Approved in Gujarati Children Stories by Arti Geriya books and stories PDF | મંજૂરી

Featured Books
Categories
Share

મંજૂરી

ક્રિશ અને વૃંદા એક જ સાથે ઉછરેલા અને એક જ ગલી માં રહેતા બે મિઠડા બાળકો,ક્રિશ એટલે અસલ કાનુડો જોઈ લો,શ્યામ એનો વાન,વાંકડિયા વાળ અને નટખટ,અને વૃંદા રૂપાળી રાધા,ભૂરી આંખો,અને ગટુડી,
બંને ને જોતા જ વ્હાલ આવે એવા ..

આમ તો બંને ના ઘણા મિત્રો,પણ એ બંને એકબીજા ના પરમ મિત્રો,બંને નજીક માં રહે એટલે આખો દિવસ સાથે ને સાથે જ અને તેમનો પરિવાર માં પણ એકબીજા સાથે સારી મિત્રતા.બંને પરિવાર નો કાયમી નિયમ કે રવિવારે નજીક માં આવેલા દરિયા કિનારે ફરવા જાય,કેમ કે બાળકો ને દરિયા કિનારે રમવું ખૂબ જ ગમતું.અને મોટા ઓ ને પણ ત્યાં ની ભીની રેતી માં ફરવું,અને બેસવું ગમતું,
બંને બાળકો દરિયા ની લહેર સાથે રમતા ,ક્યારેક રેતી માં ઘર બનાવતા,અને ક્યારેક રામ નામ લખી દરિયા ને પોતાની નજીક બોલાવતા.

વૃંદા ને એક આદત તે જ્યારે પણ દરિયા માં પલળી ને બહાર આવે એટલે રેતી માં પગ વધુ ના બગડે માટે તેના પગ ના આગળ ના ભાગ થી જ ચાલે,અને રેતી માં તેના અધૂરા પગલાં દેખાય,ક્રિશ ને એ જોવાની મજા આવે,અને તે વૃંદા ની મસ્તી કરે,વૃંદા ચિડાઈ અને મોં ફુલાવી ને બેસી જાય,અને પછી ક્રિશ એને દરિયા કિનારે થી છીપલા ગોતી ને આપે,અને વૃંદા રાજી રાજી...

આમ હમેશા બંને બાળકો ખુશ રહેતા,એકવાર વૃંદા ના મમ્મી ને તાવ આવતો હોય,અને બાજુ માં કોઈ નહતું,વૃંદા ના પપ્પા પણ કામે ગયા હતા,એટલે વૃંદા એ ડોકટર ને તો બોલાવી લીધા,હવે ડોક્ટર દવા આપી ને ગયા,પણ દવા લેવા જનાર કોઈ નહિ!એટલે વૃંદા તો તેની મમ્મી ને કીધા વગર ઉપડી.આ તરફ તેના મમ્મી તેને બોલાવે પણ કોઈ જવાબ ન મળે!હવે વૃંદા ક્યાં હશે?એ વિચાર મન માં આવતા તે ડરી ગયા થોડી વાર પછી ક્રિશ ના મમ્મી આવ્યા તેમને જોયું કે વૃંદા ના મમ્મી ને ઘણો તાવ છે,તેમને વૃંદા ના પપ્પા ને તેડાવ્યા,પણ વૃંદા ક્યાંય દેખાઈ નહિ,ક્રિશ પણ વૃંદા ને રમવા બોલાવવા આવ્યો,હવે બધા ને વૃંદા ની ચિંતા થઈ,તેની મમ્મી ને દવા આપી તેના પપ્પા ક્રિશ અને ક્રિશ ના પપ્પા બધા વૃંદા ને શોધવા ગયા...

વૃંદા બપોર ની ગાયબ હતી,પણ કોઈ જગ્યા એ તેની ભાળ ના મળી,અંતે દરિયા કિનારે બધા પહોંચ્યા,કે કદાચ એ અહીં આવી હોય,બધા અલગ અલગ જગ્યા એ શોધતા હતા,ત્યાં જ ક્રિશે બૂમ પાડી:"પપ્પા,અંકલ અહીં આવો આ જોવો"બંને ત્યાં ગયા અને જોયું તો વૃંદા જે રીતે ચાલતી તેવા અર્ધા પગલાં ત્યાં દેખાયા,બધા તે પગલાં ને અનુસર્યા,અને તે એક ટેકરી તરફ જતા હતા,થોડે દુર જતા તે પગલાં ગાયબ થઈ ગયા,હવે શું કરવું?એ વિચરતા બધા ટેકરી પર ચડ્યા..

તે ટેકરી પર એક મંદિર હતું,ત્યાં જવા નો રસ્તો ઢોળાવ વાળો હોઈ બધા ને ત્યાં પહોંચતા જ સાંજ પડી ગઈ,ઉપર જઇ ને બધા આમતેમ નજર ફેરવવા લાગ્યા,અને ત્યાં જ બધા ની નજર મંદિર પાસે ની એક બેન્ચ પર પડી,જ્યાં વૃંદા આરામ થી સૂતી હતી,તેના પપ્પા એ દોડી ને તેને તેડી લીધી,અને વૃંદા જાગી ગઈ,જરાવર તો તેને સમજાયું નહીં કે આ શું થયું?ત્યાં જ ક્રિશ બોલ્યો "તું કીધા વગર કેમ ચાલી ગઈ તી?"ત્યારે એને યાદ આવ્યું કે પોતે અહીં કેમ આવી તેને કહ્યું" પપ્પા મમ્મા ને તાવ હતો એટલે હું મેડિકલ માં થી દવા લેવા ગઈ તી,ડોકટર અંકલે લખી આપી હતી,
તમે આવો ત્યારે મોડું થાય એટલે હું લેવા આવી હતી,ત્યાં એક આન્ટી કહેતા હતા કે આ મંદિરે દર્શન કરીએ તો કોઈ પણ ઈચ્છા પૂરી થાય,હું તો મમ્મા ને સારું થાય એટલે આવી હતી "અને આમ કહી તે રડવા લાગી.

તેનો પ્રેમ જોઈ તેના પપ્પા રાજી થયા,અને પછી સમજાવ્યું"કે બેટા તું હજી ઘણી નાની છે,એટલે તારે એકલું બહાર ન જવાય,તને કાઈ થાય તો..?"

"પણ પપ્પા આ ક્રિશ ને તો તેના પપ્પા એકલો મોકલે છે?
તો હું શું કામ ના જઈ શકું? "

ત્યારે એના પપ્પા એ કહ્યું કે "એ ઘર માં બધા ને કહી ને જાય અને તું આમ જ આવતી રહી તો અમને તારી ચિંતા થાય ને અને ક્રિશ તો નજીક માં જ ક્યાંક જાય છે,એટલે હવે તારે મને કે મમ્મા ને કહી ને જવાનું,પણ આટલું દૂર નહિ આવવાનું હો!"

"પણ કેમ પપ્પા"વૃંદા એ તેની આંખો ફેરવતા પૂછ્યું

"જો સાંભળ નાના બાળકો એકલા જાય તો રસ્તો ભૂલી જવાય,કા તો કોઈ ખરાબ માણસ તને પકડી લે અને તને પોતાની પાસે રાખીલે,કા તો કોઈ જાનવર તને હેરાન કરી શકે એટલે થોડી મોટી થાય ને પછી દૂર જવાનું ત્યાં સુધી નહિ "તેના પપ્પા એ સમજાવ્યું...

વૃંદા એ તેના પપ્પા ને કહ્યું કે "હવે તે ક્યારે પણ કોઈ ને કહ્યા વગર નહિ જાય,ભલે ને તે ગમે એટલું સારું કામ હોય"

ત્યારબાદ તેને બધા ઘરે લાવ્યા,તેને હેમખેમ જોઈ તેની મમ્મી ના જીવ માં જીવ આવ્યો...

આમ વૃંદા ને પોતાની ભૂલ સમજાઈ અને હા બાળમિત્રો તમે પણ એ ધ્યાન માં રાખજો કે ઘરે મમ્મી પપ્પા ની રજા લીધા વગર ક્યાંય પણ નહીં જતા...આવજો....

આરતી ગેરીયા....