Pratyancha - 14 in Gujarati Fiction Stories by DR KINJAL KAPADIYA books and stories PDF | પ્રત્યંચા - 14

Featured Books
Categories
Share

પ્રત્યંચા - 14

ખુશીઓએ જાણે મારૂં સરનામું શોધ્યું હોય એમ લાગતું હતુ. રાત તમારા પડખામા અને દિવસ તમારા વિચારોમા ક્યારે જતા રહેતા હતા ખબર જ ના પડી. સવારે ઉઠી સાથે ગરમ ગરમ કોફી અને નાસ્તો ખાવાની એ મજા આજે પણ મને યાદ છે. હું ખુશ હતી. રૂપિયાની કમી તો તમારી પાસે હતી નહી. પણ તમારી હોસ્પિટલ પ્રત્યેની લગન, અને પેશન્ટ પ્રત્યેનો લગાવ તમને એક અલગ જ મુકામ પર બેસાડી દીધા હતા. બપોરે તમારી સાથે લંચ કરવા માટે જોવાતી રાહ આજે પણ યાદ છે. ક્યારેક તમે ના આવ્યા હોય તો એમનેમ બપોરે સુતા પણ મારો મૂડ ખરાબ નથી થયો. બધું જ પરફેક્ટ ચાલી રહ્યું હતુ. ઘરને સજાવવા , ઘરના નાના મોટા કામ કરવામા દિવસ ક્યાં જતો ખબર જ ના પડતી. આજે એમ થાય આટલા વર્ષ કેવી રીતે જતા રહયા. જેમ ડાયરીના પન્ના પતવા આવી રહ્યા છે એમ લાગે છે, બસ આટલી જ જિંદગી હતી મારી. તમારી આસપાસ ની એક નાનકડી દુનિયા. જે તમારા જ વિચારથી શરૂ થતી અને તમારામા ભળી જઈ પુરી થતી. ક્યારેક બધું જ કહી દેવાનું મન થતું મને. પણ કહી નહોતી શકતી. મારા છેલ્લા શ્વાસ સુધી આ વાતનું દુઃખ રહશે. કે જે ખુશીઓ મળી છે એ એક જૂઠના લીધે મળી છે. દુનિયાથી દૂર ફાર્મહાઉસમા ક્યારેય મને એકલું લાગ્યું પણ નહી.
તો પ્રહર તમે એ ફાર્મહાઉસમા રહેતા હતા ? જ્યાં હિયાને.. ? ના પાખી, મારૂં એક બીજું ફાર્મહાઉસ છે, બોપલ સાઈડ ત્યાં અમે રહેતા હતા. એ સિટીથી દૂર હતુ. મારી હોસ્પિટલ અને આ ઘર નજીક પણ રહેતા. અને ત્યાં કોઈની અવરજવર નહોતી. નહી તો આટલા વર્ષમા તો કોઈને તો ખબર જ પડી હોત. ક્યારેય પ્રત્યંચાએ બહાર જવાની જીદ નથી કરી. ક્યારેક એ પોળમા જ જતી. બસ, બાકી મે ક્યારેય હોસ્પિટલમાંથી રજા નથી લીધી. ના ક્યારેય પ્રત્યંચાએ ફરીયાદ કરી છે. એને એ ફાર્મહાઉસને સજાવું બહુ જ ગમતું. રોઝ કંઈકને કંઈક નવું કરતી રહેતી. મારા માટે અલગ અલગ મને ભાવતું જમવાનું બનાવું અને મને ખુશ કરવો એ જ એનું જાણે કામ હતુ. આજે વિચારું છુ તો એમ થાય. કેટલી સાદગીથી એને પસાર કરી દીધી જિંદગી. હા પ્રહર, પણ બધું બરાબર હતુ તો વચ્ચે આ ખૂનને એ બધું આવ્યું જ ક્યાંથી. હવે એતો પ્રત્યંચાએ આગળ શુ લખ્યું છે એ વાંચીએ ત્યારે જ ખબર પડશે. પાખી, તારો કોલ આવે છે.. પહેલા વાત કરી લે પ્રયાગ છે. પ્રહર પછી કરીશ પહેલા આ વાંચી લઈએ મારાથી રહેવાતું નથી હવે. ના પાખી, તું પ્રયાગ સાથે વાત કરી લે એને કહી દે તારા મનની વાત. ક્યાંક મોડું ના થઈ જાય. ઓકે પ્રહર. હેલો, પ્રયાગ કેમ છે ? પાખી બધું બરાબર છે ને ? હા પ્રયાગ મારે તમને કંઈક કહેવું છે. પ્રયાગ મને નથી ખબર ક્યારથી, પણ હું તમને પ્રેમ કરવા લાગી છુ. હું થાકી ગઈ છુ એકલી રહીને. થાકી ગઈ છુ આમતેમ એકલી દોડીને. શુ મને તમારો સાથ મળશે ? પાખી, આઈ લવ યુ.... હું પણ તારા વગર અહીંયા ત્યાં ભાગીને થાક્યો છુ. હું તારો સહવાસ, તારો સાથ હર પળ ઝંખુ છુ. પાખી શરમાઈ ગઈ. એનાથી પુછાઈ ગયું, ક્યારે આવો છો મારી પાસે ? પાખી હું બે જ દિવસમા અહીંનું બધું જ કામ પતાવી દઈને હંમેશા માટે તારી પાસે આવી જઈશ. ત્યાંની જ કંપનીમા કામ શોધી લઈશ. પાખીની ખુશીનો પાર ના રહયો. પ્રહર, થૅન્ક્સ આ બધું તારા લીધે થયુ. અફસોસ થાય છે કાશ પહેલા મે હિંમત કરી કહી દીધું હોત તો. વેલ ડન પાખી. પ્રત્યંચા જેલની બહાર આવી જાય એટલે તારી પાસે પાર્ટી લઈશ હું. હા પ્રહર સ્યોર આપણે એક ગ્રાન્ડ પાર્ટી કરીશુ. ચાલ પહેલા હવે થોડું જ બાકી છે એ વાંચી લઈએ.
