Draupadi - 3 in Gujarati Women Focused by Pooja Bhindi books and stories PDF | દ્રૌપદી - 3

Featured Books
Categories
Share

દ્રૌપદી - 3

અરે,આવો વ્યવહાર તો કોઈ જાનવરો સાથે પણ ન કરે.તો હું તો તેની ભાભી હતીને.તો પછી મારી સાથે આવો વ્યભિચાર કેમ?

દુષ્ટ દુર્યોધને મને પોતાની દાસી બોલાવી અને ભરી સભામાં કહ્યું, " આવ દાસી દ્રૌપદી,મારી જંઘા પર બેસ.તારા સ્વામીનું મનોરંજન કર."

અસભ્ય દુર્યોધને મારા પિતામહ ભીષ્મ,પિતા સમાન દ્રોણ,જ્યેષ્ટ સસુર ધૃતરાષ્ટ્ર,મહામંત્રી વિદુર અને મારા પાંચ આર્યોની સામે મને એ શબ્દો કહ્યાં.

એ દુરાચારીએ દુશાસનને મારા વસ્ત્રો દુર કરવાનો આદેશ આપ્યો મૌન લોકોની એ સભામાં.ફરીથી તર્કો-વિતર્કો થયાં.પરંતુ એ દુષ્ટ દુર્યોધન કોઇનું ન માન્યો.

મેં એક એક કરીને મારા આર્યો સામે જોયું.તેઓની આંખોમાં પણ મારી આંખોની જેમ ક્રોધની જ્વાળાઓ ભભૂકી રહી હતી પરંતુ તેઓ શું કરી શકે કારણકે તેઓના હાથ તો કટાયગેલા ધર્મની બેડીઓથી બંધાયેલા હતા.પરંતુ શું તેમનો ધર્મ પોતાની અર્ધગીનીના સમ્માનની રક્ષા કરતાં વધારે મૂલ્યવાન હતો?ગુરુદ્રોણ આ મુકસભામાં મારા પિતા સમાન હતાં,જે પુત્રમોહમાં અંધ હતાં પરંતુ શું તેઓનો પુત્રમોહ પોતાની પુત્રીસમાન દ્રુપદકુમારી સાથે થવાં જઇ રહેલ દુરાચાર કરતાં વધુ કિંમતી હતો? પિતામહ ભીષ્મ મહારાજ શાંતનુને આપેલ વચને બંધાયેલા હતાં પરંતુ શું તેઓનું વચન પોતાની કુળવધુના રક્ષણ કરતાં વધારે મહત્વનું હતું?મહામન્ત્રી વિદુરની નીતિઓ દૂર-દૂર સુધી પ્રચલિત હતી પરંતુ જે પોતાનાં રાજ્યની સભામાં જ સ્ત્રી સાથે થઇ રહેલા અન્યાયને ન રોકી શકે એવી નીતિઓની પ્રસંશા શું કામની

“પાંચલી આપણી કુલવધુ છે તેની સાથે આવો વ્યવહાર ઉચિત નથી.કોઇ પણ સ્ત્રીના વસ્ત્રો દુર કરવાનું કાર્ય અશોભાનીય છે.”વિકર્ણ બોલ્યો.મારાથી વિકર્ણ સામે અહોભાવથી જોવાઇ ગયું.

“પાંચ પુરુષ સાથે વિવાહ કરનારી વેશ્યા હોય છે.”અંગરાજ તિરસ્કારથી બોલ્યા.

વેશ્યા?અંગરાજે મને વેશ્યા કહી?મારૂ હૃદય આ શબ્દોનાં ઘાથી કણસી ઉઠ્યું.

અરે હા સ્મરણ થયું, મેં તેઓને મારા સ્વયંવરમાં 'સુતપુત્ર' કહ્યાં હતાં. પરંતુ શું અંગરાજ 'સુત' અને 'વેશ્યા' શબ્દનો અર્થ ભુલી ગયાં હશે કે પછી સ્વયંવરમાં મારા દ્વારા બોલાયેલા શબ્દોનો અને હું પાંડવોની પત્ની છું એનો પ્રતિશોધ લેવાનું સ્મરણ થયું હશે?

અરે,મારો તો જન્મ જ પવિત્ર અગ્નિમાંથી થયો છે.તો પછી પવિત્ર અગ્નીમાંથી જન્મેલ હું અપવિત્ર કઇ રીતે હોઇ શકું?
મેં પાંચ પાંડવો સાથે વિવાહ કર્યા,કારણકે બાકીના ચારને સંન્યાસ ન લેવો પડે. જો આર્ય યુધિષ્ઠિર સંન્યાસ ધારણ કરે તો અધર્મી દુર્યોધનના હાથમાં હસ્તિનાપુરનું સામ્રાજ્ય આવી જાય.એ કઇ ન થાય એ માટે મેં મારા જીવનને કષ્ટોથી ભરી દીધું પરંતુ બદલામાં મારી સાથે આવો વ્યવહાર, કેમ?

ચાલો મેં માન્યું,અંગરાજ કર્ણની વિદ્યા દુર્યોધન માટે સમર્પિત હતી,પરંતુ એ સમર્પણ શું કામનું જે ભરસભામાં એક સ્ત્રીને વેશ્યા કહેવા માટે પ્રેરે?વિકર્ણ પણ સામે પક્ષે તેનો જ્યેષ્ઠ ભ્રાતા દુર્યોધન છે એ વિચારી ચુપ થઇ ગયો પરંતુ જે સ્ત્રીની સામે થતાં અન્યાયની સામે અવાજ ન ઉઠાવી શકે એ વિચાર શું કામનો?

અર્થાત બધા પાસે કંઇક કારણો હતાં,બધા પોતાની રીતે સાચા જ હતા,તો પછી મારી સાથે આ ધર્મીઓની અંધસભામાં મારા આર્યો,મહારાજ ધૃતરાષ્ટ્ર ,પિતામહ,ગુરુદ્રોણ,મહામંત્રી વિદુર,મહારથી કર્ણ અને બીજા ઘણા ધર્મજ્ઞાનીઓની સામે આટલો મોટો અધર્મ કેમ?

છતાં પણ દુશાસન દ્વારા મારા ચીર હરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો.મેં આંખો બંધ કરી ગોવિંદનું સ્મરણ કર્યું.

ગોવિંદ...ગોવિંદ...ગોવિંદ...
મારા ચીર પુરાયાં...મારી એક સ્ત્રીના સમ્માનની રક્ષા થઇ.

આ દુરાચાર બાદ હું ખૂબ ક્રોધમાં હતી.માતા કુંતી અને માતા ગાંધારી મારી પાસે આવ્યા.

માતા ગંધારીએ મારો ક્રોધ શાંત કરવા હું કોઈ શ્રાપ ન આપી દવ એમાટે વરદાન માંગવા કહ્યું જેમકે કોઈ નાનુ બાળક રિસાયું હોય અને ભેટ આપવાથી ખુશ થઇ જશે.

તેમનો આ અવાજ ત્યારે કેમ ન ઉઠ્યો જ્યારે તેમનાં પુત્રો અધર્મ તરફ આગળ વધી રહ્યાં હતાં,જ્યારે તેઓના ભ્રાતા શકુની તેઓને અધર્મનાં માર્ગ તરફ ચાલવા પ્રેરી રહ્યા હતાં?


(મારો ઉદ્દેશ કોઈ પણ જાતિ, ધર્મ કે વ્યક્તિની લાગણી દુભાવવાનો નથી. છતાં પણ મારાથી જો કોઇ ભુલ થઇ હોય તો માફી માંગુ છુ. -પૂજા ભીંડી)