25. 'અભી ના જાઓ છોડ કર..'
હવે પછીનાં ત્રણ ચાર પ્રકરણ બેંક ઓફ બરોડા ન્યુકલોથની મારી જિંદગીનાં આવશે. એ સમય 2006 જાન્યુ. થી 2009 ડિસેમ્બર એ ચાર વર્ષનો હતો. સોળ વર્ષે પણ યાદ એવું છે કે જાણે આજે જ બન્યું હોય. હજી હમણાં જ કોઈ કામે એ બ્રાન્ચમાં ગયો ત્યારે સ્ટાફ તો એમાંથી કોઈ ક્યાંથી હોય, પણ અમુક ગ્રાહકો આટલાં વર્ષે ઓળખી ગયેલા. પોસ્ટ કોરોના દિવસો હોઈ બ્રાન્ચમાં જવા લાંબી લાઈનમાં ઉભી ચાર વ્યક્તિઓએ અંદર જવાનું હતું. પોલીસચોકી સુધી લાઈન હતી. હું પાછળ ઉભો. કોઈ મને ગ્રીટ કરી પીયૂનને કહી આગળ લઈ આવ્યું અને સીધી એન્ટ્રી અપાવી. અહીંના સિનિયર મેનેજર સાહેબ હતા કહી. નિવૃત્તિનાં લગભગ પાંચ વર્ષ બાદ ખૂબ સારું લાગે. બ્રાન્ચ છોડયાના 12 વર્ષ બાદ.
તો આ પ્રસંગ છે 2006 કે 7 નો. એ વખતે જે અધિકારીઓ 50 ઉપરની ઉંમરના હતા તેમને તેઓ VRS લઈ લે ને 'એકદમ ફ્રેશ યંગ સ્માર્ટ છોકરાઓ' ઓફિસરની જગ્યાઓ સંભાળે તેવો આગ્રહ કહે છે એ વખતમાં કુખ્યાત બની ગયેલા ચેરમેને રાખેલો. પણ કામ તો નીચેના માણસોજ કરે ને!
સવારે 8 થી રાત્રે 8 બેન્કિંગ અવર્સ અમારી એક જ બેંકમાં. એમાં એ બધી રાતે નવાં આવેલાં સીબીએસ પછી ડે એન્ડ મારે કરવો પડતો. પાંચ બીજા ઓફિસરો અંડરમાં હોવા છતાં. હું જોઈન્ટ મેનેજર હતો. એ લોકો કેમ નહોતા કરતા એ કારણોમાં ઉતરીશ નહીં. ઘણા દિવસોએ રાત્રે સવા દસે બેંક છોડી છે.
બાકી હતું તે રવિવારે પણ ફરજીયાત હાજરી ભરવા સાડાદસથી સાંજે પાંચ સાડા પાંચ સુધી જવું પડતું. બ્રાન્ચ મેનેજર 'અરે આએ હો ના.. અરે બેઠે હો ના..' કહી ઘેરથી ફોન કરે. એમ તો એ પણ કહેતા કે એમને તો એટલું પ્રેશર છે કે ક્યારેક આપઘાતનું મન થઇ આવે.
