હાઇવે રોબરી 49
અમદાવાદ સ્ટેશન પર આવીને ગાડી ઉભી રહી. માતૃભૂમિનો એક ટુકડો... કેટલા સમયે વસંતે અમદાવાદમાં પગ મૂક્યો. ટ્રેનમાંથી નીચે પગ મૂકતાં જ હદયમાં એક રોમાંચનો અનુભવ થયો. સાથે સાથે એવું પણ લાગ્યું કે સ્ટેશન પરની બધી પોલીસ એને જ શોધી રહી છે.
વસંત બધાની સાથે ખપ પૂરતી જ વાત કરતો હતો. એટલે એને એ ખબર ન હતી કે પોતે ક્યાં જવાનો છે. બહાર લકઝરીની વ્યવસ્થા કરવામાં આવી હતી. બારીની બાજુમાં વસંત બેઠો હતો. બસ આગળ વધતી હતી. બસ અમદાવાદની બહાર નીકળી. બાજુમાંથી પસાર થતા ઝાડવા વસંતને પોકાર કરી કરીને બોલાવતા હતા.
આગળ જતાં, પોતાના ગામ તરફ જતો રસ્તો આવ્યો. ગામ જતો એ વળાંક એને ચુંબકની જેમ ખેંચતો હતો. એને મનમાં થયું બસમાંથી ઉતરી જાઉં. પણ હિંમત ના ચાલી. બસ આગળ વધતી ગઈ...
***********************
આજે આંગણામાં કાગડો સવારથી કલશોર કરતો હતો. આજે નંદિનીને વસંત ખૂબ યાદ આવતો હતો. મનમાં થયું આજે ભાઇ આવશે. જરૂર આવશે... કાગડાને બા એ ચાર પાંચ વાર ઉડાડયા, તોય પાછા આવી જતા હતા...
સવારથી કેટલીય વાર નંદિની ફળિયામાં આવી જોઈ ગઈ. અને દરેક વખતે નિરાશ થઈ પાછી વળી ગઈ.
અઢી અઢી વર્ષ થઈ ગયા. ક્યાં હશે ભાઈ? સારા તો હશે ને ? કે એમને કંઇક.... અંતરે ઠપકો આપ્યો.. 'હટ ભૂંડી, ભાઈનું અશુભ વિચારે છે.... ભાઈ જ્યાં હશે ત્યાં સલામત હશે... '
***************************
ત્રણ દિવસ થઈ ગયા હતા. વસંતનું મન કહેતું હતું આટલે આવ્યો છું તો ઘરની ખબર લેતો જાઉં. કોણ જાણે પછી પાછા ક્યારે અવાશે. મનમાં થતું હતું પણ પોલીસ? સામે એ જ મન કહેતું હતું હજુ ય ચોવીસ કલાક પોલીસ થોડી પોતાની રાહ જોતી ઉભી હશે. એ સ્વામીજી જોડે ગયો. પગે લાગી, હાથ જોડી ઉભો રહ્યો.
' પ્રભુ, આપની આજ્ઞા હોય તો બે દિવસ હું મારા કામ પતાવી આવું. '
' વત્સ જા.. એ સમય આવી ગયો છે.'
' પ્રભુ આપની રસોઈ ? '
' વત્સ, બધું ઉપર વાળાએ ગોઠવેલ છે. કોઈ ચિંતા ના કરીશ. અને બીજી વાત, મન પર બોજ લઈ ફરવા કરતાં એનું પ્રાયશ્ચિત કરી નાખ. મનનો બોજો ઉતારી દે. પ્રભુ સહુ સારા વાના કરશે. '
' પ્રભુ.. ' વસંત સ્વામીને પગે પડ્યો...
' વત્સ, તારું પ્રાયશ્ચિત મને દેખાય છે. એમાં જ તારી મુક્તિ છે. જા... મારા આશીર્વાદ તારી સાથે છે. '
વસંત સવારની પહેલી બસ પકડી પોતાના ગામ જવા નીકળ્યો....
***************************
ગામના પાદરે વસંત ઉતર્યો. લોકોની ચહેલપહેલ ખૂબ હતી. વસંતે માથે કપડું ઓઢયું હતું. એની હિંમત ના ચાલી. એનું હદય ધક ધક થતું હતું. એના પગ નજીકના હનુમાનજીના મંદિર તરફ વળી ગયા. ત્યાં પહોંચ્યા પછી કંઇક હાશ થયું. આખા શરીરે પરસેવો વળી ગયો હતો.
વસંતે હાથ પગ ધોયા અને મંદિરમાં દર્શન કરી એક ખૂણામાં જઇને બેઠો. એણે નક્કી કર્યું એ રાતના અંધારામાં ઘરે જશે.
બપોરનો જમવાનો સમય થઇ ગયો હતો. જમીને એ દૂર ઝાડના છાંયડે આડો પડ્યો. સાંજે સાડા ચાર વાગે સત્સંગ ચાલુ થયો. એ ઉભો થઇ એક ખૂણામાં બેઠો. મંદિરમાં જતા આવતા લોકો એને દેખાતા હતા.
અચાનક એની નજર પડી. બે સ્ત્રી, એક પુરુષ અને એક બાળક મંદિરમાં જતા હતા. વસંત તરફ એ લોકોની પીઠ હતી. નક્કી એ જ... રાધા જ હતી.... બીજું કોઈ ના ઓળખાયું. વસંત ઉભો થયો. મંદિરના પ્રવેશદ્વારની સામે એક ઝાડને ફરતે બનાવેલા ઓટલા પર એ ઝાડની પાછળ સંતાઇને બેઠો. પણ એની નજર મંદિરના દરવાજા તરફ હતી. દસ મિનિટ રાહ જોવી પડી. અને એ લોકો આવ્યા.
વસંતની આંખોમાં હર્ષના આંસુ આવ્યા. અઢી વર્ષે એમના દર્શન થયા. રાધા એક નાના બાળકની આંગળી પકડી ઉતરતી હતી. એની પાછળ કોઈ હતું પણ રાધાને કારણે દેખાતું ન હતું. રાધા નીચે ઉતરી અને સાઈડમાં જઇ ઉભી રહી.... અને...
નંદિની દેખાઈ... એની લાડલી બહેન. બેજીવાતી હતી. કદાચ છેલ્લા દિવસો જતા હશે. એને બાવડામાંથી પકડી આશુતોષ પગથિયાં ઉતારતો હતો. પગથિયાં ઉતરી બધા આગળ ચાલ્યા. આશુતોષ નંદિનીનો હાથ પકડીને ચાલતો હતો.
વસંત સમજી ગયો. આશુતોષ નંદિનીનો હાથ પકડીને ચાલે છે એટલે એનું સ્વપ્ન પૂરું થયું છે. આશુતોષને એની ડાયરી અને હીરા મળી ગયા હશે. એક પળ વસંતે આંખો બંધ કરી અને ધીમેથી એ લોકોની પાછળ ગયો.
સાઈડમાં પાર્ક કરેલી ગાડીમાં પાછળ રાધા અને એ બાળક બેઠા. એ બાળક.. ઓહ... એ તો મારો લાલો.. આવડો મોટો થઈ ગયો ? નંદિની ગાડીમાં આગળ બેઠી. આસુતોષે ધીરેથી ગાડી રવાના કરી. વસંત બાજુના ઝાડના ફરતે બનાવેલ ઓટલા પર બેસી ગયો. અંતરમાં વર્ષો પછી એક અગાધ શાંતિનો અનુભવ થયો. પોતાનું સ્વપ્ન પૂરું થયું. બહેનની આંખોમાં જોયેલું સ્વપ્ન પૂરું થયું....
**************************
સ્વામીજીના શબ્દો કાનમાં ગુંજતા હતા. મારું સ્વપ્ન પૂરું થયું... હવે. હવે શું ? ઘર વાળા ખૂબ દુઃખી થયા છે.. હવે? હવે બસ પ્રાયશ્ચિત... હા.. સ્વામીજીએ કહ્યું એ સત્ય છે.. એ એક જ રસ્તો છે મુક્તિનો...
રાત્રે એ જમીને આડો પડ્યો. મનમાં અજબ શાંતિ હતી. હવે કોઈ અજંપો ન હતો. એ ઊંઘી ગયો. લાલાની આંગળી પકડી ચાલતી રાધા અને માતા બનવાની તૈયારી કરતી નંદિની. હું મામો બનીશ.. ઉંઘમાં પણ એક આનન્દનો અનુભવ થતો હતો.
**************************
સવારે એ ઉઠ્યો. તૈયાર થઈ પ્રભુને પગે લાગી શહેરની બસ પકડી રવાના થયો. મનમાં એક દ્વિધા હતી. સરેન્ડર કરું, પણ પોલીસ એને પોતાનો હાથ ઊંચો રાખવા ધરપકડ બતાવશે તો ? ના.. મારી ધરપકડ નહિ... હું સરેન્ડર કરીશ....
સેસન્સ કોર્ટના પ્રાંગણમાં એ આવ્યો. કોર્ટની બહાર ખૂબ જ ભીડ હતી. કોર્ટના મુખ્ય દરવાજે ચુસ્ત બંદોબસ્ત હતો. કોઈ સેન્સેટિવ કેસનો ચુકાદો હતો. વસંતને કોઈએ કોર્ટની અંદર ના જવા દીધો.
(ક્રમશ:)
31 જુલાઈ 2020