એ દિવસે પણ મારી સવાર સરસ રીતે પસાર થઈ રહી હતી. દાદીનો ફોન આવ્યો, દાદીએ મને મળવા બોલાવી. હું તમને મેસજ કરી પોળમા જવા નીકળી ગઈ. ત્યાં ગઈ તો ખબર પડી દાદી મમ્મીના ત્યાં છે. અને થયુ ચાલ ત્યાં જઈ આવું. આજ પહેલા મને એવી બેચેની થઈ નહોતી. દાદી માટે એક ડર લાગવા લાગ્યો હતો. દાદી એમનેમ તો મને બોલાવે નહી. એમના અવાજમા ડર પણ હતો. હું ફટાફટ ફીયાઝખાનના ઘરે પહોંચી. હું ગેટની અંદર ગઈ. મૅઈન હોલ આગળ આવી હું પૂછવા જ જતી હતી કે દાદી ક્યાં છે ? કે મે જે જોયુ મારા હોશ જ ઊડી ગયા. હિયાન મારી મમ્મીના વાળ ખેંચી રહયો હતો, અને મારી રહયો હતો. સરલ અને ફીયાઝ મમ્મીને કહી રહયા હતા, બોલ જલ્દી ક્યાં મુક્યો છે અમારો સામાન ? સરલના હાથમા એક ખૂંખાર મોટું ચાકુ પણ હતુ. એ કહી રહયો હતો કે બોલ નહી તો હાલ જ આ તારા પેટમાં મારી દઈશ. આ બધું શુ હતું ? મારી આંખો પહોળી થઈ ગઈ હતી આ બધું જોઈ. કયા સામાન માટે મારી મમ્મી જોડે આવું વર્તન થઈ રહ્યું હતુ. હું મારી જાતને રોકી ના શકી હું અંદર જવા ગઈ અને મારી મમ્મીની નજર મારી પર પડી. એને મને ઈશારો કર્યો કે જા તું અહીંથી જતી રહે. હું કશુ સમજુ એ પહેલા ફીયાઝની નઝર મારી પર પડી. એ પવન વેગે મારી નજીક આવ્યો અને મારા હાથનું બાવડું ઝાલી મને અંદર લઈ ગયો. સરલ મારી નજીક આવ્યોને એક સટાક કરતો મને લાફો મારો દીધો. સીધો સાદો મારો નાનો ભાઈ જેની આંખોમા આજે ખુન્નસ હતુ. એક ઝુનુન હતુ.એની કાતિલ આંખોમા જે રોષ હતો એ મને સાફ સાફ દેખાતો હતો. હિયાને મને પૂછ્યું, બોલ તું કેમ અહીં ઉભી હતી. શુ જાણે છે તું ? મે કહયું મને કંઈજ નથી ખબર કે અહીં શુ ચાલી રહ્યું છે. તું કેમ મારી મમ્મી જોડે આવું વર્તન કરી રહયો છે તું મમ્મીને છોડી દે. હાલ છોડું એને પણ તું એને કહી દે જે મને જોઇએ છે એ આપી દે. મે મમ્મીને કહયું મમ્મી શુ છે આ બધું ? મને કહીશ કે આ બધા આંતકવાદી બનીને તારી સાથે આવો વ્યવહાર કેમ કરી રહયા છે ? આંતકવાદી જ છે બધા... મમ્મી મોટેથી બોલી. હા પ્રત્યંચા આ બધા આંતકવાદી છે. એ લોકોનો સામાનનો મોટો એવી જથ્થો જેમાં બંદૂક, ડ્રગ્સ, ને બીજા ઘણા ઘાતક હથિયાર ગાયબ છે. હું નથી જાણતી એ ક્યાં છે ! આ બધાને લાગે છે મે છુપાયા છે. વર્ષો સુધી તારી જિંદગી માટે, તારી દાદીની ઝીંદગી માટે હું ચૂપ રહી. તો હવે શુ કરવા હું કશુ કરવાની ? આ લોકો માનતા જ નથી. અને આજે હિયાનતો ઠીક જેને મારી કોખે જન્મ આપ્યો એ સરલ પણ મારી સામે આવી ઉભો છે. એના માટે મારી કોઈ કિંમત નથી. એ હથિયાર જે બીજાનો જીવ લેવા કામમા આવવાના એના માટે મને મારવા તૈયાર થયો છે. હજી તો મમ્મી કશુ બોલતી હતી અને સરલ બંદૂક લઈ આવી ગયો, અને એને મમ્મીના કપાળ ઉપર બંદૂક રાખી દીધી. મને કંઈજ સમજાયું નહી, અને મે દોડીને સરલને ધક્કો માર્યો. એના હાથમાંથી બંદૂક લઈ લીધી. મારામા હિમ્મત આવી ગઈ. મે બંદૂકને હિયાન સામે તાકી. હિયાન મમ્મીને મને અહીંથી લઈ જવા દે. નહીતો હું તારું ખૂન કરી દઈશ. પ્રત્યંચા તને પ્રહર જોડે મે મોકલી દીધીને. તને રસ્તામાંથી હટાવી દીધી. તારા લગ્નની ખબર કોઈને પડવા ના દીધી, કારણ કે તું આ રૂપ ના બતાવે. તું જેટલી દબાયેલી રહે એટલું અમારા માટે ફાયદામા હતુ. તું ડરતી રહે તો અમારો ડર ઓછો થઈ જાય. તું આજે મારી સામે ઉભી છે ? મને મારવા ? યાદ નથી એ રાત ? આજે પણ તને અને પ્રહરને ક્યાંય ઉડાડી દઉં. હિયાન બોલે જતો હતોને ફીયાઝે આવી મારી જોડેથી બંદૂક લઈ લીધી. પણ મે હાર ના માની. ત્યાં પડેલી બીજી બંદૂક મે ઉઠાવી. કોણ જાણે પણ આ વખતે એ બંદૂકની ટ્રીગર દબાઈ ગઈ અને સીધી સરલની છાતીમા વાગી. મે કોઈ નિશાનો નહોતો કર્યો. એ અજાણતા જ બંદૂક ઉઠાવતા જ થઈ ગયું. હિયાન અને ફીયાઝ રોષે ભરાયા. ફીયાઝે મારી મમ્મી સામે બંદૂક તાકી. એટલે મે હિયાન સામે બંદૂક તાકી. અને કહયું હું હિયાન ને મારી દઈશ. ક્યાંથી એટલો ગુસ્સો આવ્યો મને કે મે હિયાન ને ગોળી મારી દીધી. અને હું ત્યાં જ હારીને બેસી ગઈ. પણ મારી નજર ઉપર થઈને મે જોયુ તો ગોળી મમ્મીને વાગેલી હતી. મમ્મીએ મારી સામે જોયુ. અને બોલી ધન્ય થઈ ગઈ હું આ હત્યારોના હાથે મારવા કરતા મારી ફૂલ જેવી દીકરીના હાથે મરીશ. હું રડી, બુમો પાડી. પણ મારા હાથે જ મારી મમ્મીનું ખૂન થઈ ચૂક્યું હતુ. હિયાન મારી નજીક આવ્યો. મારા વાળ પકડીને મને ખેંચવા લાગ્યો. ચાલ તને તારી અસલી જગ્યા બતાવું. મે ફરી હિમ્મત એકઠી કરી. મારાથી થોડે દૂર પડેલી બંદૂક પગ વડે મારી નજીક લાવી. હિયાનના બરડામાં ધડાધડ મે ત્રણ ગોળી મારી દીધી. ફીયાઝ મારી તરફ બંદુક ઉઠાવે એ પહેલા ફીયાઝ ખાનને પણ મે મારી નાખ્યો. ચાર લાશો મારી આજુબાજુ પડી હતી. મે પોલીસને ફોન કર્યો. મે આ બધાની હત્યા કરી છે. હું જાણતી નહોતી કે એ લોકોના હથિયાર ક્યાં છે? એ કોના માટે કામ કરતા હતા. એટલે આ બધું પોલીસને કહેવું મુશ્કેલ હતુ. મારી આંખમાંથી આંસુ નહોતા આવતા. મારા દિલમા શાંતિ થઈ હતી. દુઃખ એ જ વાતનું હતુ કે આ બધાના લીધે મારા હાથે બેગુનાહ મારી મમ્મીનું ખૂન મારા હાથે થયુ.
શુ થશે પ્રહરનું પ્રત્યંચા વિશે જાણીને ? શુ પ્રહર પ્રત્યંચાને બચાવી શકશે ? જાણો છેલ્લો ભાગ આવતા અંકે.....