રંગીન હતી પાંખો, શેષ પીંછા સફેદ બચ્યાં છે,
મેં કાળી છતમાં આભલાં રૂપે ચમકતાં તારા રચ્યાં છે.
જામનગર જિલ્લાનાં ભલસાણ ગામની ભાગોળે આવેલી નદીનાં કિનારે સફેદ રંગના સાડલામાં સજ્જ એક સ્ત્રી બેઠી હતી. આકાશમાં ક્ષિતિજે કાળા લીટાંડાને ચીરતો સૂર્ય વાદળોની પાળી કૂદીને બહાર આવી રહ્યો હતો. સાડલાનો છેડો કપાળથી નીચે નાક સુધી ખેંચીને બેઠેલી સ્ત્રી હતી ગુલાબ. નામ જેવી જ ગુલાબ રોજ સવારે આમજ આવીને નદીના કિનારે બેસતી.
વહેલી પરોઢે પાણી ભરવા નીકળેલી ગુલાબ આજની જેમ રોજ અહીં બેસતી અને દૂર સામે ખોડિયાર મંદિરની પાછળથી ઉગતા સૂર્યને અને એના કિરણો દ્વારા ભૂખરા આકાશમાં પથરાતા રંગોને નિહાળતી અને હરખાતી. પછી થોડીવાર આકાશનું પ્રતિબિમ ઝીલીને રંગીન થયેલા પાણીમાં પોતાનું મુખ ઘૂંઘટ માથેથી ઉતારીને જોઈ લેતી. પોતાના હાથેથી ખેંચીને લાલ કરેલા ગાલને પંપાળતી ગુલાબ મિનિટો સુધી બેસી રહેતી.
આજે પણ એજ દ્રશ્ય ભજવાઈ રહ્યું હતું.
"એ ગુલાબ! ગાંડી થઇ ગઈ છે કે શું? આ ઉઘાડે માથે બેઠી છે તો ગામ વાતો કરશે. ગામના પંચોનો અહીંથી નીકળવાનો સમય થવામાં છે. ભૂંડી લાગે છે તું. લાજ કાઢ અને ઘરભેગી થા. રમલીને દોહવાનો સમય પણ થઇ ગયો છે." , દૂરથી ગુલાબની સખી અને પાડોસી ઉષ્માએ જાણે રાડ નાખી.
અચાનક વાસ્તવિકતાનું પ્રેત આંખ સામે ઉભું રહ્યું અને ગુલાબનું ગુલાબી મોઢું સફેદ રંગના ઘૂંઘટ પાછળ અસ્ત થઇ ગયું.
દરરોજ સવારે આ દ્રશ્ય ભજવાતું. ગુલાબ નદીએ આવતી, આકાશને જોતી, પોતાને જોતી અને પછી ઉષ્મા એને વાસ્તવિકતાનું ભાન કરાવતી ત્યારે ગુલાબ ફરી પોતાની વાસ્તવિક દુનિયામાં ચાલી જતી.
એકવીસ વર્ષની ગુલાબને રંગ ખૂબ ગમતાં. ઉગતાં-આથમતાં સૂરજ દ્વારા સુશોભિત આકાશ એને કોઈ રંગ ભરેલી બાંધણી જેવું લાગતું. નાનપણમાં બાપનાં ખેતરમાં ઉગતાં વિવિધ પુષ્પોને માથે સજાવીને તે કુવામાં પોતાની જાતને જોયા કરતી. રંગ ભરેલા પતંગિયાઓ પાછળ તેની આંખો પાંખ બનીને તેને ઉડાડતી. રાત્રે ખુલ્લા ખેતરમાં ખાટલે ચત્તીપાટ સૂતી તે અસંખ્ય તારાઓને જોયા કરતી.
નાદાનીમાં તેણે પોતાના પિતાને એકવાર કહી પણ દીધું હતું, "બાપા, મારા માટે વર શોધો તો એવો શોધજો જેણે રંગનું કામ હોય અથવા જે રંગીન બાંધણી બનાવતો હોય, જેને ખુલ્લું ફળિયું હોય જેમાંથી આ આકાશ ખુલ્લું દેખાતું હોય. જેના ખેતરમાં આપણા ખેતર જેવા જ રંગીન ફૂલ ઉગતાં હોય. હું તો એવાને જ પરણીશ."
