નમસ્તે વાચકમિત્રો, આશા રાખું છું કે આપ સૌને મારી નવી ધારાવાહિક પસંદ આવશે.🙏
પદમાર્જુન
મુખ્ય પાત્રો :-
અર્જુન : કથાનાયક
પદમા :કથાનાયિકા
પદ્મિની:કથાનાયિકા
સારંગ : સારંગગઢનો રાજા
શાશ્વત : પદમાનો મિત્ર
દુષ્યંત, યુયૂત્સુ અને વૈદેહી :અર્જુનના ભાઇ-બહેન
વિદ્યુત : સારંગનો ભાઈ, મલંગ રાજ્યનો રાજા
લક્ષ, નક્ષ, વિસ્મય અને વેદાંગી : સુકુમાર(અર્જુનનાં કાકા)નાં સંતાનો
સંદીપ : સાંદિપની આશ્રમનાં મુખ્ય ગુરૂ
તપન : તપોવન આશ્રમનાં મુખ્ય ગુરુ
...
गङ्गे च यमुने चैव गोदावरि सरस्वति ।
नर्मदे सिन्धु कावेरि जलेऽस्मिन् संनिधिं कुरु ॥
ચાર રાજકુમારોએ નદીમાં સ્નાન કરતાં પહેલાં મંત્રનો જાપ કર્યો. ત્યાર બાદ પોતાના હાથ વડે નાક પકડી ચારેય રાજકુમારોએ નદીમાં ડૂબકી મારી.
ભારતવર્ષનાં ઉત્તર-પૂર્વીય વિસ્તારમાં વિરમગઢ નામનું એક સુંદર,મોટું અને તાકાતવર રાજ્ય વસેલું હતું. ત્યાં ન્યાયપ્રિય અને બળવાન રાજા વિરાટનું શાસન હતું.તેનાં અને તેનાં નાના ભાઈ,સેનાપતિ સુકુમારનાં અથાગ પરિશ્રમથી વિરમગઢની કીર્તિ ચારેબાજુ પ્રસરી હતી.વિરમગઢ સાંદિપની નદીની એક બાજુ વસેલું હતું,બીજી તરફ હતું ગાઢ જંગલ અને બંનેની વચ્ચે આવેલો હતો સમગ્ર ભારતવર્ષમાં પ્રસિદ્ધ સાંદિપની આશ્રમ.
સાંદિપની આશ્રમ સાંદિપની નદીનાં તટ પર વસેલો ભવ્ય આશ્રમ હતો.તે અજુબાજુ ગાઢ વૃક્ષો અને વૈદ્ય-શાસ્ત્રમાં ઉપયોગી વનસ્પતિઓથી ઘેરાયેલો હતો.ત્યાં આજુબાજુનાં રાજ્યોમાંથી રાજકુમારો શિક્ષા પ્રાપ્ત કરવા માટે આવતા હતાં. સાંદિપની આશ્રમનું સંચાલન ગુરુ સંદીપ કરતાં હતાં,જે રાજકુમારને શસ્ત્ર-વિદ્યાથી માંડીને ભારતની પ્રાચીન સંસ્કૃતિ અને અન્ય વિદ્યાઓનું શિક્ષણ આપતાં હતાં.સમયાંતરે રાજા વિરાટનાં કાકાશ્રી અને સુકુમારનાં પિતાશ્રી શોર્ય આશ્રમની મુલાકાત લઈ ત્યાંના શિષ્યોનું માર્ગદર્શન કરતાં.
ચારેય રાજકુમારો સ્નાન કર્યા બાદ નદીમાંથી બહાર આવ્યાં અને પોતાનાં વસ્ત્રો પહેર્યા અને તાંબાનો લોટો લઇ સુર્ય-દેવને અર્ધ્ય ચઢાવ્યું.ત્યાર બાદ સુર્યદેવની સામે મુખ રાખી તેઓને નમસ્કાર કર્યા.
ॐ મિત્રાય નમઃ।
ॐ રવયે નમઃ ।
ॐ સૂર્યાય નમઃ ।
ॐ ભાનવે નમઃ ।
ॐ ખગાય નમઃ ।
ॐ પૂષ્ણે નમઃ ।
ॐ હિરણ્યગર્ભાય નમઃ।
ॐ મરીચયે નમઃ ।
ॐ આદિત્યાય નમઃ ।
ॐ સાવિત્રે નમઃ ।
ॐ અર્કાય નમઃ ।
ॐ ભાસ્કરાય નમઃ ।
ચારેય રાજકુમારોનાં મુખ પર સૂર્ય સમાન તેજ હતું.મજબૂત બાહુઓ,ખભા સુધીનાં કેશ,તેજસ્વી મુખ અને ચહેરા પર સૌમ્ય સ્મિત ચારેય રાજકુમારોનાં દેખાવને મજબૂત પરંતુ સોહામણો બનાવતા હતાં.
તેમાંના ત્રણ રાજકુમારોએ ચોથા અને મોટાં લાગતાં રાજકુમારનાં ચરણસ્પર્શ કર્યાં.
“પ્રણીપાત જ્યેષ્ઠભ્રાતા દુષ્યંત .”ત્રણેય રાજકુમાર એકીસાથે બોલ્યાં.
“કલ્યાણ હો અનુજ યુયૂત્સુ, કલ્યાણ હો અનુજ અર્જુન, કલ્યાણ હો અનુજ વિસ્મય.”દુષ્યંતે ત્રણેયને આશીર્વાદ આપીને કહ્યું.
ત્યારબાદ ચારેય રાજકુમારો આશ્રમ તરફ ગયાં.આશ્રમ ઘણો જ વિશાળ હતો. આશ્રમની ચારે-તરફ વનસ્પતિઓ અને મોટાં વૃક્ષો હતો.આશ્રમમાં એક તરફ નાની ગૌશાળા હતી જેમાં પંદર-સત્તર જેટલી ગાયો હતી અને તેમાં જ ઘાસચારો રાખવાં માટેનો નાનકડો ગોદામ હતો.તેની બાજુમાં શિષ્યોને રહેવાં માટેની નાની-નાની કુટિરો હતી. છેલ્લે સામાન્ય કુટિરો જેવી જ એક કુટીર હતી,જેમાં ગુરુ સંદીપ, તેમની પત્ની અનુપમાં અને પુત્રી આર્યા રહેતાં હતાં.તે કુટિરની બાજુમાં પાકશાળા અને ભોજનખંડની વ્યવસ્થા કરવામાં આવી હતી. આશ્રમની વચ્ચે એક મોટું વૃક્ષ હતું. તેની ફરતે બેસવા માટે પાળી કરવામાં આવી હતી. ગુરુ સંદીપ ત્યાં બેસીને બધા શિષ્યોને શિક્ષણ આપતાં.
આશ્રમમાં ગુરુ સંદીપનાં આગ્રહ અને પ્રભાવથી ચુસ્ત શિસ્તનું પાલન કરવામાં આવતું.બધાં શિષ્યો ફરજીયાત પણે સૂર્યોદય પહેલાં ઉઠી જતાં.ત્યાર બાદ પોતાનો નિત્યક્રમ પતાવી,ધ્યાન,આસન અને પ્રાણાયામ કરતાં.શિરામણ કર્યાં બાદ તેઓ ગુરુ સંદીપ પાસેથી વિદ્યા શીખતાં.બપોરનું ભોજન કર્યાં બાદ થોડો સમય બધાં શિષ્યોને પોતાની મનગમતી પ્રવૃત્તિ કરવાની છૂટ હતી.ટૂંકા વિરામ બાદ ફરીથી ગુરુ સંદીપ પોતાની વિદ્યાનું જ્ઞાન બધા શિષ્યોને આપતાં.ત્યાર બાદ સૂર્યાસ્ત સુધી બધા શિષ્યો આશ્રમનાં વિવિધ કામો જેવાં કે ગાયોને ચારો આપવો,આશ્રમની સફાઈ કરવી,વૃક્ષો અને વનસ્પતિઓનું જતન કરવું,આશ્રમ માટે જંગલમાંથી જરૂરી ચીજવસ્તુઓ લઈ આવવી,આશ્રમની ફરતે અમુક વિસ્તાર સુધી ભ્રમણ કરી આશ્રમની સુરક્ષાની ચકાસણી કરવી વગેરે જેવાં કાર્યો કરતાં.
આજે પણ દરરોજની જેમ ગુરુ સંદીપ વૃક્ષ નીચે બેઠાં હતાં.દુષ્યંત, યુયૂત્સુ, અર્જુન અને વિસ્મય ત્યાં આવ્યાં અને પોતાના ગુરુને પગે લાગ્યાં.
“યશસ્વી ભવહ.” ગુરુ સંદીપે કહ્યું.
ચારેય રાજકુમારો ત્યાં ઉભા રહી અન્ય શિષ્યોની રાહ જોવા લાગ્યાં. થોડાં સમય બાદ ત્યાં અન્ય બે રાજકુમારો,વિસ્મયના જ્યેષ્ઠ ભ્રાતા લક્ષ અને નક્ષ આવ્યાં.
તેઓ પણ દેખાવે બહાદુર હતાં ભેદ માત્ર એટલો હતો કે તેઓનાં મુખ પર સૌમ્યતાને બદલે કટુતા હતી. તે બંને ગુરુ સંદીપને પ્રણામ કરી દુષ્યંતની બાજુમાં ઉભા રહી ગયા.
“જ્યેષ્ઠ ભ્રાતા દુષ્યંત, લાગે છે તમે અમને તમારી આગળ ક્યારેય નહીં થવાં દો.”નક્ષ ધીમેથી બોલ્યો.
“આગળની તો ખબર નહીં ભ્રાતા નક્ષ, પણ જો અમારી ‘સાથે’ રહેશો તો અમારી ‘સાથે’જરૂર થઇ જશો.કેમ ભ્રાતા યુયૂત્સુ?”વિસ્મયે નક્ષની ટીખળ કરતાં કહ્યું.
“સાચી વાત છે તારી વિસ્મય.”યુયૂત્સુ, અર્જુન અને વિસ્મય ત્રણેય હસવા લાગ્યા.તેઓને હસતાં જોઈ દુષ્યંતે તેમને શાંત રહેવા કહ્યું.
થોડાં સમય બાદ બધાં શિષ્યો આવી ગયાં. બધાએ ગુરુ સંદીપને પ્રણામ કર્યા. ગુરુ સંદીપ પોતાના સ્થાન પરથી ઉભા થયા અને બોલ્યાં,
“શિષ્યો,તમે બધાં હવે શસ્ત્ર-વિદ્યામાં નિપુણ થઈ ગયાં છો. આજે આપણે આ વિદ્યાનું એક મહત્વનું કૌશલ્ય શીખીશું.”
“આર્યા,અહીં આવ.”ગુરુ સંદીપે ફુલ ચુંટતી આર્યાને જોઈને કહ્યું.
મધ્યમ કદ, ગોરો ચહેરો અને પોતાનાં લાંબા કેશને અંબોળામાં બાંધેલી આર્યા ગુરુ સંદીપ પાસે આવી.
“જી પિતાજી.”
ગુરુ સંદીપે પોતાના હાથમાં રહેલ કાળી પટ્ટી તેને આપીને કહ્યું, “પુત્રી,આ પટ્ટી મારી આંખો પર બાંધી દે.”
“જી પિતાજી.”આર્યએ કહ્યું અને એ પટ્ટી પોતાના પિતાની આંખો ઉપર બાંધી દીધી.
“પુત્રી આર્યા, તું જા અને સામે જે વડનું ઝાડ છે તેની નીચે ઉભી રહી જા.”ગુરુ સંદીપે કહ્યું.
આર્યા વડનાં ઝાડની નીચે ઉભી રહી ગઈ.
“અર્જુન અહીં આવ.”ગુરુ સંદીપે કહ્યું.
“આદેશ ગુરુજી.”અર્જુને ગુરુ સંદીપની સામે ઉભા રહીને કહ્યું.
“અર્જુન,તારા તીરનું નિશાન ક્યારેય પણ નથી ચૂકતું.એટલે મારો આદેશ છે કે તું આર્યા ઉપર તીર ચલાવ.”ગુરુ સંદીપે પોતાનાં હાથમાં રહેલું તીર અર્જુનને આપીને કહ્યું.
“ગુરુદેવ?”અર્જુન ચોંકીને બોલી ઉઠ્યો.
“અર્જુન,આ મારો આદેશ છે.”ગુરુ સંદીપે ક્રોધિત થઇને કહ્યું.
“જી, ગુરુદેવ.”અર્જુને પોતાનું મસ્તક નમાવીને કહ્યું અને આર્યા તરફ નિશાન તાક્યું.”
આર્યાથી રાજકુમાર દુષ્યંત સામે જોવાઇ ગયું જે ચિંતિત નઝરે તેની સામે જ જોઈ રહ્યો હતો.
અર્જુને ઉંડો શ્વાસ લીધો અને તીર ચલાવ્યું.
ક્રમશઃ