ડ્રીમ ગર્લ 38
માથું સખ્ત ફાટતું હતું . હજુ ઉજાગરાની અને નિર્ણયો લેવામાં પડેલી તકલીફની અસર હતી. જિગર ઉભો થયો અને બ્રશ કરી કોફી અને સેન્ડવીચ બનાવી અને સોફામાં બેઠો. સૌથી પહેલાં એણે વિશિતાની ગાડી માટે ડિઝાઇન કરેલા ફોટોગ્રાફ હેમંતને મોકલી આપ્યા. અને પછી નિલુને કોલ કરી અમીને લઈને આવવાનું કહ્યું.
ગઈ કાલના પ્રિયાના ત્રણ મિસકોલ હતા. જિગરે પ્રિયાને કોલ કર્યો.
" ગુડ મોર્નિંગ. "
" કોઈ ગુડ મોર્નિંગ નથી કરવું. મારે તારી કોઈ જરૂર નથી, હવે આવતો નહિ. હું મારું ફોડી લઈશ. "
પ્રિયાના અવાજમાં ગુસ્સો હતો. ગુસ્સો પણ એની ચરમસીમા પર હતો કેમકે ગુસ્સાથી પ્રિયાનો અવાજ ધ્રૂજતો હતો. પણ જિગરને એ સમજાતું ન હતું કે પ્રિયાને કેવી રીતે સમજાવવી. જ્યાં સુધી અભિજિતની વિધિ ના પતે ત્યાં સુધી કોઈ વાત પ્રિયાને કરવાનો અર્થ ન હતો. અને આગળ શું થશે, કેટલો ટાઈમ ક્યાં જશે એ નિશ્ચિત ન હતું. એટલે જિગર ત્યાં સુધી અહીં ના કામ પતાવી દેવા માંગતો હતો.
" પ્રિયા, સમજવાની કોશિશ કર. મારે ખૂબ જ કામ છે અને એ પતાવીને હું જલ્દી આવી જઈશ. કમસે કમ વિધિ ના પહેલાં તો ચોક્કસ આવી જઈશ. "
" મને ખબર છે તારે શું કામ છે. "
" શું ખબર છે ? "
" પેલી નિલુડીની પાછળ લટુડા પટુડા કરવાના. "
" એવું નથી પ્રિયા. "
" એવું જ છે. એ તો સારું છે કે નિશિધે બધું ઉપાડી લીધું છે. "
નિશિધનું નામ સાંભળી જિગરના મનમાં કડવાશ આવી. જિગર લાખ કોશિશ કરે તો પણ નિશિધ માટેની અરુચિ મનમાં આવી જતી હતી.
" ઓ.કે..પ્રિયા બાય. "
અને જિગરે ફોન કાપી નાંખ્યો. પ્રિયાને આશ્ચર્ય થયું અને પસ્તાવો પણ થયો. જે માણસે પોતાના પિતાને બચાવવા પોતાની જાનની બાજી લગાવી દીધી એની સાથે પોતે આવી રીતે વાત નહતી કરવી જોઈતી. પણ એ શું કરે ? જિગર, કાલે ત્રણ ત્રણ વાર ફોન કર્યા તો છેક આજે ફોન કર્યો. અવાય નહિ તો કંઇ નહિ, પણ વાત તો કરવી જોઈએ ને? કેટલી ચિંતા થતી હતી.
માટે જ આપણી ચિંતા કરનાર જોડે નિયમિત વાત કરતા રહેવું જોઈએ.
** ** ** ** ** ** ** ** ** **
સ્કીન ટાઈટ સફેદ જીન્સ પર બ્લેક કુર્તામાં અમી ખૂબ જ મોહક લાગતી હતી. વાંકડિયા વાળ યુ સેઈપમાં કપાવી ખુલ્લા રાખ્યા હતા. બ્લેક કુર્તાને કારણે એનો ચહેરો વધુ ગુલાબી લાગતો હતો. સાથે હતી જિગરની ડ્રીમ ગર્લ, સ્વપ્નસુંદરી નિલુ. નેવી બ્લ્યુ લેગિન્સ પર ગુલાબી ભરત ભરેલો કુરતો અને લાંબા સિલ્કી વાળને ઓળી, થોડી લટોને કપાળ પર રમતી રાખી હતી. લાંબા, ભરાવદાર ચહેરા પરનો તામ્રવર્ણનો ચહેરો વધુ ચમકતો હતો. ચહેરા પર એક આછું હાસ્ય જે જિગરને પરવશ કરતું હતું. અને એના ચહેરા પર જિગરને જોઈને એક અજબ ચમક આવતી હતી.
બન્ને ઘરમાં આવી અને જિગરે દરવાજો બંધ કર્યો.
" તમે બન્ને બેસો, હું કોફી અને સેન્ડવીચ લાવું છું. "
નિલુ બોલી.
" હું બટાકાપૌઆ બનાવી લાવી છું. તું બેસ , સાથે નાસ્તો કરીએ. પછી હું કોફી બનાવુ છું. "
" ઓ.કે... "
નિલુએ નાસ્તાનો ડબ્બો ખોલ્યો. ત્રણે એક જ ડબ્બામાંથી નાસ્તો કરવા લાગ્યા.
" તમારા બન્નેમાંથી બેન્કમાં લોકર કોની પાસે છે. "
નિલુ : "મને તો તું ઘરેણાં બનાવી આપે તો હું લોકર ખોલાવું ને. "
જિગર : " તો તો મારે લોકર માં તને જ પુરવી પડે. મારો મોંઘો દાગીનો તો તું જ છે. અમી તારી પાસે છે લોકર ? "
" હા છે. "
" તું જ ઓપરેટ કરે છે? "
" હા. "
" મારું એક કામ કરીશ ? "
" બોલ... "
" હું તને એક કવર આપીશ એ કવર તારે કોઈ ને ખબર ના પડે એમ લોકરમાં મૂકી દેવાનું છે. "
" ઓ.કે.. પણ કંઇ લોચો નથી ને ? "
" ના, ના. હવે તમે બન્ને મારી વાત ધ્યાનથી સાંભળો. હું એક કવર આપું એ લઈ તમે બન્ને નિલુના ઘરે જાઓ. કલાક પછી અમી એના ઘરે જશે. બપોરે અઢી વાગે અમી બેન્કમાં જઇ લોકરમાં એ કવર મૂકી દેશે. "
નિલુ : " હું અમીની સાથે જાઉં. "
" ના, તારે ક્યાંય જવાનું નથી. "
જિગરના મોબાઈલ પર એક અનનોન નમ્બર પરથી કોલ આવ્યો. જિગરે કોલ રિસીવ કર્યો.
" હેલો.. "
" હેલો જિગર, આઈ એમ વિશિતા. મને એક ડિઝાઇન ગમી છે તું આજે આવ તો એ હું બતાવી દઉં. પણ મારે એક બે ફેરફાર પણ કરવા છે, એ પણ બતાવી દઉં. "
" ઓ.કે.. ભાભી , હું આવું છું. "
નિલુ અને અમી બન્ને વિચારમાં પડ્યા. આ ભાભી કોણ હશે. નિલુથી ના રહેવાયું.
" જિગર આ નવા ભાભી કોણ છે? "
" વિશિતા. "
અમી : " નિલુ ધ્યાન રાખજે, મને તો લોચા લાગે છે. "
" એ વાંદરી, શેના લોચા. ખાલી ખાલી ઝગડા ના કરાવ... "
નિલુ : " એ ય જિગર, મારી બહેન તો હુશનપરી છે, સમજ્યો. વાંદરી તો વિશિતા હશે. "
" એ તો તમે જોશો ત્યારે ખબર પડશે, તારી બહેન તો જાડી, એક ડિલિવરી પછી ઢમઢોલ થઈ જશે. "
અમી જાણતી હતી કે જિગર મઝાક કરે છે. અને મઝાક ત્યાં જ થાય છે જ્યાં પ્રેમ હોય.
નાસ્તો પતી ગયો હતો. અમી કોફી બનાવવા ગઈ. જિગરે નિલુ સામે જોયું.
" નિલુ એક કામ હતું. "
" બોલ.. "
" તારા કાન નીચે પાછળ ગળા પર લાખાનું નિશાન છે. "
" તો ? "
" તો એક વાર. "
" શું એક વાર ? "
" હું પપ્પી કરી શકું .. ? "
" સાવ નફ્ફટ, કાંઈ શરમ જેવું છે કે નહિ? "
(ક્રમશ:)
14 માર્ચ 2021