પિતા એની નાદાની ઉપર હસીને હકારમાં માથું ધુણાવતા.
ગુલાબનો સપનાઓની માટીથી ચણેલો મહેલ થોડા વર્ષોમાં જ ધરાશાયી થઇ ગયો જ્યારે એના લગ્ન થયા. ઘર હતું, મોટું ફળિયું પણ હતું, ખેતરમાં પુષ્પો પણ હતાં, પણ શરમ અને સમાજની બેડીઓનો ભાર એને ઘરમાંથી બહુ નીકળવા દેતો નહિ.
છતાં પણ વિવિધ રંગ માટેના પ્રેમને પોતાની ભીતર જીવંત રાખતી ગુલાબનો રંગીન સંસાર આંસુઓમાં ઓગળી ગયો જ્યારે તમાકુની લતે ચઢેલો ગુલાબનો વર ગુલાબની જિંદગીમાં સફેદ અને કાળા રંગ ભરીને દેવ થઇ ગયો. પહેલા સમાજની બેડીઓ હતી, હવે વિધવા, શાપ, અપશુકનિયાળ; આવા શબ્દોની સાંકળોથી સમાજે તેને બાંધી દીધી હતી. રંગોથી, આભૂષણોથી પોતાને સજાવતી ગુલાબ હવે સફેદ સાડલામાં કેદ થઈ ગઈ હતી.
બસ આજ અંધારાઓથી દૂર રોજ સવારે ગુલાબ નદી કિનારે આવીને બેસતી, પોતાને જોતી અને ક્ષણિક માણેલી રંગીન દુનિયા સાથે તે ઘરે ચાલી જતી.
એકવાર આવી જ સવારે ઉષ્માએ ગુલાબને ફરી ત્યાંજ નદી કાંઠે એકલી બેઠેલી જોઈ. સવાર થવાને હજી સમય હતો. આકાશ ઉપર સૂરજની રંગોળી હજી આરંભાઈ નહોતી. મનમાં અનેક સવાલ સાથે ઉષ્મા નદી કાંઠે પહોંચી. ગુલાબ હજી પણ દૂર આકાશને જોઈ રહી હતી. નદીમાં બોળેલા તેના પગ પાણી સાથે રમી રહ્યાં હતાં.
"ગુલાબડી! તું પાછી અહીંયા આવીને બેઠી. આ રોજ રોજ અહીં આવીને આ આભને અને આ પાણીને શું જોતી બેસે છે તું? દૂરથી જોવેને કોઈ તને તો ગાંડી જ સમજશે. અને આ ઉઘાડે માથે બેઠેલી તને કોઈ જોશે તો ગામ ગજવશે. ભૂલી ગઈ કે તું......", ઉષ્માએ ગુલાબ પાસે આવીને ઉભા રહેતાં કહ્યું.
"કે હું વિધવા છુ એજ ને? બેસ મારી બાજુમાં." ,ગુલાબે ઉષ્માનો હાથ ખેંચીને નીચે બેસાડી. માથે ઓઢેલો છેડો થોડો સરક્યો જે ઉષ્માએ પકડીને પાછો ખેંચીને નાક સુધી લંબાવ્યો. આ જોઈને ગુલાબ ખડખડાટ હસી પડી.
"તારે જાણવું છે ને કે હું કેમ અહીં આવી ને બેસું છું? તો પહેલા મને કહે તને આ ઉપર આકાશમાં કયો રંગ દેખાય છે? આ ઘૂંઘટ ઉતાર્યા વગર જોઈને કહેજે મને!" , ગુલાબે હાથથી ઉષ્માનું માથું ઊંચું કરતાં પૂછ્યું.
"ઘેરો લીલો રંગ." , ઉષ્માએ જવાબ આપ્યો.
"નદીનો કયો રંગ દેખાય છે? " , ગુલાબે આંગળી ચીંધતા પૂછ્યું.
"એનો પણ ઘેરો લીલો." , વિચિત્ર અકળામણ અનુભવતા ઉષ્મા બોલી.
"અચ્છા સામે પુલ ઉપર ગાય ચરે છે, તેનો શું રંગ દેખાય છે?" , ગુલાબે દૂર પુલ તરફ જોતા પૂછ્યું.
