J.K.ની હથેળીમાં લાખુ જોઇને મન્સુરને ચક્કર આવી ગયા હતાં અને જમીન પર અર્ધબેભાન અવસ્થામાં પડી ગયો હતો.
નીના ગુપ્તાએ પાણી મંગાવી એના મોઢા પર પાણીની છાલક મારી હતી ત્યારે તો એ ભાનમાં આવ્યો હતો. જ્યારે એ ભાનમાં આવ્યો ત્યારે એક હવાલદારે હાથ પકડી એને ખુરશીમાં બેસાડ્યો હતો અને હાથમાં ચાનો કપ આપ્યો હતો.
"તે જીવનમાં પહેલીવાર લાશ જોઇ એટલે બેભાન થયો કે પછી કંઇ બીજું કારણ છે?" નીના ગુપ્તાએ શંકાશીલ દૃષ્ટિથી મન્સુરને પૂછ્યું હતું.
મન્સુર થોડી મિનિટો સુધી નીના ગુપ્તાને બાઘાની જેમ જોતો રહ્યો હતો. એને એ સમજાતું ન હતું કે હવે શું બોલવું અને નીના ગુપ્તાને શું કહેવું?
મન્સુરની અવસ્થા કાપો તો લોહી ના નીકળે એવી થઇ ગઇ હતી.
"મેડમ, તમને ખબર છે કે આ મરનાર વ્યક્તિ કોણ છે?" મન્સુરે નીના ગુપ્તા સામે જોઇ પૂછ્યું હતું.
મન્સુરનો સવાલ સાંભળી નીના ગુપ્તાએ ચપટી મારી અને હવાલદારને રૂમમાંથી બહાર મોકલી દીધો હતો.
"હા, મને ખબર છે, J.K.નો ડુપ્લીકેટ જુગલ કિશોર પંડિત છે." નીના ગુપ્તાએ કહ્યું હતું.
"મેડમ, તમારાથી બહુ મોટી ભૂલ થઇ ગઇ છે. આ માણસ J.K.નો ડુપ્લીકેટ નથી એ ખુદ જબ્બાર ખાન ઉર્ફે ઓરીજીનલ J.K. છે, પણ મને એ સમજાતું નથી કે J.K. સાહેબ મોરેશીયસ હતાં તો અહીંયા કેવી રીતે આવ્યા?" મન્સુરે પોતાના મનમાં ઊભો થયેલો પ્રશ્ન અને લાશની અસલીયત નીના ગુપ્તાને જણાવી હતી.
મન્સુરની વાત સાંભળી નીના ગુપ્તા થોડીક ક્ષણો માટે અંદરથી હલી ગઇ હતી. એને એ સમજાતું ન હતું કે જો ઓરીજીનલ J.K.એ મને દસ કરોડ ટ્રાન્સફર કર્યા હોય અને જુગલ કિશોર પંડિતનું એન્કાઉન્ટર કરવાનું કીધું હોય તો ઓરીજીનલ J.K. તો અહીંયા કુન્નુરમાં આવે જ નહિ!
થોડી મિનિટો મગજમાં વિચારોના ઘોડા દોડાવ્યા પછી નીના ગુપ્તાને સમજાઇ ગયું કે એણે જેની જોડે વાત કરી હતી એ ડુપ્લીકેટ J.K. હતો અને એણે દસ કરોડ રૂપિયા મને ટ્રાન્સફર કરી મારી પાસે ઓરીજીનલ J.K.નું એન્કાઉન્ટર કરાવ્યું હતું.
"જે વાત તે મને કીધી છે એ વાત તું મારી અને તારી વચ્ચે જ રાખજે. ભૂલથી પણ બીજા કોઇની જોડે આ વાતની ચર્ચા ના થાય એનું તું ધ્યાન રાખજે. તને હું કોર્ટમાં સરકારી ગવાહ તરીકે હાજર કરીશ અને તરત જ તને જામીન અપાવી દઇશ એટલે તારે જેલમાં રહેવું પડશે નહિ." નીના ગુપ્તાએ પોતાના બચાવ માટે મન્સુરને સમજાવતા કહ્યું હતું.
અદિતીએ રાત્રે સંગ્રામ અને દીનુ બંન્નેને ફોન કરી પોતાના ઘરે બોલાવ્યા હતાં. બંન્ને પંદર મિનિટથી સોફા પર આવીને બેસી ગયા હતાં પરંતુ અદિતી બેઠકખંડમાં આંટા મારી રહી હતી અને કશુંક વિચારી રહી હતી.
"મેડમ, તમે શું વિચારી રહ્યા છો એ અમને પણ જણાવો જેથી અમે પણ વિચારીએ. મેં પણ હવે મગજ દોડાવવાનું થોડું થોડું ચાલુ કર્યું છે. બની શકે કે જે તમને ના સૂઝે એ અમને સૂઝે." દીનુએ હસતાં હસતાં અદિતીને કહ્યું હતું.
અદિતી સોફા પર બેસી ગઇ હતી.
"સૌથી પહેલો અને મહત્ત્વનો પ્રશ્ન કે પહેલા વાત એવી હતી કે J.K.એ પોતાનું નામ બદલીને જુગલ કિશોર પંડિત રાખ્યું છે અને ઇવાના રઝોસ્કીના કહેવા પ્રમાણે કુન્નુરમાં આજે જેની હત્યા થઇ છે એ ઓરીજીનલ J.K. નથી પરંતુ ડુપ્લીકેટ J.K. છે અને ઓરીજીનલ J.K.એ પોતે ફોન કરીને આ વાત ઇવાના રઝોસ્કીને જણાવી છે. હવે આ બાબતનું સત્ય મરનાર J.K. જ છે કે પછી બીજું કોઇ છે? અને ઇવાનાને જેણે ફોન કર્યો એ J.K. જ છે કે પછી J.K.ના બદલે એના કોઇ માણસે ફોન કર્યો છે? આ બધાં સવાલો મારા મનમાં ઘેરી વળ્યા છે." અદિતીએ બંન્ને સામે જોઇ કહ્યું હતું.
"મરનાર J.K. છે કે નથી એ એની લાશ જોઇને હું તરત કહી શકું. માટે તમારા એક સવાલનું સમાધાન તો તરત થઇ જાય અને બીજો સવાલ કે મરનાર ઓરીજીલન J.K. છે કે ડુપ્લીકેટ J.K. છે? એ સવાલમાં પણ મરનાર જો ઓરીજીનલ J.K. હશે તો એના હાથની નિશાની મને ખબર છે. જેના ઉપરથી હું એને ઓળખી શકીશ. બાકી વાત રહી J.K.ના હમસકલની તો એ છે કે નથી એની શોધ આપણે કરવી પડશે. પણ સૌથી પહેલા J.K.ના મોતના સમાચાર સાચા છે કે નહિ એ એની લાશ ઉપરથી આપણે જાણી શકીશું." સંગ્રામે અદિતીના પ્રશ્નનો ઉકેલ આપતા કહ્યું હતું.
"અરે ભાઇ, લાશ મુર્દાઘરમાં રાખેલી હશે ને પોલીસ પરમીશન વગર લાશ જોવા નહિ મળે. આપણે મીથીલેસ શર્માને ફોન કરી મરનાર વ્યક્તિની લાશ આપણને બતાવે અને એના માટે જે કંઇપણ રસ્તો કરવો પડે એ કરે એવું એને કહેવું પડશે." દીનુએ કહ્યું હતું.
અદિતીએ દીનુને મીથીલેસ સાથે ફોન ઉપર વાત કરી સંગ્રામ J.K.ની લાશને જોવા માટે શું કરવું પડશે એ માટે ફોન કરવા કહ્યું હતું.
દીનુએ મીથીલેસને ફોન જોડ્યો હતો અને J.K.ની લાશ જોવા માટે કહ્યું હતું.
"અરે દીનુભાઇ, તમે તો યાર તાજમહેલ કે કુતુબમિનાર જોવાનો હોય એટલી સરળતાથી વાત કરો છો. આ ડ્રગ માફીયાની લાશ છે અને મારી વાઘણ ઓફીસર એક કાગળ પણ આમથી તેમ થવા દેતી નથી. મુર્દાઘરમાં ચોકી માટે એણે પોતાના બે ખાસ હવાલદારોને ડ્યુટી ઉપર રાખ્યા છે. આમ કરવા જઇશું તો મારી નોકરી જશે." મીથીલેસ દીનુને કહી રહ્યો હતો.
દીનુનો ફોન સ્પીકર પર હતો એટલે અદિતી અને સંગ્રામ બંન્ને સાંભળી રહ્યા હતાં. અદિતીએ દીનુના હાથમાંથી ફોન લઇ લીધો.
"મીથીલેસ, તને મહિને પચાસ હજાર રૂપિયા આવા ઇમરજન્સી કામ માટે જ હું આપું છું અને J.K.ની લાશ મારો માણસ જોઇ શકે એની વ્યવસ્થા તારે કરવી પડશે એના માટે હું તને રૂપિયા એક લાખ આપીશ." અદિતીએ મીથીલેસને કહ્યું હતું.
ફોનમાં મીથીલેસ થોડીવાર સુધી કશું બોલ્યો નહિ. પછી એણે "હા હું કંઇક વ્યવસ્થા કરું છું." એટલું કહી ફોન મુક્યો હતો.
