લવ રિવેન્જ-2 Spin Off
પ્રકરણ-26
“આ બધું શું થઈ ગ્યું કરણભાઉ...!?” હોસ્પિટલમાં આરવના રૂમમાં એક બાજુ સોફામાં બેઠેલાં કરણસિંઘને નેહાના પપ્પા વિજયસિંઘ નિરાશસ્વરમાં કહી રહ્યાં હતાં.
મોડી રાત્રે બરોડાથી કરણસિંઘ અને રાગિણીબેન આવી પહોચ્યાં હતાં. આરવની હાલત જોઈને રાગિણીબેન ચોધાર આંસુએ રડી પડ્યાં હતાં. કરણસિંઘે માંડ પોતાની જાતને ભાંગી પડતાં સંભાળી હતી. સુરેશસિંઘ, કરણસિંઘ, સિદ્ધાર્થ અને સરગુનબેને માંડ રાગિણીબેનને શાંત કરાવ્યાં હતાં.
બધાંની હાજરીમાં આરવ ફરીવાર ભાંગી પડ્યો હતો અને રડી પડ્યો હતો. આરામ ન મળવાને લીધે આરવને ફરીવાર દુ:ખાવો ઊપડતાં તેને પેઈન કીલરનું ઈંજેકશન તેમજ તે ઊંઘી શકે એટલાં માટે ઘેનનું ઈંજેકશન અપાયું હતું.
દરવાજાની જોડેની દીવાલને પીઠ ટેકવીને સિદ્ધાર્થ શાંતિથી ઊભો હતો. તેની જોડે નેહા પણ અદબવાળીને ઊભી હતી. આરવના એકસીડેન્ટ વિષે સિદ્ધાર્થે ફોન કરીને નેહાને જાણ કરતાંજ નેહા કરણસિંઘ અને રાગિણીબેન આવે એ પહેલાંજ ક્યારની હોસ્પિટલ આવી પહોંચી હતી.
એકસીડેન્ટમાં આરવે પગ ગુમાવ્યાં છે એ વાત જાણીને નેહા શરૂઆતમાં ભાંગી પડી હતી. આરવને બેડ ઉપર ઘાયલ સૂતો જોતાંજ નેહા રડી પડી હતી. જોકે તે ઝડપથી શાંત થઈ ગઈ હતી.
બરોડાંથી કરણસિંઘ અને રાગિણીનાં આવ્યાં પછી નેહા લગભગ કશુંજ નહોતી બોલી અને ચૂપચાપ અદબવાળીને સિદ્ધાર્થ જોડે ઊભાં રહીને સખત ચેહરે આરવ સામે જોઈ રહી હતી. જોકે આરવ સામે જોઈ રહેલી તેણીની આંખો વારંવાર ભિજાઈ જતી હતી.
કયારની આરવ સામે સખત ચેહરે જોઈ રહેલી નેહા સામે સિદ્ધાર્થે જોયું. તેણીનાં ચેહરા ઉપરના એ સખત ભાવો કોનાં લીધે હતાં એ સિદ્ધાર્થ જાણતો હતો. નેહાએ પણ સિદ્ધાર્થ સામે એવાંજ સખત ચેહરે જોયું. તેણીની આંખોમાં જાણે અંગારા ભર્યા હોય એમ તે સિદ્ધાર્થ સામે જોઈ રહી. બધોજ ગુસ્સો તેની આંખોમાંથી બહાર નીકળતો હોય તેણીની આંખ ધીરે-ધીરે ભીની થઈ.
સિદ્ધાર્થે સહાનુભૂતિપૂર્વક તેણી સામે જોયું.
આંખો વધારે ભીંજાતાં છેવટે નેહાએ મોઢું ફેરવી લીધું આરવ સામે જોવાં લાગી.
***
“સતિષ....! હવે તમેજ કઈંક સજેસ્ટ કરો...!” વહેલી સવારે કરણસિંઘ ફૉન ઉપર પોતાનાં કોઈ ડૉક્ટર મિત્ર સતિષ સાથે વાત કરી રહ્યાં હતાં.
“મને આરવનાં કેસની ડિટેલ વાંચી છે..!” સામેથી ડૉક્ટર સતિષ બોલ્યાં “પણ મારે રૂબરૂ એની કન્ડિશન જોવી પડે...!”
“તો તમે અમદાવાદ આવશો...! કે હું આરવને લઈને તમારી હોસ્પિટલ આવું....!?” કરણસિંઘે પૂછ્યું.
“ના....! હુંજ અમદાવાદ આઈશ....!” ડૉક્ટર બોલ્યાં “એની આ કંડિશનમાં થોડાં દિવસ સુધી એ ટ્રાવેલ કરે એ સારું નથી....!”
“ઓકે...!” કરણસિંઘ બોલ્યાં.
“શક્ય હશે...! તો આજે સાંજે જ આઈ જાઉં છું...!” ડૉક્ટર સતિષ બોલ્યાં.
