#વઢિયાર"
"દાદા હો દીકરી,વાગડમાં ના દેજો રે સઇ!
વાગડની વઢિયારી સાસુ દોહયલી રે......."
*
"વઢિયાર" નો પ્રથમ અર્થ જાણી લઈએ.હારીજ થી માંડી રાધનપુર,સાંતલપુર,પાટડી,માંડલ,બહુચરાજી (ઉત્તર),ચાણસ્મા વગેરે ક્ષેત્ર એટલે વઢિયાર પ્રદેશ.મતલબ રાપર અને રણને અડીને આવેલો વાગડ પ્રદેશની લગોલગ આ વઢિયાર પ્રદેશ તરીકે ઓળખાય છે.પહેલાં આહીર કોમ આ ક્ષેત્રમાં ઘેટાં,બકરાં,ગાય,ઊંટ,ભેંસ કે અન્ય પશુઓને વિશાળ જગ્યા ચરાવવા માટે એવી જગ્યા રાખવામાં આવતી જેને આ પ્રદેશની લોકબોલી માં "વાંઢ" શબ્દ તરીકે પ્રચલિત છે.અને ખાસ કરી આહીર કોમની એક પેટા જાતી પણ "વાંઢ" તરીકે ઓળખાય છે.ખાસ આ જાતી પરથી આ પ્રદેશનું નામ અપભ્રશ થતાં કાળક્રમે આ પંથક "વઢિયાર" નામથી પ્રચલિત થયો હોવો જોઈએ.એવો પંથક છે કે જયાં રણ,પાણ અને ખાણ છે.મતલબ કે રણમાં મીઠું પાકે,એવા લાલ પત્થર છે જે મંદિર નિર્માણ માટે વપરાય છે.અને એવી ખાણ છે કે જયાં અવનવી વનસ્પતિ આયુર્વેદ અને વરસો સુધી અનાજ વગર જીવાડી શકે તેવી પાણીમાં ઉગતી વનસ્પતિ આ પ્રદેશમાં થાય છે.
પાટણ જિલ્લાના સમી આસપાસના વઢિયાર પંથકમાં પાણીમાં થતું ફળ ઝીતેલા લોકોમાં ખૂબજ જાણીતું છે.મોટાભાગના ગામોના તળાવ કે વાંઘામાં ભરાયેલ પાણીમાં આ ફળના વેલા પથરાયેલા જોવા મળે છે.અને આ ફળ લોકોને રોજગારી પણ પૂરી પાડે છે.વઢીયારની જમીન કાળીતર અને કઠણ હોઇ પાણીની શોષણ ક્ષમતા ઓછા પ્રમાણમાં હોય છે.જેને કારણે વરસાદી પાણી નીચાણવાળા વિસ્તારમાં લાંબો સમય સુધી ભરાઈ રહે છે.આવા પાણીમાં ઝીતેલાની વેલ ઉગી નીકળે છે.અને ફળનું મોટા પ્રમાણમાં ઉત્પાદન પણ થાય છે.આ પંથકનાં ગામ જેવાં કે સમશેરપુરા,નાયકા,દુદખા,બાસ્પા,ઉપલીયાસરા, અનવરપુરા,વેડ,જાખેલ,છાણીયાથરા,પેદાશપુરા, વરાણા, ગોચનાદ, રાધનપુર,મહેમદાવાદ સહિતના ગામોમાં કેટલાય લોકોને તેનાથી રોજગારી મળતી.આજથી ત્રીસ વર્ષ પહેલા વઢિયાર પંથકના ઝિતેલા ફળની બહાર રહેતા સંબંધીઓમાં માંગ રહેતી.ખેતરોમાં મજૂરો આ ફળ ખાઈને પણ દિવસ પસાર કરી લેતા.પરંતુ જેમ જેમ શહેરીકરણ અને અનિયમિત વરસાદ, સરસ્વતી, બનાસ રૂપેણ નદીનાં નીર આવતાં બંધ થતાં આ વિસ્તારમાં પાણી નો દુષ્કાળ થતાં આ વનસ્પતિ લુપ્ત થતી જાય છે.
મારા મામાનું સાંતલપુર તાલુકાનું ગામ દૈગામડા ના સરોવરમાં ઝીતેલાં સાથે "લોઢાં" (એક પાણીમાં થતી સિંગોડા જેવા પરંતુ કદમાં નાનાં ફળની પાણીમાં થતી વેલ) આ તળાવમાં વિપુલ પ્રમાણમાં થતાં. હવે તો આ સરોવરમાં પાણી બારેમાસ રહેતું નથી.
આવી અનેક વિવિધતા ભરેલો પ્રદેશ એટલે "વઢિયાર"
અહીં ની લૉકબોલી પણ અન્ય પ્રદેશની જેમ અલગ ઓળખાણ કરાવે છે.સ્ત્રીઓ ખાસ કરીને સાડલા અને કાપડાં પહેરે છે.પુરુષો ધોતી, અઢીવટો (ઓસાડ )અને માથે રંગીન પાઘડી, સફેદ કાપડનું ખમીસ (પહેરણ )પહેરે છે.
અહીં નો પ્રદેશ એટલે વિધવિધ ઉત્સવો અને મેળામાં માનતા બાધા આખડી તથા દેવી દેવતાઓમાં અતૂટ શ્રદ્ધા ધરાવતો બહોળો વર્ગ છે.
અહીં જુના નવાં તીર્થ આવેલાં છે. વરાણા માં ખોડિયાર,શંખેશ્વરમાં જૈન મંદિર,રણમાં વછછરાજ બેટ,ઝીંઝુવાડા,પાટડીમાં અનેક જગ્યાએ તીર્થ આવેલાં છે. લોટેશ્વર લોટેશ્વર મહાદેવ,આલુવાસમાં ચંડેશ્વર,ગોતરકા મહાવલી પીર,બહુચરાજી જેવાં તીર્થ માં હવેતો રહેવા જમવા સાથે ની સગવડ છે.
અહીંના ખેતી,પશુપાલન આધારિત રોજગારી મળે છે. ખેતીમાં મુખ્યત્વે બાજરી,જીરું,કપાસ, ઘઉં, દિવેલા,જુવાર અને ગુવાર,તુવર પાકો વવાય છે.
દરેક ગામને તાલુકા મથક સાથે જોડતા પાકા રસ્તા છે. સાથે અમદાવાદ અને પાલનપુર તરફ જતા નેશનલ હાઇવે પણ છે.
અહીં લગ્નો, શુભ પ્રસંગે વગાડાતું ઢોલ અને શરણાઈ છે. દરેક ગામડે નાના નાનાં ભક્ત મંડળ છે.અહીં હજુ પણ ગામડાઓમાં ભવાઈ વેશ ભજવાય છે.અહીંનું હથિયાર લાકડી,છરી,ધારિયું,ધોકો છે.અહીં ઉધોગ નથી. મોટા ભાગે નોકરી કરતા વર્ગ સિવાયના લોકો રોજગારી મેળવવા અમદાવાદ,સુરત, ગાંધીધામ કે કાઠીયાવાડ જાય છે. આકાશી ખેતી અને પશુપાલન પર હાલ આ પ્રદેશ નિર્ભર છે.નર્મદા કેનાલ હજુ ઘણા ગામડે પહોંચી નથી. દરેક ગામે પીવાના પાણી ની સમસ્યા છે.ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ 30% જેટલું છે.અહીં હારીજ, સમી, રાધનપુર,શંખેશ્વર,પાટડી,માંડલ, વારાહી જેવાં સ્થાનિક મહત્વનાં શહેર છે.
રાજકારણીની બેદરકારીથી હજુ આ પ્રદેશ આધુનિક કૉલેજ,સંશોધન,રોજગારી ક્ષેત્રે ખૂબ પછાત છે.
♥️"વરસે તો વ્હાલો વઢિયાર,ન વરસે તો તરસે વઢિયાર !
સુખે દાન દઈ દેનાર,દુઃખે જેમ તેમ જીવી લે વઢિયાર."♥️- વાત્ત્સલ્ય
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય )