Miraculous Rudraksha - 2 in Gujarati Fiction Stories by Tapan Oza books and stories PDF | ચમત્કારિક રૂદ્રાક્ષ - 2

Featured Books
Categories
Share

ચમત્કારિક રૂદ્રાક્ષ - 2

ચમત્કારિક રૂદ્રાક્ષ - ભાગ-૨

મેં ચાલવાનો પ્રયત્ન કર્યો પણ હું ચાલી તો શું ઉભો પણ રહી શકતો ન હતો. એટલે મને ગામના દવાખાને લઇ ગયા. ડોક્ટરે તપાસીને કહ્યું કે પગની પાનીમાં ફ્રેક્ચર હોય એવું લાગે છે. પાટો બાંધી આપું છું. થોડા દિવસ લાકડીના સહારે ચાલજો. એ પગ પર બહુ વજન ન આવવા દેતાં. મેં મારા સાહેબ વિશે ડોક્ટરને પૂછ્યું તો મને જાણવા મળ્યુ કે મારા સાહેબ ભાનમાં તો આવી ગયા છે પણ કંઇ ન સમજાય તેવું બોલ્યા કરે છે. ડોક્ટર મને મારા સાહેબ પાસે લઇ ગયાં. મેં સાહેબ સાથે વાતચીત કરવાની કોશિશ કરી પણ એ મને ઓળખી શકતા ન હતાં. એટલે ગામના ડોક્ટરે અનુમાન કર્યું કે કદાચ પ્રકાશ જોઇને ડઘાઇ ગયા હોય અને કંઇ જાણી સમજી શકતા ન હોય અથવા અકસ્માતના કારણે યાદ શક્તિ જતી રહી હોય એવું બની શકે.

“તો સાહેબ, તમારા સિનિયરનું શું થયું?” પત્રકારે અચરજતાથી પૂછ્યું.

· સિનિયરને જુનાગઢમાંથી મુંબઇ ટ્રાન્સફર કર્યા. મને પણ બદલી આપેલી પણ મારે એ પ્રકાશ વિશે વધુ જાણવું હતું એટલે હું જુનાગઢ જ રહી ગયો. મારા એ સિનિયરની જગ્યાએ બીજા કોઇને ન મુક્યા. હું જ એ ઓફિસમાં બેસતો અને રિપોર્ટીંગ કરતો. મુંબઇ ઓફિસમાં એક દિવસ ફોન કરતાં જાણવા મળેલ કે મારા સિનિયર તો મુંબઇ આવતા જ સાજા થઇ ગયા. જાણે કશું બન્યું જ ન હોય. પણ એમને તે પ્રકાશ વિશે કંઇ જ ખબર નથી. જાણે એ પ્રકાશ અને એ અકસ્માત તેઓ ભુલી જ ગયા હોય.

· મેં મારૂ નિવાસ સ્થાન જુનાગઢથી બદલીને સરખાડી ગામમાં લઇ લીધેલું. હું રોજ સાંજે સરખાડીના દરિયા કિનારે જતો અને એ પ્રકાશની રાહ જોતો. લગભગ રાતનાં દસેક વાગ્યા સુધી બેસતો અને પછી ગામમાં રાખેલ ઘરે જઇને સુઇ જતો. આશરે દસેક દિવસ પછી રાત્રે આઠેક વાગ્યે હું રોજની જેમ એ દરિયા કિનારે બેઠો હતો. અને અચાનક એવો જ પ્રકાશ ફરીથી જોયો. આ વખતે દરિયામાં દુર દેખાયો. જાણે દરિયામાં વિજળીનું તાંડવ ઉઠ્યું હોય. એ તાંડવની સાથે સાથે દરિયામાં મોજા ઉછળવાની શરૂઆત થઇ. એટલે હું દરિયાથી થોડો દુર જઇને લાકડીના સહારે ઉભો હતો. ત્યાં જ અચાનક પ્રકાશનું જોર વધી ગયું. પ્રકાશ વધતો ગયો અને મારી આંખો અંજાઇ ગઇ. જોરથી એક અવાજ આવ્યો અને મારા કપાળ પર એકદમ સ્પીડમાં કંઇક પથ્થર જેવો પદાર્થ ભટકાયો હોય તેવું મને લાગ્યું. હું એ ફોર્સના કારણે જમીન પર પડી ગયો. ત્યાં જ આકાશમાં દેખાતો એ પ્રકાશ અચાનક મારાથી થોડે દૂર દરિયાના પાણીમાં કોઇક ગોળાકાર જેવા પદાર્થમાં સમાતો જોવા મળ્યો. એ પ્રકાશ એ પદાર્થમાં જતો રહ્યો અને તરત જ દરિયો શાંત થઇ ગયો. મેં ઉભા થવા માટે મારી લાકડી શોધી પણ મને જડી નહી. એટલે લાકડીના સહારા વગર મેં ઉભા થવાની કોશિશ કરી અને હું ઉભો થયો. મેં અનુભવ્યું કે અચાનક મારા પગનું દર્દ જતું રહ્યું. જાણે ક્યારેય વાગ્યું જ ન હોય. પણ....!!

“સાહેબ, તો તમને કપાળ પર જે ભટકાયું હતું તેનાથી તમને વાગ્યું નહી.?” પત્રકાર ઉત્સુકતાથી બોલ્યો.

· હા, વાગેલું. પરંતું એ શું વાગ્યું એ સમજાયું નહીં. પણ જે કંઇપણ ભટકાયું એણે મારા જીવનની હોડી પલટાવી દીધી. મેં આજુબાજુમાં જોયું અને મને પાણીના એક નાના ખાબોચિયામાં કંઇક ચળકતો પદાર્થ દેખાયો. એટલે હું નજીક ગયો અને એ પદાર્થને સ્પર્શ કરવાની કોશિશ કરી. પરંતું હું એને અડી ન શક્યો. હજુ તો હું એને અડવા જઉં ત્યાંજ એ પદાર્થ રેતીમાં ખૂંપી ગયો. પરંતું એ ખાબોચિયાના ચોખ્ખા પાણીમાં પડેલું હતું ત્યારે રૂદ્રાક્ષ જેવું લાગતું હતું. મેં રેતીમાં ખાડો કરીને શોધવાની કોશિશો કરી પરંતું એ પદાર્થ મારા હાથમાં ન જ આવ્યું. પરંતું.....! પરંતું એ રૂદ્રાક્ષ મારાથી દુર હોવા છતાં મારી એકદમ નિકટ છે.

એ કઇ રીતે સાહેબ, એ રૂદ્રાક્ષને તો તમે અડકી પણ ન શક્યા તો એ તમારાથી નિકટ કઇ રીતે કહી શકાય...! પત્રકાર આશ્ચર્યથી બોલ્યો.

· એ એટલા માટે કારણ કે એ રૂદ્રાક્ષ જ્યારે મારા કપાળ પર ભટકાયું ત્યારથી મને એ રૂદ્રાક્ષ સપનામાં આવે છે. અને એ રૂદ્રાક્ષ ક્યાં છે કોની પાસે છે એના સંકેતો મળતા રહે છે. મારી વાત તમને જરા મુર્ખામીભરી લાગશે. પરંતું આ જ હકિકત છે. એ રૂદ્રાક્ષ મારા હાથમાં ક્યારેય નથી આવ્યું. પરંતું એ રૂદ્રાક્ષના સપનાથી મને ઘણો ફાયદો થયો છે. એ રૂદ્રાક્ષએ મારી અને મેં એ રદ્રાક્ષની એકબીજાથી દૂર હોવા છતાં ખુબ જ રક્ષા કરી છે. એવું કહી શકો તમે....!