પ્રાયશ્ચિત પ્રકરણ 41
આજે રવિવાર હતો. રાકેશ વાઘેલા, દિપક તિવારી અને રણમલ જાડેજા દરબારગઢની એમની જાણીતી ચા ની રેકડી ઉપર આવી ગયા હતા. લખમણની રાહ જોવાતી હતી. દસેક મિનિટમાં લખમણ પણ બાઈક લઈને આવી ગયો.
લખમણ એટલે કે લખાને નીતાને મદદ કરનાર અને પોલીસ ફરિયાદ કરનાર માણસ કોણ હતો એ જાણવા માટે પટેલ કોલોનીમાં રેકી કરવાનું કામ સોંપ્યું હતું. અઠવાડિયામાં એણે રિપોર્ટ આપવાનો હતો. દર અઠવાડિયે આ લોકો ભેગા થતા હતા.
" બોલ લખા....શું સમાચાર લાવ્યો ? " લખો બાઈક પાર્ક કરે એ પહેલાં જ અધીરો રાકેશ બોલી ઉઠ્યો.
" અરે પણ એને બેસવા તો દે. આમ અધીરીનો શું કામ થાય છે ? ચા બા પીવડાવ એને. " રણમલ બોલ્યો અને રાકેશે ચાર કપ ચા નો ઓર્ડર આપ્યો.
" કેતન સાવલિયા નામ છે એનું. ૨૮ ૩૦ ની ઉંમરનો હશે. દેખાવે કોઈ પોલીસ ઇન્સ્પેક્ટર જેવો જ લાગે છે. આજુબાજુના લોકો એના ગુણગાન ગાવામાંથી જ ઊંચા નથી આવતા. કોઈ ખરાબ બોલતું નથી. સુરતથી આવેલો છે અને અહીંયા જ રહેવાનો છે. પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ પોતે એક વાર એના ઘરે જમવા પણ આવેલા. " લખાએ વિગતવાર માહિતી આપી.
" એ (ગાળ)... ગમે એવો ભડનો દીકરો હોય તોયે હું તો એને ભડાકે જ દઈશ " રાકેશ બોલ્યો. રાકેશ આ બધાનો લીડર હતો અને સૌથી વધુ ઝનૂની હતો. તે દિવસે સૌથી વધુ માર એણે જ ખાધો હતો.
" ઈ કામ એટલું સહેલું નથી રાકેશ. મને પોતાને પણ એના ઉપર ખુન્નસ છે. પણ એને જોયા પછી અને એના વિષે આટલું બધું સાંભળ્યા પછી એના ઉપર હુમલો કરી શકાય એમ નથી. બીજો કોઈ રસ્તો અપનાવવો પડશે. અથવા આ કામ બીજા કોઈને સોંપવું પડશે. સીધેસીધા આપણાથી પિક્ચરમાં નહીં અવાય. " લખાએ સ્પષ્ટ અભિપ્રાય આપ્યો.
" લખો સાચું કહે છે રાકેશ. આટલો બધો પહોંચેલો માણસ હોય એને ઉડાડી દેવો એટલું સહેલું કામ નથી. રેલો આપણા ઘર સુધી આવે જ. એક વાર તો માર ખાધો છે. " રણમલ બોલ્યો.
ચા આવી ગઈ એટલે બધાએ ચા પી લીધી. લખાને અને દીપકને પણ રણમલની વાત સાચી લાગી. આવેશમાં આવીને કોઈ પગલું ભરાઇ જાય અને જેલ ભેગા થઈ જવાય એવું કરવું નથી. કોઈ મોટો પ્લાન બનાવવો પડશે.
" જો રાકેશ મારી વાત માને તો આપણે આ લફરામાં પડવું નથી. કોઈ લોચો થઈ જાય તો જેલ ભેગા થઈ જઈએ. એના કરતાં હું પાપા ને વાત કરું છું. ફઝલુ કરીને રાજકોટમાં એક શાર્પ શૂટર છે. મોટું માથું છે. કોઈનું ખૂન કરવું એ એના ડાબા હાથનો ખેલ છે. પ્રોફેશનલ કીલર છે. પેટ ભરીને પૈસા લેશે. પાપાના કહેવાથી થોડા ઓછા કરી શકે. " દીપક તિવારી બોલ્યો. દીપકના પાપાનો વિલાયતી દારૂનો ધંધો હતો અને એ બુટલેગર હતો.
" બે લાખ સુધી તો મને વાંધો નથી. વધારે થાય તો મારે તારી પાસેથી જ ઉછીના લેવા પડે. " રાકેશે દીપકને કહ્યું.
" એ તો જોઈ લઈશું. પણ પહેલાં તો આપણે છૂપી રીતે એ માણસનો ફોટો પાડવો પડશે. એની પાસે ગાડી કે બાઈક હોય તો એનો નંબર પણ લઈ રાખવો પડશે. એ ક્યારે ક્યારે ઘરેથી બહાર જાય છે અને ક્યાં જાય છે એ બધો રિપોર્ટ લખા તારે લઇ આવવો પડશે. " દીપકે આખો પ્લાન સમજાવ્યો.
" એની પાસે નવી સિયાઝ ગાડી છે. એનો નંબર પણ મેં લઈ લીધો છે. રોજ સવારે છ વાગે જોગિંગ કરવા આનંદ ગાર્ડન માં ચાલતો જાય છે. હું કાચું કામ કરતો જ નથી. મોબાઈલથી ફોટો ખેંચવા માટે મારે કંઈક કરવું પડશે હવે. " લખો બોલ્યો.
" વાહ લખા વાહ... તું તો ડિટેક્ટિવ નીકળ્યો !! " રણમલ બોલી ઉઠ્યો.
" આપણે અત્યારે જ પાપાને મળી લઈએ અને બધી વાત કરીએ. " દીપક બોલ્યો.
" હા ચાલો એમ જ કરીએ. બધાએ આવવાની જરૂર નથી. લખા તું એક-બે દિવસમાં એનો ફોટો પાડીને મને વોટ્સએપ કરી દેજે. " રાકેશ બોલ્યો.
બંને જણા રામકિશન તિવારીના અડ્ડા ઉપર પહોંચી ગયા. બુટલેગર નો દારૂનો ધંધો સાંજ પછી શરૂ થતો હતો. એટલે દીપકે અત્યારનો ટાઈમ પસંદ કર્યો.
" પાપા તે દિવસે જે માણસના કારણે અમારા ચારેય ભાઈબંધો ઉપર પોલીસ તૂટી પડી હતી અને ટીવી ચેનલોમાં પણ અમને બદનામ કર્યા હતા એ માણસને અમે શોધી કાઢ્યો છે. કોઈપણ હિસાબે અમારે એને પતાવી દેવો છે. રાકેશ તો પોતે જ એને ભડાકે દેવાની વાત કરે છે પણ અમે એને રોક્યો છે. " દીપકે અડ્ડા ઉપર આવીને એના પાપા સાથે વાત શરૂ કરી.
" એ જીવતો રહેવો ના જોઈએ પાપા. મને પણ તે દિવસે પોલીસે બહુ માર્યો હતો. પરંતુ તમારી લાગવગથી હું બચી ગયેલો. પણ આ રાકેશે તો બહુ જ માર ખાધો છે. " દીપક બોલ્યો.
" એ છે કોણ ? એણે આટલી બધી હિંમત કેવી રીતે કરી ? " તિવારી બોલ્યા.
" નવો-નવો સુરત થી આવ્યો છે અંકલ. અહીં પટેલ કોલોની માં રહે છે. એવું પણ સાંભળ્યું છે કે પોલીસ સુપરિન્ટેન્ડેન્ટ એના ઘરે જમવા પણ ગયેલા. એટલે અમે એના ઉપર સીધો હુમલો કરી શકીએ એમ નથી. કોઈ બહારના ને જ સોપારી આપવી પડશે. " રાકેશ બોલ્યો.
" એની ગાડીનો નંબર અમારી પાસે છે. એનો ફોટો પણ લખો બે-ત્રણ દિવસમાં પાડીને અમને મોકલી દેશે. રોજ સવારે છ વાગે આનંદ ગાર્ડનમાં જોગિંગ કરવા જાય છે. બાકીના દિવસનો પ્રોગ્રામ લખો અમને જણાવશે. " રાકેશે વધુ વિગત આપી.
" પાપા રાજકોટના પેલા શાર્પ શૂટર ફઝલુ ને તો તમે ઓળખો જ છો. એના સિવાય બીજા કોઇનું કામ નહીં. તમે આ ડીલ કરી દો. પૈસા બને એટલા ઓછા કરાવજો. " દીપકે પાપાને વિનંતી કરી.
" જો દીપક આપણો વિલાયતી દારૂનો ધંધો બે નંબરનો છે. ભલે પોલીસને હપ્તા આપવા પડે છતાં આપણો ધંધો સારી રીતે ચાલે છે. પોલીસની કોઈ રંજાડ નથી. તારી બધી વાત સાચી હોવા છતાં મને કોઈનું મર્ડર કરાવવામાં કોઈ જ રસ નથી. ગમે તે કારણે જો એ પકડાઈ જાય તો પોલીસના મારથી ભલભલાની જબાન ખૂલી જતી હોય છે. એટલે મારું નામ આવ્યા વગર રહે નહીં. તમારામાં ગરમ લોહી છે પણ મારે શાંતિ થી જિંદગી જીવવી છે." તિવારીએ કહ્યું.
" પણ પાપા ફઝલુ શાર્પ શૂટર છે. આટલી મોટી રકમ લેતો હોય તો એ બધું કામ પ્લાનિંગથી જ કરતો હોય. મારું કે તમારું નામ ક્યારે પણ નહીં આવે. " દીપક બોલ્યો.
" મારો નિર્ણય ફાઈનલ છે. હું પોતે ફઝલુ ને આ ખૂન કરવાનું કામ સોંપવા માગતો નથી. રાકેશને એ કામ કરવું હોય તો હું એને રોકતો નથી. હું એડ્રેસ પણ આપીશ અને રાકેશ ત્યાં જઈને મારી સાથે વાત કરાવશે તો હું ભલામણ પણ કરીશ. છતાં મારા ફોનથી હું વાત નહીં કરું. ચોખ્ખું કહી દઈશ કે આ કેસ મારો નથી. કંઈ પણ થાય તો સંપૂર્ણ જવાબદારી રાકેશની જ રહેશે. " તિવારીએ કડક શબ્દોમાં કહ્યું.
રાકેશ અને દીપક એકબીજાની સામે જોઇ રહ્યા. શું કરવું એ સમજાતું ન હતું.
" રાકેશ પાપા એમની જગ્યાએ સાચા છે. આ ઉંમરે હવે આ મર્ડર કેસના લફરામાં એ પડવા ના માગતા હોય તો આપણે દબાણ ન કરી શકીએ. પાપા મદદ કરવા તૈયાર છે. તારે ખરેખર જ એનું મર્ડર કરવું હોય તો તું રાજકોટ જઈને ફઝલુને મળી શકે છે. " દીપકે કહ્યું.
" અને કોઈ ઉતાવળ નથી. થોડા દિવસ હજુ વિચારી લે. કેતનનો ફોટો પણ આવવાનો બાકી છે. ગાડી લઈને એ ક્યાં ક્યાં જાય છે એ બધી વિગતો પણ આવવા દે પછી નિર્ણય લે. " દીપકે સમજાવ્યું.
" ગમે તે થાય. હું એને છોડીશ નહીં. હું બધી જવાબદારી મારા માથે લઈશ પણ એને જીવતો નહીં રહેવા દઉં. નીતાને પણ બતાવી દઈશ કે એણે કોની સાથે વેર બાંધ્યું છે ! બસ તું મારા માટે પૈસાની વ્યવસ્થા કરી દે. બે લાખ જેટલા તો મારી પાસે છે. હવે આ પાર કે પેલે પાર." રાકેશ ઝનૂન માં આવી ગયો.
