Explosion in Gujarati Film Reviews by Rakesh Thakkar books and stories PDF | ધમાકા

Featured Books
Categories
Share

ધમાકા

ધમાકા

- રાકેશ ઠક્કર

અત્યાર સુધી રોમેન્ટિક-કોમેડી ફિલ્મો કરતા કાર્તિકે 'ધમાકા' માં એક પત્રકારની ગંભીર ભૂમિકાને અસરકારક રીતે ભજવી બતાવી છે. નિર્દેશક રામ માધવાની તેમની અગાઉની ફિલ્મ 'નીરજા' જેટલી 'ધમાકા' ને વાસ્તવિક બનાવી શક્યા નથી પરંતુ કાર્તિક સહિતના દરેક કલાકારોએ પોતાના પાત્રને જીવંત કરી બતાવ્યું છે. પટકથા નબળી હોવાથી દર્શકોને કેટલાક પ્રશ્નો થાય એ સ્વાભાવિક છે. ફિલ્મમાં એક બ્રીજ પર બોમ્બ મૂકવામાં આવ્યો હોવાની વાત કેન્દ્રમાં છે. પણ એ બોમ્બ ક્યારે અને કેવી રીતે લગાવવામાં આવ્યો એ તો 'રામ' જ જાણે! આતંકી હુમલાની વચ્ચે જ્યારે ન્યૂઝરૂમની બૉસ પોલીસ ઇન્સ્પેક્ટરને એમની વાત માનવાની ના પાડે છે અને ચેનલ પર જીવંત પ્રસારણ વખતે એન્કર મેદાનમાં ઊભેલી પોતાની પત્ની સાથે વાત કર્યા કરે છે એવા કેટલાક દ્રશ્યો અવાસ્તવિક લાગે છે. ફિલ્મમાં ટીવીના પત્રકાર સાથે દર્શકોના પ્રતિભાવના દ્રશ્યો જ નથી. મોટા ધમાકાના કવરેજ માટે બે-ત્રણ રિપોર્ટર હોય એ વાત ગળે ઉતરતી નથી. નિર્દેશક રામ માધવાની પાસે કોરિયન ફિલ્મ 'ધ ટેરર' ની વાર્તા હતી એની બેઠ્ઠી નકલ કરી છે. રીમેકમાં ફક્ત પાત્રોના નામો જ બદલ્યા છે. બીજા કોઇ ફેરફાર કર્યા નથી. 'ધ ટેરર' બહુ મોટી સફળ ફિલ્મ હતી અને અનેક પુરસ્કાર મેળવી ગઇ હતી. એની રીમેકમાં માધવાની મોટો ધડાકો કરી શક્યા નથી. છતાં બીજી બધી બૉલિવૂડની ફિલ્મોથી અલગ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. ફિલ્મમાં અર્જુન પાઠક (કાર્તિક આર્યન) નામના એક ન્યૂઝ એન્કરની વાર્તા છે. જેને રેડિયો જોકી બનાવી દેવામાં આવે છે. તે રેડિયો શો કરતો હોય છે ત્યારે એક માણસનો ફોન આવે છે. જેમાં બ્રીજને ઉડાવી દેવાની ધમકી આપે છે. ત્યારે તેને પોતાનું સ્થાન પાછું મેળવવાની તક દેખાય છે. તે આ ફોન કોલ પછી પોતાની લોકપ્રિયતા વધારે છે કે અંતરાત્માની વાત સાંભળીને એને પકડાવવાની કોશિષ કરે છે એની વાર્તા છે. બ્રીજ પર ધડાકો થાય છે ત્યારે અર્જુનને ખ્યાલ આવે છે કે કોઇએ મજાક કરી ન હતી. પરંતુ તેનો હેતુ શું હતો એ વાત બહાર આવી જાય છે. તે બીજી વખત ફોન કરે છે અને કેમેરાની સામે આવીને મંત્રી જયદેવ પાટીલ આખા દેશની માફી માંગે એવી માગણી કરે છે. શું મંત્રી માફી માગશે? ધડાકો કરનારો પકડાઇ જશે? બીજી ચેનલોને બદલે એ માણસે અર્જુનને જ કેમ ફોન કર્યો હતો? જેવા સવાલો જાણવા ફિલ્મ જોવી પડશે. એમાં અર્જુનની પારિવારિક જિંદગી અને ટીવીના ટીઆરપીના ખેલની વાત પણ આવી જાય છે.

એક પણ ધમાકેદાર ગીત વગર ફિલ્મને ૧૦૪ મિનિટમાં પૂરી કરી દેવામાં આવી છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ સંગીત દમદાર છે. ઘણી જગ્યાએ ફિલ્મ ગંભીર હોવાનો ઢોંગ કરતી લાગે છે. અસલમાં એટલી ગંભીર લાગતી નથી. મિડીયા પર આખી ફિલ્મ છે અને એના સંવાદ વાસ્તવિક્તા બતાવે છે. 'એન્કર બના દીયે જાતે હૈ, રિપોર્ટર અપની મરજી સે બનતે હૈ', 'ન્યૂઝ કે લિયે વક્ત લગતા હૈ ઔર ઓડિયન્સ કે પાસ વક્ત નહીં' અને 'પહલે ચેનલ ફિર જર્નલિઝમ' જેવા સંવાદ ફિલ્મની જાન છે. ફિલ્મ એવો મુદ્દો ઉઠાવે છે કે એક પત્રકાર પર વિશ્વાસ કરી શકાય કે નહીં? પહેલા જ દ્રશ્યથી વાર્તા ઝડપથી આગળ વધે છે. જ્યાં એમ લાગે કે આવું નહીં થાય ત્યારે એવું જ થાય છે અને દર્શક ચોંકી જાય છે. કેમકે ટ્રેલરમાં વાર્તાને છુપાવવામાં આવી હોવાથી ફિલ્મ વધારે જકડી રાખે છે. અંતમાં એક સામાજિક સંદેશ સાથે 'ખોયા પાયા' ગીત પ્રભાવિત કરી જાય છે. OTT ના દર્શકોએ શું મેળવ્યું એની જાણ તો થોડા સમય પછી થશે પણ સમીક્ષકોએ ત્રણથી વધુ સ્ટાર આપીને થોડા વખાણ કર્યા છે.

કાર્તિક આર્યને આખી ફિલ્મ પોતાના ખભા પર ઉપાડી લીધી છે. કાર્તિકનો આ વન મેન શો જ છે. બહારથી પથ્થર અને અંદરથી નરમ એક પત્રકાર તરીકે તે પોતાના અભિનયની છાપ છોડી જાય છે. કેટલાક દ્રશ્યોમાં તે અભિનયથી દર્શકોને પોતાના પાત્ર પર શંકા કરવા મજબૂર કરે છે. ક્યારેક એ માસ્ટર માઇન્ડ લાગે છે તો ક્યારેક એનો શિકાર થવાનો હોય એવું લાગે છે. તેણે સાબિત કરી દીધું છે કે ચૉકલેટી બોય સિવાયની ભૂમિકાઓ ભજવી શકે છે. આ ફિલ્મની સ્ક્રીપ્ટ લઇને ખુદ કાર્તિક રામ માધવાની પાસે ગયો હતો. કાર્તિકની આગામી પાંચ ફિલ્મો ભુલભુલૈયા ૨, ફ્રેડી, શહજાદા, કેપ્ટન ઇન્ડિયા અને 'સત્યનારાયણ કી કથા' પણ એવો વિશ્વાસ અપાવે છે કે તે અલગ ભૂમિકાઓમાં જોવા મળશે. કાર્તિકની બૉસ તરીકે અમૃતા સુભાષ દમદાર અભિનય કરી જાય છે. કાર્તિકની પત્નીના પાત્રમાં મૃણાલ ઠાકુરને બહુ તક મળી નથી.