માહોલને હળવો કરવાની શરૂઆત શાલુએ જ
કરી.
“ઓટો? બાંદ્રા?” રિક્ષા ઊભી રહી.
અંતરાએ પૂછ્યુ, “ માસી બાંદ્રા?”
“અંતરા, તું અને પર્લ અહીં સુઘી આવ્યાં
છો તો ચાલો બાંદ્રા એલ્કો માર્કેટ ફરી આવીએ. મારે ત્યાંથી થોડી શોપિંગ પણ કરવી છે.”
“ના, ના માસી, અત્યારે બાંદ્રા જઇશું
તો પાછા આવવામાં મોડું થઈ જશે. ઘરે બધા ફિકર કરશે.”
“ઓહ, કમ ઓન અંતરા... કોઇ ફિકર નહિ કરે.
માલિનીને હમણાં જ ફોન કરીને કહી દઉં છું કે આપણે બાંદ્રા જઈએ છીએ. અને વિનીતને કહી
દઈએ કે વળતાં બાંદ્રા ઊતરી જાય. તમને બંનેને લઈને ઘરે જાય.”
આટલું બોલતાંની સાથે જ શાલુમાસીએ
માલિનીને ફોન કરીને કહી દીધું કે, ‘અમે બાંદ્રા જઈએ છીએ.અને વળતાં વિનીત આ લોકોને
લઈને ઘરે આવશે... એટલે મોડું થશે. તું ફિકર ન કરતી.’ શાલુએ વિનીતને પણ ફોન કરી
દીધો.
રાત્રે અગિયાર વાગ્યે વિનીત, અંતરા અને
પર્લ ઘરે પહોંચ્યાં. માલિનીબેન જાગતાં જ હતાં. તેમણે દરવાજો ખોલ્યો કે તરત જ પર્લ
તેમને ભેટી પડી.
“દાદી, તમને ખબર છે, આજે અમે ક્યાં
ગયાં હતાં?” પર્લ એ ખૂબ જ એક્સાઈટેડ થઇને દાદીને પૂછ્યું.
“ના બેટા, મને કેવી રીતે ખબર હોય?
ક્યાં ગયાં હતાં તમે?
“દાદી, અમે ‘ઉમંગ‘ કરીને એક એનજીઓ છે
વિલે પાર્લેમાં, ત્યાં ગયા હતાં. ત્યાંના બધાં જ બાળકો ‘સેરેબ્રલ પાલ્સી' નો ભોગ બનેલાં
હતાં. દાદી, તમને સેરેબ્રલ પાલ્સી ખબર છે? સેરેબ્રલ પાલ્સી એક જાતનો રોગ છે, આ
રોગનો ભોગ બનનારાઓનું બ્રેઈન ડેવલપ ન થયું હોય. અને તેમનાં હાથ, પગ, આંખ, બધું જ એબનોર્મલ
હોય. શાલુદાદીએ ત્યાં બધાને ચોકલેટસ આપી. તમને ખબર છે દાદી, બધા છોકરાઓ ચોકલેટસ
જોઇને ખુશ થઇ ગયા!!” પર્લ એકીશ્વાસે બધું બોલી ગઈ.
કેટલા લાંબા સમયથી પર્લને આટલી ચપડ-
ચપડ બોલતાં સાંભળી નહોતી. તેને ખુશ જોઇને માલિની બેન પણ ખુશ થઈ ગયાં. મનોમન વિચારતાં
હતાં કે વિનીત પર આટલો પ્રેમ ક્યારેય નહોતો આવ્યો, જેટલો પર્લ પર આવી રહ્યો છે...
ખરેખર! મૂડી કરતાં વ્યાજ વધારે વ્હાલું હોય.
*** ***
***
શાલુ માસીની પર્લના જીવનમાં એન્ટ્રી
કોઈ સુપર હીરોથી ઓછી ન આંકી શકાય. ત્રણ
વીક પૂરાં થયાં એટલે શાલુમાસી તો પાછાં અમેરિકા ઊપડી ગયાં. પર્લની લાઇફ લાંબા હાઈ
વે પર દોઢસોની સ્પીડ પર સડસડાટ ભાગતી ગાડીની જેમ ફરી સ્મૂધલી દોડવા માંડી. કોઇ
સ્પીડબ્રેકર નહિ, કોઇ હર્ડલ્સ નહિ. દિવસો, મહિનાઓ, વર્ષો વીતતાં ગયાં.
*** ***
***
“મમ્મી, મમ્મી...” પર્લ જોરજોરથી બૂમો
પાડી રહી હતી. તેના અવાજથી ભૂતકાળમાંથી સરકીને અંતરા ફરી વર્તમાનમાં આવી.
“શું થયું તને? ક્યાં ખોવાઈ ગઈ હતી
તું?” પર્લે અંતરાને પૂછ્યું.
“કયાંય નહિ.” અંતરાએ ટુંકમાં જવાબ
આપ્યો. અંતરા ભૂતકાળને ખંખેરીને ફરી વર્તમાનમાં આવી એટલે તેને યાદ આવ્યું કે હાલ
તો તેણે પર્લને સંભાળવાની છે. પણ આ તો ઊલટું થઈ રહ્યું હતું! અંતરાને આવી
આઘાતજનક પરિસ્થિતિમાં પહેલાં ક્યારેય જોઇ
ન હોવાને કારણે પર્લ પોતે ડઘાઇ ગઇ હતી.. પોતાનું દુઃખ ભૂલીને મમ્મીને શું થયું
તેની ફીકર કરવા લાગી હતી.
અંતરા સફાળી બેઠી થઈ ગઇ. બેડ પરથી ઊઠતાં
પર્લને બોલી, “પર્લ, તું જરા પણ ફીકર ન કરતી. આપણે આનું કંઇક સોલ્યુશન કાઢીશું.”
“મમ્મી, તું કઈ પણ કહે, “મને છ આંગળીઓ
જોઇતી જ નથી. જેના લીધે મારે પ્રિયાંકને છોડવો પડે એવી બધી ચીજોને હું મારી જિંદગીમાંથી
કાઢી નાખીશ. મેં તેને જિંદગીભર સાથે રહેવાનું પ્રોમિસ આપ્યું છે, એ પ્રોમિસમાં
મારી છઠ્ઠી આંગળી વચ્ચે આવશે તો હું એને પણ મારી જિંદગીમાંથી કાઢી નાખીશ!!” પર્લ
પોતાની વાતમાં મક્કમ હતી.
“મેં તને કહ્યું ને કે આપણે એનું કોઇ
સોલ્યુશન કાઢીશું. બસ, હવે એ જ વાત પર ઘડી ઘડી ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી.” અંતરાએ
થોડા ઊંચા અવાજે પર્લને કહ્યું એટલે પર્લ ત્યાંથી હોલમાં જતી રહી.
પર્લ એમ. બી. એ. ની ડિગ્રી લીધા પછી
જોબ કરી રહી હતી. છેલ્લા એક વર્ષથી પર્લ અને પ્રિયાંક એકબીજાને ઓળખતાં
હતાં. એક જ ઓફિસમાં કામ કરતાં હોવાને લીધે પહેલા દોસ્તી હતી ધીરે ધીરે દોસ્તી પરિણયમાં તબદિલ થઈ ગઈ હતી.
માધવદાસ હવે નહોતા રહ્યા.. પાંચ વર્ષ પહેલાં હાર્ટએટેકથી તેમનું મૃત્યુ થયું હતું. માધવદાસના જવા પછી માલિનીબેન
ઘણાં ઢીલા પડી ગયાં હતાં, પણ વિનીત- અંતરાએ માલિનીબેનને ક્યારેય એકલતા સાલવા દીધી
નહોતી. તેમનું પૂરતું ધ્યાન રાખતા. પર્લ પણ દાદી સાથે લાગણીના તંતુઓથી જોડાયેલી
હતી એટલે માલિનીબેન ધીરે ધીરે ફરી સ્વસ્થ ઝિંદગી જીવવા લાગ્યાં હતાં. જોકે ઉંમર
પ્રમાણે જોશ હવે ઓછો થઈ ગયો હતો.
અંતરા પર હવે માલિનબેનની અને ઘરની
જવાબદારીઓ વધી ગઈ હતી. વિનીત પોતાના કામમાં એટલો જ વ્યસ્ત રહેતો. જોકે પહેલેથી જ
અંતરાએ ઘરની બધી જવાબદારીઓ ઉપાડી લીધી હોઈ, વિનીતને માંનું કે ઘરનું ખાસ ટેન્શન
થતું નહિ.
સાંજે અંતરા ફ્રી થઈ એટલે તેણે પર્લને
પોતાની પાસે બોલાવી.
“પર્લ, અહીં આવ તો બેટા... તારી સાથે
વાત કરવી છે.”
“શું મમ્મી?”
“મેં બપોરે તારા પપ્પા સાથે ફોન પર વાત
કરી હતી. શું તારે ખરેખર છઠ્ઠી આંગળી નથી રાખવી? તું તારી વાતમાં ફર્મ છે?” અંતરાએ
ગંભીરતાથી પૂછ્યું.
“જો પ્રિયાંક સાથે લગ્ન કરવામાં મને આ
છઠ્ઠી આંગળી આડે આવતી હોય તો મને એ નથી જોઇતી...” પર્લે પણ મક્કમતાપૂર્વક જવાબ
આપ્યો ત્યારે અંતરા થોડી ભાવુક થઈ ગઈ હતી. પર્લ જન્મી ત્યારથી તેની છ આંગળીઓને
લઈને હો-હા થઈ રહી છે. પહેલાં ફઈઓ તેને ઘરે આવવા દેવા, તેને અપનાવવા તૈયાર નહોતી...
ત્યાર બાદ સ્કૂલના છોકરાઓ દ્વારા પર્લને થયેલો માનસિક ત્રાસ... માંડ તેમાંથી બહાર
નીકળ્યા... થોડો રાહતનો શ્વાસ લીધો ત્યાં હવે ફરી તેના બોયફ્રેન્ડના પરિવાર જનોનો છ
આંગળીઓને લઈને વિરોધ...
અંતરાએ જ્યારથી પર્લને જન્મ આપ્યો છે
ત્યારથી જાણે જિંદગી સાથે ઝઝૂમી જ રહી
છે... પહેલાં માત્ર પોતે ઝઝૂમી રહી હતી... હવે પર્લ પણ ઝઝૂમે છે... અત્યાર સુધી
અંતરા મક્કમ હતી કે, છ આંગળીઓ છે તો શું થઈ ગયું? એ લોકો પણ નોર્મલ જિંદગી જીવી
શકે છે...
... પણ ધીરે ધીરે સમય અને ઉંમરની સાથે
સાથે છ આંગળીઓના વધતા જતા વિરોધને ખમવાની શક્તિ અંતરામાં ઓછી થતી જતી હતી. તેની
મક્કમતાની ગાંઠ ધીરે ધીરે ઢીલી પડવા માંડી હતી. કેટકેટલાં વર્ષો સુધી પોતે બધાને
જવાબ આપતી રહેશે?? કેટકેટલાં વર્ષો સુધી એ છ આંગળીઓ સામે ઢાલ બનીને ઊભી રહેશે? તોય
અંતરા લડી રહી હતી. એકલી, અટૂલી... પણ હવે જેના માટે લડી રહી હતી એ જ... એટલે કે
પર્લ પોતે છ આંગળીઓથી ત્રસ્ત હતી... હોય જ ને!! વારંવાર તેણે પણ છ આંગળીઓને કારણે
ઝઝૂમવું પડે છે... હજુ તો તેણે જિંદગીને માણી પણ નથી...એ પહેલાં જ જિંદગીના કડવા
ઘૂંટ કેટકેટલાં પીધા!! આ કડવા ઘૂંટ એના જીવનમાં કડવાશ ન ભરી દે!! મારી ફૂલ જેવી
દીકરી હજુ કેટલું સહન કરશે??
આ વિચારથી જ અંતરા ફફડી ઊઠી. તરત જ
તેણે પર્લને પૂછ્યું, “ તારે આ છઠ્ઠી આંગળીની સર્જરી કરાવી નાખવી છે? તો હું પપ્પા
સાથે વાત કરીને ડોક્ટરની તપાસ કરું.”
“હા” પર્લે ટૂંકો જવાબ આપ્યો.
ક્રમશઃ