****************************
હોસ્પિટલનું રિનોવેશનનું કામ ઝડપથી ચાલતું હતું. જગદીશભાઈ ને અને સિદ્ધાર્થને હોસ્પિટલ ખૂબ જ ગમી ગઈ. લોકેશન ખરેખર સરસ હતું અને પાર્કિંગની પણ પૂરી સુવિધા હતી.
વિવેક સુપરવાઇઝર તરીકે ત્યાં હાજર જ હતો. કેતન શેઠ આવ્યા એટલે સાવધાન થઈ ગયો. એણે ત્રણે માળ ફરીને આર્કિટેકની નવી ડિઝાઈન પ્રમાણે બધું સમજાવ્યું. દરેક ફ્લોર ઉપર મજૂરો કામ કરી રહ્યા હતા.
હોસ્પિટલની બહાર એક ટ્રકમાંથી માર્બલ અને ગ્રેનાઇટ ઉતરી રહ્યા હતા. બીજી તરફ સિમેન્ટની થેલીઓ ગોઠવેલી હતી.
જગદીશભાઈ એ સંતોષ વ્યક્ત કર્યો. ભલે નાની હોસ્પિટલ લીધી પરંતુ છે બહુ સરસ. જે સેવા ત્યાં કરવી છે એ જ સેવા અહીં પણ કરી શકાશે.
" હોસ્પિટલ ચાલુ થઇ જશે પછી તને ઘડીની પણ નવરાશ નહી મળે કેતન. તેં પેલી મોટી હોસ્પિટલનો પ્રોજેક્ટ છોડી દીધો એ બહુ જ સારું કર્યું. માલિક અને ટ્રસ્ટી તરીકે તમારી ઘણી બધી જવાબદારીઓ હોય છે. ઈમરજન્સીના કેસોમાં બહુ જ ધ્યાન આપવું પડતું હોય છે. " જગદીશભાઈ કેતનને કહી રહ્યા હતા.
" અને સાંભળ એક સાથે ઘણા બધા પ્રોજેક્ટ હાથ ઉપર ના લેતો. હોસ્પિટલ ચાલુ થઈ જવા દે. છ-બાર મહિના એનું સંચાલન કરી જો. ટિફિન સેવા તો તેં ચાલુ કરી જ છે. દ્વારકામાં ધર્મશાળા લેવાનું હાલ પૂરતું પેન્ડિંગ રાખ. બધે એક સાથે ના પહોંચી વળાય. " જગદીશભાઈ બોલ્યા.
" જી પપ્પા. મારે કોઈ ઉતાવળ પણ નથી. " કેતન બોલ્યો.
" હા અને તારા લગ્ન થઈ જાય પછી જાનકીને પણ તારી સાથે જ રાખજે. તારી આ બધી પ્રવૃત્તિઓમાં એને પણ ભાગીદાર બનાવજે. છોકરી બહુ જ હોશિયાર છે. એને ઘરે બેસાડી રાખવાનો કોઈ મતલબ નથી. " જગદીશભાઈએ કહ્યું.
" પપ્પાની વાત સાચી છે કેતન. જાનકી તને બહુ જ મદદરૂપ બનશે અને તારા કામનો ભાર પણ ઓછો થશે." સિદ્ધાર્થ બોલ્યો.
જો કે કેતને પણ જાનકીને પોતાની સાથે જ રાખવાનો નિર્ણય ક્યારનોય લઇ લીધો હતો.
એને અચાનક યાદ આવ્યું એટલે એણે ગાડીમાં બેસતાં પહેલાં જયેશ ઝવેરીને ફોન કર્યો.
" જયેશભાઈ ક્યાં છો ? " કેતને પૂછ્યું.
" બસ આ માવજીભાઈના કારખાનેથી બહાર નીકળ્યો. પાંચ લાખનો ચેક એમને આપી દીધો. " જયેશ બોલ્યો.
" હવે સાંભળો. આપણી ઓફિસની જે ડિઝાઇન બનાવો એમાં મારી ચેમ્બર થોડીક મોટી બનાવજો. જાનકીને બેસવાની વ્યવસ્થા પણ એમાં કરવી પડશે. માવજીભાઈના આર્કિટેકને આ સૂચના તમે આપી દેજો. મને યાદ આવ્યું એટલે તમને ફોન કર્યો. " કેતન બોલ્યો.
" ભલે શેઠ હું અત્યારે જ કહી દઉં છું. " કહીને માવજીભાઈને મળવા જયેશ પાછો ફર્યો.
સાંજના સાત વાગી ગયા હતા. ઘરે જવા માટે ગાડી કેતને ઘર તરફ લીધી. કેતનને જામનગર ની ભૂગોળ આખી સમજાઈ ગઈ હતી. બધા રસ્તાનો ખ્યાલ આવી ગયો હતો એટલે ઘણીવાર ગાડી લઈને એ એકલો જ નીકળી પડતો.
" હોસ્પિટલ જોવામાં તો બહુ ટાઈમ લીધો તમે ? " ઘરે પહોંચ્યા એટલે જયાબેને પ્રશ્ન કર્યો.
" હા.. ટાઈમ તો લાગે જ ને ? ત્રણ માળની આવડી મોટી હોસ્પિટલ છે. દરેક માળ ઉપર ફરી ફરીને જોયું. બહુ સરસ હોસ્પિટલ બની રહી છે જયા !! " જગદીશભાઈએ કહ્યું.
" ચાલો સારું કર્યું. તમે હોસ્પિટલ પણ જોઈ લીધી. અમે બધાં હવે ઉદ્ઘાટનમાં ફરી આવશું. ચણતર કામ ચાલતું હોય એમાં જોવાની શું મજા ? ઇંટો સિમેન્ટ અને રેતીના ઢગલા પડયા હોય ! " જયાબેન બોલ્યાં અને સહુ હસી પડ્યાં.
" ઉદ્ઘાટનમાં તો તમારે બધાંએ ફરી આવવાનું જ છે ! ગમે તેમ તોય આ મારું પહેલું સાહસ છે !! " કેતન બોલી ઉઠ્યો.
કેતન આ વાત કરતો હતો ત્યારે જ ડોરબેલ વાગ્યો. કેતન દરવાજો ખોલીને બહાર ગયો. ગેટ પાસે કોઈ યુવાન મોબાઈલ ઉપર વાત કરતો હોય એવું લાગ્યું.
કેતન જેવો ગેટ પાસે ગયો એટલે તરત જ પેલા યુવાને પૂછ્યું.
" સાહેબ નીતાબેન મિસ્ત્રી અહીંયા રહે છે ? "
" ના ભાઈ અહીંથી ત્રીજો બંગલો એમનો. " કેતને જવાબ આપ્યો અને તરત પાછો વળી ગયો.
" થેન્ક્યુ સાહેબ. " કહીને લખાએ ચાલુ વિડિયો ઓફ કરી દીધો. અને મોબાઇલ ખિસ્સામાં મૂકયો.
જેવો કેતન ઘરમાં પ્રવેશી ગયો કે તરત જ એણે બાઇકને રાકેશના ઘર તરફ ભગાવી.
લખાએ ડોરબેલ વગાડ્યો ત્યારથી જ વિડીયો શુટીંગ ચાલુ કરી દીધું હતું. વાત કરવાના બહાને આડો ઊભો રહીને એણે કેમેરા કેતનના દરવાજા તરફ રાખ્યો હતો. જેથી કેતન દરવાજો ખોલીને ગેટ સુધી આવે ત્યાં સુધીનું ક્લીઅર શૂટિંગ થઇ જાય !!
પરંતુ લખાને ખબર ન હતી કે ત્રીજા બંગલાના વરંડામાં સૂકાવેલાં કપડાં લેવા માટે આવેલી નીતા મિસ્ત્રી એને જોઈ ગઈ હતી અને ઓળખી પણ ગઈ હતી !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)