Lost - 49 in Gujarati Horror Stories by Rinkal Chauhan books and stories PDF | લોસ્ટ - 49

Featured Books
Categories
Share

લોસ્ટ - 49

પ્રકરણ ૪૯

"પ્રથમ? તું પ્રથમની દીકરી છે?" જીવનને જોરદાર આંચકો લાગ્યો.
"હા, હું પ્રથમ જોશીની દીકરી છું, મિષ્કા જોશી." મિષ્કાએ જવાબ આપ્યો.
"બેટા, તું જયારે જેલથી છૂટેને એટલે પે'લા જઈને તારી માંને પુછજે કે હકીકત શું હતી. તું સમજવાની નથી છતાંય એક સલાહ આપીશ કે જે ઘટનાની પુરી જાણકારી ન હોય એના માટે બદલો લેવા હાલી ના નીકળાય. યાદ કરીને તારી માંને પુછજે કે હકીકતમાં શું બન્યું હતું અને તારા બાપએ શું કર્યું હતું એ ખાસ પુછજે." જીવનએ પોલીસને ઈશારો કર્યો કે તેઓ મિષ્કાને લઇ જાય.

"મામા..." રાવિકા દોડતી જઈને જીવનને વળગી પડી.
"ચલો ઘરે, આસ્થા વાટ જુએ છે તમારી." જીવન ત્રણેય છોકરીઓને લઈને ઘરે આવ્યો.
"કેરિનએ મને જણાવ્યું કે તેં કંઈ રીતે માયાનો અંત કર્યો, સાબાશ બેટા." આસ્થાએ રાવિકાને ગળે લગાવી.
જીયાને ડોક્ટરએ તપાસી લીધી હતી અને એ આરામ કરી રહી હતી, મીરા અને રાહુલ પણ પહેલી ફ્લાઇટ પકડીને અમદાવાદ આવી ગયાં હતાં.

મીરાએ બધાયની માંગી, બધું થાળે પડ્યું એટલે રાવિકાએ જીવનને પૂછ્યું,"તમે મિષ્કાના પપ્પાને ઓળખો છો? શું સાચેજ મારા દાદાજીએ મિષ્કાના પપ્પાનું મર્ડર કર્યું હતું? મિષ્કા એવુ કેમ કે'તી હતી કે મારા દાદાએ આત્મહત્યા કરી હતી?"
"તારા દાદાજીએ આત્મહત્યા તો કરી હતી પણ એમણે મિષ્કાના પપ્પાનું મર્ડર નહોતું કર્યું. મિષ્કાના પપ્પા પ્રથમ અને મારા ભાઈ જીગરએ તેના દોસ્તો સાથે મળીને તારી ફઈ મિત્તલનો બળાત્કાર કરીને તેને મારી નાખી હતી. એના પછી મિત્તલની આત્માએ તેના બળાત્કારીઓને મારી નાખ્યા અને એ કેસ તારા પપ્પા હેન્ડલ કરી રહ્યા હતા." જીવન આટલુ બોલીને અટકી ગયો, તેને ફરીથી એ ગોઝારા દિવસો યાદ આવી ગયા.

"રાજેશ કાકાએ પાંચેય છોકરાઓના મર્ડરનો આરોપ પોતાના પર લઇ લીધો અને જેલ જતા રહ્યા, તેં પોતાના નાનામોટા ગુનાઓની સજા ભોગવવા માંગતા હતા પણ એક મહિનામાં જ તેં હારી ગયા. તેમનાથી જેલમાં મળતી બેઇજ્જતી અને ત્રાસ સહન ન થયો અને તેમણે આત્મહત્યા કરી લીધી." મીરાએ કહ્યું.
"પણ મિષ્કા પ્રથમની દીકરી કંઈ રીતે હોઈ શકે? પ્રથમના તો લગ્ન પણ ન્હોતાં થયાં." જીવન બોલ્યો.

