Siddhina Shikhare - 1-2 in Gujarati Fiction Stories by Alpa Bhatt Purohit books and stories PDF | સિદ્ધિના શિખરે - ભાગ 1-2

Featured Books
Categories
Share

સિદ્ધિના શિખરે - ભાગ 1-2

(ભાગ 1)
તારીખ: ૦૧/૧૦/૨૦૨૧

આજે સુગંધા માટે ખૂબ જ રોમાંચક દિવસ ઉગ્યો હતો. તે ચાર વર્ષની થઈ ગઈ હતી. આજથી જ શાળાએ જવાનું હતું. તે તો નવોનકકોર ગણવેશ પહેરી, બે નાનકડી ચોટલીઓ વળાવી, નવાં - નવાં બૂટ મોજાં પહેરી તૈયાર થઈને બેઠકરૂમમાં તેનાં પપ્પાએ ખૂબ વહાલથી બાંધેલ હીંચકે ઝૂલતી હતી. એટલામાં દાદીમા પૂજા કરીને આવ્યાં. તેમનાં હાથમાં આરતીની થાળી હતી. બળતા કપૂરની સુગંધને આખો ઓરડો ભરાઈ ગયો.

સુગંધાનું ધ્યાન દાદી તરફ ગયું અને તે ઠેકડો મારી હીંચકા પરથી ઉતરી ગઈ. જેવી દાદી તરફ દોડવા લાગી, દાદી હંમેશની માફક બોલી પડ્યાં, દીકરા ધીરે, કાંઈ વાગી જશે. અને પોતાનાં દીકરાને સંબોધીને કહેવા લાગ્યાં કે આનું નામ ભલે સુગંધા પાડ્યું તેના ગુણ તો હરણી જેવાં જ છે.
બંન્ને એકબીજાની નજીક પહોંચી ગયાં હતાં. હવે વારો દાદીનો પૌત્રીને આરતી આપવાનો અને સુગંધાનો એક મઝાની રામાયણની ચોપાઈ ગાવાનો. સવાર સવારમાં આજે પણ ઘરમાં અતિપવિત્ર વાતાવરણ રચાઈ ગયું.

ત્યાં જ દાદાજી આવી ગયાં. તેમના હાથમાં હનુમાનજીના ચિત્રવાળું નાનકડું દફ્તર હતું. 'અરે દાદાજી, આ મારું છે?' સુગંધા ટહુકી ઊઠી. દાદાજી બોલ્યા, 'હા મારા ઊડાઊડ કરતા પતંગિયા, આ તારું જ છે.' પછી દાદાજીએ તેના બંન્ને ખભા ઉપર દફ્તરના પટ્ટા ભેરવી આપ્યા. સુગંધાએ દાદી તરફ ફરીને પૂછ્યું, 'કેવું લાગે છે મારું દફ્તર, દાદી?' દાદીએ તાજી બનાવેલી સુખડીનો ટુકડો તેનાં મોંમાં મૂકી કહ્યું, 'ખૂબ જ સુંદર, જાણે મારી દીકરી માટે જ બન્યું હોય'.

ત્યાં તો હાથમાં પિન લગાડેલો મોગલીના કાર્ટુન વાળો રૂમાલ, નાસ્તાનો નાનકડો સ્ટીલનો ડબ્બો અને પાણીની સ્ટીલની પણ ઓછાં વજનની બોટલ લઈ મમ્મી આવી ગઈ અને દાદાજીની મદદથી બધું ગોઠવી દીધું. દાદાજીની આંગળી પકડી સુગંધા દરવાજાની બહાર પહોંચી ત્યાં પપ્પા પાર્કિંગમાંથી નાનકડી લાલચટક ગાડી લઈ આવી ગયાં છે તેમની દીકરીની મનપસંદ હતી. દાદાજી પાછળ બેઠાં અને મમ્મીએ બારણું ખોલી આગળની સીટમાં સુગંધાએ પપ્પાની બાજુમાં બેસાડી દીધી.

બધાં એકબીજાને 'જય શ્રી કૃષ્ણ' કહેતાં નીકળ્યા. દાદી અને મમ્મી ગાડી દેખાય ત્યાં સુધી હાથ હલાવતાં રહ્યાં. મમ્મીને હજુ દાદા અને પપ્પાનું ટિફિન બનાવવાનું બાકી હતું. અને લટકામાં આજથી દીકરીને બપોરે શાળાએથી લેવા જવાનો કાર્યક્રમ પણ જોડાયો હતો. આ બાજુ પપ્પાએ ગાડીમાં 'શ્રીકૃષ્ણ શરણં મમ' ની ધૂન પેનડ્રાઈવમાંથી શરૂ કરી. અને ત્રણેય તેમાં સૂર પૂરાવતાં શાળા તરફ વધતાં ગયાં.

(આ કૃતિ સ્વરચિત અને સંપૂર્ણપણે કાલ્પનિક છે. કોઈપણ જીવંત કે મૃત વ્યક્તિ કે ઘટના ઉપરથી તે ઘડાઈ નથી. અને જો એવું જણાય તો એ એક સંયોગ માત્ર હશે. )


(ભાગ 2)
તા. 03-10-2021

હવે, સુગંધા શાળાએ પહોંચે ત્યાં સુધી તેના પરિવારનાં એક સભ્યનો વિગતે પરિચય આપી દઉં.

સુગંધાનાં મમ્મી, શ્ચેતાબેન જેઓએ ડિસ્ટીંગ્શન સાથે એમ. બી. એ. કરેલ હતું. તેમણે લગ્ન બાદ એક મોટી ભારતીય ટાયર કંપનીની નોકરી છોડી ઘરનાં વડીલો, વાતાવરણથી પરિચિત થવા અને નવી જવાબદારીઓને સહર્ષ ઉપાડી લેવાનો સ્વેચ્છાએ નિર્ણય લીધો હતો. શ્ચેતાબેનના માવતરે તેમને સમજાવ્યા પણ હતાં કે, સાધન સંપન્ન ઘર છે. તેઓ ઘરમાં એક બે નોકર રાખીને પણ ચલાવી શકે છે. અને તેમની દીકરી કમાશે તો તેનું ભણતર પણ એળે નહીં જ જાય.

પણ, શ્ચેતાબેને તેમની આગળ પોતાનાં નિર્ણયની મક્કમતા જણાવી અને ઓછામાં ઓછાં બે વર્ષ સુધી તો તેઓ કોઈ નોકરી નહીં જ કરે અને આગળનું પછી વિચારશે તેમ ઊમેર્યું. હવે તેમનાં પિતા મૂંઝવણમાં હતાં કે દીકરીના લગ્ન જે સુશિક્ષિત પરિવારનાં ગોલ્ડ મેડલિસ્ટ એન્જનિયર આનંદ જોડે નિર્ધારિત થયાં છે તેમણે પણ સુશિક્ષિત, સારું કમાનાર દીકરીને જ પસંદ કરી છે. અને હવે શ્ચેતા આ નોકરી છોડી ઘરે બેસશે તો તેનાં શ્ચસુરપક્ષ વાળાં તેમનાં વિશે એમ તો નહીં વિચારેને કે સારાં કુટુંબમાં લગ્ન કરાવવા પૂરતું જ અમે દીકરીને નોકરી કરાવી હતી. અને હેતુ સર થઈ જતાં છોડાવી પણ દીધી. અમે કેટલાં સ્વાર્થી અને હીણાં દેખાઈશું.

તેમણે આ મૂંઝવણ પોતાની પત્નીને જણાવી. તેઓ પણ શ્ચેતાનાં આ નિર્ણયથી થોડાં પરેશાન હતાં જ. અને તેમને ખાતરી હતી કે તેમની દીકરી લગ્ન બાદ પણ ઘર અને નોકરી બેય સુપેરે સંભાળી લેશે. તેઓ શ્ચેતા ને પોતાની રીતે સમજાવી ચૂક્યા હતાં. અને શ્ચેતા ખૂબ જ નમ્રતા અને ભરોસો કરી જ શકાય એવાં શબ્દોમાં પોતાની મમ્મીને જણાવ્યું હતું કે ચિંતા ના કરો, મને આવતાં અઠવાડિયે વિવાહ માટેનાં કપડાં ઘરેણાં ખરીદવા તેમનાં ઘરે જવાનું છે ત્યારે હું તેમને બધાંને મારો નિર્ણય જણાવી દઈશ. છતાં તમને કોઈ બાબતની ચિંતા સતાવતી હોય તો મારી સાથે જ આવજો. બધાંની હાજરીમાં જ વાત થઈ જાય અને કોઈનેય કાંઈ જાણવું પૂછવું હોય તો ત્યારે જ ખુલાસો થઈ જાય. શ્ચેતાની મમ્મી તેની સાથે સહમત થઈ હતી. પણ તેનાં શ્ચસુરપક્ષનો થોડો ડર તો તેને હતો, અને તેથી જ તેઓ હમણાંયે મંઝાયેલ હતાં. પણ બંન્નેએ વહાલસોઈ દીકરી પર વિશ્ચાસ રાખી બાકીનું શ્રીનાથજી પર છોડી દીધું. મમ્મી રસોડામાં સાંજની રસોઈ કરવાં ગયાં અને પપ્પાએ પોતાના મોબાઈલફોન ઉપર 'શ્રીનાથજીની ઝાંખી' વગાડવાનું શરૂ કર્યું અને મેગેઝિન ખોલી વાંચવા બેઠાં. સાથે સાથે બંન્ને પોતપોતાની જગ્યાએથી યુ-ટ્યુબ ઉપર વાગતાં ભજનો ગણગણવા લાગ્યાં.

ઘરમાં એક શાંત લહેરખી ફરી વળી જાણે શ્રીનાથજી બાવાએ તેમની ચિંતાને પોતાનાં ઉપર લઈ તેમને હળવાં ફૂલ બનાવી દીધાં.

અલ્પા મ. પુરોહિત
વડોદરા
#9904948414