DREAM GIRL - 44 in Gujarati Fiction Stories by Pankaj Jani books and stories PDF | ડ્રીમ ગર્લ - 44

Featured Books
Categories
Share

ડ્રીમ ગર્લ - 44

ડ્રીમ ગર્લ 44

હાઈ કોન્ફિડેન્શિયલ મિટિંગ હતી. કોઈ એક હેકરે ભારતીય સિક્યુરિટી સિસ્ટમને હેક કરવાની કોશિશ કરી હતી. એ વ્યક્તિનું લોકેશન ટ્રેસ થઈ ગયું હતું. મુંબઈના મલાડ એરિયામાંથી કોઈ વ્યક્તિએ આ કોશિશ કરી હતી. એનું આઈ.પી.એડ્રેસ ટ્રેસ થઈ ગયું હતું. પ્રશ્ન એ હતો કે એ વ્યક્તિ એ કેટલો ડેટા હેક કર્યો છે, એ વ્યક્તિ કોણ છે, એણે કોના કહેવાથી ડેટા હેક કર્યો છે અને એ ડેટાનો ઉપયોગ શું થવાનો છે.
રોહન રહાણે એમાં હાજર હતો. બીજો પ્રશ્ન એ હતો કે શું કોઈ સીધા ઓપરેશન દ્વારા એને પોલીસ ફોર્સ દ્વારા પકડવો કે છુપી રીતે એના પર નજર રાખી, આખી લિંક પકડવી. બન્ને પદ્ધતિના ફાયદા ગેરફાયદા હતા. જાહેરમાં પોલીસ દ્વારા એને પકડવા જતાં એના સાથીદારો સાવચેત થઈ જવાનો ડર હતો. અને એના સાથીદારો સાવચેત થઈ જાય તો એ લોકોને પકડવા મુશ્કેલ હતા.
આખરે ઇન્ટેલિજન્સ બ્યુરો દ્વારા ચાર સભ્યોની કમિટી બનાવવામાં આવી. એ કમિટીના હેડ તરીકે આઇ.બી. ચીફ નરોત્તમ રાણાને નિમવામાં આવ્યા. અને નરોત્તમ રાણાને આ કામ માટે ટોટલી ફ્રી હેન્ડ આપવામાં આવ્યું. નરોત્તમ રાણાએ આ માટે ડાયરેકટ પી.એમ.ઓ. ઓફીસમાં ડિલિંગ કરવાનું હતું. વચ્ચે કોઈ ડિપાર્ટમેન્ટ કે કોઈને રાખવામાં આવ્યું નહતું. રાણાના રિપોર્ટને આધારે આગળના પગલાં ભરવાનું નક્કી થયું.
અને મિટિંગ બરખાસ્ત થઈ. રોહન ઘરે આવ્યો. એના ચહેરા પર ચિંતાના વાદળો હતા. ચોક્કસ આ ઓપરેશનમાં અભિજિતને સામેલ કરવામાં આવશે. પણ રોહન ઇચ્છતો હતો કે અભિજિત આ ઓપરેશનથી દુર રહે. રોહનનું બીજું હતું કોણ? ભાઈ, ભાભી, પ્રિયા અને દિપેશ.
એણે ખૂબ વિચાર કર્યો. અભિજિતને કંઈ કહેવાનો કોઈ અર્થ નહતો. એણે સુનિધિને ફોન કર્યો.
" ભાભી કેમ છો? "
" મઝા માં. તમે કેમ છો? "
" હું ઓ.કે. ભાભી. અભિજિત ક્યાં છે ? "
" આમ તો આજે ઘરે જ છે. પણ તમને ખબર છે ને એમનું કામ? ગમે ત્યારે ગાયબ થઈ જાય. "
" હા, એ પણ ખરું. જો તમને અનુકૂળ હોય તો સાંજે હું જમવા તમારે ઘરે આવું છું. "
" શ્યોર, એમાં પૂછવાનું શું હોય. આમ પણ તમારી લાડલી તમને બહુ યાદ કરે છે. "
" ઓ.કે.. "
સુનિધિ જાણતી હતી કે આમ રોહન જમવા આવે એનો કોઈ મતલબ હશે. કેમકે રોહનની વાતના ટોનમાં ગંભીરતા હતી. છતાં સુનિધિએ અભિજિત, પ્રિયા અને દિપેશને પ્રોગ્રામની જાણકારી આપી દીધી. અને એ સાંજના પ્રોગ્રામની તૈયારીમાં લાગી ગઈ.

** ** ** ** ** ** ** ** ** ** **

સાડા સાત વાગે રોહન ગાડી પોશ એરિયાના ફ્લેટના પાર્કિંગમાં પાર્ક કરી લિફ્ટમાં ગુસ્યો. સતા વ્યક્તિને એક આગવો જ રુઆબ, પર્સનાલિટી અને વ્યક્તિત્વ આપે છે. હોમ મિનિસ્ટરના પર્સનલ સચિવ હોવું એ કોઈ નાની સુની વાત ન હતી. મોટાભાગની તમામ વાતો રોહન થ્રુ હોમ મિનિસ્ટર સુધી જતી હતી. કેટલીય વાતો એવી પણ રહેતી જે હોમ મિનિસ્ટર ના જાણતા હોય, પણ રોહન જાણતો હોય. આખા દેશની અગત્યની વાતોનો એની પાસે ભંડાર રહેતો હતો. અને રોહનની એટલી જ શાર્પ મેમરી હતી. તમામ વાતો એક પળમાં એના મગજના મેમરી સ્લોટમાં સ્ટોર થઈ જતી.
પ્યોર સિસમના વિશાળ દરવાજા આગળ આવીને રોહન ઉભો રહ્યો. દરવાજાની બાજુમાં નેઇમ પ્લેટ હતી. સુનિધિ રહાણે.. અભિજિત રહાણે. રોહને ડોર બેલ વગાડી. પ્રિયાએ દરવાજો ખોલ્યો અને દરવાજો રોકીને ઉભી રહી.
" એન્ટરી ફી આપો. "
રોહને ગજવામાંથી બે સરસ ચોકલેટ કાઢીને પ્રિયાને આપી. પણ પ્રિયાને લાગ્યું કે અંકલ કોઈ વિચારોમાં ખોવાયેલા છે.
રોહન ઘરમાં આવી સોફા પર બેઠો. અભિજિત ઘરમાં નહતો. સુનિધિ એ ઉમળકાભેર રોહનનું સ્વાગત કર્યું. પ્રિયા અને રોહન વિડીયો ગેમ રમવા બેઠા.
સાડા આઠ વાગે અભિજિત આવ્યો અને નવ વાગે બધા જમવા બેઠા. ઔપચારિક વાતો વચ્ચે સાડા નવ વાગે ભોજન પૂરું થયું. હજુ બધા ડાઇનીગ ટેબલ પર જ બેઠા હતા.
" અભિજિત, હેડક્વાર્ટરમાં એક સારી પોસ્ટ ખાલી છે. બહુ દોડધામ કરી. હવે ત્યાં સેટલ થઈ જા. તું હા પાડે તો તારું પોસ્ટીંગ કરાવી દઉં. "
અભિજિત એક પળ રોહન સામે જોઈ રહ્યો.
" રોહન, હું ખુલ્લા મેદાનનો વ્યક્તિ છું. મને એ બંધિયાર ઓફીસમાં ગૂંગળાવતી એ.સી.ની હવામાં કાગળોના થોકડા સાથેની રમત ના ફાવે. "
" ભાભી, આને સમજાવો. દેશસેવા અને સાહસને હું પણ માનું છું. પણ એની પણ એક મર્યાદા હોય. તે બહુ કામ કર્યું. હવે બીજાને મોકો આપ. "
" નવા કેસથી ડરી ગયા છો ? પણ મને એવી ચેલેન્જ ગમે છે. આઈ એમ સોરી રોહન. "
" ભાભી, આને કંઈક સમજાવો.. "
" રોહનભાઈ એમને આપણા કોઈની ચિંતા નથી. એ નહિ સમજે. એ એમનું ધારેલું જ કરશે. "
એક સરસ ડિનર સાથે શરૂ થયેલી સાંજ એક કડવાશ સાથે પૂરી થઈ.
જિગર પ્રિયા સામે જોઈ રહ્યો. પ્રિયા જાણતી હતી કે આ વાત સાચી હતી, મતલબ જિગર જે કહી રહ્યો છે એ સત્ય છે. અને મતલબ એ પણ છે કે જિગર કંઇક એવું જાણે છે જે પોતે નથી જાણતી.....

(ક્રમશ:)

25 માર્ચ 2021