નજર આરવ સામે જોયું. બંનેની આંખોમાં જાણે એકજ પ્રકારનો દર્દ હોય એવું બંનેને દેખાયું.

“બાય....!” શિવાનીએ હળવેથી હોંઠ ફફડાવીને કહ્યું અને ઊભી થઈ.

“થેન્ક યુ...! સોંન્ગ ગાવાં માટે...!” શિવાની બોલી અને બાકીનાં બધાં પણ આરવને થેન્ક યુ કહીને ત્યાંથી ઉતાવળાં પગલે પ્લેટફોર્મ નંબર 6 ઉપર જવાં માટે દોડવા લાગ્યાં.

આરવ થોડીવાર સુધી તેમને જતાં જોઈ રહ્યો. પાછળ ઊભેલી લાવણ્યાની હાજરીની તેને ખબર નહોતી. લાવણ્યા પણ આરવને પાછળ-પાછળ ઊભાં-ઊભાં જોઈ રહી હતી.

પોતાની ટ્રેનના પ્લેટફોર્મ સુધી જતાં-જતાં શિવાનીએ એક નજર પાછું ફરીને આરવ સામે ફરીવાર જોયું અને હળવું સ્મિત કરીને પ્લેટફોર્મની ભીડમાં અલોપ થઈ ગઈ.

શિવાનીના સ્મિત સામે આરવે પણ સ્મિત કર્યું અને તેણીનાં નજરોથી ઓઝલ થયાં પછી પણ તે એજ તરફ જોઈને સ્મિત કરતો રહ્યો.

“મૈં ફિર ભી તુમકો ચાહુંગા

મૈં ફિર ભી તુમકો ચાહુંગાઆ...!”

આરવે ગાયેલાં સોંન્ગનાં પડઘા પાછળ ઊભેલી લાવણ્યાનાં કાનમાં હજી પણ ગુંજી રહ્યાં હતાં.

“મને કીધાં વગરજ જતો રઈશ તું....!?” આરવ એકલો પડતાંજ તેની નજીક જતાં-જતાં લાવણ્યા રડમસ સ્વરમાં બોલી.

આરવે ચોંકીને પાછળ જોયું. તેની આંખ તરતજ ભીંજાઈ ગઈ. પોતાની આંખોમાં આવી ગયેલું પાણી છુપાવવાં આરવે મોઢું ફેરવી આગળ તેની સામે પાટાં ઉપર ઊભેલી રાજધાની ટ્રેન તરફ જોવાં માંડ્યુ.

“મને કીધાં વગર આ રીતે જતું રેવાનું...!? બોલ...!” લાવણ્યા તરતજ બેન્ચની ફરતેથી આગળ આવીને આરવની જોડે બેસતાંજ તેને ધમકાવતી હોય એમ બોલી.

આરવ નીચું જોઈ ગયો. પોતાનાં ખોળાંમાં રહેલું ગિટાર તેણે મજબૂતીથી પકડી રાખ્યું. રખેને લાવણ્યા જો શોલ ખેંચીલે તો પોતે અપંગ થઈ ગયો એ વાતની ખબર તેણીને પડી જાય એ બીકે આરવ ધ્રૂજવાં લાગ્યો.

લાવણ્યાએ પણ જોયું કે આરવે તેનાં કમરનીચે શોલ વીંટાળી રાખી હતી.

“આ શોલ કેમ વીંટાળી છે...!?” લાવણ્યાને સહેજ આશ્ચર્ય થતાં તેણીએ પૂછ્યું.

“પ...પગનાં પાટાં ઉપર માખી મચ્છરનાં બેસે એટ્લે...!” ગભરાયેલાં આરવે શક્ય એટલાં રૂડલી જવાબ આપ્યો.

“તારે આવીજ રીતે વાત કરવાની છે મારી જોડે ....કાયમ....!?” લાવણ્યા માંડ પોતાનું રડવું દબાવી રાખીને બોલી.

“કાયમ નઈ....! આજે છેલ્લીવાર....!” આરવ લાવણ્યા સામે જોયાં વિનાજ ઉદાસ ચેહરે બોલ્યો.

થોડો કોન્ફિડેંસ આવતાં આરવનો સ્વર હવે સહેજ સ્વસ્થ થયો.

“ક્યાંય નઈ જવાનું તારે....!” રડમસ સ્વરમાં લાવણ્યા છણકો કરીને બોલી “હું તને નઈ જવાં દઉં...!”

