મોહન અને મેમુ
આ એક હસતાં રમતા ગુજરાતી પરિવારની વાત છે . આ પરિવાર એટલે ચોક્સી પરિવાર . ચોક્સી પરિવારના મોભી એટલે શંકરદાસ એમના પત્ની જીવીબા . મોટો વ્યાપાર અને એકદમ સધ્ધર પરિવાર હવે શંકરદાસ શેઠ રીટાયર થયા હતા . વ્યાપાર મોહન જ સંભાળતો . મોહનની પાંત્રીસેક વરસની ઉંમર અને એની પત્નીનું નામ ઝંખના . આ પરિવાર ખૂબ સુખ રૂપે રહેતો હતો પરંતુ ઓચિંતા એક એવી ઘટના બની કે બધું જ બદલાઈ ગયું . આ પરિવારનું જીવન ડહોળાઈ ગયું .
ઘટના કંઈ એમ થઈ કે મોહન સહકુટુંબ મુંબઈ ફરવા ગયો . ચાર પાંચ દિવસ માટે હોટલમાં રૂમ બુક કર્યા . મુંબઈ ફરીને બધા સાંજે હોટલ પરત ફરે . એમાં મોહનને એના મિત્રને મળવા જવાનું થયું . બધા થાકેલા હતા તેથી મોહન એકલો જ ગયો અને પાછું ફરતા મોળું થઈ ગયું . હોટલ નજીકના જે સ્ટેશનની ટ્રેઈન મળી એમાં મોહન ચઢી ગયો . દરવાજા પાસેની સીટ પર બેસી મોહન મોબાઈલ વાપરી રહ્યો હતો એની સામે બેસેલા મવાલી જેવા લાગતા ચાર પાંચ લફંગાઓ એનો મોંઘો દાટ મોબાઈલ જોઈ રહ્યા . ધીમે ધીમે ભીડ ઓછી થઈ હવે ડબ્બામાં માત્ર મોહન અને પેલા લફંગાઓ હતા એમાંથી એકે મોહન સાથે વાત ચાલું કરી . મોહને બહું મન મોઢું ન આપ્યું પણ તેઓ મોહનને કંઈ ખવડાવવા માટે જીદ્દ કરી રહ્યા હતાં . મોહને ખતરો ઓળખી લેતાં કંઈ લેવાની ના પાડી પણ ત્યાં તો એના નાક પર પાછળથી કોઈનો હાથ આવ્યો રુમાલથી એનું નાક દબાઈ રહ્યું હતું . બે-પાંચ સેકંડમા તો મોહન લગભગ બેભાન જ થઈ ગયો હતો .
મોહન સવાર સુધી ટ્રેનમાં જ હતો . સવારે જ્યારે ધીમે ધીમે ભાન આવ્યું ત્યારે એને કશું જ યાદ ન્હોતું , ચક્કર આવતા હતા . લથડીયા ખાતા એ ધીમી પડેલી ટ્રેન માંથી ઉતરવા ગયો ને ધડામ કરીને અવાજ આવ્યો પ્લેટફોર્મ પર જ લોહીનુ ખાબોચિયું ભરાઈ ગયું . આ કોણ છે ક્યાંથી આવ્યો છે કોઈને ખબર ન્હોતી કોઈ ભલા માણસે એને હોસ્પિટલ સુધી પહોંચાડ્યો . બેભાન હાલતમાં પાંચ સાત દિવસ ગયા . મોહન બધું જ ભૂલી ગયેલો . ત્યાં પરિવારના સભ્યો એને શોધતા રહ્યા . મોહન કંઈ બોલતો ન્હોતો છેલ્લે એને એવી સંસ્થાના હવાલે કરાયો કે જે માનસિક દિવ્યાંગ અને લાવારીસ લોકોને સાચવતી હોય .મોહન માનસિક સંતુલન સંપૂર્ણપણે ગુમાવી ચુક્યો હતો એક રાત્રે એ ત્યાંથી પણ ભાગી ગયો . હવે એ અજાણ્યા શહેરમાં ગમે ત્યાં ફરતો કંઈ ખાવાનું મળે તો ખાઈ લે . ગમે તે બોલે . ગમે ત્યાં સુવે મોટા મોટા વાળ દાઢી ફાટેલા તુટેલા કપડાં હાથપગમાં કંઈક કંઈક લાગ્યું હોય તેની ઈજાઓ . કંઈ જ ખબર નહીં .
એવામાં એક દિવસ એને જોયું કે એક બકરીના બચ્ચા પાછળ કુતરા દોડે છે એ બકરીના બચ્ચાના પગ માંથી લોહી નીકળે છે . જે મોહનને કંઈ જ ભાન ન્હોતી પડતી એ મોહનને શું સુઝ્યું ? ખબર નહીં પણ એણે કુતરાઓને ભગાડીને એ બચ્ચાને બચાવી લીધું . એક ચિથરુ ફાડીને એ બચ્ચાના લોહી નીતરતા પગમાં બાંધી દીધું . એ બચ્ચું બચી ગયું અને મોહન સાથે ફરવા લાગ્યું . મોહન એની સાથે ગમે તે બોલતો અને બચ્ચું મેં-મેં કરતું . કોઈ ભાષા વગર આ બંન્નેનો સંવાદ થતો . મોહન આ બચ્ચાને લઈને ફરતો ત્યારે લોકોએ એને કહ્યું "અરે ઈસ મેમને કોઈ કસાઈ સે કટવા કર પકા લે યા ફીર કસાઈ સે પૈસે લે લે તેરેકો ખાના મીલેગા" આટલા સમયમાં જાણે પહેલી વાર મોહનના મગજમાં કોઈ સંદેશો ગયો ને એ કંઈ વિચારીને બોલ્યો "નહીં દુંગા..હમ નહીં મારતે" લોકોએ એને પાગલ કહી જવા દીધો . હવે મોહને પેલા બચ્ચાંને મેમુ કહેવાનું ચાલુ કરી દીધું . મોહન મેમુ મેમુ કરી ગમે તે બોલે અને મેમુ મેં મેં કરી એનો જવાબ આપે . પહેલા તો મોહનને ખાવાની કંઈ પડી ન્હોતી પણ હવે જે ખાવા મળતું મોહન અડધું પડધુ મેમુને આપી દેતો . પણ મેમુની મેં મેં કરતી મુંગી ભાષાથી એ સમજી જતો કે એ ભૂખ્યું છે . મેમુ એનાથી દુર પણ ન જતું . હવે એ ગાંડો મેમુ માટે ખાવાનું માંગતો થઈ ગયો . ધીરે ધીરે સમજથી કોઈએ આપેલા પૈસાથી મેમુ માટે ખાવાનું ખરીદતો થઈ ગયો . પૈસા માટે કોઈને પથ્થર પણ ઉંચકી દે , સામાન પણ ખટારામાં રખાવી દે . ભર વરસાદમાં પ્લાસ્ટિક , પતરા , લાકડા ભેગા કરી મેમુ માટે છત બનાવે . સાવ ગાંડો થયેલો માણસ એક મુંગા પ્રાણી માટે મહેનત કરતો ખાવા-પીવાની ગયેલી સમજણ ખવડાવવા પીવડાવવાથી પાછી આવી . લોકો આ ગાંડાનો એક મુંગા પ્રાણી પ્રત્યે લગાવ જોઈ રહ્યા મોહનનો વ્યવહાર પણ ઘણો સામાન્ય થવા લાગ્યો . લોકોને આ વાતમાં રસ પડવા લાગ્યો . લોકો મોહનના વિડીયો ઉતારી લેતાં નાની મોટી ચેનલો ના પત્રકારો આ વાર્તાને પ્રકાશિત કરવા લાગ્યા . મોહનના વાળ કપાવી , દાઢી કરાવી , નવડાવી ધોવડાવી એની સાથે વાત કરવાના પ્રયત્નો કરતાં અને મોહન એના મેમુને પકડીને જ રાખતો . ધીમે ધીમે વાત ટીવી ચેનલો , વર્તમાન પત્રો , મોબાઈલ બધે જ ફેલાઈ .
એક સવારે કોઈએ દોડીને આવી કહ્યું "શંકરદાસજી...શંકરદાસજી..આ તો આપણો મોહન છે.." પરિવારની ખુશીનો પાર ન રહ્યો . શંકરદાસ શેઠ મોહનને જેમ બંને તેમ જલ્દી ઘરે લઈ આવ્યા . મોટા હોસ્પિટલમાં નિષ્ણાંત ડોક્ટરો દ્વારા એની સારવાર થઈ . ન્યૂઝ ચેનલો , વિડીયો વગેરે જોનાર લાખો લોકો એના માટે પ્રાર્થના કરતાં અને ખરેખર એ પ્રાર્થનાઓ કામ આવી અને મોહન ફરી સામાન્ય થયો . આખો પરિવાર એને મળવા માટે આતુર હતો મોહન પણ તેઓને ઓળખવા લાગ્યો પણ મોહને પહેલો પ્રશ્ન પૂછ્યો "મેમુ ક્યાં છે..??" ને મેમુ મેં મેં કરતું દોડીને આવ્યું અને મોહનને ચોંટી ગયું . આ અલૌકિક સદભાવ જોનાર હરેકની આંખ ભીની હતી .