"જે હોય એ, આપણે શું? આપણી દીકરીઓ સલામત છે તો બસ." આસ્થાએ રાવિકા અને રાધિકાની નજર ઉતારી અને જીયાની નજર ઉતારવા તેના ઓરડા તરફ ગઈ.
"આ મિષ્કા ભવિષ્યમાં આપણા માટે મુસીબત બની શકે છે." રાહુલએ જીવન સામે જોઈને કહ્યું.
"હા, મને પણ એવુ લાગે છે એટલે હું માધવ સાથે વાત કરીને તેનો કાયમી ઉકેલ શોધવાનું વિચારી રહ્યો છું." જીવનએ માધવને ફોન લગાવ્યો.

"શું વિચારે છે રાવિ?" રાધિકાએ પૂછ્યું.
"એવુ લાગે છે કે કંઈક આપણી નજરોમાંથી છૂટી ગયું છે, ખબર નઈ કેમ પણ આ બધું બઉ વિચિત્ર લાગી રહ્યું છે. લાઈક, જીયા આટલી સરળતાથી આપણને મળી ગઈ અને જીયા કરાટેમાં બ્લેક બેલ્ટ છે. કોઈને મારવામાં એ કદી પાછી નઈ પડતી તો મિષ્કા એકલી જીયાને ઉઠાવી ગઈ એ માન્યામાં નથી આવતું."
"હમ્મ, કદાચ મિષ્કાએ જીયાની પીઠ પાછળ વાર કર્યો હોય. જીયા ઉઠે એટલે ખબર પડશે કે હકીકતમાં શું બન્યું હતું, પછી તારા પોઇન્ટ ઓફ વ્યુંથી પણ વિચારશું."



"મિષ્કા...." મિષ્કાની માં મીના પોલીસમાંથી ફોન આવતાજ પોલીસ સ્ટેશન દોડી આવી હતી.
"માં, પપ્પાએ શું કર્યું હતું?"
"મિષ્કા, બેટા તું આ બધું શું પુછે છે?"
"રાજેશ ચૌધરીએ પપ્પાને કેમ માર્યા હતા? માં જવાબ દે, નહીં તો હું તને પણ મારી નાખીશ." મિષ્કાએ મીનાનું ગળું પકડી લીધું.
"પ્રથમએ મિત્તલનો બળાત્કાર કર્યો હતો અને મિત્તલ રાજેશ ચૌધરીની દીકરી હતી એટલે..." મીનાએ તેનું ગળું છોડાવવાનો પ્રયત્ન કર્યો.

"મારા પપ્પા બળાત્કારી હતા?" મિષ્કાની પકડ ઢીલી પડી ગઈ.
"સોરી બેટા, હું તને આ વાત ક્યારેય નહોતી જણાવવા માંગતી પણ તારા પપ્પા સારા માણસ ન'તા. તું હંમેશા પૂછતી હતી ને કે તારો કોઈ પરિવાર કેમ નથી.... પ્રથમ મારો બોયફ્રેન્ડ હતો અને અમે બન્નેએ લગ્ન પેલાજ..." મીનાની જીભ થોથવાઈ ગઈ, એક ઊંડો શ્વાસ લઇ એ ફરી બોલી,"પ્રથમને જયારે ખબર પડી કે હું પ્રેગનેંટ છું તો એ મને છોડીને જતો રહ્યો અને એના પંદર દિવસ પછી તેનું મર્ડર થઇ ગયું હતું."

"પપ્પાએ તને તરછોડી દીધી હતી? હું તારા પેટમાં છું એ જાણ્યા પછી પણ?" મિષ્કાનો અવાજ તરડાઈ ગયો હતો.
"હા, હું અનાથ હતી એટલે પરિવારના નામે તો કોઈ હતું નઈ મારે અને પ્રથમના માબાપએ તારા ભરણપોષણની અને તને પ્રથમનું નામ આપવાની જવાબદારી સ્વીકારી પરંતુ એ શરતે કે ક્યારેય દુનિયા સામે મારા અને પ્રથમના સબંધને છતો ન કરું." મીનાને ગળે ડૂમો બાઝી ગયો હતો.
"તો તું આટલા વર્ષ જૂઠું કેમ બોલી? કેમ કીધું કે મારા પપ્પાનું મર્ડર થઇ ગયું હતું? આખી વાત કેમ ના કરી? કેએએએએમ?" મિષ્કાએ રાડ પડી.

"હું.... હું... બસ તને સારી રીતે ઉછેરવા માંગતી હતી." મીના રડવા જેવી થઇ ગઈ.
"હું ગાંડાની જેમ એક બળાત્કારીના ખૂનનો બદલો લેવા નીકળી હતી પણ મને શું ખબર હતી કે મારા પોતાના રૂપિયા જ ખોટા છે." મિષ્કા ધ્રુસકે ધ્રુસકે રડી પડી.
"મળવાનો સમય પૂરો થઇ ગયો છે." એક કોન્સ્ટેબલ મીનાને ટકોર કરી ગયો.

"હાલ તો હું જઉં છું પણ વકીલ સાથે આવીને તને છોડાવીશ અહીંથી, તું ચિંતા ન કરીશ દીકરા." મીના ત્યાંથી નીકળી ગઈ.
"મિષ્કા...." માનસા મિષ્કા સામે પ્રગટ થઇ.
"જી..." મિષ્કાએ જેવો માનસાનો અવાજ સાંભળ્યો કે એ તરત એક ચાવી દીધેલ ઢીંગલીની જેમ વર્તવા લાગી.
"તારા પિતાએ જે કર્યું એ ખોટું હતું તો શું રાધિકાએ તારા પતિ સાથે એક રાત ગુજારી એ ખોટું ન'તું?" માનસાએ જાણીજોઈને રાધિકાનું નામ લીધું હતું.

"હા, ખોટું હતું." મિષ્કા એક રમકડાની જેમ યંત્રવત વર્તી રહી હતી.
"તો જે ખોટું કરે એને સજા પણ મળવી જોઈએ ને?" માનસા ખંધુ હસી.
"હા, મળવી જોઈએ."
"તો રાધિકાને પણ સજા મળશે, તું આપીશ એને સજા. આપીશ ને મિષ્કા?"
"હા, આપીશ."

"સાબાશ, આ લે ખંજર અને મારી નાખ એ છોકરીને જેણે તારા પતિ પર નજર નાખી." માનસાએ મિષ્કાને રાધિકાના ઓરડા આગળ લાવીને ઉભી રાખી, એક ધારદાર ખંજર મિષ્કાના હાથમાં આપ્યું અને તેં મિષ્કાનું રૂપ લઈને જેલમાં આવી ગઈ.
"હા, મારી નાખીશ." મિષ્કા ખંજર લઈને રાધિકા તરફ આગળ વધી.
રાધિકાની પીઠ મિષ્કા તરફ હતી અને તેની એકદમ નજીક આવી પહોંચેલી મિષ્કાના ઈરાદાથી અજાણ રાધિકા ફોન પર વાત કરી રહી હતી.

"આ તેં શું કર્યું માનસા?" ત્રિસ્તા અચાનક માનસા સામે આવી ગઈ.
"મારી બેનનો બદલો લઉં છું." માનસાની આંખોમાં ખુન્નસ હતું.
"મેં તને એમ કહ્યું હતું કે મિષ્કાને તારા વશમાં કરી લે, પછી મિષ્કા દ્વારા આપણે બન્ને બેનો જોડે બદલો લઈશું. પણ આ રીતે નઈ માનસા, હજુ એ બન્નેની શક્તિઓ છીનવવાની છે પછી બન્નેને મારશું. હું થોડીવાર માટે આઘીપાછી થઇ એમાં તેં કાંડ કરી નાખ્યું." ત્રિસ્તાએ કપાળ કુટ્યું.

"હું ગુસ્સામાં ભાન ભૂલી ગઈ હતી, એટલે વધારે કંઈ ન વિચાર્યું. હાલ સુધી તો મિષ્કાએ એ ખંજર રાધિકાના શરીરમાં ખોંપી દીધું હશે." માનસાને હવે પસ્તાવો થઇ રહ્યો હતો.
"તો ચાલ, રાધિકાને બચાવીએ." ત્રિસ્તાએ ત્યાંથી નીકળવા ઉતાવળી થઇ રહી હતી.
માનસા નીચું જોઈને બોલી, "મેં મિષ્કાને માયાવી ખંજર આપ્યું હતું અને એ ખંજરનો ઘા આ દુનિયાની કોઈ દવા કે કોઈ શક્તિ ઠીક નઈ કરી શકે."


ક્રમશ: