Lost - 53 in Gujarati Horror Stories by Rinkal Chauhan books and stories PDF | લોસ્ટ - 53

Featured Books
Categories
Share

લોસ્ટ - 53

પ્રકરણ ૫૩

"નોઓઓઓઓઓઓઓઓ...." કેરિન દોડતો રાવિકા સામે આવી ગયો, એજ વખતે માનસાએ ઉઠીને ત્રિસ્તા પર હુમલો કર્યો અને રાવિકાએ પણ પોતાને બચાવવા ત્રિસ્તા પર પલટવાર કર્યો હતો એ વાર કેરિન ઉપર થયો.
ત્રણેય ઘટનાઓ એકજ સમયે ખુબજ ઝડપે ભજવાઈ હતી, રાવિકાએ સ્વરક્ષા માટે ત્રિસ્તા પર વાર કર્યો હતો પણ રાવિકાને બચાવવા માટે રાવિકા અને ત્રિસ્તા વચ્ચે એજ સમયે આવી પહોંચેલો કેરિન રાવિકાના વારનો શિકાર બન્યો.

માનસા ત્રિસ્તા કરતાં વધારે શક્તિશાળી હતી, ત્રિસ્તાનો વાર તેને અમુકક્ષણો પૂરતો જ રોકી શકે એમ હતો અને એ ક્ષણો વીતી ચુકી હતી, માનસા જેવી ભાનમાં આવી કે તરત તેને યાદ આવ્યું કે ત્રિસ્તાએ તેના પર આકારણ હુમલો કર્યો હતો અને તેણીએ ગુસ્સામાં ત્રિસ્તા પર તેની શક્તિઓથી વાર કર્યો હતો.
"આઆઆઆહહ..." ત્રિસ્તા અને કેરિન દીવાલમાં અથડાઈને જમીન પર પડ્યાં.

"સો.. સોરી, કેરિન તું ઠીક છે?" રાવિકા ધીરે ધીરે સ્વસ્થ થઇ રહી હતી.
"હું ઠીક છું..." કેરિન હસ્યો, તેના દાંત લોહીથી રંગાઈને લાલ થઇ ગયા હતા.
"ચાલ મારી સાથે." ત્રિસ્તાએ કેરિનનો હાથ પકડ્યો અને કેરિન સાથે ત્યાંથી ગાયબ થઇ ગઈ.
"ત્રિસ્તાઆઆ..." રાવિકા તેની પાછળ જતી હતી ત્યાંજ માનસાએ તેનો હાથ પકડ્યો અને બોલી, "હું એને જોઈ લઈશ, તું જઈને રાધિકાને બચાવ."

"રાધિને શું થયું છે અને તું મારી મદદ કેમ કરી રઈ છે?" રાવિકાએ અવિશ્વાસથી માનસા સામે જોયું.
"રાધિકા મરી ગઈ તો આ શક્તિઓ મેળવવા મારે હજુ ૨૫ વર્ષ રાહ જોવી પડશે અને ૨૫ વર્ષ રાહ જોવા કરતાં તારી મદદ કરવી મને વધારે પોસાશે. હું કેરિનને સહી સલામત લઇ આવીશ પણ તું જા જઈને રાધિકાને બચાવ, કુંદરએ તેને ઘણું નુકસાન પહોચાડ્યું હશે." માનસા રાવિકાનો જવાબ સાંભળ્યા વગર જ ગાયબ થઇ ગઈ.


વિહાન મેહુલને ઉપાડીને લાંબા લાંબા ડગ માંડી રહ્યો હતો, અચાનક તેનો પગ ખાડામાં પડ્યો અને તેં ગડથોલુ ખાઈ ગયો. મેહુલ ડાબી બાજુ ગબડી પડ્યો અને વિહાન ઉઠીને તેની પાછળ દોડ્યો.
"જીજુ...." અચાનક જ જીયા કોઈ શિલા પાછળથી દોડી આવી, તેના હાથમાં નવજાત આધ્વીક હતો. મિથિલા પણ આધ્વીકાને લઈને તેની પાછળ આવી.
"તમે બન્ને અહીં શું કરો છો?" વિહાન જીયા અને મિથિલાને બે બાળકો સાથે જોઈને ચોંકી ગયો હતો.

"જીજુને શું થયું? કેરિન, રાવિ અને દીદી ક્યાં છે?" જીયાએ એ ત્રણેયને શોધવા નજર ફેરવી.
"એ લોકો હજુ ત્યાં ફસાયેલાં છે, મેહુલની હાલત ખુબજ ખરાબ છે એટલે જલ્દી દવાખાને પહોંચવું પડશે." વિહાનએ મેહુલને ઉપાડીને ખભા પર નાખ્યો.
"તાઈ, તું આધ્વીકાને લઇ જા હું પાછી જઉં છું." મિથિલાને તેના ભાઈભાભીની ચિંતા થઇ રહી હતી.

"મિથિલા, મિથિલા... શાંત. રાવિ અને દીદી પાસે સુપરપાવર્સ છે, એ બન્ને સંભાળી લેશે અને આપણે આજુબાજુ કોઈ ગામ શોધીયે. કદાચ ત્યાંથી મદદ મળી જાય, ઈમોશનલ ના બન અને પ્રેક્ટિકલી વિચાર." જીયાએ ચાલવા માંડ્યું હતું, મિથિલા પણ તેની પાછળ ગઈ.
અડધાએક કલાક પછી મિથિલાને એક ઘર નજરે ચડ્યું, ત્રણેય જણ ઝડપથી ત્યાં આવ્યાં તો ત્યાં એક નાનકડું ગામ વસેલું હતું.

જીયાએ ગામવાળાંને ટૂંકમાં બધી ઘટના સમજાવી અને મદદ માંગી, સદભાગ્યે ગામલોકો તેમની મદદ કરવા રાજી થયા હતા.
ગામના વૈદ્યજીએ મેહુલનો ઈલાજ ચાલું કર્યો અને વિહાન ગામલોકો સાથે પાછો જવા તૈયાર થયો હતો.
"હું પણ આવીશ." જીયાએ તૈયારી બતાવી.
"જીયા, મિથિલા નાની છે હજુ અને મેહુલની હાલત તો જો. આટલા નાના બાળકોને મિથિલા એકલી નઈ સંભાળી શકે, તું અહીંજ રે અને મારા પર વિશ્વાસ રાખ." વિહાનએ જીયાના ખભા પર હાથ મુક્યો.

"તું મારા પરિવાર માટે આટલુ બધું કેમ કરે છે?" જીયાએ પૂછી લીધું.
"માણસાઈ ખાતર, કદાચ." વિહાનએ મનોમન રાવિકાને યાદ કરી લીધી, રાવિકા માટે તેના મનમાં જે લાગણીઓ હતી એ યાદ કરીને તેં પોતાના પર જ હસી પડ્યો અને મનોમન બોલ્યો, "હવે તેં માં બની ગઈ છે, ભૂલી જા તેંને ગાંડા."
"કંઈ કીધું?" જીયાએ પૂછ્યું.

વિહાન કંઈ બોલે એ પહેલાંજ ગામવાસીઓ હથિયાર અને જરૂરી સામાન સાથે આવી પહોંચ્યા હતા, વિહાનએ જતા પહેલા ફરી એકવાર જીયાને આશ્વાસન આપ્યું હતું કે તેં બધાંને પાછાં લઇ આવશે.
"કદાચનો શું અર્થ છે તાઈ?" મિથિલાએ પૂછ્યું.
"તું અમારી વાતો સાંભળતી હતી?" જીયાએ જીણી આંખો કરીને મિથિલા સામે જોયું.
"કદાચ..." મિથિલા હસીને ત્યાંથી દોડી ગઈ, જીયા તેની પાછળ દોડી,"બદમાશ છોકરી, ઉભી રે તું."


રાવિકાએ આંખો બંધ કરી અને રાધિકા પાસે જવાનું વિચાર્યું, તેની આંખો ખુલી ત્યારે તેં એક ગુફાની સામે ઉભી હતી.
રાવિકા ગુફામાં પ્રવેશી અને રાધિકાને શોધવા માંડી, છેક ગુફાને છેડે રાધિકા જમીન પર પડી હતી અને તેની
કમર નજીક લોહીનું ખાબોચિયું ભરાયું હતું.
"રાધિકા, આંખો ખોલ." રાધિકાના શ્વાસ ખુબજ ધીમા ધીમા ચાલી રહ્યા હતા તેથી રાવિકાએ તેના ગાલ થપથપાવીને તેને જગાડવાનો પ્રયત્ન કર્યો, રાધિકા તરફથી કોઈજ પ્રત્યુત્તર ન મળતા તેણીએ તેની શક્તિઓનો ઉપયોગ કરવાનો પ્રયત્ન કર્યો પણ આ ગુફામાં તેની શક્તિઓ નકામી બની ગઈ હતી.

રાવિકાએ રાધિકાને ઉપાડી અને બહાર દોડી, રાવિકાની પીઠમાં પણ અસહ્ય પીડા હતી પણ હાલ એ મારકણી બની હતી. કાં તો આ પર કાં પેલે પાર એમ નક્કી કરીને તેં બને તેટલી ઝડપથી ગુફાની બહાર નીકળવા ચાલી રહી હતી.
ગુફાની મધ્યમાં પહોંચતા સુધીમાં તો રાવિકાનું શરીર જવાબ દઈ ચૂક્યું હતું, તેના પગ ધ્રુજી રહ્યા હતા અને તેની પીઠ સણકા મારી રહી હતી.
"એવુ શું વાગ્યું છે રાધિને..." રાવિકાએ છેક હવે રાધિકાનો ઘા તપાસ્યો, રાધિકાની પીઠમાં ત્રણ પથ્થર ઊંડે સુધી ઘુસી ગયા હતા અને એના કારણે ઘણુંબધું લોહી નીકળ્યું હતું.

"આઆઆઆઆઆઆઆઆઆઆઆઆ..." રાવિકાએ ઘણા પ્રયત્ન કર્યા પણ તેનું શરીર હવે રાધિકાને ઉપાડીને ચાલવા સક્ષમ નહોતું અને તેથીજ ગુસ્સા અને લાચારીમાં તેણીએ ચીસ પાડી.
"મારી બેન, ઉઠી જા ને.... ઉઠને રાધિકા, ઉઠ..."રાવિકા જમીન પર ફસડાઈ પડી અને તેં બેભાન રાધિકાને ગળે મળીને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.
"હે મહાદેવ! મદદ કરો, મદદ કરો." રાવિકાએ મનોમન ભગવાનને યાદ કર્યા અને રાધિકાના હાથ પકડીને તેને બહારની તરફ ખેંચવા લાગી.

"રાવિ..." રાધિકાના હોઠ ફફડ્યા અને તેની આંખો ખુલી.
"તું, તું ઠીક છે?" રાવિકાએ રાધિકાનો હાથ પકડ્યો અને તેને ઉઠાડવા જતી હતી ત્યાંજ રાધિકાએ તેને રોકી અને તેની બાજુમાં બેસાડી,"ચાલને આ બધું ખતમ કરીએ, ક્યાં સુધી આ બધું ચાલ્યા કરશે? મમ્મા હેરાન થઇ, આપણે બન્ને થયાં અને હવે આપણાં બાળકો થશે. ચાલ, ખતમ કરીએ."
"ગાંડી થઇ ગઈ છે? કંઈજ ખતમ નઈ થાય, હું તને ઠીક કરીશ, ગાંડા જેવી વાતો કરવી હોય તો ચૂપ રે." રાવિકા ઉભી થઇ ગઈ.

"કંઈ ઠીક નઈ થાય રાવિ, કંઈ જ ઠીક નઈ થાય." રાધિકા ફિક્કું હસી.
"બકવાસ બંધ કર નઈ તો ભૂલ મત કે હું તારાથી બે સેકન્ડ મોટી છું, એક આપીશ તો મગજ ઠેકાણે આવી જશે." રાવિકાએ તેનાં આંસુ લૂંછ્યાં અને રાધિકાને ઉભી કરી,"ચાલ, હમણાં અહીંથી નીકળી જઈશું. પછી તું કે'શે એ કરીશ, તારી જે ઈચ્છા હશે એ જ થશે પણ હાલ હું તારું કંઈ નઈ માનુ."

રાધિકાએ રાવિકાને ગળે લગાવી અને બોલી, "બસ આ એકજ ઈચ્છા હતી, તારા ગળે લાગીને છેલ્લી પળો વિતાવવી હતી. તું પણ જાણે છે કે આ શક્તિઓ શ્રાપ છે અને શ્રાપ ક્યારેય સુખી ન કરે એટલે હું આ બધું આજે અહીંજ ખતમ કરી નાખીશ."

ક્રમશ: