ડ્રીમ ગર્લ 43
" સુનિધિ, ઇટ્સ ટુ મચ. તું દિપેશનું ભવિષ્ય બગાડી રહી છે. "
" અચ્છા, કેવી રીતે? "
" સિમલાની ફાઇન આર્ટસમાં એડમિશન, વોટ અ રબિશ ડિસિઝન. "
" કેમ રબિશ? "
" એક પુરુષ અને કાગળમાં આડીઅવળી લાઈનો દોરી કલર પૂરવા અને થોડા શબ્દોની રમત રમવી એ એને માટે રબિશ વર્ક જ છે. "
" તમારે જે માનવું હોય એ માની શકો છો. "
" તારા આ વેવલાવેડા એને ડરપોક બનાવશે. "
" કેવી રીતે? "
" સુનિધિ, પુરુષ એટલે સાહસ, સામર્થ્ય અને લડત. જે દિપેશમાં તું નહિ થવા દે. "
" અચ્છા, તો સારા સાહિત્યકારો, ગાયકો, સંગીતકારો, કવિઓ બધા ડરપોક હોય છે? અભિજિત, જેનું જે ફિલ્ડ હોય એ ત્યાં જ સફળ થાય. અને દિપેશને જે ફિલ્ડ પસન્દ હોય એમાં જ એ આગળ વધશે અને એમાં જ એને હું મુકીશ. "
" આ તારો ફાઇલ નિર્ણય છે? "
" યસ. "
" ઓ.કે. તો એના બગડેલા ભવિષ્યની જવાબદાર તું હોઈશ. "
" ઓ.કે.. "
પ્રિયા એક ખુરશી ખેંચીને જિગરની સામે બેઠી.
" જિગર, બોલતો જા.... જે વાતો મને ખબર નથી એની તને ખબર છે? મને વાર્તાઓ સાંભળવાનું ખૂબ જ ગમે છે. "
જિગર, પ્રિયાનો કટાક્ષ સમજતો હતો. પણ એને વિશ્વાસ હતો કે એ એની વાતોને સાચી સાબિત કરી શકશે.
" પ્રિયા, એવું ન હતું કે તારા મોમ ડેડ એકબીજાને પ્રેમ નહતા કરતા. પણ આ બનાવ પછી બન્ને વચ્ચે એક અદ્રશ્ય દિવાલ આવી ગઈ. દિપેશ પણ અભિજિતને ખૂબ વ્હાલો હતો. પણ દિપેશ તારા મોમની વધુ નજીક રહ્યો. તારા પિતા, પુત્રના સાનિધ્ય અને પ્રેમ માટે તલસતા રહ્યા. માટે જ જ્યારે મેં એમને બચાવવાની કોશિશ કરી ત્યારે એટલે જ કદાચ એમને મારામાં એમના પુત્રના દર્શન થયા હોય. "
" ફેંટાસ્ટીક સ્ટોરી. "
જિગરને પ્રિયાના આવા વાક્યોની કોઈ અસર થતી નહતી. એ બોલે જતો હતો. અતિતના ઉંડાણમાં જઇ કોઈ મરજીવો મોતી શોધી લાવતો હોય એમ, પ્રિયાની સામે પડદા પાછળ રહેલી વાતો એ બોલતો રહ્યો.
" સિમલાથી ગ્રેજ્યુએટ થઈ એ પોસ્ટ ગ્રેજ્યુએશન માટે ત્યાં જ જોડાયો. ફક્ત વેકેશનમાં એ ઘરે આવતો હતો. અને તું પણ. તમે બન્ને વેકેશનમાં જ મળતા હતા. અને એ મુલાકાતો તમારા બન્ને માટે યાદગાર રહેતી. કેમકે તારા ડેડ એ સમયે કોઈને કોઈ બહાને બહાર રહેતા. તને તારા ભાઈમાં તારી મોમ અને ડેડ બન્નેની છબી દેખાતી હતી. "
પ્રિયાને હવે જિગર લની વાતમાં રસ પડતો હતો. કેમકે આ વાતો તદ્દન સાચી હતી. પણ પ્રિયાને મન પ્રશ્ન એ હતો કે જિગરને આ વાત ક્યાંથી ખબર પડી ? અને આ વાત સાચી હોય તો બીજી વાતો પણ સાચી હોઇ શકે. બાકી જિગરને જુઠ્ઠું બોલવામાં શું ફાયદો હોય?
" ગ્રેજ્યુએશન પછી દીપેશે એક પુસ્તક લખ્યું. ' વિથ આર્મી વિધાઉટ આર્મી '. જો તમામ દેશ આર્મીની જરૂરિયાત ખતમ કરે તો શું થાય? એ આ પુસ્તકમાં હતું. યુદ્ધોથી થતો માનવસંહાર અને પ્રદુષણ પર તમામ ફોક્સ હતું. આ પુસ્તકને કોઈએ ' વર્લ્ડ પીસ એસોસિએશન ' ને મોકલ્યું. અને એ પુસ્તકને એવોર્ડ મળ્યો. તારા ભાઈનું એ પુસ્તક બેસ્ટ સેલર સાબિત થયું અને વિશ્વની અનેક ભાષામાં એનું ભાષાંતર થયું. તારા ભાઈને ઘણી જ રૉયલ્ટી મળી. તારી મોમ અને તું ખૂબ જ ખુશ હતાં. પણ તારા પિતાને એવું લાગતું હતું કે આ પુસ્તક ફક્ત એમને નીચા કે ખોટા દેખાડવા માટે લખવામાં આવ્યું હતું. તારી મોમે તારા ડેડ આગળ દિપેશની પ્રગતિનું વર્ણન કર્યું. તારા ડેડ ને એવું લાગ્યું કે તારી મોમ પણ તારા ડેડને ખોટા પાડવાની કોશિશ કરી રહી છે. બન્ને વચ્ચેની દિવાલ વધુ મજબૂત બનતી ગઈ. તારા પિતાએ પોતાની જાતને કામમાં વ્યસ્ત કરી દીધી, એમને એવું લાગ્યું કે એ એક ફેઈલ પર્સન છે. "
જિગરે પ્રિયાની સામે જોયું. પ્રિયાની આંખોમાં આતુરતાના ભાવ હતા. વ્યન્ગના ભાવની જગ્યા આતુરતાના ભાવે લીધી હતી. જિગરે મોબાઈલમાં જોયું. રાતનો એક વાગવા આવ્યો હતો.
" પ્રિયા, ખૂબ મોડું થઈ ગયું છે. જા સુઈ જા. આગળની વાત કાલે કરીશું. "
" જિગર, તને ઊંઘ આવે છે? "
" ના. "
" તો હું કોફી બનાવી લાવું છું. મારે આખી વાત આજે જ સાંભળવી છે. "
" ઓ.કે.. "
પ્રિયા કોફી બનાવવા ગઈ. જિગરે મોબાઈલમાં જોયું.. નિલુના દસ મેસેજ હતા અને વિશિતાના ચાર મેસેજ હતા. નિલુ જિગરના કુશલમંગળ પૂછતી હતી. છેલ્લો મેસેજ સાડા અગિયાર વાગ્યાનો હતો. એમાં જિગરના નો રિપ્લાય માટે એણે ગુસ્સો વ્યક્ત કર્યો હતો અને લખ્યું હતું.
" કિટ્ટા.... "
જિગરને અફસોસ થયો. પણ એ પ્રિયા સાથે વાતમાં વ્યસ્ત હતો. એણે સામો મેસેજ કર્યો.
" સોરી નિલુ.. "
વિશિતાના મેસેજ હતા. " મને ગાડી ખૂબ જ ગમી અને આજે એક લગ્નમાં જઇ આવી, બધા લોકો મારી ગાડીને જોઈ બળતા હતા. તું આવ પછી હું તને સરપ્રાઈઝ આપીશ. "
જિગરે સામે મેસેજ કરી દીધો. " ઓ.કે.. "
પ્રિયા કોફીના બે કપ અને થોડો નાસ્તો લઈને આવી.
" સોરી જિગર, સેન્ડવીચ બનાવવાનો સામાન ન હતો. "
" ઇટ્સ ઓ.કે."
જિગરે કોફીનો કપ હાથમાં લીધો અને અતિતના અંધકારમાં જોતા બોલવાનું ચાલુ કર્યું.
" એ ઉનાળાના વેકેશનની સાંજે તું, તારા ડેડ મોમ અને ભાઈ એક ડાઈનીંગ ટેબલ પર સાથે જમવા બેઠા હતા. તારા ડેડ એક બહાદુર માણસ હતા અને સમજદાર પણ હતા. એમણે હવે દિપેશના મુદ્દા પર કંઇક અંશે સમાધાન કરી લીધું હતું. તારી માતા ખુશ હતી. "
" અભિજિત, એક આનન્દના સમાચાર છે. "
" અભિજિતના હાથની ચમચીમાં ભરેલો સૂપ એના હાથમાં રહી ગયો, અને એ તારી મોમ સામે જોઈ રહ્યો. "
" અભિજિત, દિપેશને સિમલાની કોલેજમાં પ્રોફેસર ની જોબ મળી ગઈ છે. "
" ઓહ, વેરી ફાઇન. આઈ એમ પ્રાઉડ ઓફ યુ. ગોડ બ્લેસ યુ માય સન. "
" છોકરાઓ હવે મોટા થઈ ગયા છે. હવે તમે સમય કાઢો તો બન્ને માટે સારા પાત્રો શોધીએ. "
" સુનિધિ, સમય કેટલો ઝડપથી જાય છે. જાણે હજુ ગઈ કાલે તો હું તને જાન લઈને લેવા આવ્યો હતો. અને આજે મારા બાળકોને પરણાવવાનો સમય આવી ગયો. "
" તારી મોમના ચહેરા પર લજ્જાની લાલિમા આવી ગઈ હતી. "
પણ ચારેમાંથી કોઈ જાણતું ન હતું કે સમય કઈ બાજુ કરવટ લેવાનો છે....
(ક્રમશ:)
22 માર્ચ 2021