Premni Kshitij - 27 in Gujarati Fiction Stories by Khyati Thanki નિશબ્દા books and stories PDF | પ્રેમની ક્ષિતિજ - 27

Featured Books
Categories
Share

પ્રેમની ક્ષિતિજ - 27



સમય સાથે વહેતો જતો પ્રવાહ...સાથે સાથે પ્રવાહિત થતો પ્રેમ. પ્રેમ ગતિ કરે છે તેની ક્ષિતિજોને પામવા ,પરંતુ સમયના ગર્ભમાં રહેલા સત્યની જાણ તો ખુદ તેની સાથે વહેતા પ્રેમીઓને પણ નથી થતી.તેમનો પ્રેમ તો ફ્કત પ્રેમની શક્યતાને જોઈ શકે છે અને પ્રતીક્ષા કરે છે એક સુંદર ભવિષ્યની.

આલય અને મૌસમનો પ્રેમ તથા નિર્ભય અને લેખાની મૈત્રી સમયની સાથે ગાઢ બનતી ગઈ .અને ભણવાનું પૂરું થઈ ગયું ,સામે દેખાયું એકબીજાનું સામાજિક જીવન.
મૌસમને વિચાર આવે છે કે હવે આલયની વાત કે.ટીને કરી દઉં. તો કેટી ને પણ શૈલના ભવિષ્યમાં મોસમનું સુખ દેખાય છે.

બ્રેકફાસ્ટ સમયે કે.ટી મૌસમને કહે છે, "આજે છેલ્લો દિવસને કોલેજનો ?"

મૌસમ થોડી ઉદાસ થઈને જવાબ આપે છે, "હા પપ્પા કોલેજ તો પૂરી પણ હજી મન ભરાયું નથી."

કેટીએ હસતા હસતા કહ્યું તો હવે શું વિચાર છે આગળ? મને કરેલું પ્રોમિસ તો યાદ છે ને?"

મોસમને થોડીકવાર ચિંતા થઈ ગઈ અને આલયનો માસુમ ચહેરો નજર સમક્ષ તરવરી ઊઠ્યો. પરંતુ ઉદાસીને ખંખેરી મૌસમે કહ્યુ," પ્રોમિસ તો યાદ છે પરંતુ મારે વિચારવાનો સમય જોઈએ ડેડ .અને હું હજી એક વાર પણ શૈલને મળી નથી, તો હું કોઈ પણ નિર્ણય શૈલને જોયા વિના લેવા માગતી નથી.

કે.ટીએ મૌસમને પ્રેમથી કહ્યું,' "હું પણ તને ફરજિયાત પરણવાનું નથી કહેતો મોસમ. પરંતુ તું તારી જાતને ઓળખ તેના કરતા હું તને વધારે ઓળખું છું. ભલે તારો ઉછેર મારા એકલાના હાથે થયો છે પરંતુ હું તારી મા બનીને પણ વિચારી શકું છું. તને બંધન સ્વીકાર્ય નથી એ મને ખબર છે ,અને જો તું ભારતમાં પરણીશ તો તારી સુખી થવાની પ્રથમ શરત જ કદાચ તારું સમર્પણ હશે. તું ગમે તેટલી આરામપ્રિય જિંદગી જીવી હોય મોસમ, પરંતુ સાસરે તું હદથી વધારે અપેક્ષા રાખી શકીશ નહીં. એક નવી જવાબદારી તારી રાહ જોતી હશે."

મોસમ દલીલ કરતાં કહે છે," સાસરું તો સાસરું જ હોય છે ડેડ પછી ભારત હોય કે વિદેશ.

કેટી તેને સમજાવતા કહે છે, " તારી વાત સો ટકા સાચી છે તુ જેમ અહી રહી છે, તેમ તો સંપૂર્ણપણે સાસરે ન જ રહી શકે. પરંતુ સુખી થવામાં અમુક આર્થિક બાબતો પણ અસર કરતી હોય છે. જો એક આર્થિક બાબતનું સુખ હોય તો અન્ય સુખોને કદાચ મેળવવા સહેલા થઈ જાય છે. પરંતુ જો તું સામાન્ય ઘરમાં પરણીશ તો તારી અડધી જિંદગી તો નવેસરથી શરૂઆત કરવામાં ચાલી જશે અને એ વાસ્તવિકતાનો સ્વીકાર કરવો એ ખુબ જ અઘરુ છે મૌસમ."

મૌસમે કહ્યું," સાચી વાસ્તવિકતા તો સમય છે પપ્પા. જો હું વિદેશ ચાલી જઈશ તો તમે અહીં એકલા થઈ જશો, અને હું નથી ઈચ્છતી કે રિટાયરમેન્ટ પછી તમે એકલા થઈ જાઓ."

કેટી ભાવવાહી અવાજે બોલે છે," મોસમ મેં નાનપણથી તને દરેક સુખ આપવાની ઈચ્છા કરી અને એ ઇચ્છાને પૂરી કરી છે. અને હજુ પણ હંમેશાં એમ જ છે કે તને ખુબ જ સુખ મળે. અને જો તને એ સુખ મળતું હોય તો મારી એકલતા તેની પાસે કંઈ નથી અને તું તારા ડેડને નથી ઓળખતી? કેટીને કોઈની જરૂર છે?"

મૌસમ પણ ભાવવાહી થઈ જાય છે," હું ઓળખું તમને ડેડ અને હું પણ એમ જ ઇચ્છું છું કે મારા ડેડને ક્યારેય કોઈની જરૂર ન પડે, પરંતુ લગ્નએ આખા જીવનનો પ્રશ્ન છે અને હું એવું માનું છું કે જો પોતાને ગમતા પ્રિયપાત્ર સાથે લગ્ન થઈ જાય તો ભવિષ્યની સમસ્યાઓ નાની થઈ જાય છે."

કેટીએ મૌસમની સામે જોઈને કહ્યું," મને એવું લાગે છે કે આજે મારી દીકરી ખરેખર મોટી થઈ ગઈ . તું જાણે કોઈ બીજાની ભાષા બોલતી હોય તેવું લાગે છે ,જો તારા મનમાં કોઈ વસી ગયું હોય તો તું મને કહી શકે છે. પણ એક ચિંતિત પિતા તરીકે હું તને એટલી સલાહ આપું છું કે એકવાર તો શૈલને મળી લે પછી જ કોઈ નિર્ણય કર."

મોસમ ને એક મિનિટ માટે એમ થઈ ગયું કે આલય વિશે જણાવી દઉં પરંતુ એક વખત આલય સાથે વાત કરીને પછી કહું એમ વિચારી અને કેટીને કહે છે," ડેડ આ વાતને અહીં જ અટકાવીએ. શૈલ આવે તેને હું મળી લઉં પછી તમને આ વિશે મારો અભિપ્રાય આપુ.

કેટી કહે છે," જેવી તારી ઈચ્છા હું રાહ જોઇશ."

મૌસમે હસતા હસતા કહ્યું અને આજે કોલેજ મારી રાહ જુએ છે ડેડ હું નીકળું?"

અને કેટી ઉછળતી, કુદતી મૌસમને જતી જોઈ રહે છે અને તરત જ અતુલને ફોન લગાડે છે." હેલો અતુલ મેં આજે મૌસમના કાને વાત નાખી દીધી છે. શૈલ શું કહે છે આ બાબતમાં?"

કેટી નો ફ્રેન્ડ અતુલ કહે છે," મેં પણ શૈલને આપણી બીઝનેસ ડિલ અને મૌસમ વિશે વાત કરી છે. પરંતુ તે કોઈ પણ નિર્ણય મૌસમને મળ્યા વિના લેવા માંગતો નથી."

કેટી તરત જ કહે છે," અતુલ મને એવું લાગે છે કે આપણે આપણા છોકરાઓની વધારે પડતી ચિંતા કરીએ છીએ. તે બંનેનો સ્વભાવ તો સરખો જ લાગે છે અને મને એવું લાગે છે કે ચોક્કસ તેઓ એકબીજાને પસંદ કરી લેશે."

અતુલ પણ ખુશ થઈને કહે છે," જો આ મૈત્રી સંબંધમાં પરિણમી જાય તો મારી અડધી ચિંતા ઓછી થઇ જાય.
હું પણ હવે આ દેશથી કંટાળી ગયો છું .અને સમય જતાં મારો બધો જ બિઝનેસ તારા બિઝનેસ સાથે મર્જ કરી અને એમ જ ઈચ્છું છું કે છોકરાઓ પોતાની જીંદગી સલામત ભવિષ્યમાં જીવે."

કેટી અને અતુલ ફક્ત પોતાની રીતે વિચારે છે અને મોસમ એમ વિચારીને કોલેજ જાય છે કે આ વાત અત્યારે તો પતી ગઈ. એકવાર આલય સાથે વાત કરી લઉં પછી પપ્પાને મનાવી લઈશ.

આલય પણ આજે કોલેજના છેલ્લા દિવસે જાણે મોસમને મનભરીને માણવા માંગે છે. મૌસમના મનપસંદ બોટલ ગ્રીન ટી શર્ટમાં આલય ખૂબ જ સોહામણો લાગતો હતો. આલયને ખબર હતી કે આ રંગીન દિવસો હવે ફરી ક્યારે આવવાના નથી. અને સામે સુંદર ભવિષ્ય તો છે જ પરંતુ સ્થિર થવાની જવાબદારીને કારણે તે પૂરતો સમય મૌસમને આપી શકશે નહીં.

હંમેશાની જેમ ખુશનુમા લાગતી મૌસમનું એક હળવા આલિંગનથી આલય સ્વાગત કરે છે. આલયને એમ થાય છે કે બસ આ સમય થંભી જાય.

મૌસમ તેને અલગ કરતાં કહે છે," તું તો જાણે છેલ્લી વાર મને મળતો હોય તેમ ભેંટી રહ્યો છે."

આલય મૌસમને ખીજાતા કહે છે,"ખબરદાર મૌસમ જો આ છેલ્લી છેલ્લી વાર ને આવું બોલી તો."

મૌસમે પણ કહ્યું" અરે નહિ બોલું આજે તો મારે ઘણી બધી વાતો કરવાની છે."

આલય મૌસમને પ્રેમથી કહે છે ,"આજનો દિવસ મોસમ હું યાદગાર બનાવવા માંગુ છું ચાલ આજે તો આ મનગમતા વાતાવરણ ને મનભરીને માણી લઈએ."

દરિયો થયો આતુર
લઈ ભાવોની ભરતી.....

ચાતક ને સંગે સંગે
સ્નેહને સથવારે.....

ખડખડાટ અલબેલા સાજન નો
તરસ અલ્લડ અલબેલીની....

કાંઠા સુધી આવીને અટકે નજર
ત્યાં તો પાછળથી બોલાવે ખારાશ.....

આવીને છલકાવી જા નખશિખ કોઇ પણ સ્વરૂપે
શણગાર ચાલશે મૌસમનો.......

અને પોતાના ભવિષ્ય થી અજાણ આલય અને મોસમ એકબીજાના સંગાથમાં આજે નીકળી પડે છે એ વાતથી અજાણ કે તેમનું ભાવિ એક અલગ જ દિશામાં તેમને લઈ જઈ રહ્યું છે.

વાંચતા રહો પ્રેમની ક્ષિતિજ....

(ક્રમશ)