Bhavai no Rangmanch in Gujarati Women Focused by SHAMIM MERCHANT books and stories PDF | ભવાઈ નો રંગમંચ

Featured Books
Categories
Share

ભવાઈ નો રંગમંચ

"તું છે ગુણોનો ભંડાર
તું છે મારા દિલનો ધબકાર
દીકરી તું તો.......
કે અરે!! દીકરી તું તો....
વ્હાલનો સાગર બની
મારા જીવનમાં લહેરાય..."

ઢોલકની તાલ અને તાળીઓની ગડગડાટ વચ્ચે, જેવું આ લોકગીત પૂરું થયું, કે ભવાઇના રંગમંચ ઉપર હવે નાટકના છેલ્લા દ્રશ્યનો સમય હતો. સંવાદ વિતરણ એક પિતા અને તેની પુત્રી વચ્ચે હતું. હું, અઢાર વર્ષની, ભાગ્યશ્રી, પુત્રીનું પાત્ર ભજવી રહી હતી.
પિતા: તું દીકરી છે, અને દીકરી બનીને રહેજે. તારા ભાઈ સાથે સરખામણી ન કર. તું અને તારા હાથ, કામ કરવા માટે બન્યા છે, સેવા કરવા માટે બન્યા છે, એનાથી વધુ ન વિચાર. સમજી?
પુત્રી: પિતાશ્રી, તો પછી મારો ભાઈ, એ શું કરશે?
પિતા: એ તો મારો રાજકુમાર છે. મારા વંશનું નામ આગળ વધારશે.

ઉપહાસ કરતા અને આવા જ બીજા વ્યંગ ભરેલા સંવાદ સાથે, અમારું લોકજાગૃતિ ભવાઈ પૂરું થયું.
મેં રાહતનો શ્વાસ લીધો. દરેક વ્યક્તિની ચકાસણી નજરો, તેજસ્વી લાઇટ્સ, ઘોંઘાટિયું સંગીત, આ ભારી પોશાક અને મેક-અપના સ્તરોની ત્રણ રાતોએ મને ખુબ થકવી નાખી હતી. ગામે ગામ ફરીને, અમારી મંડળી, ભવાઈ નાટકો કરતી. લોકો ભેગા થતા અને ત્રણ દિવસ માટે, સમજો જાણે ગામમાં એક ઉત્સવનો માહોલ બની જતો. ૧૪ મી સદીથી ચાલતું આવતું ભવાઈનું મૂળ ધ્યેય સામૂહિક જાગૃતિ અને મનોરંજન હોય છે. જેમાંથી, કદાચ, હવે બોધ નીકળી ગયું છે અને ફક્ત મનોરંજન બાકી રહી ગયું. જો એવું ન હોત, તો મારુ પોતાનું જીવન કાંઈક જુદું હોત.

"હાશ!! આખરે પત્યું."
આયુષી મારી પાછળતી આવી અને મારી પીઠ થાબળતા, ખુરશી પર બેઠી. હું મારી બેગ ભરી રહી હતી. પપ્પા બહાર મારી રાહ જોઈ રહ્યા હતા. બે મહિનાથી ભવાઈ મંડળી એક સરખી સતત નાટકો કરી રહી હતી, અને હવે અમને દસ દિવસની રજા મળી હતી. મારા સિવાય, બધા ઘરે જવા ઉત્સુક હતા. આયુષી એના પગારના પૈસા ગણતા ગણતા, બોલી,
"આ વખતે તો હું મારા માટે એક નવી સાડી લઈશ. ભાગ્યશ્રી, તું તારા પૈસાનું શું કરીશ?"
મારા હાથ કામ કરતા અટકી ગયા. સારું થયું, કે મારી નજર નીચે હતી, અને એને મારા બદલતા હાવભાવ ન દેખાણા. મેં એની સામે જોઇને એક નાનકડું સ્મિત કર્યું અને કાંઈ જવાબ આપ્યા વગર, બહાર નીકળી ગઈ. કહેવા જેવું કાંઈ હતું પણ નહીં.

હજી તો અમે રિક્ષામાં હતા, હજી તો ઘરે પોહચ્યાં પણ નહોતા, ત્યાં પપ્પાએ હાથ આગળ કરતા કહ્યું,
"લાવતો, જોઈએ, આ વખતે કેટલું કમાવીને લાવી. હું તારા જ પગારની વાટ જોઈ રહ્યો હતો. રાકેશના કોલેજની ફી માથા પર છે."

જીવનમાં પણ હું એ જ બધા સંવાદ સાંભળતી હતી, જે નાટકના મંચ પર બોલવામાં આવતા હતા. દસમી પછી પપ્પાએ મને આગળ ભણાવવાનું વિચાર્યું પણ નહીં. ક્યારેય મારી ખુશી, કે મારી ઈચ્છાઓ પૂછવામાં પણ નહોતી આવી. અને મારો ભાઈ રાકેશ.....!?! શું વિચારીને મારુ નામ ભાગ્યશ્રી રાખ્યું હતું?

મનોમન હું હંસી રહી હતી, અને રડવું પણ આવી રહ્યું હતું. હું રંગલી, અને આ દુનિયા મારુ વિશાળ રંગમંચ. બસ, ફરક ફક્ત એટલો છે, કે ભવાઈના મંચ ઉપર હું સજેલી ધજેલી હોઉં છું, અને જિંદગીમાં, સીધી સાદી!!

શમીમ મર્ચન્ટ, મુંબઈ
____________________________

Please read, like, comment and share. Thank you so much.

Shades of Simplicity

This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much

https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/

Follow me on my blog

https://shamimscorner.wordpress.com/