બરાબર રાત્રે બાર વાગે મીથીલેસ શર્માનો ફોન દીનુ પર આવ્યો હતો. દીનુ સંગ્રામને લઇ મુર્દાઘર પહોંચ્યો હતો. મીથીલેસે બંન્ને હવાલદારોને વિશ્વાસમાં રાખી અને તેમને થોડા રૂપિયા આપી સંગ્રામને અંદર J.K.ની લાશ જોવા મોકલ્યો હતો. દસ મિનિટમાં સંગ્રામ અંદરથી બહાર આવ્યો હતો અને એણે અદિતીને ફોન જોડ્યો હતો.
અદિતી પણ સંગ્રામના જવાબની રાહ જોઇને બેઠી હતી અને એટલે જ એણે પહેલી જ રીંગમાં સંગ્રામનો ફોન ઉઠાવી લીધો હતો.
"આ ઓરીજીનલ J.K. જ છે. આ વ્યક્તિ જુગલ કિશોર પંડિત એટલેકે ડુપ્લીકેટ J.K. ચોક્કસ નથી. મેં વર્ષો J.K. જોડે કામ કર્યું છે. એના જમણા હાથની હથેળી ઉપર એક લાખાનું નિશાન હતું અને ગળા ઉપર જમણી બાજુ ચપ્પુ વાગ્યુ હતું એનું નિશાન હતું. આ બંન્ને નિશાનીઓ ઉપરથી સાબિત થાય છે કે જબ્બાર ખાન ઉર્ફે ઓરીજીનલ J.K. આ દુનિયામાં રહ્યો નથી." સંગ્રામે ફોન મુકતા કહ્યું હતું.
સંગ્રામનો ફોન મુકી અદિતીએ બીજા કોઇ વ્યક્તિને ફોન જોડ્યો હતો અને લગભગ એક કલાક સુધી ફોનમાં વાત કરી હતી. અદિતીએ એક કલાક સુધી કોઇ બીજી વ્યક્તિ સાથે ફોનમાં વાત કરી હતી એની માહિતી રામદીને દીનુને બીજા દિવસે સવારે આપી હતી.
બીજા દિવસે અદિતી નિયત સમય કરતા થોડી વહેલી ફેક્ટરી પહોંચી ગઇ હતી. અદિતી ફેક્ટરીમાં પહોંચી બરાબર એ સમયે અદિતીનો મોબાઇલ રણક્યો હતો. અદિતીએ ફોનની સ્ક્રીન ઉપર નજર નાંખી તો એના પર J.K. લખાઇને આવ્યું હતું. અદિતીએ તરત ફોન ઉપાડી લીધો હતો.
"અદિતી મને ખબર છે કે કાલથી તું ખૂબ પરેશાન છે. અસલી અને નકલી વચ્ચે તું ગુંચવાઇ ગઇ છે, પરંતુ પોલીસની ગોળીથી જે વ્યક્તિ મૃત્યુ પામ્યો છે એ ઓરીજીનલ J.K. છે કે ડુપ્લીકેટ J.K. છે તારે એમાં પડવાની જરૂર નથી. અસલી નકલીમાં પડ્યા વગર તું અત્યાર સુધી J.K.ને જેટલી પણ વાર મળી છે એટલેકે મને જ મળી છે. જેમકે પહેલી વખત દીનુ સાથે મને મળવા તું મારા બંગલા પર આવી હતી અને અફીમનો ધંધો તે ફરીવાર મારી જોડે જ શરૂ કર્યો હતો. ઇવાના રઝોસ્કી સાથે આપણે કુન્નુર પેલેસમાં આપણે મુલાકાત કરી હતી. ડ્રગ્સના ધંધાનું ડીલ મારી, તારી અને ઇવાના વચ્ચે થયું છે. માટે પોલીસ અને સરકારી ગવાહ બનેલો મન્સુર કંઇપણ કહે તો એ વાત સાથે તારે કોઇ લેવાદેવા નથી. તારે તો માત્ર એટલું જ યાદ રાખવાનું છે કે તારી, મારી અને ઇવાના વચ્ચે થયેલી ડીલ બરાબર ચાલવી જોઇએ. તું તારા ધંધા પર ધ્યાન રાખ. મારા વિશે વધુ ઊંડી તપાસ કરવાના બદલે આપણા ધંધાની ડીલ બરાબર ચાલે એ જોવાનું તારું કામ છે અને એ જ કર." આટલું બોલી J.K.એ ફોન મુકી દીધો હતો.
અદિતીએ J.K. સાથે થયેલી આ વાતચીતનો ઓડીયો રેકોર્ડ સંગ્રામ અને દીનુને મોકલી દીધો હતો અને હવે આ બાબતમાં આપણે વધારે ચર્ચા નહિ કરીએ એની સ્પષ્ટતા પણ દીનુ અને સંગ્રામને કરી દીધી હતી.