“ક્યાં હકથી રોકે છે તું....!?” આરવે ભીની આંખે તેણી સામે જોઇને પૂછ્યું.

“બ...બેસ્ટફ્રેન્ડ છું તારી...!” લાવણ્યાની આંખ ભીની થઈ.

આરવની આંખ વધું ભીંજાતાં તેણે કટાક્ષમાં હસીને મોઢું ફેરવી લીધું.

“આ રીતે વાત અધુરી મ્મ...મુકીને નાં જઈશને....!” લાવણ્યા કરગરી પડી “મારી વાત એકવાર તો સાંભળીલે..!”

“તું જાણે છેને....! હું તારાં માટે શું ફિલ કરું છું....!?” આરવે ગળગળા સ્વરમાં પૂછ્યું.

“આરવ....! હની...! મારો બેસ્ટફ્રેન્ડ મારાંથી નાં છીનવીશ....” લાવણ્યાની આંખ છેવટે વહેવા લાગી “પ્લીઝ....!”

“હવે એક બેસ્ટફ્રેન્ડ બનીને હું....હું...તારી જોડે નઈ રઈ શકું...! લાવણ્યા...” આરવ માંડ પોતાનું રડવું દબાવી રાખીને બોલ્યો “મારાંમાં.....! એટ...એટલી હિમ્મત નથી રઈ હવે....!”

બોલતાં-બોલતાં આરવનો સ્વર ધ્રુજી જતાં લાવણ્યાની આંખ પણ વધુ ભીંજાઈ.

“મેં તને બવ હર્ટ કર્યોને....!?” લાવણ્યા પણ એજરીતે ઈમોશનલ સ્વરમાં બોલી “સ....સોરી....! સોરી...!”

“વાંક તારો નો’તો....!” આરવ તેની આંખો આંગળીઓ વડે લુંછતાં બોલ્યો

“મારે સમજવું જોઈતું’તું...!” આરવનો સ્વર હવે વેધક બન્યો “તું જેવી છે એવીજ રેહવા માંગે છે....! કદી નઈ બદલાય...! મારો પ્રેમ એક...!”

“હું તને એવીજ લાગું છુંને...!?” લાવણ્યા વચ્ચે બોલી અને રડી પડી ડૂસકાં ભરવા લાગી “બોલ.....!?”

આરવે ફરીવાર મોઢું ફેરવી લીધું અને બીજી દિશામાં જોવાં લાગ્યો.

“મારી સામે તો જો....!” હર્ટ થઇ ગયેલી લાવણ્યાએ છણકો કર્યો.

“યાત્રીગણ કૃપયા ધ્યાન દે....!” ત્યાંજ ફરીવાર સ્પીકરમાં એનાઉન્સમેન્ટ સંભળાઈ “એમદાબાદ સે દિલ્લી જાનેવાલી રાજધાની ટ્રેન....!”

“ટ્રેન જવાનો ટાઈમ થઈ ગયો....!” લાવણ્યા છતમાં લાગેલાં એક સ્પીકર તરફ જોઇને બબડી પછી આરવ સામે જોવાં લાગી.

આરવ હજીપણ લાવણ્યા સામે નહોતો જોઈ રહ્યો.

“પ્લીઝ મારી સામું જોને...! મમ્મ....મારે વાત કરવી છે...!” આરવના ખભે તેનો કોલર પકડીને લાવણ્યા માંડ બોલી.

“તું એવીજ રે’જે.....!” એક કઠોર નજર તેણી સામે જોઈ આરવ વ્યંગ કરતો હોય એમ બોલ્યો અને ફરીવાર આડું જોવાં લાગ્યો “તારે કોઈનાં માટે બદલાવાની જરૂર નથી....!”

“તું મને એવીજ ગણાતો હોય....! તો...તો...! જા જતો રે’....! જા....!” લાવણ્યા પરાણે નકલી ગુસ્સો કરતી હોય એમ બોલી અને બેન્ચ પરથી ઉભી થઈ ગઈ “જતો રે’....! બાય....!”

નકલી ગુસ્સો કરતી લાવણ્યા ત્યાંથી સ્ટેશનના એન્ટ્રન્સ તરફ ઉતાવળાં પગલે ચાલવાં લાગી.