ઉષ્મા ચૂપ રહી. નીચું જોઈ ગઈ.
"એનો પણ ઘેરો લીલો જ દેખાય છે ને? હું પણ તને અત્યારે ઘેરા લીલા રંગની જ દેખાતી હોઈશ, હેને?" ,ગુલાબે શબ્દોની ધાર કાઢીને સવાલ વડે ઉષ્માની જીભ કાપતા પૂછ્યું.
"અરે ગાંડી! આ ઘૂંઘટ એક પીંજરું છે. એક કદરૂપું, ગંધાતું, સડતું પીંજરું. જ્યાં સમાજે કાઢેલો એઠવાડ રોજ ગંધાય છે. આ પીંજરું એ ભ્રમ છે કે આપણા માટે દુનિયા એકજ રંગની હોવી જોઈએ. રોજ સવારે તું ઉઠે અને રાત્રે પથારીમાં પડે ત્યાં સુધી તું, હું અને આપણી આજુબાજુ મોઢે આવા ઘૂંઘટના પિંજરા ઓઢીને ફરતી કેટલીય ગુલાબ અને ઉષ્મા એકજ રંગનું જીવન જીવે છે. આજે લાલ અને પછી કાલે લીલો અને પછી ભૂરો. પતિ મૃત્યુ પામે ત્યારે સમાજની અવગણનાના ડામ છુપાવતી સ્ત્રીઓ આખી જીંદગી સફેદ કપડામાં કેદ દુનિયાનાં રંગોને સફેદ થતાં જોતી જ મૃત્યુ પામે છે." ,આટલું બોલીને ખરડાયેલી આંખો લૂંછતી ગુલાબ થોડો સમય ચૂપ રહી.
અંગારા વરસી ગયા હોય તેવી બળતરા હવે ઉષ્માને અનુભવાતી હતી.
"આ કેદથી મુક્ત, સમાજના અભણ વિચારોથી દૂર, જીવનમાં ભળી ગયેલી સફેદીને ડામવા હું અહીં આવીને બેસું છું. આ પંદર મિનિટની રંગીન આઝાદી મને આખો દિવસ જીવવાનો જુસ્સો પૂરો પાડે છે. આ ઉપર આકાશ જો! આ કાળું આકાશ જે ઉપર ફેલાયેલ છે એ જાણે મારુ જીવન છે. સાવ રંગહીન. અંધારિયું! પણ જયારે ઉગમણીથી સૂરજ ડોકિયું કરે છે ને ત્યારે આખું આકાશ લાલ,કેસરી, પીળા એવા અનેક રંગોથી ભરાઈ જાય છે. એ પ્રકાશ જ્યારે મારા મુખ ઉપર પથરાય છે ને ત્યારે હું મારી જાતને આ સામે પથરાયેલી નદીમાં જોઈ લઉં છું. પતંગિયા જેવી રંગીન, ચમકતી."
"સમાજની કર્કશ નજરનાં, એકલી જીવતી સ્ત્રી પાસેથી અણઘડ ઈચ્છાઓ રાખતા રાક્ષસોનાં, કલંક તરીકે ચીતરતી અને ઓટલા ઘસતી ગામની મસીઓનાં વિચારો, વર્તન અને નજરથી મારી આત્મા અને મન ઉપર જે ડાઘ રોજ દિવસ દરમિયાન પડે છે એને રોજ સવારે આ પવિત્ર નદીમાં ધોવાનો પ્રયત્ન કરું છું, ઉષ્મા! આખી રાત પડખું બદલું ત્યારે બાજુમાં સૂતેલો ખાલીપો અને ગલીમાં છોકરા રમતાં જોઉં ત્યારે વર્તાતી એકલતા દૂર કરવા અહીં આવીને મારી જ સાથે વાત કરી લઉં છું. એમ પણ વિધવાનાં બેજ મિત્રો હોય છે; એક સફેદ સાડલો અને બીજુ એનું પ્રતિબિંબ!" ,સફેદ સાડી ઉપર આંખમાંથી ખરતા આંસુઓ જીવ ટુંકાવતા ટપકતા રહ્યાં અને ગુલાબ બોલતી રહી.
"ગુલાબ, જેવો પણ છે આજ સમાજ છે જેમ આપણે રહેવાનું છે, જીવવાનું છે, મારવાનું છે. ક્યાં સુધી ભાગીશું?" ,ભીની આંખો લૂછતાં ઉષ્મા પૂછી બેઠી.
"હા આપણે આ સમાજને ધરી બનાવીને જ ગોળ ગોળ ફરવાનું છે. પણ, જેમ ચંદ્ર સૂર્યને ઢાંકીને પૃથ્વી ઉપર અંધકાર પાથરે છે તેમ આ પરોઢનું ગ્રહણ સમાજ ઉપર પાથરી જીવનમાં રંગો ભરી લેવા એ કોઈ અપરાધ તો નથી!"
"તને ખબર છે અજવાળું મને અભિશાપ લાગે છે. આ ઘૂંઘટમાંથી આરપાર થતા સૂરજનાં કિરણ મારા જીવનમાં શેષ બચેલી સફેદીની ચાડી ખાય છે. ઘરના અંધારિયા રસોડા કે ઓરડામાંથી જ્યારે સૂરજનો તાપ ફેલાતો જોઉં છું ત્યારે તે કાળા અને ચમકતા પીળા રંગનું સંગમ સ્થાન મને લક્ષ્મણ રેખા જેવું લાગે છે જેને ઓળંગીને આ રૂઢિચુસ્ત વિચારોનાં રાવણ રોજ મારુ હરણ કરી જાય છે."
"આકાશનાં તારા મેં વર્ષોથી નરી આંખે નથી જોયા. આભલા જડેલાં મારા વરના રૂમાલને સળગતી મીણબત્તી ઉપર રાખીને મારી કાળી છતમાં આકાશ રચવું પડે એટલી પાંગળી છું હું. પણ આ મારી રંગીન આઝાદી ભોગવતી વેળા સમાજ, વડીલો અને આખું જગ મારા વિષે શું વિચારે છે એ ભૂલ જવા માંગુ છું. બસ આ રંગોમાં ચીતરાયેલી મારી જાતને મનભરીને માણી લેવા માંગુ છું. શું વિધવાઓ એટલી અપશુકનિયાળ થઇ ગઈ છે કે પોતાની જાતને જોવા પણ તેમણે લાજ કાઢવી પડે?" , આટલું કહીને ગુલાબ ફરી નદીમાં ડગમગતી પોતાની છબીને સ્થિર કરવા મથતી રહી.
"ઉષ્મા, એકવાર આ લાજની કેદમાંથી પોતાની જાતને મુક્ત કરીને મારી જેમ રંગીન આઝાદી માણી જોજે. મંદિરમાં અનુભવાય તેવી શાંતિ તને અનુભવાશે." ,પાણીમાં જ ઉષામાંની છબીને સંબોધીને ગુલાબ બબડી.
ઉષ્મા જાણે પાંજરાની કેદમાંથી મુક્ત થયેલાં કોઈ પારેવાને ઉડતા જોતી હોય તેમ ગુલાબને જોતી રહી. થોડીવારે આળસ મરડીને સૂરજ વાદળ પાછળથી ઉભો થયો અને પ્રકાશ પથરાયો. કિરણોની પીંછી વડે રંગોળીઓ રચાઈ અને ચમકતો પ્રકાશ અંધારાને સળગાવતો ઉષ્મા અને ગુલાબના મુખ ઉપર પથરાયો. અનાયાસે ઉષ્માના હાથમાંથી છેડો છૂટી ગયો અને ઉઘાડું મુખ સામે રચાયેલું સ્વર્ગ જીલવા માંડ્યું.
ફરી ઉઘાડ થયો અને વાસ્તવિતાઓનાં પ્રેત પ્રકાશમાન થયા. એક હવાના ધક્કાથી ઓલવાયેલી અધકચરી સળગેલી સફેદ વાટ જેવી ગુલાબ ફરી એકવાર રંગોને સફેદ લાજ પાછળ છુપાવતી પોતાના ઘર તરફ ચાલી ગઈ. રંગીન આઝાદી ખંખેરીને ઉષ્મા પણ ફરી લાજની કેદમાં સરકી ગઈ.
(સમાપ્ત)