“ભલે....!” વાત પૂરી કરીને કરણસિંઘે ફૉન કટ કર્યો.
“શું કીધું એમણે....!?” જોડે ઉભેલાં સુરેશસિંઘે કરણસિંઘને પૂછ્યું.
બંને કેન્ટીનમાં બેઠાં હતાં.
“આજે સાંજે આવવાનું કે’ છે...!” કરણસિંઘ નિરાશ સ્વરમાં બોલ્યાં.
સુરેશસિંઘ પણ ઢીલાં મોઢે તેમની સામે જોઈ રહ્યાં. આરવ જ્યારે અમદાવાદ ભાગીને આવતો રહ્યો હતો, ત્યારે કરણસિંઘનાં ચેહરા ઉપર તેનાં માટે જે નારાજગી હતી એ અત્યારે કરણસિંઘનાં ચેહરા ઉપર નહોતી દેખાતી.
“ચ્હાનું કીધું છે...!” વિજયસિંઘ કરણસિંઘની જોડેની ચેયરમાં આવીને બેસતાં બોલ્યાં.
હોસ્પિટલની કેન્ટીનમાં તે ત્રણેય માટે ચ્હાનો ઓર્ડર આપીને આવ્યાં હતાં.
“બીજું કઈં ખાવું છે....!?” વિજયસિંઘે પૂછ્યું.
કરણસિંઘે કશું પણ બોલ્યાં વગર ટેબલ ઉપર પડેલાં પોતાનાં મોબાઈલ સામે શૂન્ય મનસ્ક જોયે રાખ્યું.
કઈંક કહેવાં માટેની તક શોધતાં હોય એમ વિજયસિંઘ કરણસિંઘ સામે જોઈ રહ્યાં. જોકે કરણસિંઘનું મૂડ ઠીક નાં હોવાથી તેમજ કહેવાં માટે આ સમય યોગ્ય નાં હોવાથી વિજયસિંઘે કહેવાનું માંડી વાળ્યું.
****
“કેવું છે તને ડૂડ....!?” હોસ્પિટલમાં આરવની ખબર કાઢવાં આવી પહોંચેલાં અક્ષયે બેડમાં સૂતેલાં આરવને પૂછ્યું.
આરવની જોડે રૂમમાં તેનાં મમ્મી રાગિણીબેન તેમજ સિદ્ધાર્થ અને નેહા પણ હતાં.
અક્ષયે પૂછેલાં સવાલનાં જવાબમાં આરવે માત્ર હકારમાં માથું ધૂણાવ્યું.
આરવનાં બેડની જોડે સ્ટૂલ ઉપર અક્ષય બેઠો અને તેની સામે સહાનુભૂતિપૂર્વક જોઈ રહ્યો.
“મેં તને નાં પાડી’તીને દોસ્ત....!” લાવણ્યા વિષે વિચારી અક્ષયે ઢીલું મોઢું કરીને આરવનાં ચાદર ઓઢેલાં પગ સામે જોયું અને મનમાં બબડ્યો “બવ મોટી કિમ્મત ચૂકવી તે....!”
“આકૃતિ અને ગ્રૂપમાં બીજાં...”
“કોઈને નાં કે’તો....!” આરવ સામે જોઈ અક્ષય બોલવાં જતો હતો ત્યાંજ આરવ વચ્ચે બોલી પડ્યો “ગ્રૂપમાં કે કૉલેજમાં કોઈને નાં કે’તો....!”
અક્ષયે હકારમાં માથું ધૂણાવ્યું.
“મારે અક્ષય જોડે થોડીવાર એકલાં વાત કરવી છે....!” આરવે રાગિણીબેન, નેહા અને પછી સિદ્ધાર્થ સામે જોઈને કહ્યું.
નેહા સામે એક નજર જોઈને દરવાજા પાસે ઉભેલો સિદ્ધાર્થ દરવાજો ખોલીને બહાર નીકળી ગયો. ત્યારબાદ નેહા અને પછી રાગિણીબેન પણ નીકળી ગયાં.
***
“કેવું છે તને...!?” સવારે ઊઠીને લાવણ્યાએ આરવને whatsappમાં મેસેજ કર્યો.
દસેક મિનિટ વીતવા છતાંપણ આરવે કોઈ રિપ્લાય ના આપ્યો.
“હું આવું તને મલવા....!?” લાવણ્યાએ વધુ એક મેસેજ કર્યો અને પછી આરવનો રિપ્લાય આવવાની વેઇટ કરી રહી.
ખાસ્સું રાહ જોવાં છતાંપણ આરવે કોઈ રિપ્લાય ના આપ્યો.
થાકીને લાવણ્યાએ આરવને ફોન કર્યો.
જોકે આરવનો ફોન કોંસ્ટંન્ટ સ્વિચ ઑફ આવ્યો. છેવટે લાવણ્યા હોસ્પિટલ જવાં નીકળી ગઈ.
***
“કોઈને કશું નાં કે’તો....! લાવણ્યા વિષે...!” બધાંનાં ગયાં પછી આરવ સ્ટૂલમાં બેઠેલાં અક્ષયને કહેવાં લાગ્યો “અને લાવણ્યાને પણ અહિયાંથી દૂર રાખજે...!”
“તું એ છોકરીને હજી પણ બચા’વાં માંગે છે...!?” અક્ષય બોલ્યો “તારી આ હાલત થઈ ગઈ તોય...!?”
અક્ષયની વાત સાંભળી આરવે મોઢું ફેરવીને છત તરફ શૂન્યમનસ્ક જોવાં માંડ્યુ.
“દોસ્ત...! એને આટલો લવ કરવાની બવ મોટી કિમ્મત ચૂકવી તે...!” અક્ષય સહાનુભૂતિપૂર્વક બોલ્યો “એ તને ડિઝર્વ નઈ કરતી...! તારાં જેવાં છોકરાં સાથે એણે જે કર્યું....!”
“એણે કઈં નઈ કર્યું...!” આરવ સહેજ ચિડાઈને બોલ્યો “અને હું કઈં એને બચાવાં નઈ કે’તો...! મારું આખું ફેમિલી અહિયાં છે...!”
“હાં...! એ તો મેં જોયું...!” અક્ષય બોલ્યો “અને મને ન’તી ખબર કે નેહા જ તારી ફિયાન્સ છે....! તે મારી જોડે આ વાત સિક્રેટ રાખી યાર...!?”
“રાખવી પડે એવી હતી...! સમજને..!” આરવ બોલ્યો.
“હમ્મ..!”
“અને ટ્રસ્ટી સાહેબ તારાં મામાં છે બ્રો...!?” અક્ષય આંખો મોટી કરીને બોલ્યો.
“તું એ બધું કોઈને નાં કે’તો..!” આરવ બોલ્યો “લાવણ્યાને પણ નઈ...!”
“મને એ છોકરીથી સખત નફરત છે...!” અક્ષય મોઢા ઉપર અણગમાં સાથે બોલ્યો “મારું ચાલે....! તો એને તારી આજુબાજુ પણ ફરકવા નાં દવ...!”
આરવે એક ઊંડો શ્વાસ ભર્યો અને પાછું છત તરફ જોવાં લાગ્યો.
“તું વેકેશનમાં ક્યાં જવાનો નાં હોય...!” છત સામે જોઈ રહેતાં આરવ બોલ્યો “તો મને મલવાં આઈ શકે...!?”
“અમ્મ....! હવ....!” કઈંક વિચારી લઈને તરતજ અક્ષય બોલ્યો “આઈશ..! રોજે..!”
***
“તારે ઘરે નથી જવું...!?” સિદ્ધાર્થે નેહાને પૂછ્યું “લન્ચ માટે ....!”
બંને આરવનાં રૂમનાં ફ્લોર ઉપર આવેલી હોસ્પિટલની વેંઈટિંગ લોન્જમાં બેઠાં હતાં. હારબંધ ગોઠવેલી સ્ટેઈનલેસ સ્ટીલની ચેયરમાં બંને વચ્ચે એક ચેયર ખાલી રાખીને બેઠાં હતાં. બંને વચ્ચે હજી સુધી કોઈજ વાતચિત નહોતી થઈ.
“ના....! મને ભૂખ નથી....!” સિદ્ધાર્થ સામે જોયાં વિના નેહા બોલી.
થોડીવાર સુધી સિદ્ધાર્થ નેહા સામે જોઈ રહ્યો. બધો ગુસ્સો નેહા જાણે માંડ દબાવી રહી હોય એમ તે પોતાનાં ચેહરાની હડપચીને દબાવી રહી હતી.
થોડીવાર પછી તેણીએ પોતાની સામે જોઈ રહેલાં સિદ્ધાર્થ સામે ભીની આંખે જોયું. જોકે તેણીની ભીની આંખોમાં એવોજ ગુસ્સો ભરેલો હતો. અને તેવી આંખે તે જાણે સિદ્ધાર્થને પૂછી રહી હતી – “તું કઈં બોલતો કેમ નથી...!?”
***
“ચલ બ્રો....! હું થોડું ચ્હા-બા પીને આવું....!” અક્ષય સ્ટૂલ ઉપરથી ઊભાં થતાં બોલ્યો.
રાગિણીબેન હજી જસ્ટ અંદર રૂમમાં આવ્યાં હતાં.
“કોઈ વાંધો નઈ બેટાં....!” સાઈડમાં મૂકેલાં સોફાં જોડે આવતાં રાગિણીબેન બોલ્યાં “તારે ઘરે જવું હોય...! તો જા....! અમે બધાં છીએજ અહિયાં...!”
“એને રે’વાંદેને અહિયાં….!” બેડ ફોલ્ડ કરીને બેઠેલો આરવ બોલ્યો “તમે બધાં બોરિંગ છો...! મને કંટાળો આવે છે...! એ હોય તો મારું માઈન્ડ ફ્રેશ રે’….!”
“હાં...હાં....સાચી વાત...!” રૂમમાં પ્રવેશેલાં સુરેશસિંઘે આરવની વાત સાંભળીને કહ્યું “ભાઈબંધો જોડે તો માઈન્ડ ફ્રેશજ રે’….!”
બધાંએ હળવું સ્મિત કર્યું. આરવ પણ થોડું હસ્યો. આરવને હસતો જોઈને રાગિણીબેનને હાશ થઈ.
“હાં...તો બેટાં..! તું કેન્ટીનમાં જઈને જમીલે....!” રાગિણીબેન અક્ષયને કહેવાં લાગ્યાં “ત્યાં સુધી આરવને પણ જમ્યા પહેલાંની દવા અપાઈ દવ...પછી એ પણ જમીલે...!”
“આન્ટી...! હું અહિયાં આરવ જોડેજ જમી લવ છું...!” અક્ષય દરવાજે ઊભો રહીને બોલ્યો.
“બ્રો...! મને જે હોસ્પિટલનું જમવાનું અપાય છે...!” આરવ બોલ્યો “એ તને નઈ ભાવે....!”
“પણ મેં ક્યાં કીધું....! કે હું તારાંવાળું જમવાનું ખાઈશ...!” અક્ષય મજાકીયા સ્વરમાં બોલ્યો.
બધાં ફરીવાર થોડું હસ્યાં.
ત્યાંજ રૂમનો દરવાજો ખોલીને સિદ્ધાર્થ, કરણસિંઘ અને નેહા અંદર દાખલ થયાં. બધાં અંદર આવી શકે એટ્લે અક્ષય દરવાજાથી થોડો દૂર ખસ્યો.
આરવને હસતો જોઈને કરણસિંઘને થોડું આશ્ચર્ય થયું. પછી અક્ષયને જોઈને તેઓ સમજી ગયાં હોય એમ હળવું હસ્યાં.
“હું કેન્ટીનમાંથી પેક લંચ લેતો આવું છું મારાં માટે....!” અક્ષય બોલ્યો “પછી અહિયાં તારી જોડે જમી લઇશ...!”
“અરે બેટાં તું રે’વાં દે....!” રાગિણીબેન બોલ્યાં “સિદ્ધાર્થ લેતો આવશે...!”
રાગિણીબેન બોલ્યાં પછી સિદ્ધાર્થ સામે જોયું.
સિદ્ધાર્થે ફક્ત હકારમાં માથું ધૂણાવ્યું અને જવાં લાગ્યો.
“અરે...અ...નઈ નઈ આન્ટી...! કેન્ટીનમાં બવ બધુ જમવાનું મલતું હોય...!” સિદ્ધાર્થને ટોકીને અક્ષય બોલ્યો “મને જે ભાવે એ હું લેતો આવુંને...!”
“હમ્મ..!” અક્ષયે સિદ્ધાર્થ સામે જોયું.
“તો પણ...! હું આવું છું...!” સિદ્ધાર્થ બોલ્યો અને કેન્ટીનમાં જવાં રૂમની બહાર જવાં લાગ્યો.
અક્ષય પણ સિદ્ધાર્થની જોડે રૂમની બહાર નીકળ્યો.
“અમ્મ...! હું વૉશરૂમ જતો આવું....!” અક્ષયે સિદ્ધાર્થને કહ્યું.
“હું કેન્ટીનમાં જવ છું...!” સિદ્ધાર્થે હકારમાં માથું ધૂણાવ્યું અને એટલું કહીને કેન્ટીન તરફ જવાં લાગ્યો.
અક્ષય પણ પાછો ફરીને ફ્લોર ઉપર આવેલાં જેંન્ટ્સ વૉશરૂમ તરફ જવાં લાગ્યો.
અક્ષય કોરિડોરમાં વૉશરૂમ તરફ જઈ રહ્યો હતો ત્યાંજ તેણે સામેથી લાવણ્યાને આવતી જોઈ. લાવણ્યાને જોતાંજ અક્ષયનું મગજ તપી ઉઠ્યું. ચિડાયેલો અક્ષય તેણી તરફ ઉતાવળાં પગલે જવાં લાગ્યો.
“અરે.....અક્ષય....!?” પોતાની તરફ આવતાં અક્ષયને જોઈ લાવણ્યા આશ્ચર્યથી બોલી“તું અહિયાં....!?”
“તું શું કરવાં આઈ...!?” અક્ષયે ચિડાઈને લાવણ્યાને સહેજ ઊંચાં સ્વરમાં પૂછ્યું.
“શું કરવાં એટ્લે.....!?” લાવણ્યા હેબતાઈ ગઈ “અ...આરવને મલવા....! કેમ...!?”
“પણ એણે ના તો પાડી’તી તને....! એનું ફેમિલી અહિયાંજ છે....!” અક્ષય એજરીતે ઊંચાં સ્વરમાં બોલ્યો અને લાવણ્યાનું બાવડું પકડીને રિસેપ્શન તરફ ખેંચી જવાં લાગ્યો.