“મને ખબર છે....! તું મારી ઉપર ટ્રસ્ટ કરે છે....!” ઉતાવળાં પગલે ચાલતી-ચાલતી લાવણ્યા બબડી “તું નઈ જાય...! મને મુકીને....! નઈ જાય....!”

“સોરી લાવણ્યા....!” જઈ રહેલી લાવણ્યા સામે જોયાં વિનાજ આરવ મનમાં બબડ્યો “પણ હવે તને રોકવી...! અહિયાં વધુ રોકાવું પોસિબલ નથી....!”

છેવટે આરવે પોતાનાં પગે વીંટાળેલી શોલ હાથમાં લઈને ખભે નાંખી અને પોતાનું ગિટાર એકબાજુના ખભે ભરાવ્યું. બેન્ચની નીચે મુકેલી બંને કાખઘોડી નીચાં નમીને લઈને આરવ તેનાં સહારે ઊભો થયો અને સામે પ્લેટફોર્મ પાસે ઊભેલી ટ્રેનમાં પોતાનાં એસી કોચ તરફ જવાં લાગ્યો.

મનમાં વિચારતી-વિચારતી લાવણ્યા એન્ટ્રન્સ પાસે પહોંચવાં આવતાં સહેજ ધીરે ચાલવાં લાગી.

“પ્લીઝ....! આ વખતે રોકીલે મને....!” એન્ટ્રન્સ પાસે અટકીને લાવણ્યા મનમાં બબડી “રોકી લે હની....!”

“લાવ ગિટાર મને આપ...!” એસી કોચના દરવાજે જ્યારે આરવ આવીને ઊભો રહ્યો ત્યારે આરવને લેવાં દરવાજે ઉભેલાં સિદ્ધાર્થે ગિટાર લેવાં માટે પોતાનો હાથ કોચનાં દરવાજાની બહાર લંબાવ્યો.

ત્યાંજ સ્ટેશનની બહાર જવાં એન્ટ્રન્સે પહોંચેલી લાવણ્યાને ટ્રેનનાં હોર્ન ઉંચો કર્કશ અવાજ સંભળાયો.

તેણીનાં ધબકારા વધી ગયાં.

“રોકીલે...! પ્લીઝ ...રોકીલે...!” ટેનમાં બેસવાં કોચ પાસે પહોંચી આરવ પહોંચી ગયો છે એ વાતથી અજાણ લાવણ્યા આરવ તેણીને રોકી લેશે એજ આશાએ એન્ટ્રન્સ પાસેજ ઉભી રહી.

વધુ એક વખત ટ્રેનનો હોર્ન સંભળાતાં લાવણ્યાની ધીરજ ખૂટી ગઈ.

“આરવ....! તું....!” છેવટે લાવણ્યા ફરી ગઈ અને આરવ જે બેન્ચ ઉપર બેઠો હતો તે જોવાં લાગી.

“હે ભગવાન....!” લાવણ્યા ચોંકી ગઈ “આરવ....! આરવ....!”

બેન્ચ ઉપર કોઈ નહોતું.

“આરવ....! આરવ....!” રઘવાઈ થઈ ગયેલી લાવણ્યા આમ-તેમ ડાફોળિયાં મારવાં લાગી અને હાંફળી-ફાંફળી થઈને બેન્ચ તરફ દોડી.

ત્યાંજ તેણીની નજર સહેજ દુર પ્લેટફોર્મને અડીને ટ્રેનનાં એક કોચ પાસે ઉભેલાં આરવ ઉપર પડી. ટ્રેનના કોચની અંદરથી કોઈ વ્યક્તિએ લંબાવેલા હાથમાં આરવ તેનું ગીટાર આપી રહ્યો હતો.

“હે ભગવાન....! આરવ....!” લાવણ્યાની આંખોમાંથી આંસુઓનું ઘોડાપુર આવી ગયું.

આઘાતથી તેણીએ પોતાનાં હોંઠ તેની બંને હથેળીઓમાં દબાવી દીધાં.

ટ્રેનના કોચ પાસે આરવ કાખઘોડીના સહારે ઉભો હતો. તેણે કમર નીચે વીંટાળેલી શોલ હવે કાઢી લીધી હતી અને તેનાં બંને પગ ઘૂંટણથી કપાયેલાં હોય એમ તેનાં બંને પગનાં પેન્ટની સ્લીવ્સ હવામાં ઝૂલતી હતી.

આઘાતથી લાવણ્યા ત્યાંજ જડ થઈ ગઈ. તેની આંખોમાંથી વહેતાં આંસુ અટકવાનું નામ નહોતાં લેતાં.

“તું નઈ સમજે લાવણ્યા.....! તું નઈ સમજે....!” એક્સીડેન્ટની રાત્રે આરવે કહેલાં શબ્દો હવે લાવણ્યાનાં કાનમાં ગુંજવા લાગ્યાં.

“હું તને એ લોકો સાથે નઈ જોઈ શકતો....! મારાંથી આ ટોર્ચર સહન નથી થતું...!” આરવનો એ દયામણો ચેહરો પણ લાવણ્યાની સામે તરવરી ઉઠ્યો.

કાખઘોડીનાં સહારે આરવ હવે ટ્રેનના કૉચમાં ચઢી ગયો.

“ત....તને કોઈ આઇડિયા નથી લાવણ્યા...! તને બીજાં છોકરાંઓ સાથે જતાં જોઈને મને જે ફીલિંગ્સ આવે છે એ કેટલી ગંદી છે...! કેટલી ગંદી છે...!”

ફીરવાર ટ્રેનનાં હોર્નનો એક મોટો અવાજ આવ્યો અને એ સાથે ધીમી ગતિએ ટ્રેન ઉપડવા લાગી.

આઘાતપામી ગયેલી લાવણ્યા હજીપણ જડ થઈને હજી ત્યાંજ ઉભી હતી.

પોતાની સામે ધીરે-ધીરે પાટા ઉપર આગળ વધી રહેલી ટ્રેનને લાવણ્યા આઘાતપામીને જોઈ રહી. ધીરે-ધીરે ટ્રેનની ગતિ વધવાં લાગી.

આરવ જે કોચમાં બેઠો હતો તે કોચ પણ હવે લાવણ્યાથી આગળ નીકળી જવાં લાગ્યો.

“તું અંદર બેસ....! હું મમ્મીને કૉલ કરીને આવું છું....!” સિદ્ધાર્થ બોલ્યો અને આરવ કોચમાં તેમની એસી કેબિનનાં દરવાજામાંથી અંદર જતો રહ્યો.

કેબિનમાં અંદર જઈને તેણે કેબિનનો દરવાજો બંધ કર્યો.

કેબિનની બહાર કોચમાં ઉભેલો સિદ્ધાર્થ પોતાનાં મોબાઈલમાંથી ઘરે કૉલ કરવાં લાગ્યો. ધીમી સ્પીડે જઈ રહેલી ટ્રેનમાં ઉભેલો સિદ્ધાર્થ ફોન કાને માંડી પસાર થઈ રહેલાં પ્લેટફોર્મ ઉપર પસાર થઈ રહેલી ભીડ તરફ અમસ્તું જોઈ રહ્યો.

“ટ્રીન....ટ્રીન....ટ્રીન....!” ફોન કાને માંડીને રિંગ સાંભળી રહેલાં સિદ્ધાર્થે પ્લેટફોર્મ ઉપર તેમનાં કોચ તરફ દોડીને આવતી લાવણ્યાને જોઈ.

“વ્હોટ....!? આ છોકરી અહિયાં શું કરે છે...!?” લાવણ્યાને જોતાંજ સિદ્ધાર્થ ચોંકી ગયો.

“આરવ...! આરવ.....!” આરવનાં નામની મોટેથી બુમો પાડતી લાવણ્યા હવે ટ્રેનની નજીક આવી ગઈ હતી અને કોચની સમાંતર પ્લેટફોર્મ ઉપર ઉતાવળાં પગલે દોડી રહી હતી.

“આરવ.....! પ્લીઝ....!” લાવણ્યા રડતાં-રડતાં બરાડી ઉઠી.

ટ્રેનની ઝડપ હવે વધારે થઇ જતાં આરવનો કોચ લાવણ્યાથી વધુને વધુ દુર નીકળવા લાગ્યો.

“આરવ.....! પ્લીઝ....!” હાથ લાંબો કરીને લાવણ્યા વધું ઝડપે દોડી.

હાંફવા છતાંય લાવણ્યા હાથ લાંબો કરીને દોડતી રહી.

સિદ્ધાર્થને વધુ એક વખત લાવણ્યા ઉપર દયા આવી ગઈ. જોકે તેણે કોચનાં દરવાજામાંથી પોતાનું મોઢું બહાર કાઢી જોવાનું ટાળ્યું. આમ છતાંય, આરવનાં નામની બૂમો પાડીને પ્લેટફોર્મ ઉપર દોડી રહેલી લાવણ્યાનો રઘવાટ તે અનુભવી શક્યો.

“આરવ....! આરવ....!” પ્લેટફોર્મનો છેડો આવી જતાં લાવણ્યા છેવટે અટકી ગઈ અને ત્યાંજ ઉભી-ઉભી રડી પડી.

“સોરી...આરવ.....સોરી.....!” રડતાં-રડતાં લાવણ્યા ધીમાં સ્વરમાં બબડી અને ટ્રેનનાં છેલ્લાં કોચને અને આરવને પણ પોતાનાંથી દુર જતો જોઈ રહી.

***

“સર્જરી પોસિબલ છે કે નઈ....!?” આરવનાં એકસીડેન્ટ કેસની ફાઈલ વાંચી રહેલાં ડૉક્ટર અરુણ પારેખને કરણસિંઘે પૂછ્યું “આઈ મીન સક્સેસ થશે કે નઈ...!?”

દિલ્લી પહોંચીને કરણસિંઘ, આરવ અને સિદ્ધાર્થ ડૉક્ટર અરુણ પારેખની હોસ્પિટલ તેમને મળવા આવી પહોંચ્યાં હતાં. મૂળ કરણસિંઘનાંજ ગામનાં ડૉક્ટર અરુણ પારેખ કરણસિંઘનાં સ્વર્ગસ્થનાં પિતા જેઓ તેમનાં ગામ સિંહલકોટમાં હાઈસ્કૂલમાં શિક્ષક હતાં તેમનાં હાથ નીચે ભણેલાં હતાં.

“થશે....!” ડૉક્ટર અરુણ આરવની કેસ ફાઈલ પોતાનાં ડેસ્ક ઉપર મૂકતાં સ્મિત કરીને બોલ્યાં “તમારે ચિંતા કરવાની જરૂર નથી....! સર્જરી સક્સેસ જરૂર થશે....!”

કરણસિંઘ સહિત ડૉક્ટર અરુણની સામે ચેયરમાં બેઠેલાં સિદ્ધાર્થ અને આરવને પણ એ સાંભળીને હાશકારો થયો હોય એમ તેઓએ સ્મિત કર્યું.

“આરવનાં કેસમાં સારી વાત એ છે....! કે ઢીંચણની ઉપર આરવનાં પગમાં કોઈ ખાસ ડેમેજ નથી થયું..!” ડૉક્ટર અરુણ બોલ્યાં “બધાંજ ટીશ્યુ સહીસલામત છે...! એટલે સર્જરી સક્સેસ થવાનાં ચાન્સિસ પૂરેપૂરા છે...!”

“થેન્ક યુ ડૉક્ટર...! થેન્ક યુ...!” કરણસિંઘ ગળગળા સ્વરમાં બોલ્યાં.

“પણ સર્જરીની પ્રોસેસ લાંબી છે...!” ડૉક્ટર અરુણ બોલ્યાં “અને સર્જરી પછી પણ....! નવાં પ્રોસ્થેટિક પગ સાથે આરવે પોતાનાં માઈન્ડને ટ્રેઈન કરી ચાલતાં શીખવું પડશે...! બોડીની સાથે-સાથે માઈન્ડ પણ મિકેનિકલ લેગ્સ એકસેપ્ટ કરે એ માટે તમારે ત્યાંનાં એક્સપર્ટ ડૉક્ટરની દેખરેખમાં રહેવું પડશે....! આ બધાંમાં ટાઈમ લાગશે...”

“કોઈ વાંધો નઈ....!” આરવ સ્મિત કરીને બોલ્યો “મારી પાસે હવે ટાઈમ તો ઘણોજ છે...!”

બધાંજ હળવું હસ્યાં.

“ તમે એક વીક પછીની રશિયા ફ્લાઇટની ટિકિટ બૂક કરાવી લો....!” ડૉક્ટર અરુણ બોલ્યાં “હું જરૂરી પેપર્સ તૈયાર કરાવીને તમને આવતી કાલે સિગ્નેચર માટે બોલાઈ લઈશ...! બધી ફોર્મલિટી પૂરી કરવામાં ચાર-પાંચ દિવસનો ટાઈમ નીકળી જશે...!”

“ઓહો....! આખું વીક....!?” કરણસિંઘ બોલ્યાં.

“હાં...! એક પેશન્ટને બીજી કન્ટ્રીમાં સર્જરી માટે લઈ જવાં માટે મારે મિનિસ્ટ્રિમાં કેટલીક પ્રોસીજર કરવી પડે...! એ બધુ પતાવવામાં ચાર-પાંચ દિવસ તો જોઈશે...!”

“ઓકે...!” કરણસિંઘ બોલ્યાં.

“ડોન્ટ વરી કરણભાઉ....!” ડૉક્ટર અરુણ બોલ્યાં “બધી ફોર્મલિટી પૂરી ત્યાં સુધી આરવને મારી હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશનમાં રાખો....! હું કેટલાંક જરૂરી ટેસ્ટ પણ કરી લઇશ...!”

“સારું...! જેમ તમે કો’…!” કરણસિંઘ બોલ્યાં.

***

જરૂરી ફોર્મલિટીઝ પૂરી કર્યા બાદ છેવટે આરવને રશિયા લઈ જવાનું ફાઇનલ થઈ ગયું. આઠેક દિવસ પછી ફ્લાઈટથી રશિયા જવાં તેઓ તૈયાર થઈ ગયાં.

“પપ્પા.... ભાઈ....!” રશિયા જવાં દિલ્લી એરપોર્ટ ફ્લાઈટમાં બેસવાં ચેકઇન કરવાં માટે રાહ જોતાં આરવે સિદ્ધાર્થ અને કરણસિંઘને કહ્યું.

“મારે કઈંક વાત કરવી છે....!” વ્હીલ ચેયરમાં બેઠેલાં આરવે સામે ઉભેલાં બંનેને કહ્યું.

“હાં બોલ....! શું હતું...!?” કરણસિંઘ બોલ્યાં.

“મારે રશિયા એકલાં જવું છે....!” આરવ સહેજ ગળગળાં સ્વરમાં બોલ્યો.

“હેં...!? શું...!?” કરણસિંઘ અને સિદ્ધાર્થ બંને ચોંકયાં અને એકબીજાંનાં મોઢા તાકવાં લાગ્યાં.

“પપ્પા...! હું અમદાવાદ ભલે તમને કીધાં વગર ભાગી ગ્યો ‘તો...!” આરવ એવાંજ સ્વરમાં બોલ્યો “પણ આજે મારે તમને પૂછીને જવું છે...!”

“તું શું બોલે છે...!? મને કઈં સમજાતું નથી....!?” કરણસિંઘે મૂંઝાઈને શાંત સ્વરમાં પૂછ્યું.

“કેટલીક સફરો તમારે એકલાએ ખેડવાની હોય છે પપ્પા...!” આરવ સહેજ ભીની આંખે બોલ્યો અને પછી સિદ્ધાર્થ સામે જોયું.

“કેટલીક તકલીફો તમારે એકલાએ વેઠવાની હોય છે....!” આરવ બોલ્યો.

“પણ બેટાં...! તું એકલો...!?”

“પપ્પા.....!” વ્હીલચેયરમાં બેઠેલાં આરવે કરણસિંઘનો હાથ પકડી લીધો અને વિનવણીનાં સૂરમાં બોલ્યો “પ્લીઝ....! આ વખતે મારી ઉપર ટ્રસ્ટ કરો...! મને મારી રીતે આગળની જર્ની કરવાંદો...!”

“સિદ્ધાર્થ...પ્લીઝ....!” આરવે સિદ્ધાર્થ સામે જોયું “હું એકલો જવાં માંગુ છું...! તમે લોકો ત્યાં હશો...! તો મને ચાલવાનો પ્રયત્ન કરતાં પડતો-ઊભો થતો જોઈને વધારે દુ:ખી થશો....! અને સરવાળે તમને દુ:ખી જોઈને હું પણ થઈશ...! મારી હિમ્મત તૂટી જશે...!”

કરણસિંઘ ઢીલા થઈને પહેલાં આરવ સામે અને પછી સિદ્ધાર્થ સામે જોઈ રહ્યાં.

“પપ્પા....!” આરવ બોલ્યો “આ વખતે ટ્રસ્ટ કરીલો મારી ઉપર....! જો હું હાર્યો અને ફેઈલ થયો...!”

“નાં....!” કરણસિંઘ વચ્ચે બોલી પડ્યાં “તું ક્ષત્રિયનો છોકરો છે....! તું શેનો હારે કે ફેઈલ થાય...!? તારે જીતીને આવવાનું છે....!”

આરવ પરાણે હસ્યો.

“પણ બેટાં....! એ અજાણ્યાં દેશમાં એકલાં…!?”

“હું એકલો ક્યાં છું...!?” આરવ બોલ્યો “ડૉક્ટર પારેખ છેક સુધી જોડેજ હોવાનાંને...! અને હવે તો મોબાઈલ અને વિડીયો કૉલ છેજ....! હું રોજે કૉલ કરીશ....!”

લગભગ વીસેક મિનિટની સમજાવટ બાદ છેવટે કરણસિંઘે અને સિદ્ધાર્થે આરવની વાત માની અને આરવને ડૉક્ટર પારેખ જોડે રશિયા એકલાં જવાં દેવાની છૂટ આપી.

કમને કરણસિંઘ આરવની એ વાત સાથે સહમત થયાં કે આરવને ચાલવાનો પ્રયત્ન કરતાં પડતાં-ઉઠતાં જોવો અને દુ:ખી થવાથી સરવાળે આરવજ ડિમોટીવેટ થશે.

આમ, છેવટે આરવ રશિયા એકલો જઈ રહ્યો હતો.

----

“ચલ...! બ્રો....!” વ્હીલ ચેયરમાં બેઠેલાં આરવે સિદ્ધાર્થનાં સામે મૂઠ્ઠીવાળીને ધરતાં કહ્યું.

રશિયા એકલાં જઈ રહેલાં આરવને ચેકઇનની પ્રક્રિયામાં મદદ કરવાં વ્હીલ ચેયરને પાછળથી ધીરે-ધીરે ચલાવતો-ચલાવતો સિદ્ધાર્થ તેની જોડે આવ્યો હતો.

કરણસિંઘને રશિયા જવાનું નાં હોવાથી તેઓ પેસેન્જરોનાં વેઇટિંગ એરિયામાં સિદ્ધાર્થનાં પાછાં આવવાની વેઇટ કરી રહ્યાં હતાં.

ચેકઇનની પ્રોસેસ પતાવીને સિદ્ધાર્થ આરવને પ્લેનમાં બેસવાં માટે બ્રિજ સુધી મૂકવા આવી રહ્યો હતો.

પેશન્ટ હોવાથી અને સિદ્ધાર્થને રિલેટિવ હોવાને નાતે આરવને પ્લેનમાં બેસવાનાં બ્રિજ સુધી મૂકવાની પરમીશન આપવામાં આવી હતી.

“શ્યોર તું એકલો જવાં માંગે છે...!?” બ્રિજ પાસે જવાં માટેનાં દરવાજે પાસે અટકીને સિદ્ધાર્થે આરવને પૂછ્યું.

આરવે એક ઊંડો શ્વાસ ભર્યો અને સિદ્ધાર્થ સામે સ્મિત કર્યું.

“હાં....! હવે તને વધારે હેરાન નઈ કરું...!” આરવ બોલ્યો.

સિદ્ધાર્થે પરાણે સ્મિત કર્યું.

“સર....! તમારો બોર્ડિંગ પાસ આપો...!” દરવાજે ઉભેલાં એરપોર્ટનાં કર્મચારીએ કહ્યું.

સિદ્ધાર્થે પોતાનાં હાથમાં રહેલો આરવનો પાસપોર્ટ, ટિકિટ, બોર્ડિંગ પાસ વગેરે તે કર્મચારીને આપ્યું.

જરૂરી ચેકિંગ કર્યાબાદ તેણે બધું પાછું આપ્યું. સિદ્ધાર્થે છેવટે આરવને પાસપોર્ટ વગેરે આપ્યું. કર્મચારીએ આરવને લઈ જવાં માટે જાગ્યા આપતાં સિદ્ધાર્થે વ્હીલ ચેયરનાં હેન્ડલ પકડ્યાં.

“સર...! તમે અહિયાંથી આગળ નાં જઈ શકો...!” તે કર્મચારી બોલ્યો અને આરવની વ્હીલ ચેયરનાં હેન્ડલ પકડીને આરવને દરવાજામાંથી અંદર લઈ જવાં લાગ્યો.

દરવાજાની અંદર પ્રવેશ્યા પછી આરવે એકવાર વ્હીલ ચેયરમાં બેઠાં-બેઠાં પાછું ફરીને જોયું અને સ્મિત કર્યું. સિદ્ધાર્થે પણ વળતું સ્મિત કર્યું.

આરવનાં ગયાં પછી અન્ય સ્ટાફે બ્રિજનો દરવાજો બંધ કરી દીધો. સિદ્ધાર્થ હવે કેટલીક ક્ષણો ત્યાં અટકીને પાછો કરણસિંઘ પાસે આવીને ઊભો રહ્યો.

વેઇટિંગ લોબીમાં ઉભેલાં બન્નેને રનવે ઉપર પડેલાં પ્લેનમાં બેસી રહેલાં પેસેન્જરો દૂરથી દેખાઈ રહ્યાં હતાં.

થોડીવાર પછી તેઓએ એરપોર્ટ સ્ટાફ દ્વારાં વ્હીલ ચેયરમાં બેઠેલાં આરવને પ્લેન તરફ લઈ જવાતો જોયો.

પ્લેન પાસે પહોંચ્યાં બાદ આરવને સાચવીને પ્લેનમાં બેસવાં ચઢાવાયો ત્યારપછી પ્લેનનો મુખ્ય દરવાજો બંધ કરવામાં આવ્યો.

લગભગ કલ્લાકેલ બાદ પ્લેન રન વે ઉપર સડસડાટ દોડ્યું અને લાંબો રન વે લઈને ટેક ઑફ કરવાં લાગ્યું.

લોબીમાં ઉભેલાં સિદ્ધાર્થ અને કરણસિંઘે પ્લેન સાથે દૂર થઈ રહેલાં “આરવને જતો જોયો” અને બંનેની આંખ હળવી ભીંજાઇ ગઈ.

****

વાચકો માટે

વાચકોને જણાવવાનું આ પ્રકરણ સાથે મુખ્ય પાત્ર તરીકે આરવની “જર્ની” અહિયાં પૂરી થાય છે. આરવનાં પાત્ર વિષે હવે પછીનાં પ્રકરણમાં કદાચ તેનાં નામ માત્રનો ઉલ્લેખજ આવશે (મહેમાન પાત્રની જેમ) અને મુખ્ય સ્ટોરી લાવણ્યા, નેહા અને સિદ્ધાર્થનીજ રહેશે (મોટેભાગે લવ રિવેન્જની વાર્તા પણ સિદ્ધાર્થ અને નેહાના એન્ગલથી).

કેટલાંક વાચકોએ મને પૂછ્યું છે કે -

“રશિયા ગયાં પછી આરવનું શું થયું?

તે અમદાવાદ પાછો આવ્યો ત્યાં સુધી ક્યાં હતો?

શું કરતો હતો વગેરે હવે પછીનાં પ્રકરણમાં આવશે કે નઈ?

શિવાની અને આરવનું શું કોઈ કનેક્શન છે....!?”

આવાં ઘણાં પ્રશ્નો પૂછનાર વાચકોને મારે જણાવવાનું કે ઉપર કહ્યાં મુજબ આરવનાં પાત્ર વિષે હવે પછીનાં પ્રકરણમાં કદાચ તેનાં નામનો ઉલ્લેખજ આવશે.

રશિયા ગયાં પછી આરવનું શું થયું વગેરે એક અલગ વાર્તા છે. અને આરવની એ “સોલો જર્ની” વિષે વાર્તા લખવી કે નહીં એ નિર્ણય મેં હજી સુધી નથી લીધો.

એક સાથે અનેક નવલકથાઓના પ્રોજેકટ સાથે હું સંકળાયેલો હોવાથી મોટેભાગે આરવની એ જર્ની વિષે સ્ટોરી લખવાનો સમય ફાળવવો મુશ્કેલ છે. આમ છતાં, જો વાચકોનો સારો પ્રતિસાદ મળશે, તો ચોક્કસ એ વિષે લખીશ.

આરવની સોલો જર્ની વિષે સ્ટોરી વાચકો વાંચવા ઈચ્છે કે નહીં એ અંગે તેઓ મને મેસેજ/કોમેન્ટમાં અવશ્ય જણાવી શકે છે.

આરવનાં પાત્રને અનહદ પ્રેમ આપવાં બદલ વાચકોનો ખૂબખૂબ આભાર.

****

“Sid”

JIGNESH

Instagram: sid_jignesh19