Triveni - 7 in Gujarati Women Focused by Chintan Madhu books and stories PDF | ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૭

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

ત્રિવેણી - નદીરૂપી ત્રણ નારીઓનો સંગમ - ૭

શાળાએ જવાનો સમય

રાજકોટ, મોટી ટાંકી ચોક પાસેની કોટક સ્કૂલના ભોંયતળિયા પર આવેલા વર્ગખંડમાં ભૂલકાંઓની મેઘગર્જનાઓ થઇ રહેલી. જાળીવાળા દરવાજામાંથી સ્કૂલમાં દાખલ થતાં જ મેદાન, અને મેદાનની બરોબર સામે જ બાવલું. બાવલાની પાછળ જ સ્કૂલની ઇમારત, અને તેનું પ્રવેશદ્વાર હતું. પ્રવેશદ્વારની ડાબી અને જમણી, એમ બન્ને તરફ ગરદનથી ખભા અને પછી હાથની માફક વિસ્તરેલી સ્કૂલ, ત્રણ માળ ધરાવતી હતી. આછા રાખોડી રંગની દીવાલો, અને દરેક દીવાલને જોડતાં સ્તંભ ઘેરા રાખોડી રંગથી સ્કૂલને સુશોભિત કરતા હતા. આવી શાળાની દીવાલો હચમચી રહી હતી ભૂલકાંઓના કોલાહલથી. રાજકોટ આમ તો રંગીલું શહેર... એટલે ત્યાંના ભૂલકાંઓ પણ રંગીન જ હોય, તે સાહજીક છે. કોઇ ગણવેશ નહીં, પરંતુ શાળા પ્રવેશ દિવસ હોવાને કારણે પ્રત્યેક બાળકે રંગીન વસ્ત્રો ધારણ કરેલા હતા. કેમ કે, રાજકોટ હતું. પહેલા દિવસે થોડી યુનિફોર્મ હોય. અમુક તો ખાલી હાથે આવેલા. પ્રવેશદિને તો એકાદ કલાકમાં જ છોડી દેવાના હોય, તો કેમ બેગ ઉંચકવી. નાસ્તો પણ સ્કૂલ તરફથી હોય, તો ડબ્બાની પણ જરૂર ના પડે.

ટ્રસ્ટીઓ જાણતા હતા કે નવા દાખલ થતાં વિદ્યાર્થીઓને શાળા સાથે સમન્વય સાધવા માટે અઠવાડિયા જેટલો સમય તો લાગે જ, માટે સ્કૂલ અન્ય વર્ગોની સરખામણીએ એક સપ્તાહ વહેલી ચાલુ કરવામાં આવેલી. બાળકો કરતાં તો વાલીઓ વધુ તૈયાર થઇને આવેલા. નવીનક્કોર સાડી, મેચીંગ આભલાં જડિત પોલકું, અને સોળે શણગારે પોતાના બાળકને શાળાએ મૂકવા આવતી માતા, તો તેમને પણ ઝાંખા પાડે તેવા પિતાએ, એક પણ સળ પડ્યો ન હોય તેવું પેન્ટ, તેના મેચીંગનો જ શર્ટ ધારણ કરેલ હોય, અને પાછા કાળા ડિબાંગ કાચના ચશ્માં ચડાવેલા હોય. છોકરાઓ એકવાર તો ચક્કર ખાઇ જાય કે તેઓ સ્કૂલ જાય છે કે તેમના વાલીઓ. વિનોદ પણ કાજલને મૂકવા આવેલો. તે તો કેટલાય વર્ષો પછી સ્કૂલ તરફ આવેલો, કારણ કે તેના ભણતર વખતે તો બધું સર્વસામાન્ય હતું. એટલે તે કાજલને પણ તે જ પ્રમાણે તૈયાર કરીને લાવ્યો હતો. સંપૂર્ણ યુનિફોર્મમાં સજ્જ કાજલ બધા ભૂલકાંઓમાં અલગ તરી આવતી હતી. બધાં જ રંગીન કપડાંઓમાં અને કાજલ એક જ સફેદ શર્ટ અને તે શર્ટને ઢાંકતા ખાખી રંગના ફ્રોકમાં હતી. યુનિફોર્મમાં જ સમાવિષ્ટ થતાં મોજાં, બુટ પણ ધારણ કરેલા, અને બે ચોટલીઓ વાળીને સફેદ રીબીન પણ બાંધેલી હતી.

વિનોદ વિચારતો હતો કે કંઇ ભૂલ તો નહોતી થઇ ને. બધા જ વિશિષ્ટ દેખાતા હતા, કે પછી તે દિવસે કાજલ ભિન્ન હતી. વિનોદે કાજલ સામે જોયું, કાજલ મલકાઇ, અને વિનોદનો હાથ છોડી, વર્ગખંડ તરફ ચાલવા લાગી. વર્ગખંડમાં દાખલ થતાં અલગ જ લાગણીઓ જોવા મળી. પ્રત્યેક વિદ્યાર્થી અલગ અંદાજમાં હતો. કોઇ બારી પાસે સળિયા પકડીને ઊભો હતો. કોઇ લાકડાના બનેલા ઘોડા પર ઝૂલી રહ્યો હતો. કોઇ લાકડાની બનેલી રચના કે જેમાં સળિયા પર વિવિધ રંગના મણકાંઓ પરોવેલા હોય તે ફેરવી રહ્યો હતો. કોઇ દીવાલ પાસે ટેકો લઇને આરામથી ઊભો હતો. છોકરીઓ એકબીજાની ચોટલીઓ ખેંચી મસ્તી કરી રહી હતી, તો અમુક રડવાના કાર્યને નિભાવી રહેલા. શિક્ષિકાના વર્ગખંડમાં પ્રવેશતાંની સાથે જ આ બધા કાર્યો અટકી ગયા. ઓરડો શાંત થઇ ગયો. દરેક બાળક જ્યાં જગા મળી ત્યાં ખંડમાં ગોઠવાઇ ગયો. સાથે સાથે કાજલ પણ બેઠી. શિક્ષિકાએ સૌપ્રથમ કાગારોળ કરતા બાળકોને ચૂપ કરાવવાની જવાબદારી ઉપાડી. થોડીક મિનિટોમાં બધું નિયંત્રણમાં આવવા લાગ્યું. ઓરડામાં ઝીણો ઝીણો અવાજ તો ચાલુ જ હતો, પરંતુ ગર્જનાઓ બંધ થઇ ગઇ હતી.

‘હાલો બાળકો... હું તમને થોડા પ્રશ્નો પૂછીશ, જેનો તમારે મને હાચેહાચો જવાબ દેવાનો છે.’, શિક્ષિકાની વાતમાં રાજકોટની ભાષા છતી થઇ.

શિક્ષિકા બાળકોની હરોળની બરોબર સામે મધ્યમાં ઊભી હતી. જ્યારે કાજલ છેલ્લી હરોળમાં ડાબી તરફ પ્રથમ સ્થાને હતી. શિક્ષિકાએ પ્રશ્ન પૂછ્યો, ‘તારા બાપા હું કરે છે?’

પહેલી પાટલીએ બેઠેલા બાળકે ખૂબ જ ટૂંકમાં પતાવ્યું, ‘માવો ખાય છે.’ બાળક તો આખો દિવસ જે જુએ તે જ બોલે. રાજકોટમાં માવાનું ચલણ વધારે હોવાને લીધે આ બાળકે તેના પિતાને જ્યારે જોયા ત્યારે તે માવો જ ખાતા હતા. માવો એટલે દુધમાંથી બનતી મીઠાઇ નહીં, પણ માવો એટલે સોપારી, તમાકુ, અને ચૂનાનો ઉપયોગ કરીને બનાવવામાં આવતી ચોક્કસ પ્રકારના માનવો માટે વિશિષ્ટ વાનગી. જવાબ સહજ હતો. અનુભવેલો હતો. ઘણા છોકરાંઓ આંધળા અનુકરણમાં ખાલી હાથ પણ ઘસતા હોય છે.

શિક્ષિકા થોડી ક્ષણો માટે મુંઝવાઇ. તેણે બીજા વિદ્યાર્થીને પ્રશ્ન કર્યો, ‘તારા બાપા હું કરે છે?’

‘સૉડા વેંચે છે.’, વિદ્યાર્થી તરફથી જવાબ મળ્યો. રાજકોટમાં દરેક પાનના ગલ્લાવાળા સૉડા વહેંચે છે. એટલે કે માવાના બંધાણી હોવ તો સૉડાના બંધાણી હોવું ફરજીયાત છે. બન્નેનો ઉપયોગ પાચનક્રિયાને મદદ કરવા માટે થાય છે. તેવું રાજકોટવાસીઓનું ર્દઢપણે માનવું છે.

અમુક વિદ્યાર્થીઓને ખબર જ નહોતી કે તેમના પિતાનો શું કામધંધો હતો, અને ન પણ હોય. આટલી નાની ઉંમરે ભૂલકાંઓ આવું ધ્યાન રાખતા પણ ન હોય. તેવી જ રીતે, કાજલને ખબર હતી કે તેના પિતા નોકરી કરતા હતાં, પણ ક્યાં એ ખબર નહોતી. ફૂલગુલાબી બનીને આવેલા ગલગોટાઓ જેવા ભૂલકાંઓની ઓરડામાં પથરાયેલી ચાદરમાં એક સફેદ અને ખાખી મિશ્રિત યુનિફોર્મમાં સજ્જ કાજલ પર શિક્ષિકાનું ધ્યાન ગયું. શિક્ષિકાએ પૂછ્યું, ‘તારા બાપા હું કરે?’

કાજલનો જવાબ હતો, ‘નોકરી’

‘ક્યાં?’

‘ખબર નથી.’

‘સારૂ, તમને બધાને શું ગમે છે?’

છોકરાઓનો શોરબકોર શરૂ થયો... વિવિધ પ્રકારનાં જવાબો ગુંજવા લાગ્યા. પહેલી પસંદ તરીકે ‘સૉડા’ શબ્દ વધુ સંભળાયો. કોઇએ ‘માવા’ શબ્દનો પણ ઉપયોગ કર્યો. ‘બરફના ગોળા’, ‘ભેળ’, ‘કેવડો’, લગભગ બધા શબ્દો ખાવાની વસ્તુઓ અને તેને પચાવવાની વસ્તુઓ તરફ જ ઢોળાયા હતા. કાજલનો જવાબ કંઇક અલગ શબ્દ સાથે સંભળાયો. શિક્ષિકા કાજલ તરફ આવી અને ફરીથી પૂછ્યું, ‘તને શું ગમે?’

કાજલનો જવાબ સાંભળી શિક્ષિકાના ચહેરા પર સ્મિત ફરી વળ્યું, તેમણે હાથ કાજલના માથા પર મૂક્યો, ‘મને પણ...’

*****

ક્રમશ:
આપનો પ્રેમ પ્રતિભાવ તેમજ રેટીંગ સ્વરૂપે જરૂરથી આપશોજી.
આપનો આભાર
ધન્યવાદ
🙏🙏🙏