અદિતીએ કેબીનમાં જઇ અને અસલી-નકલી J.K.ના વિચારોમાંથી બહાર આવી એના ફોન ઉપર આવનાર અજાણ્યા નંબર તરફ એનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું અને અજાણ્યો ફોન અદિતીએ ઉપાડી લીધો હતો.
"હલો, અદિતી બોલો છો? હું તમારું અને તમે જેને મળો છો એ વ્યક્તિનું રહસ્ય જાણું છું. જો તમે તમારી આ પોલ ખુલ્લી ના પડે એવું ઇચ્છતા હોય તો કાલે હું કહું એ જગ્યાએ મને બે લાખ રૂપિયા પહોંચાડી દેજો. નહિતર જો તમારી પોલ ખુલશે પછી જે પરિણામ આવશે એની જવાબદારી તમારી પોતાની રહેશે." આટલું બોલી એ અજાણી વ્યક્તિએ ફોન મુકી દીધો હતો.
અદિતીએ ફરીવાર એ નંબર પર ફોન કર્યો હતો પરંતુ એ નંબર સ્વીચઓફ આવતો હતો.
છેલ્લા બે વરસમાં પહેલીવાર અદિતી ગભરાઇ ગઇ હતી અને એના કપાળે પરસેવો વળી ગયો હતો.
"આ ફોન કરનાર વ્યક્તિ કોણ હશે?"
"હું જેને મળું છું એ વ્યક્તિ વિશે એ કઇ રીતે જાણતો હશે?"
"દીનુએ તો આ ફોન નહિ કરાવ્યો હોયને?"
આવા બધાં સવાલો અદિતીના મનમાં ઊભા થવા લાગ્યા હતાં.
અદિતીએ કોઇને ફોન કરી અને પોતાની નિયત જગ્યાએ મળવા માટે કહ્યું હતું પરંતુ ફોનના સામે છેડેથી પેલા વ્યક્તિએ અદિતીને જે કહ્યું એ સાંભળીને અદિતીનો ગુસ્સો સાતમા આસમાને જતો રહ્યો હતો અને એણે જોરથી પોતાનો ફોન ટેબલ પર પછાડ્યો હતો.
અદિતી ગુસ્સામાં ફોન જ્યારે પછાડી રહી હતી ત્યારે સંગ્રામ અને દીનુ દૂર ઊભા રહી અદિતીના આ વર્તનને જોઇ રહ્યા હતાં. અદિતી એટલી અકળાયેલી હતી કે એને એ વાતનું ધ્યાન ન રહ્યું કે એની કાચની કેબીનમાં દીનુ અને સંગ્રામ એના ગુસ્સાને જોઇ રહ્યા છે.
અદિતી કેબીનમાંથી ઊભી થઇ અને પોતાની ગાડી લઇ ફેક્ટરીમાંથી નીકળી ગઇ હતી.
"મને લાગે છે કે કોઇ વ્યક્તિ અદિતી મેડમને બ્લેકમેઇલ કરી રહી છે અથવા તો અદિતી પોતે કોઇ ચક્રવ્યૂહમાં ફસાઇ ગઇ છે અને એ ચક્રવ્યૂહમાંથી નીકળવાનો રસ્તો અદિતીને મળી રહ્યો નથી." સંગ્રામે દીનુ સામે જોઇ કહ્યું હતું.
"મેડમ આપણને કોઇપણ વાત ખુલીને કહેતા નથી. એ કોઇપણ ભૂલ કરશે તો એ ભૂલનો ભોગ આપણે બનીશું." દીનુએ સંગ્રામ સામે જોઇ કહ્યું હતું.
"દીનુ તું તો અદિતી મેડમ પાસેથી સાચી માહિતી જાણવા માટે તો આ બધાં ખેલ કરી રહ્યો નથીને?" સંગ્રામે દીનુ સામે જોઇ ગુસ્સાથી પૂછ્યું હતું.
"ના ભાઇ સંગ્રામ, મારે જે કંઇપણ કરવું હોય એ જાતે જ કરું અને હું એવું તો ના જ કરું કે જેનાથી અદિતી મેડમને કોઇ હાનિ થાય. મને એમની હરકતો અને વર્તન ઉપર અવિશ્વાસ છે પરંતુ મારી વફાદારી એમના માટે સંપૂર્ણપણે સાચી છે." દીનુએ સંગ્રામના ખભે હાથ મુકીને કહ્યું હતું.
દીનુની વાતમાં સંગ્રામને સચ્ચાઇ દેખાતી હતી.
( ક્રમશઃ.......)
(વાચક મિત્રો, કળિયુગની સ્ત્રી આ ધારાવાહિક આપને કેવી લાગી રહી છે એ આપના પ્રતિભાવથી જરૂર જણાવશો. જેથી આ વાર્તાને વધારે સારી રીતે હું વળાંક આપી આપના સુધી પહોંચાડી શકું. લિ.ૐગુરુ....)