કેલિફોર્નિયામાં આવેલા લોસ એન્જલસ શહેરની આ વાત છે. ડેવિડ અને સાયના બંને એક જ કંપનીમાં સાથે જ કામ કરતા હતા.
બંનેને વારંવાર એકબીજાની સાથે મળવાનું થતું અને મૈત્રી થઈ આ મૈત્રી ધીમે ધીમે પ્રેમમાં પરિણમી અને બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું.
લગ્નના એક વર્ષ બાદ સાયનાએ એક ખૂબજ સુંદર દીકરીને જન્મ આપ્યો.ડેવિડ અને સાયના દીકરીના આગમનથી ખૂબજ ખુશ હતાં.ડેવિડે તેનું નામ પ્રિન્સી પાડ્યું. બંને સાથે મળીને તેની ખૂબ પ્રેમ પૂર્વક પરવરીશ કરતાં. ચાહવા છતાં પણ સાયનાની કૂખે બીજું સંતાન જન્મ્યું નહીંં તેથી પ્રિન્સી એક જ તેમના માટે વ્હાલનો દરિયો બની રહી.
પ્રિન્સી દેખાવમાં ખૂબજ રૂપાળી અને ભણવામાં ધાર્યા કરતાં તેની ઉંમર કરતાં પણ વધારે હોંશિયાર નીકળી.
પ્રિન્સી હવે બાર વર્ષની થઈ ગઈ હતી. મમ્મી અને પપ્પા બંને કામ ઉપર જતાં રહેતાં એટલે પ્રિન્સી ઘરમાં એકલી પડી જતી હતી અને સ્કૂલમાં વેકેશન પડે ત્યારે તો તે ઘરમાં સાવ એકલી ખૂબજ કંટાળી જતી હતી.
આ વેકેશનમાં તેણે પોતાના મામાને ઘરે રહેવા જવાની ઈચ્છા બતાવી.
ડેવિડ અને સાયના તેને એકલી મોકલવા બાબતે થોડા કન્ફ્યુઝ હતાં પરંતુ પ્રિન્સી જીદ પકડીને બેઠી હતી કે,મારે મારા મામાને ઘરે જવું જ છે તેથી તેને એકલી મોકલવાનું નક્કી કરવામાં આવ્યું.
લોસ એન્જલસથી સવારની ફ્લાઇટમાં પ્રિન્સીને બેસાડી દેવામાં આવી અને સાંજે લગભગ પાંચ વાગ્યે તે ફ્લાઈટ ત્યાં લેન્ડ થાય એટલે તેને તેના મામા એરપોર્ટ ઉપર લેવા માટે આવી જવાનાં હતાં.
પરંતુ અચાનક રસ્તામાં ફ્લાઈટનો ગોઝારો અકસ્માત થયો ફ્લાઇટમાં મુસાફરી કરી રહેલા મોટા ભાગના માણસો જ્યાં અકસ્માત થયો ફ્લાઇટમાં ત્યાં ને ત્યાં જ મૃત્યુ પામ્યાં પરંતુ સદનસીબે પ્રિન્સી બચી ગઈ અને તે એક જંગલમાં ફેંકાઇ ગઇ હતી.
જે દિવસે સાંજે અકસ્માત થયો તેના બીજે દિવસે સવારે સૂર્યનાં કિરણો પ્રિન્સીના શરીર ઉપર પડ્યા અને તેને શરીર ઉપર ખૂબજ લાહ્ય બળવા લાગી ત્યારે તે ભાનમાં આવી અને ત્યારે તેને ફ્લાઈટનો અકસ્માત થયો હતો તે વાત યાદ આવી.
તેને ક્યાં ક્યાં વાગ્યું હતું તેની તેને પોતાને પણ ખબર ન હતી તેનાથી ઉભું પણ થવાતું ન હતું. પરાણે પરાણે તે સાચવીને ઉભી થઈ અને તેણે ચારેય તરફ નજર કરી તો ગાઢ જંગલ હતું કોઈ પણ માણસ તેની સાથે મુસાફરી કરતું તેને દેખાયું નહીં પોતે સાવ એકલી છે અને તે પણ જંગલમાં તે વિચાર માત્રથી જ તે ખૂબજ ડરી ગઈ હતી.
પરંતુ એક વખત તે નાની હતી ત્યારે તેના પપ્પાએ તેને એક મજાની વાર્તા સંભળાવી હતી તે વાર્તાને આધારે તેનાં પપ્પાએ તેને એક વાત શીખવી હતી કે ક્યાંય પણ ખોવાઈ જઈએ અથવા તો ફસાઈ જઈએ તો ત્યાં કોઈ નદી કે તળાવ શોધી કાઢવાનું, નદી કે તળાવને કિનારે કિનારે ચાલ્યા જવાનું ત્યાં તમને ચોક્કસ કોઈ માનવ વસાહત નજરે પડી જશે.
આ વાતને ધ્યાનમાં રાખીને પ્રિન્સીએ સૌ પ્રથમ તો નદી કે તળાવ શોધવાનું શરૂ કર્યું.
ધીમે ધીમે તે ચાલતી ચાલતી આગળ વધતી ગઈ તો તેને પણીનો ખળ ખળ વહેવાનો અવાજ સંભળાવા લાગ્યો તે થોડી વધુ આગળ ગઈ તો તેને પાણીનું એક સુંદર ઝરણું વહેતું નજરે પડ્યું તેને થોડી હાંશ થઈ.
સૌ પ્રથમ તો તેણે તે પાણીમાં પોતાના હાથ પગ અને મોં ધોયાં હવે તેને થોડું સારું લાગ્યું પછી તેણે પોતાના પપ્પાની વાત યાદ કરીને ઝરણાને કિનારે કિનારે ચાલવાનું શરૂ કર્યું.
ઘણુંબધું ચાલ્યા પછી તેને થોડે દૂર ઝુંપડપટ્ટી દેખાઈ તેને પોતાને બચવાની થોડી આશા બંધાઈ પરંતુ તે ખૂબજ થાકી ગઈ હતી છેલ્લા બે દિવસથી તેણે કશુંજ ખાધું પણ ન હતું અને હવે તેનામાં ચાલવાની શક્તિ પણ બિલકુલ રહી ન હતી પણ તે હિંમત કરીને ચાલીને માનવ વસાહત સુધી પહોંચી ગઈ.
એક ઝૂંપડીની બહાર એક ખાટલો ઢાળેલો હતો તેમાં તે ફસડાઈ પડી.
ઝુંપડીમાં એક કાકા અને કાકી રહેતા હતા તે પ્રિન્સીને જોઈને વિચારમાં પડી ગયા.
પ્રિન્સીએ પહેલા થોડું પીવાનું પાણી અને થોડું ખાવાનું માંગ્યું ત્યારબાદ તેણે પોતાની સાથે બનેલી ઘટનાનું વર્ણન કર્યું.
કાકા અને કાકીએ તેનાં પપ્પાને તેનાં સમાચાર પહોંચાડ્યા અને બીજે દિવસે સવારે પ્રિન્સીના મમ્મી-પપ્પા તેને આવીને લઈ ગયા. કાકા કાકીનો ખૂબ આભાર માન્યો અને પરમ કૃપાળુ પરમાત્માનો પણ ખૂબ ખૂબ આભાર માન્યો કે તેમને પોતાની એકની એક લાડકી દીકરી પ્રિન્સી હેમખેમ પાછી મળી હતી.
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