“પણ...પણ..! અક્ષય....મ્મ...મારે એકવાર એને મલવું છે....! વ....વાત કરવી છે...!” લાવણ્યા ઈમોશનલ થઈ ગઈ.
“લાવણ્યા....!” અક્ષયે અટકીને તેણી સામે જોયું “અત્યારે નઈ...! પ્લીઝ....! એનાં મમ્મી-પપ્પા ઓલરેડી એને એક્સિડેંન્ટ માટે ખરીખોટી સંભળાઈ રહ્યાં છે....! તારાં જેવી છોકરીને લીધે એનો એક્સિડેંન્ટ થયો છે એ વાત જાણીને અને તને અહિયાં જોઈને એ લોકો એની ઉપર વધારે ભડકશે....!”
“મ્મ....મારાં જેવી એટ્લે....!?” લાવણ્યાનું મોઢું ઉતરી ગયું.
“આઈ મીન...! અ....! તું....તું...બસ જા અહિયાંથી...! આરવ માટે વધારે પ્રોબ્લેમ ક્રિએટ ના કરીશ....!”
“તો...તો...એનાં ફેમિલીવાળાં જ....જાય એટ્લે મને ફોન કરજેને....! હું....આઈશ એને મલવા...!”
“હાં સારું....! પણ આજે નઈ મેળ પડે....! તું જા....! હું કાલે તને ફોન કરીશ....!”
“સ...સારું....!” ઢીલી થઈ ગયેલી લાવણ્યા રિસેપ્શન એરિયાં તરફ જવાં લાગી.
જઈ રહેલી લાવણ્યાની પીઠ તરફ અક્ષય તાકી રહ્યો. કોણ જાણે કેમ અક્ષયને પણ લાવણ્યા ઉપર દયા આવી ગઈ. લાવણ્યા દેખાતી બંધ થયાં પછી અક્ષય છેવટે વૉશરૂમ તરફ જવાં લાગ્યો.
“હેલ્લો...! હાં...મમ્મી....!” પોતાની મમ્મીને ફોન કરીને અક્ષય બોલ્યો “હું તમારી જોડે કુલ્લુ મનાલી ફરવા નઈ આવતો...! મારે અમદાવાદમાંજ રે’વું પડે એવું છે...!”
***
“આમ તો એની કન્ડિશન સ્ટેબલ છે...!” ડૉક્ટર સતિષ બોલ્યાં.
અગાઉ વાત થયાં મુજબ સાંજે તેઓ આરવનું ચેક અપ કરવાં આવી પહોંચ્યાં હતાં. આરવનાં ચેક અપ પછી બધાં વીએસ હોસ્પિટલનાં ડૉક્ટર જોષી જેમણે આરવનું ઓપરેશન પાર પાડ્યું હતું તેમની કેબિનમાં બેઠાં હતાં અને ડિસ્કશન કરી રહ્યાં હતાં.
“આમ છતાં...! આપડે થોડાં દિવસ હજી વેઇટ કરીએ...!” ડૉક્ટર સતિષ બોલ્યાં “એ પછીજ પ્રોસથેટીક સર્જરીનો રિસ્ક લેવો જોઈએ...!”
“હમ્મ...! એની ફિઝિકલ કન્ડિશન કરતાં ...મેન્ટલ કન્ડિશન બેટર થાય એ જરૂરી છે...!” પોતાની ચેયરમાં બેઠેલાં ડૉક્ટર જોષી બોલ્યાં.
તેમની કેબિનમાં સુરેશસિંઘ, વિજયસિંઘ અને સિદ્ધાર્થ પણ હાજર હતો.
“પણ આ સર્જરીથી આરવ ચાલતો તો થઈ જશેને...!?” કરણસિંઘે ચિંતાતુર સ્વરમાં પૂછ્યું.
ડૉક્ટર સતિષે સામે બેઠેલાં ડૉક્ટર જોષી સામે જોયું પછી કરણસિંઘ સામે જોઈને બોલ્યાં.
“આ બવ મોટી સર્જરી છે....! અને ખર્ચાળ પણ....!” ડૉક્ટર સતિષ બોલ્યાં.
“તમે ખર્ચાની ચિંતા શું કામ કરો છો..!?” કરણસિંઘ બોલ્યાં.
“મારો કે’વાનો અર્થ એ નથી....!” ડૉક્ટર સતિષ બોલ્યાં “તમારે એને રશિયા લઈ જવો પડશે....! પ્રોસ્થેટિક સર્જરીમાં રશિયા સૌથી બેસ્ટ છે...!”
“તમે કો’… ત્યાં....લઈ જઈશું....!” કરણસિંઘ દ્રઢ સ્વરમાં બોલ્યાં “તમે કો’…! આગળ શું કરવાનું છે..!?”
“કરણભાઉ....! પે’લ્લાં તો તમે આરવને દિલ્લી લઈ જાઓ...!” ડૉક્ટર સતિષ બોલ્યાં “ડૉક્ટર અરુણ પારેખ પાસે...! તમે તો ઓળખોજ છોને...!”
