પ્રારંભથી
દર્પણ એક સીધો સાદો માધ્યમ વર્ગમાં ઉછરેલો સારું ચરિત્ર ધરાવતો છોકરો હતો. દર્પણનું બાળપણ ગરીબી માં ગુજર્યું હતું. દર્પણના માતા પિતા ડાંગ જિલ્લાના કરડી આંબા ગામમાં રહેતા હતા. દર્પણના પિતા દસમું ધોરણ પાસ હતાં અને આઈ.ટી.આઈ માં ફિટર ની તાલીમ લીધી હતી અને અમદાવાદના એક કારખાનામાં કામ કરતા હતા, પણ દર્પણના મમ્મી લક્ષ્મીબેનનું માનસિક સંતુલન ખોરવાતા રામુભાઇએ નોકરી છોડી પોતાનાં વતન તરફ મુખ કર્યું હતું. વતનમાં જઈ ઢોર ધાખર પાળીને પોતાનું ગુજરાન ચલાવતા હતા સાથે સાથે લક્ષ્મીબેનનો ઉપચાર પણ કરાવતા હતા. બહાર પણ ઘણું બતાવ્યું હતું પણ કઈ ફરક પડ્યો નહિ. દર્પણ ને એક બહેન પણ હતી જે એના થી બે વર્ષ નાની હતી. દર્પણના બાજુના ચિંચલી ગામ એક થી ચાર સુધીની શાળા હતી જ્યાં એના શિક્ષણ ની શરૂઆત થઈ. દર્પણના પિતા એક નીચી જાતિના હતા. જાતના ચમાર હોવાથી કોઈ ઢોર મરી જતું ત્યારે લોકો એમને કહી જતા જેથી તેઓ એનું ચામડું ઉતરી વેચી દેતા જે થી એમને ઘર ચલાવવામાં મદદ થતી રેહતી. દર્પણ ના મામા એક સરકારી પી.ડબલ્યુ.દી વિભાગમાં નોકરી કરતા હતા જે જરૂર પડે ત્યારે દર્પણના પિતાની મદદ કરતા હતા.
દર્પણ નું પ્રાથમિક શિક્ષણ પત્યાં બાદ હવે એને શહેર માં મોકલવું જરૂરી હતું કારણ કે ત્યાં આજુ બાજુ ના ગામમાં કોઈ ઉચ્ચતર માધ્યમિક શાળા ન હતી માટે દર્પણને માધ્યમિક શિક્ષણ માટે આહવા સરકારી સ્કુલમાં દાખલ કરવામાં આવ્યો. આહવા સરકારી સ્કૂલમાં પાંચ થી બાર ધોરણ સુધી ભણવાની સારી જોગવાઈ હતી. દર્પણ બાદ દર્પણની બહેન ઉર્વી ને પણ ત્યાં જ દાખલ કરવામાં આવી જેથી કરીને બંને ભાઈ બહેન સાથે જ આવ જાવ કરી શકે.
દર્પણ ભણવામાં ખૂબ જ હોશિયાર હતો પણ એને ગણિત વિષયમાં ખૂબ મુશ્કેલી પડતી હતી કેમ કે એને ગણિત સમજમાં જ નોહતું આવતું. દર્પણે ઘણી શિખવાની કોશિશ કરી પણ એનો મેળ જામ્યો નહિ અને એ ટ્યુશન કરી શકે એમ ન હતો કારણ કે એના ઘરની પરિસ્થિતિ એવી ન હતી કે દર્પણનો ટ્યુશનનો ખર્ચો ઉપાડી શકે. દર્પણ એ બધું જાણતો હતો માટે એના પિતાને કઈ કહેતો ન હતો. દર્પણ ના પિતા એને ટ્યુશન લેવા કહેતાં પણ દર્પણ ના કહી દેતો.
દર્પણ જ્યારે આઠમાં ધોરણમાં હતો ત્યારે એની પ્રથમ પરીક્ષાનું પરિણામ આવ્યું જેમાં બધા વિષયોનાં કુલ ગુણ વર્ગના તોપર કરતા વધારે હતા પણ મુશ્કેલી એ હતી કે એના ગણિતમાં પચાસ માંથી માત્ર પાંચ ગુણ જ આવ્યા હતા જેને સાંભળી આખા વર્ગે એની હસી ઉડાવી અને વર્ગ શિક્ષકે પણ દર્પણ ને ઘણો ઠપકો આપ્યો અને એને ગણિત માં મહેનત કરવા કહ્યું. આમ બધી જ પરીક્ષામાં થતું જેમાં દર્પણના ગુણ બધા કરતાં સારા હોતા પણ એ ગણિતમાં પહેલાંની જેમ નાપાસ થતો. દરવખતે દર્પણ વર્ગમાં હસીનું પાત્ર બનતો. વર્ગમાં સારા વર્તન અને બીજા વિષયોમાં હોંશિયાર હોવાને કારણે દર્પણને પાસ ગુણ આપી પાસ કરી દેવામાં આવતો. દર્પણને પોતાની જાત ઉપર ગુસ્સો આવતો પણ એ પોતાની ખામી સુધારી આગળ વધશે એમ દર વખતે પોતાની જાતને મનાવી લેતો.
આઠમું ધોરણ પાસ કરી હવે દર્પણ નવમાં ધોરણમાં આવી ગયો હતો. હોળી ધુળેટી તો સમય હતો. દર્પણના મમ્મીએ દર્પણના પપ્પાને કહ્યું.
' હોળીનો તહેવાર કરવા માટે આપણી પાસે તો પૈસા નથી હવે આપણે શું કરીશું ?' લક્ષ્મીબેને કહ્યું.
' ધીમે થી બોલ છોકરાઓ સાંભળી લેશે. હું કઈ બંદોબસ્ત કરું છું. બધું થઈ જશે તું તાણ ના લે.' રામુભાઇએ કહ્યું.
' ક્યાંથી થશે ? હવે માત્ર ત્રણ દિવસ બાકી છે. ક્યાંથી કરશો બધું ?' લક્ષ્મીબેને કહ્યું.
' થઈ જશે, તું વિશ્વાસ રાખ.' રામુભાઇએ કહ્યું. એટલું કહીને ઘરની બહાર નીકળી ગામ તરફ જતા રહ્યાં.
દર્પણે બધી વાત સાંભળી લીધી અને એ ઘણો દુઃખી થયો. દર્પણ વિચારી રહ્યો હતો કે એ કેટલો વિવસ છે કે પોતાના પરિવારની મદદ કરી શકતો ન હતો.
બીજા દિવસે દર્પણ જ્યારે સ્કૂલ પહોંચ્યો ત્યારે એને જાણવા મળ્યું કે આવતી કાલે સ્કૂલમાં એક ક્વિઝ સ્પર્ધાનું આયોજન કરવામાં કરવામાં આવ્યું છે. જે ટપાલ વિભાગ દ્વારા રાખવામાં આવ્યું હતું. જે નો મુખ્ય વિષય ટિકિટ સંગ્રહ ઉપર હતો. રાખેલ સ્પર્ધામાં વિજેતાને ઉત્તમ ઈનામ આપવાની જાહેરાત થઈ હતી. દર્પણે પણ સ્પર્ધામાં પોતાનું નામ નોંધાવી દીધું. બીજા દિવસે સ્પર્ધા માટે પરીક્ષા લેવામાં આવી જેમાં વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. તેઓને પ્રશ્નપત્ર આપવામાં આવ્યું. જેમાં દરેક સવાલના ચાર જવાબ આપવામાં આવ્યા હતા. તે માંથી માત્ર એક જવાબ ની પસંદગી કરવાની હતી. સાચા જવાબ ઉપર ખરા નું નિશાન કરવાનું હતું. એક મોટા હોલ માં પરીક્ષા લેવામાં આવી. પ્રશ્નપત્ર ૫૦ ગુણનું હતું અને સમયગાળો ૧.૩૦ કલાકનો હતો. બધા વિદ્યાર્થીઓ પરીક્ષા પૂર્ણ કરી પરિણામ ની રાહ જોવા લાગ્યા. દર્પણની સ્કૂલમાં જ સ્પર્ધા હોવાના કારણે સ્પર્ધા પૂર્ણ કરી દર્પણ પોતાના વર્ગમાં ભણવા માટે આવી ગયો.
૨ કલાક બાદ એક છોકરો દર્પણના વર્ગમાં આવ્યો અને એણે શિક્ષકને કહ્યું કે દર્પણ નામનાં છોકરાને આચાર્યશ્રીએ હોલમાં બોલાવે છે. દર્પણ વર્ગ શિક્ષકની આજ્ઞા લઈ એ છોકરાની પાછળ પાછળ ચાલી નીકળ્યો.
" આચાર્યે મને શા માટે બોલાવ્યો છે?." દર્પણે ડરતા ડરતા પૂછ્યું.
" એ કંઈ મને ખબર નથી, મને તો માત્ર તને તેડવા માટે મોકલ્યો છે." પેલા છોકરાએ કહ્યું.
દર્પણના પગ ચાલતા ચાલતાં ઠર ઠરી રહ્યા હતા, એના હૃદયની ધડકનોએ ગતિ વધારી લીધી હતી. દર્પણ અને પેલો છોકરો હોલમાં પહોંચ્યા.
' સાહેબ આ છે દર્પણ.' પેલા છોકરાએ દર્પણને બતાવતાં આચાર્યને કહ્યું.
' તને ખબર છે તને શું કામ અહીં બોલાવવામાં આવ્યો છે.' આચાર્યએ કહ્યું.
' ના સાહેબ મને નથી ખબર.' દર્પણે ડરતાં ડરતાં કહ્યું.
' તે જે સ્પર્ધામાં ભાગ લીધો હતો ને એમાં તારો પ્રથમ ક્રમાંક આવ્યો છે, તું વિજેતા બન્યો છે.' આચાર્યએ દર્પણની પાતળી પીઠ ઠપ ઠાપવતા કહ્યું.
દર્પણને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે ખરેખર એ વિજેતા બન્યો હતો.
' હવે તારું નામ બોલાય એટલે સ્ટેજ ઉપર જજે અને પેલા જે કોટ વાળા સાહેબ દેખાઈ છે એ તને ઈનામ આપશે. ત્યારબાદ આ જે મીડિયાવાળા દેખાય છે એ તારું ઇન્ટરવ્યુ લેશે, બરાબર.' આચાર્યએ કહ્યું.
' પણ મને ઇન્ટરવ્યુ આપતાં નથી આવડતું.' દર્પણ પોતે નિસહાય હોય એમ કહ્યું.
' એ તો એ લોકો જેમ શિખવે એમ બોલી દેવાનું. એમાં ગભરાવાની જરૂર નથી.' આચાર્યએ કહ્યું.
દર્પણનું નામ બોલતા દર્પણ સ્ટેજ ઉપર ગયો જ્યાં એનું અભિવાદન કરવામાં આવ્યું. સાથે સાથે એક પરબીડિયું અને એક પ્રમાણપત્ર આપવામાં આવ્યું. દર્પણે એ બધું લઈ લીધું અને વિતરકને પગે લાગી સ્ટેજ ની નીચે આવ્યો. નીચે આવતાં જ દર્પણ ને મીડિયાવાળાએ એમની તરફ બોલાવી લીધો.
' મેં કોઈ દિવસ ઇન્ટરવ્યુ આપ્યું નથી માટે મને ડર લાગે છે.'દર્પણે મિડીયાવાળા ભાઈને કહ્યું.
' એમાં ડરવાની જરૂર નથી, હું જે કહું છું એને યાદ કરી લે અને એજ પ્રમાણે બોલી દેજે.' એમણે કહ્યું.
દર્પણે માથું ધુણાવ્યું. પેલા ભાઇએ એને બધું સમજાવી દીધું . દર્પણનું ઇન્ટરવ્યુ લેવામાં આવ્યું. એણે કેમેરા સામે એજ કહ્યું જે એને શિખવાડવામાં આવ્યું હતું. ઇન્ટરવ્યુ પતાવ્યા બાદ દર્પણે પરબીડિયું ખોલીને જોયું તો એમાં સો સો ની પાંચ નોટ હતી. દર્પણે ઉપરવાળાનો આભાર માન્યો અને વર્ગમાં ગયો. વર્ગમાં ઘૂસતાંની સાથે દર્પણનું તાળીઓ સાથે સ્વાગત કરવામાં આવ્યું. દર્પણની વર્ગ શિક્ષક જેની સામે દર્પણ એક ગામડાનો બેકાર છોકરો જણાતો હતો હવે એના મનમાં પણ હવે દર્પણ માટે ગૌરવ ની ભાવના જન્મી રહી હતી. દર્પણ ને વર્ગ શિક્ષિકાએ પણ બિરદાવ્યો. ત્યારબાદ વર્ગમાં દર્પણ માટે બધાની નજર બદલાઈ ગઈ હતી. દર્પણ માટે બધાના હૃદયમાં આદરભાવ વધી ગયો હતો.
( તમે લોકો વિચારતા હતો કે સ્ટોરી ચાલું ક્યાં થઈ હતી અને હમણાં ક્યાં આવી ગઈ...શાંતિ રાખો જે પાત્ર નું તમે કેરેક્ટર જજ કરવાનાં છો એના વિશે જાણવું તો પડે ને કે કોણ સારું છે ને કોણ ખરાબ કે ડાયરેક્ટ જ નિર્ણય લઈ લેશો ?.)