પ્રેમ-નફરત
- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર
પ્રકરણ-૮
આરવને થયું કે તેની શંકા સાચી પડી રહી છે. રચના આવી ત્યારે 'સુપર ફાસ્ટ મોબાઇલ' કંપની પાસે જ ગઇ હતી અને જતાં પણ તેણે ત્યાં મુલાકાત લીધી છે. એની આંખો પરથી અભિપ્રાય બાંધી રહ્યો હતો પણ એના દિલમાં શું ચાલતું હશે એ જાણવું મુશ્કેલ છે. આરવ નકુલને કહીને ફોન કાપવા જતો હતો ત્યારે એણે નકુલનું 'હલો...હલો...' સાંભળ્યું અને અટકી ગયો:'હા બોલ નકુલ...'
'હું પાછો નહીં આવું...સર, હવે હું પૂરી તપાસ કરીને જ આવીશ. અધૂરી તપાસથી તમને ખોટી માહિતી મળે અને એ કારણે મારાથી એને અન્યાય થયો ગણાય.' નકુલ પોતાના કામમાં ચોક્કસ રહેતો હતો.
આરવને એ ન સમજાયું કે નકુલની વાતમાં તેના તરફની વફાદારી છે કે રચના પ્રત્યેની હમદર્દી. તેને નકુલ પર પૂરો વિશ્વાસ હતો એટલે જ એને ખાનગી રીતે મોકલ્યો હતો. તેને નકુલની વાત એક રીતે યોગ્ય લાગી રહી હતી. ઘણી વખત કોઇ વાતની સ્પષ્ટતા ના થાય કે ખુલાસો ના થાય તો એક તરફી વિચારને કારણે ગેરસમજ થવાનો ભય રહે છે. રચનાનો ઇરાદો હજુ પામી શકાયો નથી એટલે નકારાત્મક વિચાર કરવા ના જોઇએ. પહેલી વખત એ નવી હતી એટલે ભૂલથી 'સુપર ફાસ્ટ મોબાઇલ' કંપની પાસે ગઇ હોય એ માની લીધું હતું પણ ફરીથી ગઇ એ બાબત શંકા પ્રેરતી હતી.
નકુલ આરવના જવાબની રાહ જોતો હતો. તેને થયું કે આરવને તેણે વિચાર કરવા મજબૂર કરી દીધો છે. આરવને દ્વિધામાં જોઇ એણે પોતાની હેસિયતને યાદ કરી નમ્રતાથી પૂછ્યું:'સર, હું તપાસ પૂરી કરીને આવું તો વાંધો નથી ને?'
'હં...હા..હા...હવે આટલો સમય આપ્યો છે તો થોડો વધારે...પણ એ 'સુપર ફાસ્ટ મોબાઇલ' કંપનીની અંદર ગઇ હતી કે બહારથી જ કોઇને મળીને આવી ગઇ હતી?'
'સર, એણે કંપનીના ગેટ પર સિક્યુરીટી ગાર્ડ સાથે કંઇક વાત કરી હતી. પછી સહેજ ઊભી રહીને નીકળી ગઇ હતી. એ પછી તે પોતાના અંગત કામ પતાવવા અને ખરીદી માટે ફરી રહી છે. એ ઘરે પહોંચે એટલે એણે આપેલા સરનામાની ખાતરી થઇ જતાં મારી તપાસ પૂરી થશે. મારા ખ્યાલથી એ ઘરે પહોચવામાં જ હશે...એ રીક્ષા શોધી રહી છે...'
'ઠીક છે. તું તપાસ પૂરી કરીને આવી શકે છે. અને આવતીકાલે રૂબરૂમાં જ તારો અહેવાલ મને આપજે. હું ઘરે જવા નીકળી જઇશ...' આરવે કંઇક વિચારીને કહ્યું.
'હા સર...' કહી નકુલે ફોન કાપી નાખ્યો.
આરવના મનમાંથી રચના ખસતી ન હતી. એને થયું કે પોતે એને દિલ દઇ બેઠો નથી પરંતુ કદાચ પસંદ કરવા લાગ્યો છે. રચના તેની દરેક મુલાકાતથી પ્રભાવિત કરી ગઇ છે. તેની વાતોથી હોંશિયાર લાગી છે. મારે સાવધાન તો રહેવું જ પડશે. આજકાલ હનીટ્રેપ બહુ અજમાવાય છે. 'સુપર ફાસ્ટ મોબાઇલ' કંપનીવાળાની આ કોઇ ચાલ તો નહીં હોય ને? રચના એમનું મહોરું બની હશે તો?
આરવને થયું કે જો એના પર શંકા હોય તો પસંદ કરેલા ઉમેદવારોની યાદીમાંથી એનું નામ કાઢી નાખવું જોઇએ. આમ પણ એણે એકલાએ આઇ.ટી. ની જગ્યા માટે ઉમેદવાર પસંદ કરવાનો નથી. આજે તેને ફક્ત ઇન્ટરવ્યુ લેવાનું કામ સોંપવામાં આવ્યું હતું. પપ્પા અને ભાઇઓ એના પર નિર્ણય લેવામાં સામેલ હશે. પોતે અંગત રીતે રચનાને પસંદ કરવા લાગ્યો છે એવી કોઇ જાણ કે ભલામણ એમને કરવાની જરૂર નથી. પછી કોઇ અજબ લાગણીથી થયું કે રચનાનું નામ રાખી મૂકું છું. જો એને પસંદ કરે તો વધુ એક ઇન્ટરવ્યુ અને તપાસ બાદ રાખવાનું જણાવીશ.
આરવે પોતે પસંદ કરેલા કેટલાક ઉમેદવારોની યાદી તૈયાર કરીને પિતાની ઓફિસમાં મૂકાવી દીધી.
બીજા દિવસે સવારે તેનાથી રહેવાયું નહીં અને રચનાને ફોન કર્યો:'મિસ રચના, હું 'ઓલ ઇન વન મોબાઇલ' માંથી આરવ બોલું છું...'
'હા સર, નમસ્કાર! બોલોને...' રચનાને આરવના ફોનથી નવાઇ લાગી.
'ગઇકાલે તમારા ઇન્ટરવ્યુ દરમ્યાન એક વાત પૂછવાની રહી ગઇ હતી. આજે અમારી કંપનીની બેઠકમાં ઉમેદવારો વિશે વાત થવાની છે એટલે એ માહિતી જોઇતી હતી...' આરવે શબ્દો ગોઠવીને વાત કરી.
'સર, પૂછોને...' રચના શાંતિથી બોલી.
'તમારા નામ પાછળ માતાનું નામ લખેલું છે. તમારા પિતાનો ઉલ્લેખ નથી. એમના વિશે હું જાણી શકું?' આરવે મુખ્ય સવાલ પૂછતાં પહેલાં એ બહાને બીજા મુદ્દે પણ જાણકારી મેળવી લેવાનું યોગ્ય માન્યું.
'સર, હું નાની હતી ત્યારે જ મારા પિતાનું એક અકસ્માતમાં મોત થયું હતું. મને અહીં સુધી મારી માતા જ લાવી છે. મેં એમના પ્રદાનને વંદન કરવા મારી પાછળ એમનું નામ લખવાનું રાખ્યું છે. એમાં કોઇ વાંધો નહીં આવે ને?' રચના બોલી ત્યારે એની આંખને જોવા આરવ સામે ન હતો. પિતાની વાત કરતી વખતે એની આંખમાં એક જ્વાળા સળગી રહી હતી.
'ના-ના, બીજી વાત કે કાલે તમે નીકળ્યા પછી મેં મારા માણસને એમ કહીને મોકલ્યો હતો કે તમારી પાસે સાધન નથી અને અહીં જલદી કોઇ વાહન મળતું નથી એટલે તમને જ્યાં જવું હોય ત્યાં મૂકી જાય. એ કાર લઇને નીકળ્યો હતો પણ તમે 'સુપર ફાસ્ટ મોબાઇલ' તરફ વળી ગયા એટલે એને એમ થયું કે ત્યાં કોઇ ઓળખીતું હશે એટલે તમે ગયા હશો એમ વિચારીને પાછો આવી ગયો...' આરવે વાતવાતમાં મનમાં સળવળતી શંકા વ્યક્ત કરી દીધી.
'ઓહ! તમારો આભાર કે આટલી કાળજી લીધી. અસલમાં સવારે હું ભૂલથી 'સુપર ફાસ્ટ મોબાઇલ' કંપની પર પહોંચી ત્યારે મેં ત્યાં 'વેકેન્સી' નું બોર્ડ જોયું હતું. ઇન્ટરવ્યુમાં પહોંચવાનું મોડું થતું હતું એટલે વળતાં તપાસ કરવા ગઇ હતી. જોકે મને નિરાશા મળી છે! ત્યાં કામદારોની ભરતી થવાની હોવાનું જાણવા મળ્યું. અત્યારે તમારી કંપની પર જ આશા છે!' રચના હસીને બોલી.
'તમારા વિશે જરૂર વિચાર થશે...' બોલતી વખતે આરવનો અવાજ સહજ હતો પણ દિલમાં અજીબ હલચલ હતી.
ક્રમશ: