પ્રાયશ્ચિત પ્રકરણ-39
કેતનની વાત સાંભળીને પ્રતાપભાઈના મનમાં ગણતરીઓ ચાલુ થઈ ગઈ. ઓફિસ બંગલો અને ત્રણ માળની હોસ્પિટલનું ફર્નિચર જો બનાવવાનું હોય તો ૭૦ ૮૦ લાખ કે પછી એકાદ કરોડ આસપાસનું ફર્નિચર તો નાખી દેતાં બને. એમાંથી પાંચ દસ લાખ મારી ખાવામાં કોઈને કાંઈ ખબર ના પડે. મટીરીયલ આજે મોંઘું છે. સાગનો ભાવ આસમાને છે. ક્યાં કયું લાકડું વાપર્યું કોને ખબર પડવાની ?
અને કરોડપતિ કેતનને પાંચ દસ લાખમાં કશો ફરક પડવાનો નથી. મારે આજે ને આજે જ માવજીભાઈને મળવું પડશે. જયેશ સાથે કોઈ ભાવતાલ નક્કી થાય એ પહેલાં જ માવજીને પકડવો પડશે.
જમવાનો ટાઈમ થયો એટલે દમયંતીબેને
બધાંને ડાઇનિંગ ટેબલ ઉપર ગોઠવાઈ જવા કહ્યું. આઠ ખુરશીઓ હતી એટલે કેતનનો પરિવાર અને પ્રતાપભાઈ ત્યાં બેસી ગયા. મનસુખ માલવિયાને નીચે આસન પાથરી થાળી પીરસી.
જમવામાં આજે શિખંડ પુરી છોલે અળવીના પાનનાં પાતરાં અને કઢી ભાત હતા.
કેતન લોકો જમી રહ્યા પછી ઘરના તમામ બાકીના સભ્યો પણ જમવા બેસી ગયા. દક્ષાબેનને પણ જમવા માટે બેસાડી જ દીધા.
બધાએ જમી લીધું પછી ૧:૩૦ વાગ્યા આસપાસ સહુએ પ્રતાપભાઈની રજા લીધી. મનસુખે દક્ષાબેનને બધાની સાથે વાનમાં લઈ લીધા.
કેતનનો પરિવાર ગયો પછી તરત જ પ્રતાપભાઈએ માવજીભાઈ મિસ્ત્રીને ફોન લગાવ્યો.
" માવજીભાઈ.... પ્રતાપભાઈ વાઘાણી બોલું. તમે ક્યાં છો અત્યારે ? મારે અર્જન્ટ તમને મળવું છે "
" મારું સાત રસ્તા પાસે એક ફ્લેટમાં કામ ચાલે છે એટલે સાઈટ ઉપર છું. બોલોને સાહેબ !!"
" હા તો તમે ૩ વાગે તમારી બાજુમાં સુમેર કલબના ગેટ પાસે આવી જાવ. મારે માત્ર પાંચ મિનિટનું કામ છે. ગાડીમાં બેઠા બેઠા જ વાત કરશું. " પ્રતાપભાઈએ કહ્યું.
" ભલે સાહેબ. આવી જઈશ ત્યાં. "
અને ત્રણ વાગ્યાની આસપાસ પ્રતાપભાઈ સુમેર ક્લબ પહોંચી ગયા. ગેટ પાસે જ માવજીભાઈ ઉભા હતા. પ્રતાપભાઈએ ગાડી એમની બાજુમાં લીધી અને એમને આગળની સીટ ઉપર અંદર આવી જવા કહ્યું.
" જુઓ માવજીભાઈ આપણા સંબંધો ઘણા જૂના છે. દરેક વખતે તમને બે પૈસા કમાવાનો મોકો હું આપું જ છું. અત્યારે સુરતની ડાયમંડની એક મોટી પાર્ટીનું એકાદ કરોડનું ફર્નિચર બનાવવાનું કામ સંબંધના હિસાબે મને સોંપવામાં આવ્યું છે કારણ કે એ પાર્ટી જામનગરની અજાણી છે. " પ્રતાપભાઈએ વાત ચાલુ કરી.
" આટલો મોટો એકાદ કરોડનો ઓર્ડર મળતો હોય તો મારે તમને જ યાદ કરવા પડે. ફર્નિચરનું કામ કરવાવાળા જામનગરમાં તો ઘણા છે. એ તો પેપરમાં જાહેરાત આપવાનું વિચારતા હતા પરંતુ મેં એમને રોકી લીધા કે ફર્નિચરની જવાબદારી મારી. તમે ચિંતા છોડો. કારણ કે મારા મગજમાં તમારું નામ હતું માવજીભાઈ. " પ્રતાપભાઈએ શતરંજ રમવાની ચાલુ કરી.
" અહીંનો એક સ્થાનિક માણસ જયેશ ઝવેરી એમના મેનેજર તરીકે નોકરીએ લાગ્યો છે. મેં એને તમને મળવાનું કહ્યું છે. પાર્ટીનું નામ કેતન છે. એની ઓફિસ અને એના એરપોર્ટ રોડ ઉપરના બંગલાનું તમામ ફર્નિચર તમારે કરવાનું છે."
" એક મોટી હોસ્પિટલ પણ એમણે ખરીદી લીધી છે અને એમાં રીનોવેશન ચાલે છે. હોસ્પિટલના ત્રણ માળમાં કેબીનો ચેમ્બરો પાર્ટીશન અને બીજું ઘણું ફર્નિચર બનાવવાનું છે. આ બધું જ કામ તમારે જ કરવાનું છે. માલસામાન સાથે આંકડો કદાચ એકાદ કરોડ સુધી પણ પહોંચી જાય. પાર્ટીને પૈસાની કોઈ ચિંતા નથી. કામ અપટુડેટ બનવું જોઈએ. " પ્રતાપભાઈ બોલ્યા.
" મારા કામ ને તો તમે જાણો જ છો સાહેબ. તમે કહો એમ કરીએ. " માવજીભાઈ બોલ્યા.
" જયેશનો ફોન આવ્યો નથી ને હજુ ? "
" ના સાહેબ હજુ સુધી તો આવ્યો નથી." માવજીભાઈએ જવાબ આપ્યો.
" એનો ફોન લગભગ તો આજે સાંજ સુધી આવી જશે અથવા કાલે સવારે આવશે. તમે એ બધી જગ્યાઓ જોઈ લો. તમે જે પણ ભાવ કાઢો એમાં મારા ૧૦% તમારે ચડાવી દેવાના. બોલો થઈ શકશે ? નહી તો પછી બીજી એક પાર્ટી પણ મારા ધ્યાનમાં છે. " પ્રતાપભાઈ એ કહ્યું.
" હું તો તમને ઓળખું સાહેબ. હું જે પણ બિલ આપતો જાઉં કે રકમ કહેતો જાઉં એ ચૂકવવાની જવાબદારી તમારી. તો મને કોઈ વાંધો નથી. કારણકે એ પાર્ટી કાપકૂપ કરે અને રકમ ઓછી કરે તો પછી મારું કંઈ ન ચાલે. " માવજીભાઈએ સ્પષ્ટતા કરી.
" અરે એ ચિંતા તમે કરો મા. તમામ ફર્નિચર કરાવી આપવાની જવાબદારી મારી જ છે. જે રકમ તમે કહેશો એ રકમ તમને મળી જશે. બધાં બિલ તમારે મને જ આપવાનાં છે. હું એ પાસ કરાવી દઈશ. બોલો પછી ? " પ્રતાપભાઈ બોલ્યા.
" બસ તો પછી મારે કંઇ જ કહેવાનું રહેતું નથી. હું વચનથી બંધાઈ ગયો. "
માવજીભાઈ બોલ્યા.
" આ વાત આપણા બંનેની વચ્ચે જ રહેશે. તમે કે હું આજે મળ્યા જ નથી. " પ્રતાપભાઈએ કહ્યું.
" સમજી ગયો સાહેબ. રજા લઉં ? " કહીને માવજીભાઈ દરવાજો ખોલી ગાડીમાંથી નીચે ઉતર્યા.
ચાલો આજે બહુ મોટું કામ થઈ ગયું. તળાવમાંથી બે-ચાર ડોલ પાણી લઈ લઈશું તો તળાવને કોઈ ફરક પડવાનો નથી. પ્રતાપભાઈ આજે બહુ ખુશ હતા.
અને આજે સાંજે જ માવજીભાઈ મિસ્ત્રી ઉપર જયેશનો ફોન આવી ગયો.
" માવજીભાઈ તમે આજે મને ક્યાં મળશો ? ફર્નિચર નું મોટું કામ કરવાનું છે અને પ્રતાપભાઇ વાઘાણીએ મને તમારું નામ આપ્યું છે. " જયેશ ઝવેરી બોલ્યો.
" હું તો સાંજે પણ મળી શકું પરંતુ જ્યાં ફર્નિચર કરવાનું છે ત્યાં જો લાઈટ નહીં હોય તો જોવાની મજા નહીં આવે. એટલે આપણે કાલે સવારે જ મળીએ તો ? " માવજીભાઈ બોલ્યા
" મને વાંધો નથી. સવારે ૧૦ વાગ્યે તમે ઓફિસની સાઈટ ઉપર આવી જજો. તમારા આ નંબર ઉપર હું તમને કોમ્પલેક્ષ નું એડ્રેસ મેસેજ કરી દઉં છું. " જયેશ બોલ્યો.