“હાં...! આમારાં ગામનાં છે...!” કરણસિંઘ બોલ્યાં.
“હાં...! એ રશિયાની ટોપ મેડિકલ કૉલેજમાં ભણ્યા છે...!” ડૉક્ટર સતિષ બોલ્યાં.
બધાંની વાતચિત સિદ્ધાર્થ ચિંતાતુર નજરે જોઈ રહીને સાંભળી રહ્યો.
નેહાનાં પપ્પા વિજયસિંઘ પણ ત્યાંજ બેઠાં-બેઠાં બધુ સાંભળી રહ્યાં હતાં.
છેવટે લાંબી ડિસ્કશન પછી આગળ શું કરવું એ નક્કી કરીને બધાં છૂટાં પડ્યાં.
ચારેક દિવસ પછી આરવને હોસ્પિટલમાંથી રજા આપી દેવાઈ.
રજા અપાયાં પછી આરવને સુરેશસિંઘનાં ઘરે લાવવામાં આવ્યો. થોડાં દિવસ સિદ્ધાર્થ એન્ડ ફેમિલી પણ ત્યાંજ રોકાઈ ગયું.
હોસ્પિટલમાં અને ઘરે પણ બેડમાં સૂઈ રહેવાં મજબૂર આરવ મોટેભાગે સૂનમૂન રહેતો.
લાવણ્યા વિષે વિચારતો રહેતો આરવ મોટેભાગે અક્ષય સિવાય કોઇની જોડે વાત કરવાનું ટાળતો. હોસ્પિટલમાં રોજે આરવની જોડે રહેતો અક્ષય ઘરે પણ આવતો અને મોટેભાગે આખો દિવસ તેણી જોડે રહેતો. વેકેશનમાં પોતાની ફેમિલી જોડે ફરવાં જવાનું પણ તેણે માંડી વાળ્યું હતું.
નેહાએ પણ ત્યાં સુરેશસિંઘનાં ઘરે રોકાવાંની જિદ્દ કરી હતી. જોકે તેમનું ઘર નજીકજ હોવાથી બધાંએ તેણીને સમજાવી હતી. જોકે અક્ષયની જેમ નેહા પણ રોજે ત્યાં આવી જતી.
જોકે આરવ નેહા સાથે વાત કરવાનું ટાળતો હતો.
એક્સિડેંન્ટનાં પંદરેક દિવસથી વધુ સમય વીતી ગયો. આરવને પ્રોસ્થેટિક લેગ્સ સર્જરી માટે રશિયા લઈ જવાની બધી તૈયારીઓ થઈ ગઈ અને રશિયા જવાનો દિવસ પણ નક્કી થઈ ગયો.
“સુરેશભાઈ...! મારે થોડી અગત્યની વાત કરવી છે....!” સુરેશસિંઘનાં ઘરે આવેલાં વિજયસિંઘે કહ્યું “કરણભાઉ સાથે અને તમારી સાથે પણ...!”
“કરણભાઉ તો થોડાં કામથી બહાર ગ્યાં છે...! આરવને પરમ દિવસે રશિયા જવાનું છે એની તૈયારીઓમાં લાગેલાં છે....!” સુરેશસિંઘ બોલ્યાં “આવતાંજ હશે...! તું આય..! બેસ...!”
***
“લાવણ્યાનાં લીધે થયુંને આ...!?” ઝીલે બેડમાં સૂતેલાં આરવને પૂછ્યું.
હોસ્પિટલમાંથી ઘરે લાવ્યાં પછી ઝીલ આરવની ખબર કાઢવાં ઘરે પણ આવી હતી. આરવને લીધે ઝીલ થોડાં દિવસથી પિયરમાંજ રોકાઈ ગઈ હતી.
“એવું કઈં નથી ઝીલ...!” છત સામે જોઈ રહેતાં આરવ બોલ્યો.
બંને રૂમમાં એકલાં હતાં.
“મારોજ વાંક હતો....!” આરવ બોલ્યો.
એકસીડેન્ટ પછી આરવે ઘણો સમય “પોતાની સાથે” એકલાં વિતાવ્યો હતો. આ દરેક ક્ષણોમાં આરવે પોતાનાં આખાં ભૂતકાળને વાગોળ્યો હતો. લાવણ્યા સાથેની એ દરેક ક્ષણોને આરવે જાણે ફરીવાર જીવી હતી. લાવણ્યાને પહેલવાર મળ્યાંથી લઈને તેણી સાથે વિતાવેલી એ દરેક સુંદર ક્ષણો યાદ કરીને આરવ ખુશ પણ થયો હતો અને દુ:ખદ ક્ષણોને યાદ કરીને તે દુ:ખી પણ થયો હતો.
“હું આવીજ છું આરવ....! મને બદલવાનો ટ્રાય નાં કર.... નાં કર....!” લાવણ્યાનાં એ શબ્દો યાદ આવી જતાં છત સામે જોઈ રહેલાં આરવની આંખ ભીની થઈ ગઈ.
“શા માટે લાવણ્યા...!? શા માટે....!?” છત સામે જોઈ રહેલાં આરવે ફરીવાર એનો એજ પ્રશ્ન “ લાવણ્યાને પૂછ્યો”.
ઝીલ દયામણી નજરે આરવ સામે જોઈ રહી.
***
“આમ તો તારી વાત વાજબી છે....!” સુરેશસિંઘે સામે બેઠેલાં વિજયસિંઘની વાતમાં સહમતી જતાવી પછી વચ્ચેનાં સોફામાં બેઠેલાં કરણસિંઘ સામે જોયું “એમાંય આરવ હવે સર્જરી માટે રશિયા જઈ રહ્યો છે...!”
“કરણભાઉ...!” સુરેશસિંઘે સૂચક નજરે તેમની સામે જોઈને કહ્યું.
સુરેશસિંઘે કરણસિંઘ સામે જોતાં કરણસિંઘે વિજયસિંઘ સામે જોયું.
“ભાઉ...! તમે પણ સમજો છો...! આ પરિસ્થિતી કેવી છે....!” વિજયસિંઘ વિનવણી કરતાં હોય એમ દયામણી આંખે બોલ્યાં “હું મજબૂર છું...!”
વિજયસિંઘની વાત ઉપર વિચાર કરતાં હોય એમ કરણસિંઘે એક ઊંડો શ્વાસ ભર્યો.
“મારે હવે કોઈપણ નિર્ણય એકલાં નથી કરવો....!” કરણસિંઘ ખિન્ન સ્વરમાં બોલ્યાં “મારે બધાંને પૂછવુંજ છે....! ખાસ કરીને એ લોકોને....જેમને લાગે વળગે છે....!”
“પણ મેં પૂછી લીધું છે....!” સોફાંમાં સહેજ સીધાં થઈ વિજયસિંઘ સહેજ ઉતાવળા સ્વરમાં બોલ્યાં.
“હાં...! પણ મારે પૂછવું પડશે....!” કરણસિંઘ બોલ્યાં પછી સુરેશસિંઘ સામે જોયું “બધાંને બોલાઈલે....!”
સુરેશસિંઘે હકારમાં માથું ધૂણાવ્યું પછી સોફામાંથી ઊભાં થઈને ડ્રૉઇંગરૂમમાંથી કિચન તરફ ગયાં.
***
“હાં પપ્પા....! શું હતું...!?” ડ્રૉઇંગરૂમમાં પ્રવેશતાંજ સિદ્ધાર્થે પૂછ્યું.
આરવની દવાઓ લેવાં બહાર ગયેલો સિદ્ધાર્થ આવ્યો ત્યારે ડ્રૉઇંગરૂમમાં ઓલરેડી બધાં ભેગાં થયેલાં હતાં. સુરેશસિંઘે ફોન કરીને સિદ્ધાર્થને ઘરે બોલાવ્યો હતો.
ડ્રૉઇંગરૂમમાં વચ્ચેનાં મોટાં સોફાંમાં કરણસિંઘ નિરાશ ચેહરે બેઠાં હતાં. જ્યારે જમણીબાજુ સોફાં ચેયરમાં વિજયસિંઘ અને સામેની ડાબી બાજુની ચેયરમાં સુરેશસિંઘ બેઠાં હતાં. સુરેશસિંઘની જોડે વ્હીલ ચેયરમાં આરવ બેઠો હતો. તેનાં પગ ઉપર ચાદર ઢાંકેલી હતી. કિચનનાં દરવાજા પાસે ઝીલ, સરગુનબેન અને રાગિણીબેન ઊભાં હતાં. સોફાંની સામે દીવાલ ઉપર લાગેલાં LEDની જોડે નેહા ઊભી હતી.
બધાં સામે જોઈને સિદ્ધાર્થે એલઇડી પાસે ઊભેલી નેહા સામે જોયું. તેણીનો ચેહરો સાવ ઢીલો અને નિસ્તેજ લાગતો હતો.
“બેટાં...એક મહત્વની વાત કરવી છે…!” કરણસિંઘ પોતાનો સ્વર સ્વસ્થ કરીને સોફામાં ટટ્ટાર બેસતાં બોલ્યાં.
“હાં....બોલો...!” મૂંઝાયેલાં ચેહરે સિદ્ધાર્થ એક ડગલું આગળ આવ્યો અને વારાફરતી બધાં સામે જોઈને પાછું કરણસિંઘ સામે જોવાં લાગ્યો.
“બેટાં...અ....!” કરણસિંઘ મૂંઝાયાં હોય એમ આજુબાજુ સુરેશસિંઘ સામે વિજયસિંઘ સામે જોયું પછી પાછું સિદ્ધાર્થ સામે જોઈને બોલ્યાં “તું તો જાણે છે હવે આરવની શું સિચ્યુંએશન છે...!”
કરણસિંઘે આરવ સામે જોયું. સિદ્ધાર્થે પણ આરવ સામે જોતાં આરવે પરાણે હળવું સ્મિત કર્યું.
“કદાચ એને સર્જરી માટે રશિયા પણ લઈ જવાનું થાય....!” કરણસિંઘ બોલ્યાં.
કોઈક અત્યંત ગંભીર વાત થવાની હોય એમ સિદ્ધાર્થે આખાં રૂમનું વાતાવરણ ભારેખમ થતું અનુભવ્યું.
બધાંનાં ચેહરા ઉપર લગભગ એક સરખી ચિંતાનાં ભાવ હતાં.
થોડીવાર સુધી કરણસિંઘ સિદ્ધાર્થ સામે ખિન્ન ચેહરે અને લાચાર નજરે જોઈ રહ્યાં. આરવનાં એક્સિડેન્ટ પછી સિદ્ધાર્થે તેમની આંખોમાં એ લાચારીનાં ભાવ અનેકવાર જોયાં હતાં.
“તમે સર્જરીની ચિંતા શા માટે કરો છો....!?” સિદ્ધાર્થ બોલ્યો “બધું થઈ જશે...!”
“બેટાં...! વાત સર્જરીની નથી...!” કરણસિંઘ બોલ્યાં.
“તો શું થયું...!?” સિદ્ધાર્થ હવે વધુ મૂંઝાયો અને બધાં સામે ફરીવાર જોવાં લાગ્યો “શું વાત છે...!?”
“બેટાં...! અમે એવું નક્કી કર્યું છે...કે.....!” કરણસિંઘ ફરીવાર મૂંઝાયાં પછી અટકીને બોલ્યાં “આરવ રશિયા જાય....એ પહેલાં તારી સગાઈ કરી દેવી જોઈએ...!”
“પપ્પા આવાં ટાઈમે સગાઈ...!?” સિદ્ધાર્થને નવાઈ લાગી.
કરણસિંઘ કશું બોલ્યાં વગર સિદ્ધાર્થ સામે જોઈ રહ્યાં.
તેમનાં સૂચક મૌનથી સિદ્ધાર્થ સમજી ગયો કે તેમનો ડીસીઝન ફાઈનલ છે. અને તેમાં બદલાવની કોઈજ શક્યતાં નથી.
છતાં સિદ્ધાર્થ એ વાતે મૂંઝાયેલો હતો કે આમ અચાનક તેની સગાઈની વાત કેમ ચાલી રહી હતી. સિદ્ધાર્થ હેલ્પલેસ નજરે કરણસિંઘ સામે જોઈ રહ્યો. અગાઉ પણ આજ સિચ્યુએશન તે ફેસ કરી ચૂક્યો હતો. આજે પણ સિદ્ધાર્થ ફરીવાર એવીજ હેલ્પલેસ સ્થિતિમાં આવી ગયો હતો, જ્યાં તેને પૂછ્યા વગર અગાઉથીજ બધું નક્કી કરી દેવાયું હતું અને સિદ્ધાર્થને માત્ર ઔપચારિકતા ખાતર જાણ કરાઈ રહી હતી. જોકે અગાઉ કરતાં અલગ આ વખતે સિદ્ધાર્થે કરણસિંઘનાં ચેહરા ઉપર લાચારીનાં ભાવ જોયાં. અગાઉ જ્યારે સિદ્ધાર્થની સગાઈ સંભવી જોડે નક્કી થઈ હતી, ત્યારે સિદ્ધાર્થને એ વિષે જાણ કરતી વખતે તેમનાં ચેહરા ઉપર કઠોર ભાવો હતાં.
“પ...પણ હવે માંડ બે દિવસ બાકી છે આરવને રશિયા જવાંમાં...! આટલી જલ્દી...!?” સગાઈ ટાળવાનો વ્યર્થ પ્રયત્ન કરતો હોય એમ સિદ્ધાર્થ પરાણે બોલ્યો.
“કોઈ મોટું ફંક્શન નથી કરવાનું....!” સુરેશસિંઘ બોલ્યાં “બધું સાદાઈથી પતાઈ દેવું છે...! ઘર-ઘરનાં નજીકનાંની હાજરીમાં....!”
“કોની સાથે નક્કી થયું છે....!?” સિદ્ધાર્થે ગળગળા સ્વરમાં પૂછ્યું.
ડ્રૉઇંગરૂમમાં જાણે સોપો પડી ગયો હોય એવી નીરવ શાંતિ પથરાઈ ગઈ. કોઈ કશું નાં બોલતાં જવાબ મેળવવાં સિદ્ધાર્થે પહેલાં બધાં સામે જોયું પછી છેવટે કરણસિંઘ ઉપર પોતાની નજર ઠેરવી.
એક ઊંડો નિ:શ્વાસ ભરી છેવટે કરણસિંઘે હોંઠ ફફડાવ્યાં અને બોલ્યાં-
“નેહા સાથે.....!”
***
“Sid”
JIGNESH
Instagram: sid_jignesh19