ચમત્કારિક રૂદ્રાક્ષ - Miraculous Rudraksha
(આ એક કાલ્પનિક વાર્તા છે. આને કોઇ વ્યક્તિ, વસ્તુ કે સંસ્થા સાથે કોઇ સંબંધ નથી. વાર્તામાં જણાવેલ નામ, જગ્યા, સ્થળ, કથા બધુ જ કાલ્પનિક છે.)
રૂદ્રાક્ષ....! એક વૃક્ષનું ફળ. હિન્દુ ધર્મ સાથે જોડાયેલ એક પવિત્ર વસ્તુ. ધાર્મિક પુસ્તકોમાં તો રૂદ્રાક્ષ અંગે ઘણા વાતો જાણવા મળશે. પરંતું હું અહિં લઇને આવ્યો છું એક એવા રૂદ્રાક્ષની વાર્તા જે અલૌકિક હતું. ચમત્કારિક હતું. માયાવી હતું. લોભામણું હતું. ઇચ્છા પ્રાપ્તિનું વરદાન હતું. આ અલૌકિક, ચમત્કારિક, માયાવી રૂદ્રાક્ષ ક્યાંથી આવ્યું, કોની-કોની પાસે રહ્યું અને અંતે ક્યાં ગયું તે આ વાર્તામાં વાંચીએ.
મને ખબર છે ત્યાં સુધી આ ચમત્કારિક રૂદ્રાક્ષનું ઉદ્ભવ સ્થાન ગુજરાત રાજ્યના જુનાગઢ જીલ્લાના કોડીનાર તાલુકાનું એક નાનકડું ગામ. એ ગામનું નામ સરખાડી. એ સમયે સરખાડી ગામમાં ભાગ્યેજ પચાસ-સાહીઠ પરિવાર રહેતો હશે. આ સરખાડી ગામ ગુજરાતના દરિયા કિનારાનું એક નાનકડું ગામ છે. અહીં વસ્તી ઓછી પણ જે લોકો વસે છે તેઓ ખુબ જ દયાળુ, માયાળુ અને મદદરૂપ. આ ગામના લોકો ખુબ ધાર્મિક. કોઇપણ ધર્મના લોકો હોય પણ ગામવાસીઓ માટે તો સાચી રીતે “સર્વ ધર્મ સમભાવ”. હું આશરે ત્રીસેક વર્ષ પહેલા એ ગામમાં ગયો હતો. મારૂ પોસ્ટીંગ જુનાગઢ જીલ્લાના હવામાન ખાતામાં થયેલું. ત્યારે હું મારા સહકર્મીઓ સાથે રજાના દિવસોમાં જુનાગઢના ગામડાઓમાં ફરતો. તે સમયે હવામાનમાં આટલું પ્રદૂષણ જોવા મળતું ન હતું. અને ગામડાઓમાં તો આમ પણ પ્રદૂષણ ખુબ જ ઓછું હોય એટલે ગામડાઓમાં કુદરતનો નજારો જોવાની મજા જ કંઇક અલગ હોય. અને મને આમ પણ કુદરતના ખોળે કુદરતનો નજારો જોવો અને અનુભવવો ખુબ જ ગમે.
“અરે સર, તમે બહુ આગળ નીકળી ગયા...! તમારો પરિચય તો આપ્યો જ નહી...!” પત્રકાર બોલ્યો.
· જ્યારે પણ એ ચમત્કારિક રૂદ્રાક્ષ વિશે મને કોઇ પૂછે ત્યારે હું બધુ જ ભુલી જાઉ છું. મને માફ કરશો, હું મારો પરિચય આપવાનું ભુલી ગયો. મારૂ નામ રવિશંકર ગુપ્તા છે. હું (meteorological department) હવામાન ખાતામાં નોકરી કરતા એક વિજ્ઞાનીનો આસિસ્ટન્ટ હતો. મારૂ કામ માત્ર એ વિજ્ઞાનીની સાથે રહી તેમના ઓબ્ઝર્વેશનની નોટ્સ બનાવાવાની. હવામાન અંગેની જાણકારી માટે તેમને ડિપાર્ટમેન્ટે જુનાગઢમાં પોસ્ટીંગ આપેલી. અને તેમના આસીસ્ટન્ટ તરીકે મારી પણ પોસ્ટીંગ તેમની સાથે-સાથે જુનાગઢમાં થઇ ગઇ. હું મારા સિનિયર વિજ્ઞાની સાહેબ સાથે અલગ-અલગ જગ્યાઓએ ફરતો. તેઓ હવામાનનું અવલોકન કરતાં અને હું હવામાનને અનુભવતો. આ ફરક મને તેમનાથી અલગ કરતો. હું મારા શોખ મુજબ અલગ-અલગ ગામડાઓમાં ફરતો અને ત્યાંના લોકો સાથે મૈત્રી કેળવતો.
“સર, તમે એ રૂદ્રાક્ષ જોયો છે? તમને એ રૂદ્રાક્ષ ક્યાં મળ્યો?” પત્રકાર બોલ્યો.
· હા...! મેં એ રૂદ્રાક્ષ જોયો પણ છે અને અનુભવ્યો પણ છે. પણ મને એ મળ્યો નથી.
“સર, એવું કઇ રીતે બની શકે કે તમે એ રૂદ્રાક્ષ જોયો પણ હોય, અનુભવ્યો પણ હોય અને તમને મળ્યો ન હોય..!” પત્રકાર બોલ્યો.
· હા...! એ દિવસ તો કેવી રીતે ભુલાય...! તમને શરૂથી શરૂ કરીને કહુ કે વચ્ચેથી શરૂ કરૂ?
“સાહેબ, હું આજે તમારી પાસે માત્ર આ રૂદ્રાક્ષ વિશે જ જાણવા આવ્યો છું. મારે બધુ જ જાણવું છે. મારી પાસે સમય છે. તમે શરૂથી જ શરૂ કરો.” પત્રકાર બોલ્યો.
· સારૂ તો સાંભળો...! ઉનાળાના દિવસો હતા. ભયંકર ગરમી પડી રહી હતી. સુરજની ગરમીનો પ્રકોપ જાણે આખી ધરતીને બાળી રહ્યો હતો. તડકામાં બહાર જતાં જ બળબળતો તડકો શરીરની ચામડી દજાડે તેવો હતો. આકાશ એકદમ સાફ હતું ક્યાંય એક નાનકડી વાદળી પણ દેખાતી ન હતી. જ્યાં નજર પહોંચે ત્યાં સુધી કોઇ જ વાદળ કે નાનકડી વાદળી પણ દેખાતી ન હતી. રાત્રે આખા આકાશમાં તારા જગમગતા હતાં. એકપણ તારો એવો જડતો ન હતો જે વાદળથી ઢંકાયેલો હોય. તેવા દિવસોમાં એક દિવસ અચાનક વિજળી પડવાનો અવાજ આવ્યો. અમારા હેડક્વાર્ટરની બારીની બહાર જોયું તો બધુ નોર્મલ જ લાગ્યું. ત્યાં જ અચાનક એવા વાવડ આવ્યા કે સરખાડીના દરિયાના મોજા પંદર ફુટ ઉંચા ઉછળી રહ્યા છે. એ સાંભળતા જ અમે બંને ચોંકી ગયા. કારણ કે એ દિવસે ન તો પૂનમ હતી, ન તો અમાસ હતી., ન તો એટલો પવન ફુકાતો કે ન તો વંટોળ આવેલું. એ તો દિવસનો બપોરનો સમય હતો. સૂર્ય ધમધગતો હતો અને ચંદ્ર તો ક્યાંય દેખાતો પણ ન હતો. એવી કોઇ સંભાવનાઓ ન હતી કે જે વૈજ્ઞાનિક રીતે એવું સાબિત કરી શકે કે સરખાડીના દરિયા કિનારે ઉછળતા પંદર ફુટ જેટલા ઉંચા મોજાનું કારણ જણાવી શકે. એટલે હવામાનમાં અચાનક બદલાવની જાણકારી લેવા હું અને મારા સિનિયર વૈજ્ઞાનિક સરકારી ગાડીમાં સરખાડીના દરિયા કિનારે જવા નીકળ્યા. લગભગ સાંજના ચારેક વાગ્યા હશે અને અમે સરખાડીના દરિયા કિનારાથી લગભગ એકાદ કિલોમીટર જ દુર હોઇશું ત્યાંજ ફરીથી વિજળી પડવાનો ખુબ જ જોરથી અવાજ આવ્યો. અમો વિજળીનો અવાજ આવતાં જ ડરી ગયા, એક પ્રકાશ ફેલાયો અને અમારી ગાડીની સ્પીડ અચાનક વધી ગઇ, પ્રકાશના કારણે કંઇ જોઇ ન શક્યા અને અમારી ગાડી સાથે કોઇક ટક્કર થઇ હોય તેવો અનુભવ કર્યો અને ગાડી પલટી ખાઇ ગઇ. લગભગ ત્રીસેક મીનીટ પછી મારી આંખો ખુલી અને મેં જોયું કે અમારી ગાડીની આજુબાજુ લોકો ટોળે વળીને ઉભા છે. અમારી ગાડી ઉંધી થઇ ગયેલ છે. અને લોકો મને ગાડીની બહાર કાઢવાની કોશિશો કરી રહ્યા છે. મને ગામના લોકોએ ગાડીની બહાર કાઢ્યો, મેં ઉભા રહેવા પ્રયત્ન કર્યો પણ કોઇ કારણોસર હું ઉભો રહી શકતો ન હતો. એટલે ગામના લોકોએ મને રોડની એક સાઇડ બેસાડ્યો. મારા સિનિયરને ગાડામાં સુવડાવી લોકો લઇ જઇ રહ્યા હતાં. એટલે મેં મારી નજીક ઉભેલા એક વ્યક્તિને પુછ્યું. અમને શું થયું હતું? મારા સિનિયરને ક્યાં લઇને જઇ રહ્યા છો તમે?
“સાહેબ તમારી ગાડી પલટી ખાઇ ગઇ હતી. તમારી સાથે જે સાહેબ હતાં તેઓ બેહોશ થઇ ગયા છે તેમને કંઇ વાગ્યું નથી પણ બેહોશ થઇ ગયા છે એટલે તેમને દવાખાને લઇ ગયા છે. સાહેબ શું થયું હતું?” એ વ્યક્તિ બોલ્યો.
· મને ખબર નથી. મને યાદ નથી આવતું. અમે બંને ગાડીમાં જઇ રહ્યા હતાં. ત્યાં જ અચાનક એક પ્રકાશ....! એ પ્રકાશ....! શેનો હતો? ક્યાં ગયો? અમને શું થયેલું?
“સાહેબ, એ પ્રકાશ તો અમે પણ જોયેલો. પણ એ પ્રકાશ તો દરિયામાં હતો. અને તમારી ગાડી પલટી કેમ મારી ગઇ એ અમને નથી ખબર અમે તો પ્રકાશ જોવા દોડીને આવતા હતા ત્યારે તમારી ગાડી પલટી ખાઇ ગયેલી જોઇ. પણ અચરજની વાત એ છે કે ન તો રસ્તો ખરાબ હતો, ન તો કોઇ ભટકાયેલું હોય એવું લાગતું, ન તો તમારી ગાડી ઝાડ કે પથ્થર સાથે ભટકાઇ તો ગાડી પલટી કેવી રીતે ગઇ. અમે જ્યારે ગાડી પાસે આવ્યા ત્યારે તમારા સાહેબ બેહોશ હતાં અને તમે પણ.”