Mandakini in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | મંદાકિની

Featured Books
Categories
Share

મંદાકિની

વરસાદની ઋતુમાં પહાડોની વચ્ચેથી ખળ ખળ વહેતું પાણી...સ્વર્ગને પણ ભુલાવી દે તેવી તેની સુંદરતા અને મનને લોભાવે તેવી અનેરી ઠંડક અને અદભૂત શાંતિનો અનુભવ કરાવી દે તેવી આ પ્રશંસનીય જગ્યા હતી.


રાજા ધરમસિંહ અને પત્ની કલ્યાણીદેવી આ નગરના રાજા અને રાણી હતા.


ધર્મ પરાયણ રાજા ધરમસિંહના નામ ઉપરથી જ આ નગરનું નામ "ધરમપુર" પાડવામાં આવ્યું હતું.સુંદર રમણીય નજારો ધરાવતું આ એક સુંદર નગર "ધરમપુર" પોતાની એક અલગ જ આભા ધરાવતું હતું.


રાજા ધરમસિંહને એકનો એક દિકરો મહોબતસિંહ દેખાવે 5.5ની ઉંચાઈ ધરાવતો રુષ્ટ-પુષ્ટ કસાયેલું શરીર, દેખાવે ખૂબજ રૂપાળો, સ્વભાવે થોડો ગરમ અને ભરજુવાની એટલે ગરમ તપતું લોહી..કોઈની પણ ઉપર એકાએક ગરમ થઈ જાય અને કોઇને પણ જમીન ઉપર પછાડી દે તેવી તાકાત અને બુધ્ધિ ધરાવતો હતો. પિતા જેટલા નમ્ર તેનાથી ઉલટું તેને પોતાની જાત ઉપર ખૂબ અભિમાન હતું.


જેથી પિતા ધરમસિંહ અને કલ્યાણીદેવીને તેની ખૂબ ચિંતા રહ્યા કરે.


ગુરુના આશ્રમમાં તલવાર બાજી, ઘોડેસવારી, ભણવાનું, બંદુક ચલાવવાનું બધી જ વિદ્યા શીખીને આવેલો પણ ગુસ્સો આવે પછી કોઈનું ન સાંભળે પોતાના માતા-પિતાનું પણ નહીં.


શિકાર કરવાનો ભારે શોખીન તે પોતાનો પહાડી વિસ્તાર છોડીને બાજુના નગર માણેકપુરમાં અવાર-નવાર શિકાર કરવા જતો.


આજે પણ તે ખભે બંદુક લટકાવી, બંદુકની ગોળીઓનો હાર ગળામાં પહેરી, કેડે કટાર ખોસી ઘોડેસવાર થઈ માણેકપુરમાં શિકાર કરવા માટે પ્રુવેશ્યો.


માણેકપુર એટલે સમૃદ્ધ અને સુખી રાજ્ય, પહાડોમાંથી જે ઝરણાં નીકળે તે અહીં માણેકપુરમાંથી પસાર થતાં એક સુંદર રમણીય નજારો છોડીને ચાલ્યા જતાં આગળ એક નદીને મળે અને નદીકાંઠે એક ઘણું મોટું સોહામણું ઉપવન જ્યાં રાણીમા અને રાજકુંવરી પોતાની સખીઓ સાથે ટહેલવા માટે અવાર-નવાર આવે.


આ ઉપવનમાં હરણાનું એક ટોળું પણ આજે જાણે ટહેલવા માટે નીકળ્યું હતું.


મહોબત સિંહ શિકારની શોધમાં આ ઉપવનમાં પ્રવેશ્યો અને એક હરણાંને નિશાન બનાવીને બંદુક ઉઠાવી અચાનક તેની બંદુકની ગોળી છૂટી તો ખરી પણ હવામાં ગોળીબાર થયો અને તેણે સામે જોયું તો તેની સામે રુપ રુપના અંબાર જેવી નાજુક નમણી છોકરી બોલી ઉઠી કે, "મૂછોળો ભાયડો થઈને મૂંગા જીવ ઉપર બંદુક ચલાવે છે તાકાત હોય તો સામે આવી જા" પડકાર રૂપ અવાજ સાંભળતાં જ એક સેકન્ડમાં કંઈ કેટલાય વિચારો તેને આવી ગયાં અને તેના હાથે તેનો સામનો કરતાં આમને સામને કરાટેના દાવ પેચ ચાલવા લાગ્યા.


આ રુપ રુપના અંબાર જેવી નાજુક નમણી કોડીલી કન્યા હતી માણેકપુરના રાજા અભયસિંહની લાડકવાયી એકની એક દીકરી મંદાકિની.


મંદાકિનીની સખીઓ તેને બૂમો પાડતી રહી કે,"મંદા,છોડી દે તેને જવા દે, આપણે મોડું થાય છે હાલ હવે..." પણ કરાટે દાવમાં મસ્ત મંદા કોઈનું પણ સાંભળવા તૈયાર ન હતી.


મંદાના પડકારથી ગરમ થઈ ગયેલા મહોબત સિંહે મંદાને બોચીમાંથી પકડીને પોતાના એક પગ ઉપર સુવડાવી દીધી બંનેની આંખો એક થઈ પરંતુ અકળાયેલી મંદા તેનાં હાથમાંથી છટકવાની કોશિશ કરી રહી હતી પણ તે છટકે તે પહેલાં તેને ઉંચકીને આ નવયુવાન પોતાના ઘોડા ઉપર સવાર થઈ પોતાના ધરમપુર તરફ ઘોડાને ભગાવી ચાલી નીકળ્યો.મંદાની સખીઓ બૂમો પાડતી જ રહી ગઈ.


પોતાના નગરમાં લાવીને તેણે મંદાને પોતાના માતા-પિતાથી ખાનગીમાં બંદી બનાવી રાખી. આ વાત જોતજોતામાં માણેકપુર અને ધરમપુરમાં આ વાત ફેલાઈ ગઈ.


મહોબત સિંહનાં પિતાને આ વાતની જાણ થતાં તેમણે મહોબત સિંહને અને મંદાકિનીને રાજ દરબારમાં હાજર કર્યા અને પોતાના દિકરાને આવું ખરાબ કૃત્ય કરવા બદલ છ મહિના સુધી નગરની બહાર રહેવા માટેનો દંડ ફટકાર્યો.


મહોબત સિંહ અંદરથી ખૂબજ સમસમી ગયો હતો પરંતુ રાજાનાં હુકમ આગળ તેનું કંઈ જ ચાલે તેમ ન હતું.


રાજા ધરમસિંહે મંદાને પણ તેની ઈચ્છા મુજબની મહોબત સિંહને શિક્ષા આપવા કહ્યું. મંદાએ મહોબત સિંહ પાસેથી વચન માંગ્યું કે તે કદી અબોલ મુંગા પશુઓનો શિકાર નહીં કરે મહોબત સિંહે મંદાની આ ઈચ્છા માન્ય રાખી અને આવી બહાદુર રાજકુંવરી પોતાની સાથે લગ્ન કરે તો પોતાનો બેડો પાર થઈ જાય તે વિચારે ભર્યા રાજદરબારમાં તેણે મંદાનો હાથ માંગ્યો.


મંદાએ પણ તેની સાથે લગ્ન કરવાની ઈચ્છા બતાવી અને પોતાના માતા-પિતા પાસે સંમતિ માંગી.


મંદાના માતા-પિતાએ આ લગ્નની સંમતિ આપતાં બંનેનાં ધામધૂમથી લગ્ન લેવાયા અને બંને નગરમાં તેની સુંદર ઉજવણી કરવામાં આવી.


~ જસ્મીના શાહ 'જસ્મીન'


દહેગામ


3/7/2021