" હા તો સવારે મળીએ. ૧૦ વાગે આવી જઈશ. " કહીને માવજીભાઈએ ફોન કટ કર્યો.
સવારે માવજીભાઈ મિસ્ત્રી બાઈક લઈને જયેશે આપેલા એડ્રેસ ઉપર પહોંચી ગયા. જયેશ કોમ્પ્લેક્ષની બહાર જ ઉભો હતો. માવજીભાઈને જોઈને તેને ખ્યાલ આવી ગયો કે આજ માવજીભાઈ લાગે છે.
" તમે માવજીભાઈ ને ? " જયેશે નજીક જઈને પૂછ્યું.
" હા. તમે જ જયેશભાઇ ને ? ચાલો આપણે ઓફિસ જોઈ લઈએ. અને કઈ રીતની ડિઝાઈન બનાવવી છે એ મને સમજાવી દો. " માવજીભાઈ બોલ્યા.
જયેશ એમને પહેલા માળે ઓફિસના ફ્લોર ઉપર લઈ ગયો. ટાઇલ્સનું કામ ચાલુ હતું.
" અત્યારે અહીંયા હજુ કામ ચાલુ છે. લગભગ દોઢ-બે મહિનામાં પજેશન મલશે. પરંતુ ત્યાં સુધીમાં ફોલ્ડિંગ ટાઈપનું મુવેબલ જે પણ ફર્નિચર બની શકતું હોય એ તમે બનાવવાનું ચાલુ કરી દો. એટલે ઓફિસ તૈયાર થાય એટલે અહિયાં લાવીને ફીટ કરવાનું જ બાકી રહે. રિસેપ્શન કાઉન્ટર, ટેબલો, નાના-મોટા ફાઈલિંગ કબાટ વગેરે તો તમે તમારી ફેક્ટરીમાં બનાવી શકો છો. રીવોલ્વીંગ ચેર તો તૈયાર મળે છે. ચેમ્બરો અને દરવાજાનું તમે માપ લઈ લો. અંદરની ચેમ્બરોમાં તો ગ્લાસ પેનલ લાગશે. " જયેશ બોલ્યો.
" ના એમ નહીં ભાઈ. આપણે વ્યવસ્થિત ઓફિસ બનાવવાની છે. મારા જાણીતા એક આર્કિટેક છે. તમે કહેતા હો તો હું એમને આજે ઓફિસ બતાવી દઉં. એ જે રીતે ડિઝાઇન કરી આપે એ પ્રમાણે પછી ફર્નિચર બને. તમે મને માત્ર એટલું જ કહો કે કેટલી ચેમ્બર બનાવવાની છે અને કેટલો સ્ટાફ બેસાડવાનો છે. પ્રાઇવેટ સેક્રેટરી કમ રિસેપ્શનિસ્ટની જગ્યા તો અહીં શરૂઆતમાં કોર્નર માં સારી રહેશે. " માવજીભાઈ બોલ્યા.
" હા તમે જેમ કહો એમ. મને કોઈ પ્રોબ્લેમ નથી. આ સાઉથવેસ્ટ જે કોર્નર છે ત્યાં કેતન શેઠની મુખ્ય ચેમ્બર રહેશે. એ થોડી મોટી બનશે. અને આ બાજુ મારી ચેમ્બર રહેશે. અત્યારે ચાર જણાનો સ્ટાફ છે. રિસેપ્શનિસ્ટ સાથે ભવિષ્યમાં આઠેક જણાનો સ્ટાફ ગણીને ચાલો. દરેકની પાસે કોમ્પ્યુટર હશે એટલે ટેબલ પણ એ રીતે બનાવજો. શેઠનું ટેબલ સૌથી મોટું હશે. " જયેશે સમજાવ્યું.
"હા બસ સમજી લીધું. આર્કિટેક્ટને હું એ રીતે સમજાવી દઈશ એટલે બે દિવસમાં મને ડ્રોઈંગ કરી આપશે. સનમાઈકાના કલર પણ આર્કિટેક્ટ નક્કી કરશે. એમની જે પણ ફી હશે એ હું તમને કહી દઈશ. "
" ફી ની કોઈ ચિંતા નથી. જેમ બને એમ વહેલું આ કામ તમે પૂરું કરો. કારણકે શેઠના બંગલે પણ કામ ચાલુ કરાવવાનું છે અને હોસ્પિટલમાં પણ ફર્નિચર બનાવવાનું છે. ત્યાં કંસ્ટ્રક્શનનું કામ પૂરું થઈ જાય એટલે કલર કામ કરાવીને ફર્નિચરનું કામ ચાલુ થશે." જયેશે કહ્યું.
" હવે માલ સામાન અને સાગનું લાકડું વગેરે લાવવા માટેના મને કાલે એડવાન્સ જોઈશે. પાંચેક લાખ મને કાલે તમે મોકલાવી દો. અથવા પ્રતાપભાઈને પહોંચાડી દો. " માવજીભાઈ બોલ્યા.
" હા પાંચ લાખનો ચેક તમને જ મળી જશે. તમારુ એડ્રેસ મને મેસેજ કરી દેજો. મારો માણસ આપી જશે. " જયેશ બોલ્યો.
નીચે ઉતરીને જયેશે કેતન શેઠને ફોન ઉપર બધો ફીડબેક આપી દીધો અને પાંચ લાખ એડવાન્સની પણ વાત કરી.
" હા વાંધો નહી જયેશ ભાઈ. પાંચ લાખનો ચેક મનસુખભાઈ સાથે મોકલાવી દઉં છું. મિસ્ત્રીએ આર્કિટેક્ટની વાત કરી એ સારુ સજેશન છે. કામ અપટુડેટ થવું જોઈએ બસ. " કેતન બોલ્યો.
" કોને પાંચ લાખનો ચેક આપવાની વાત કરે છે કેતન ? " કેતનની મોબાઈલ ઉપર પાંચ લાખની વાત સાંભળીને જગદીશભાઈએ પૂછ્યું.
" જયેશભાઈ સાથે વાત કરી પપ્પા. આપણી જે નવી ઓફીસ બની રહી છે એનું ફર્નિચરનું કામ કાલથી ચાલુ કરાવું છું. પ્રતાપ અંકલના જ કોઈ ઓળખીતા મિસ્ત્રી છે એમની પાસે જ ઓફિસનું મારા બંગલાનું અને આપણી નવી હોસ્પિટલનું તમામ ફર્નિચર બનાવવાનું જયેશભાઇને મેં કહ્યું છે. પ્રતાપ અંકલે ફર્નિચરની તમામ જવાબદારી લીધી છે. " કેતને જવાબ આપ્યો.
" જો તને એક વાત કહું. આ પ્રતાપભાઇ બહુ ભરોસો રાખવા જેવા માણસ નથી. ખંધા રાજકારણી છે. એમની વાતો ઉપર આંધળો વિશ્વાસ ના કરવો. એમના જેવો સ્વાર્થી મેં બીજો કોઈ જોયો નથી. હિસાબ કોડીનો અને બક્ષિસ લાખની. તમામ ફર્નિચરનો ખર્ચ લગભગ એકાદ કરોડ સુધી તો પહોંચી જ જશે. શું તું એમ માને છે કે પ્રતાપભાઈ આ બધી સેવા મફત કરવાના છે ? મિસ્ત્રી સાથે પણ એમની સાંઠગાંઠ હશે જ !! આટલું મોટું કામ કોઈ એક જ માણસના ભરોસે ના કરાય. " જગદીશભાઈ બોલ્યા.
" દાન તમે કરોડોનું કરો પરંતુ એક પણ રૂપિયો ખોટા હાથમાં ન જવો જોઈએ. દરેક વસ્તુનો હિસાબ લેવાનો. મિસ્ત્રી જે પણ બિલ મૂકે એ રકમ સાચી છે કે ખોટી તે તપાસ કરવાની. બધાં બિલ તારે તારા સી.એ. ને બતાવી દેવાનાં. એમને બધી જ ખબર હોય !! " જગદીશભાઈ બોલ્યા.
" જી પપ્પા." કેતન બોલ્યો.
" અને કદી પણ એકાદ કરોડ જેટલું મોટું કામ માલસામાન સાથે કદી નહીં સોંપી દેવાનું. કોઈ એક્સપર્ટ માણસ આપણી સાથે રાખવાનો જે બજારમાં સાગનું લાકડું અને ટીક વુડ કેટલા માં આવે છે એ બધી તપાસ કરે. ખરીદી બધી એ માણસને સોંપી દેવાની અને તમામ મટીરીયલ આપણે જ લાવી આપવાનું. મિસ્ત્રીને લેબર જે પણ લેવી હોય એ લઈ લે. બધી ઘાલમેલ આ માલ સામાનની ખરીદીમાં જ થતી હોય છે ! બધાનાં કમિશન એમાં આવી જતાં હોય છે. " જગદીશભાઈ પોતાના અનુભવથી બોલ્યા.
કેતનને પપ્પાની વાત સાચી લાગી. એને પણ લાગતું હતું કે પ્રતાપભાઈ વાઘાણી ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ના કરી શકાય. જયેશભાઈ સાથે આ બાબતમાં વાતચીત કરી લેવી પડશે અને કોઈ એક્સપર્ટ માણસને પણ ખરીદી માટે રોકવો પડશે.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)