અરે હાથમાં આવ્યા હોઈએ ને કોઈ કારણ ન હોય તો પણ ત્રાસ. ખાસ તો તાજેતરમાં જ દક્ષિણીઓની લોબીમાંથી છૂટી બધે રાજ હાથમાં આવ્યું એટલે ઉત્તર ભારતીય ઉચ્ચ અધિકારીઓ અને મેનેજરોનો ત્રાસ કલ્પના બહારનો વધી ગયેલો. એકદમ ત્રાસ આપી અધિકારીઓને વીઆરએસ લેવરાવે તો પગાર બચાવ્યાનુ એમને કમિશન મળતું હશે કે તરત પ્રમોશન આપતા હશે? જે હોય એ. મને માનો છો, વર્ષની બાર સી.એલ. મળે તેની દિવાળી સુધીમાં ફક્ત 3 લઈ શકેલો. જેમતેમ કરી સવારે બેંક ચાલુ થાય તે પહેલાં
વહેલો જઈ ડે બીગીન કરી ડ્રાફ્ટ કે કોઈ ડેટા અપલોડ કરી અરજન્ટ કામનો રિપોર્ટ મેનેજરના ટેબલે ચૂપચાપ જાતે મૂકી 10 કિમિ ઘેર પાછો જતો ને નિરાંત લેતો કે હાશ.. આજે તો સી.એલ. લીધી. તો પણ ચાર સી.એલ. લેપ્સ ગઈ. પી.એલ. તો મંજુર ન કરવાની એ વખતે પ્રથા હતી. પછી કાયદા નડ્યા એટલે એ વખતે 180 બેલેન્સ મહત્તમ થયું ડિસેમ્બરમાં અને એક્સટેન્ડ કરી ફેબ્રુઆરીમાં મેનેજર કહે તે થી તે દિવસ આગલા વર્ષની રજા આપી. વગર રવિવાર ને કોઈ પણ રજા વગર બે વર્ષ આમ કર્યું. ખેંચી કાઢ્યું હતું.
એમાં એક દિવસની વાત.
હું નેક્સટ ટુ મેનેજર હોઈ અગત્યની વસ્તુઓના કબાટની કી મારી પાસે રહેતી. સવારે વેપારીઓનો માર્કેટ ખુલવાનો વખત જેને હું મઝાકમાં 'ગુમાસ્તા ટાઈમ' કહેતો ત્યારે બ્રાન્ચમાં ન માય એટલી ભીડ ઓછી. ડેબિટ કાર્ડસની એક અને પાસવર્ડની એક ટ્રે પેલાં કબાટમાં રહેતી. કોઈનું કાર્ડ લેઈટ આવ્યું હતું. બે ચાર વેપારીઓના માણસો સ્ટેટમેન્ટ લેવા, કોઈ પોતાના પ્રોબ્લેમ રજૂ કરવા એમ ટેબલ આસપાસ ગ્રાહકો ટોળું વળી ઉભેલા. હું મારી રિવોલ્વીંગ ચેર ગોળ ફેરવતો જમણે સાઈડ રેક, પાછળ કબાટ અને ડાબે કેશ કેબિન તરફ વારાફરતી ટર્ન મારતો જતો હતો ને મારૂં કામ રોબોટની ગતિએ કરતો જતો હતો.
કોઈનું કાર્ડ આપવા પહેલાં સાઈડે ફરી મેં રજીસ્ટર લઈ સહી કરાવી. વળી જમણે ફરી કોમ્પ્યુટરમાં એ જોઈ. આવા એક સાથે ચાર પાંચ કેસ હતા. આ પ્રક્રિયા પતાવી હું પાછળ ફર્યો.
(આજે તો એટીએમ કાર્ડ ઘેર આવે ને પિન બેંકમાં. હવે તો એ પણ તમે ડેબીટકાર્ડ મશીનમાં નાખી પિન એન્ટર કરી જનરેટ કરી શકો છો. પિન આવ્યો હોય એ પણ કાઉન્ટર ક્લાર્ક જ આપે.
એ વખતે એ કામ એટલું અગત્યનું કહેવાતું કે સિનિયર મેનેજર એ કરતા. એ કાર્ડસ આપવાની જવાબદારી આમ તો ધારીએ એ કરતાં મોટી છે.અન્ય બેન્કમાં એક ખૂબ ઇન્ટેલીજન્ટ અને અતિ પ્રામાણિક ઉચ્ચ અધિકારીએ સહી જોઈ ખોટા માણસને કાર્ડ આપતાં થયેલા ફ્રોડમાં એ અધિકારી ખરાબ રીતે ફસાયેલા.)
તો મેં રિવોલ્વીંગ ચેર ફેરવી કબાટ ખોલ્યો. ટ્રે સીધી ઉઠાવાય એમ ન હતું. મેં કઅબત પાસે જઈ, વાંકા વળી ગોઠણભેર થઈ ટ્રે ઉપાડી અને એ પહોળા પગે ઘૂંટણ સીધા કરતો વજનદાર ટ્રે સાથે ઉભો થયો.
ચરર.. અવાજ મને જ સંભળાય એવો થયો. મારા પેન્ટની સિલાઈ ઝીપ પાસે (અમે નાનપણમાં એને પોસ્ટ ઓફિસ કહેતા) ત્યાંથી ફાટી. સિવણી પાસેના ટાંકા તો તૂટેલા પણ આગળ ઝીપ પાસે પણ થોડું ગયેલું. એ વખતે ટ્રે ની આડશ લઈ લોકોની સહી જોયેલી તેમને કાર્ડ આપી દીધાં. હવે?
હું બેંકમાં સેન્ટરમાં બેઠેલો. નેકેડ એન્ડ અફ્રેઇડ ના શો માં નહોતો. મેં રજીસ્ટર મારા ખોળામાં મૂકી બેસી જ રહી બીજા લોકોનાં કામ પતાવ્યાં.
ભીડ ગઈ કે તરત મેં મેનેજર કેબિનનું ઇન્ટરકોમ લગાવ્યું અને વાત કહી. ખૂબ સહકાર આપતા પીયૂન મૂળજીને બોલાવી કાનમાં વાત કહી. એ નેપકીન લઈ આવ્યો જે મેં ખોળામાં રાખ્યો. એ કહે નજીક રાયપુર દરવાજે એક દરજી બેસે છે. જોઈએ તો વૉશરૂમમાં જઈ એનું પેન્ટ પહેરી સિલાઈ કરાવી આવું. મેં મેનેજરને પૂછ્યું.
મેનેજર કહે લંચમાં ત્યાં જાઓ.
લંચ માટે અમારી બેંકમાં કોઈ જ રીસેસ નથી હોતી. પહેલાં પીયૂન પછી લેડીઝ પછી ક્લાર્કસ બ્રાન્ચમાં અંદર જમવા જાય અને અમારો ઓફિસરનો આ વારાફરતી પંગતમાં વારો આવે ત્યાં સાડાત્રણ ચાર વાગ્યા હોય. એ વખતે તો હજી બાર વાગેલા.
મેં ફરીથી કહ્યું કે મારી સ્થિતિ ખરાબ છે. તો કહે તમારા સિવાય કોઈ સંભાળી શકશે નહીં. ના, નહીં જવાય.
એમને એમ કપડું આડું રાખી ચલાવ્યું, ચલાવવું પડ્યું. સાડાત્રણ વાગ્યા. હવે અર્ધો કલાક પબ્લિકની અવરજવર નહીં રહે. મેં લંચ પણ જલ્દી જવા લુસલુસ મારાં ટેબલે ખાઈ લીધું. પાંચ મિનિટથી ઓછા સમયમાં. પછી મેનેજરને વળી ફોન કર્યો કે આવું છું હમણાં. તેઓ પોતે ટિફિન લઈ કુલરનું પાણી ભરવા આવ્યા. મને કહે કે હું જમી લઉં પછી. કોઈ ફોન બોન આવે તો બેસો.
તેઓ જમીને આવ્યા. ત્યાં વળી પીયૂન પાસ કરવાના ટ્રાન્સફર ચેક, હમણાં એક સાથે પ્રિન્ટ કરેલ ડ્રાફ્ટ એફડીનો ઢગલો લઈ આવ્યો. એ ઢગલો એક સાથે આપવા માટે મારે છેક સુધી ઝગડો થતો કે બધું ભેગું કરી એક સાથે આપવાને બદલે થતું આવે એમ મોકલો. પણ યુનિયનને એ જ ગમતું. અને 'પ્રોસીજર' પડી ગયેલી. અમુક મારી સહી અમૂકમાં એક ઓફિસરે કરી હોય તે જોઈ બીજી ફાઇનલ સહી અને કોમ્પ્યુટરમાં ઓથોરાઈઝ કરવાનું. મેં વળી જુનિયર (જવા દો. વધુ લખાય એમ નથી અમુક વર્ગ માટે) અધિકારીને કહ્યું કે પહેલી સહી વાળું કરી રાખે. હું પંદરેક મિનિટમાં આવું. કામ સંભાળે. એ બહાનાં કાઢી રેઝીસ્ટ કરવા લાગ્યા.
લાચાર થઈ વળી રસોઈ કરતી સ્ત્રીની જેમ નેપકીન આગળ લટકાવી પોણો કલાક કાઢ્યો. સાડાચાર.
હવે મેં મેનેજરને ફોન કર્યો કે પંદર મિનિટ નીકળું. કહે હમણાં કેશ મુકવાની થશે. ને પછી પોણા પાંચે ક્લાર્કસ જશે. ત્યાં સુધી બેસો. મેં કહ્યું તો આજે એક દિવસ રાતે આઠ સુધી ન બેસતાં કેશ મુકાવી પાંચેક વાગે નીકળી જાઉં. (આમેય મસ્ટરમાં ડ્યુટી ટાઈમ ક્લાર્કસનો ને ઓફિસરનો 10 થી 5 હોય. આ એક્સટ્રા ટાઈમ એ વખતે ખોસી ઘાલેલો.)
'અરે દેખતે હૈ.. અરે બેઠો ના..' કહી વળી બેસાડ્યો.
એ મેનેજરને વાતવાતમાં 'અરે' અને 'ના' બોલવાની ટેવ હતી.
બેઠો. થોડું રૂટિન સિવાયનું અગત્યનું કામ પૂરું કર્યું.
સાડાપાંચ પછી એ રોડ પરની વીસેક બેંકોમાંથી એકલી 8 થી 8 ટાઈમ વાળી બેંક ઓફ બરોડા જ ચાલુ હોય. બીજે પોણા છએ શટર ડાઉન.
છ વાગે આખા દિવસના થાકીને ચા મગાવી. પીને ચાવીઓ લઈ મેનેજરને કહ્યું કે હવે તો નીકળું.
'અરે.. અબ થોડી હી દેર રુકો ના.. યે જરા ડિસ્કસ કર લેં ના..'
મારે ઘેર સરપ્રાઈઝ આપવા છ વાગે નીકળી પોણાસાતે 'વહેલા' પહોંચવાના મારા મનોરથની હવા નીકળી ગઈ.
સાત વાગી ગયા. બેંકમાં સવારે ઉપાડી આખા દિવસનો વકરો સાંજે ફરી ભરવા આવતા ગુમસ્તાઓની લાઈન થઈ. સાંજની 'લેઈટ ડ્યુટી' માં બેઠેલી સિંધી ઓફિસરે ધરાર એકલા વાઉચારો પાસ કરવા બેસવા ના કહી. એને થોડું નીકળવા માંગતો હતો એ કારણ કહેવાય?
સાડાસાત થઈ ગયા. મેનેજર કહે એક પાર્ટીને મળી તેઓ સીધા નીકળશે એટલે બ્રાન્ચ છોડે છે. હું આઠ વાગે ડે એન્ડ સ્ટાર્ટ કરી પૂરો થાય કે તરત નીકળું. સાડાઆઠ આસપાસ 'સોલ સબમિટ' થયો.
રોજ ઘણું ખરું બજાજ સ્કૂટર લાવતો. તાળું મારી તે દિવસે સદ્ભાગ્યે મારી મારુતિ લાવેલો જે એ મેઇન રસ્તે બ્રાન્ચ બંધ કરનાર પીયૂનની મદદથી થોડી રિવર્સમાં લઈ રોડ પર ચડ્યો. ખિસ્સામાંથી રૂમાલ કાઢી પેટ ઉપર ખોસ્યો. પુરુષ હોવાની સાબિતી સાઈડમાંથી ફાટેલું ત્યાંથી ડોકાતી હતી. કારમાં કોણ જોવાનું હતું?
રાતે સાડાઆઠનો ઘેર જતો ટ્રાફિક નડ્યો.
ઘર પાસે કાર પાર્ક કરી મારૂં ઓફિસ પાઉચ આડું રાખી દાદર ચડી બેલ મારી ત્યારે નવ વાગતા હતા!
***