Katha - Review in Gujarati Film Reviews by Jyotindra Mehta books and stories PDF | કથા - રિવ્યૂ

Featured Books
Categories
Share

કથા - રિવ્યૂ

કથા – રિવ્યુ

ફિલ્મનું નામ : કથા

ભાષા : હિન્દી

રીલીઝ ડેટ : ૨૨ ડીસેમ્બર ૧૯૮૨

સમય : ૧૪૧ મિનિટ

નિર્દેશિકા : સઈ પરાંજપે

કલાકાર : નસીરુદ્દીન શાહ, ફારુખ શેખ, દીપ્તિ નવલ


હું સિનેમાહોલની એક ખુરસી છું અને મેં આજ સુધી ઘણી બધી ફિલ્મો જોઈ, પણ આ ફિલ્મ તેની રીતે ચાલી ઉપર બનાવેલી એક અદ્ભુત ફિલ્મ છે. આ દુનિયામાં જન્મેલ દરેક બાળકે નાનપણમાં સસલા અને કાચબાની વાર્તા જરૂર સાંભળી હશે અને તેનો આધારે લઈને એસ. જી. સાઠેની નાટક ‘સસા આણી કાસવ’ બન્યું અને તેને ફિલ્મી રૂપ સઈ પરાંજપે નામની આલા દરજ્જાની નિર્દેશિકાએ આપ્યું. જો કે તેને ફિલ્મી રૂપ આપવા માટે ઘણા બદલાવ કર્યા હતાં અને તે નાટકકારે માન્ય પણ રાખ્યાં હતાં.

૧૯૩૮ માં મુંબઈમાં જન્મેલ સઈ પરાંજપે એ રશિયન પિતા અને ભારતીય માતાનું સંતાન હતાં. તેમનાં માતા શકુંતલા પરાંજપે એ લેખિકા અભિનેત્રી અને જાણીતા સમાજસેવિકા હતાં. તેમણે વી. શાંતારામની ‘દુનિયા ના માને’ માં અભિનય કર્યો હતો. તેઓ રાજ્યસભાનાં સદસ્ય પણ હતાં. તેમને ૧૯૯૧ માં ‘પદ્મભૂષણ’ એવોર્ડ વડે નવાજવામાં આવ્યાં હતાં. સઈ પરાંજપેના પિતા યોરા સ્લેપ્ટઝોફ (ઉચ્ચારની ભૂલચૂક લેવીદેવી) એ ચિત્રકાર હતાં અને રશિયન જનરલના પુત્ર હતા. શકુંતલા પરાંજપેના પિતા સર રઘુનાથ પુરુષોત્તમ પરાંજપે કેમ્બ્રીજ યુનીવર્સીટીમાં સીનીયર રેન્ગ્લરની ઉપાધી વડે નવાજવામાં આવેલા પ્રથમ ભારતીય હતા અને જાણીતા ગણિતશાસ્ત્રી તેમ જ શિક્ષણશાસ્ત્રી હતા. ખુદ સઈ પરાંજપેને ૨૦૦૬ માં પદ્મભૂષણનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

આટલા ધરખમ પરિવારનું સંતાન એવા સઈ પરાંજપે પ્રતિભાશાળી ન હોય તો જ નવાઈ. તેમણે કારકિર્દીની શરૂઆત ઓલ ઇન્ડિયા રેડિયો, પુણેમાં અનાઉન્સર તરીકે કરી અને બહુ જલ્દી નાટકનાં નિર્દેશન તરફ વળ્યાં. ત્યારબાદ તેમણે બાળકો માટે ઘણા પુસ્તકો લખ્યાં. તેમણે દુરદર્શન માટે બનાવેલી પહેલી ફિલ્મ ‘ધી લીટલ ટી શોપ’ ને એશિયન બ્રોડકાસ્ટિંગનો એવોર્ડ મળ્યો. ત્યારબાદ તેમણે ઘણી બાળફિલ્મો બનાવી, જેણે જુદા જુદા એવોર્ડ મેળવ્યા. તેમની પહેલી ફીચર ફિલ્મ હતી ‘સ્પર્શ’ જે ૧૯૮૦ માં રીલીઝ થઇ અને તેણે પાંચ એવોર્ડ મેળવ્યા જેમાં રાષ્ટ્રીય પુરસ્કાર પણ સામેલ હતો. તેમણે તેના બીજા જ વર્ષે હાસ્યસભર ફિલ્મ બનાવી ‘ચશ્મેબદદુર’. તે પણ બહુ સફળ ફિલ્મ હતી.

હવે આવીએ કથા બનવાના પ્રવાસ ઉપર. સઈ પરાંજપે એક વખત નાટક જોવા ગયાં ‘સસા આણી કાસવ’. તે જોઇને મનમાં વિચાર ઝબકયો કે આ નાટકનો આધાર લઈને ફિલ્મ બનાવીએ તો. તેમણે ત્યારબાદ તેમણે પટકથા લખવાનું શરુ કર્યું. જો કે તેને ફિલ્મી રૂપ આપવા ઘણાબધાં બદલાવ કર્યા, જે ખુદ નાટકકાર એસ. જી. સાઠેજીએ માન્ય રાખ્યા. સૌથી મોટી ચેલેન્જ કલાકારોની વરણી અંગે હતી. સઈએ જયારે ફારુખ શેખને વાસુનો રોલ આપ્યો અને નસીરુદ્દીન શાહને રાજારામનો રોલ આપ્યો, ત્યારે બંનેએ નકાર આપ્યો. ફારુખ શેખે કહ્યું કે હજી આગલી ફિલ્મ ચશ્મેબદદુરમાં ભોળા નાયકનો રોલ કર્યો હતો અને હવે તેનાથી વિરુદ્ધ પ્રકારના રોલમાં લોકો નહિ અપનાવે અને નસીરે એવો અભિગમ અપનાવ્યો કે રાજારામ જેવો ભલાભોળા માણસનો રોલ તેના વ્યક્તિત્વ ઉપર નહિ શોભે, પણ સઈ પોતાના નિર્ણય ઉપર અડગ રહ્યાં અને સર્જાઈ એક અદ્ભુત કૃતિ ‘કથા’

કથામાં સસલા અને કાચબાના ગુણો બે નાયકોમાં આરોપવામાં આવ્યા છે. નાયકોનાં નામ રાજારામ જોશી અને વાસુ ભટ્ટ છે. જો કે આપણે ઝીણવટભર્યું નિરીક્ષણ કરીએ તો તેમનામાં અનુક્રમે શ્રીરામ અને શ્રીકૃષ્ણના પણ થોડા ગુણો જોવા મળશે.

ફિલ્મની વાર્તા કંઇક એવી છે કે રાજારામ જોશી (નસીરુદ્દીન શાહ) મુંબઈની ચાલીમાં રહેતો મહેનતુ અને ક્લર્ક તરીકે નોકરી કરતો ભલોભોળો અને થોડી મૂંજી વ્યક્તિ છે. તે કોઈને પોતાના મનની અંદરની વાત કરી શકતો નથી. ચાલીમાં રહેતી રહેતી તેની સંધ્યા સબનીસ (દીપ્તિ નવલ) તેને બહુ ગમે છે, પણ તેને આ વાત કહી શકતો નથી. તે પણ રાજારામની સમ્માન કરે છે અને તેના પ્રત્યે અહીભાવ અનુભવે છે. એવા સમયમાં ચલતા પુર્જા જેવો વાસુ ભટ્ટ (ફારુખ શેખ) રાજારામ સાથે રહેવા આવે છે. રાજારામથી બીજા છેડાનું વ્યક્તિત્વ ધરાવતો વાસુ બહુ જલ્દી પોતાના મીઠાબોલા સ્વભાવથી ચાલીના લોકોનું દિલ જીતી લે છે અને સાથે જ સંધ્યાનું પણ. ફિલ્મમાં આગળ શું થાય છે તે જાણવા માટે તો તમારે ફિલ્મ જોવી રહી.

આ ફિલ્મમાં નાટકના કલાકારો અને નેશનલ સ્કુલ ઓફ ડ્રામાના મંજાયેલા કલાકારોનો શંભુમેળો છે, જેમાં સઈ પરાંજપેના પતિ અરુણ જોગલેકર અને વિન્ની પરાંજપે જોગલેકર પણ છે. નસીરુદ્દીન શાહ, ફારુખ શેખ, દીપ્તિ નવલ, નીતિન સેઠી, સુધા ચોપરા, અરુણ જોગલેકર, સુહાસિની દેશપાંડે, વિન્ની પરાંજપે, લીલા મિશ્રા (શોલેની મૌસી), મલ્લિકા સારાભાઇ, જલાલ આગા (મહેમાન કલાકાર), સારિકા (મહેમાન કલાકાર), ટીનુ આનંદ (મહેમાન કલાકાર) અને પુણેની જે સાલુંખે ચાલીમાં ફિલ્મનું શુટિંગ થયું હતું ત્યાંના રહેવાસીઓ.

ફિલ્મમાં બધાં જ કલાકારોએ પોતાનો ઉત્તમ અભિનય આપ્યો છે અને કલાકાર પાસેથી ઉત્તમ અભિનય કેવી રીતે કરાવવો એ સઈ સારી રીતે જાણતા હતાં. તેમણે પેરેલલ સિનેમા અને મુખ્ય ધારાની ફિલ્મોની મિશ્રણ સમાન ફિલ્મો બનાવી અને તેમાં તે કામયાબ રહ્યાં. તેમની ફિલ્મો અલગ ચીલો ચાતરનાર રહી.

ચાલીમાં ચાલીવાસીઓના મુખે ગવાતાં ગીતો યાદ ભલે ન રહે, પણ તેનું દ્રશ્યાંકન જોવામાં મજા પડી જાય છે. તે ગીતોમાંથી કૌન આયા અને ક્યા હુઆ જેવા જ શબ્દો યાદ રહી જાય છે. બાકીનાં ગીતો પણ જોવા ગમે એવાં છે, પણ યાદ રાખી શકાય એવા નથી.

ચાલીની વાતાવરણ આબેહુબ નિર્માણ કરવામાં સફળ રહ્યા છે. ચાલીમાં રહેતા પરિવારો સયુંકત કુટુંબની જેમ વર્તતા હોય છે અને તે ચાલીના દરેક દ્રશ્યમાં દેખાઈ આવે છે. ફિલ્મમાં ઘણા સીન યાદ રહી જાય એવા છે. ‘મેરા બ્લડ ગ્રુપ ઓ નેગેટીવ હૈ’ વાળો સીન અને છેલ્લે જયારે દીપ્તિ નવલ કહે છે ‘ઇતની અચ્છાઈ ભી કિસ કામ કી’ મનને અંદર સુધી સ્પર્શી જાય છે.

સઈએ આ ફિલ્મમાં બે અલગ અલગ સૌંદર્ય પ્રસ્તુત કર્યા છે. શીતળ સૌંદર્ય (દીપ્તિ નવલ) જેને જોઇને મન શાંત થઇ જાય. દઝાડતું સૌંદર્ય (મલ્લિકા સારાભાઈ) જેને જોઇને દિલમાં આગ લાગી જાય છે. તમને શું જોવું ગમશે એ તમારા ઉપર છોડ્યું.

હું આ ફિલ્મને ભાગ્યે જ બનતી ફિલ્મોમાં સ્થાન આપીશ. મેં અહીં થીયેટરમાં અનેક ફિલ્મો જોઈ છે. ફરી આવીશ તેમના વિષે કહેવા, ત્યાં સુધી મને રજા આપશો.